ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શૃંગારશતક


શૃંગારશતક : ભર્તૃહરિએ રચેલાં ત્રિશતકમાંનું એક : (બીજાં બે નીતિ અને વૈરાગ્ય). શૃંગારશતક, સંસ્કૃત સાહિત્યમાં અનન્ય સ્થાન ભોગવે છે. દંતકથાઓમાં પ્રાપ્ત થતા ભર્તૃહરિનાં આસક્તિભર્યા તેમજ પ્રેમપાત્રે આચરેલી છલનામાંથી ઉદ્ભવતા નિર્વેદ અને વિષાદભર્યા વ્યક્તિઅંશોનું સાહિત્યિકસમર્થન આ શૃંગારશતકમાંથી સાંપડે છે. અહીં અનેક પદ્યોમાં શૃંગાર અને ઘેરા શૃંગારનું ચિત્રણ મળે છે. ઘણીવાર પ્રેમ અને મિલનના ઉન્માદો અને આનંદોનું પણ ચિત્રણ મળે છે. પણ, મુખ્યત્વે પ્રેમની બરડતાનું, સંબંધોની ભંગુરતાનું અને તેમાંથી ઉદ્ભવતી શૂન્યતાનું આલેખન શૃંગારશતકમાં વિશેષ મળતું હોવાથી આ કૃતિ કેવળ શૃંગારિક (Erotic) બનવામાંથી ઊગરી જાય છે અને આમ સંસ્કૃત સાહિત્યમાં ઘણી ઓછી વાર બન્યું છે. ‘રાગ અને ત્યાગ’ એ બે અંતિમોનું આલેખન શૃંગારશતકમાં થયું હોવાથી, શૃંગારભર્યા સંસ્કૃત સાહિત્યમાં પણ આ રચના અદ્વિતીય ઠરે છે. વિ.પં.