ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંતસાહિત્ય


સંતસાહિત્ય : ભારતીય સંસ્કૃતિ એ સંતસંસ્કૃતિ કહેવાય છે. એમ કહેવાય છે કે સતયુગમાં ધ્યાનથી, ત્રેતાયુગમાં યજ્ઞોથી, દ્વાપરમાં પૂજાથી અને કળિયુગમાં કેવળ કીર્તન-ભક્તિથી પ્રભુની પ્રસન્નતા થાય છે. આ ઉક્તિમાં ગર્ભિત સત્ય સમાયેલું છે. આચાર્યોનો જ્ઞાનમાર્ગ અને સાધુસંતોનો ભક્તિમાર્ગ – આ બન્ને માર્ગોએ ધર્મતત્ત્વને સુદૃઢ બનાવી તેને ટકાવી રાખવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. હિંદુધર્મના – સંતપુરુષોએ વિપુલ અને પ્રભાવક ધાર્મિક સાહિત્ય રચેલું છે. હિન્દુ સંતો ઉપરાંત મુસલમાન સંતોએ પણ ધર્મભાવનાના વિકાસમાં પ્રશસ્ય કાર્ય કર્યું છે. સમસ્ત સંતસાહિત્યના ઉત્તમ રચયિતાઓએ કશું છાપવા માટેનું સાહિત્ય લખવાનો ઇરાદો નથી રાખ્યો. તેમણે કશી કલાનું સર્જન કરવાનો સભાન આશય નથી રાખ્યો. એમનું પ્રયોજન તો ભક્તિ, જ્ઞાન કે વૈરાગ્યની સાધના-આરાધના છે અને તે વડે તેઓ ઈશ્વરપ્રાપ્તિ ઝંખે છે. તેમની કૃતિઓના કેન્દ્રમાં ઈશ્વર છે, ધર્મ છે (એટલે) ભક્તિ, જ્ઞાન કે વૈરાગ્યની લોકોમાં પ્રેરણા જગાવવાનો આશય રાખીને તેમણે રચનાઓ કરી છે. ભક્તિ, જ્ઞાન કે વૈરાગ્યનો લોકોને બોધ કે ઉપદેશ આપવા માટે તેમણે ગાયું છે; અને આ દ્વારા તેમણે સંસારસાર સમજાવ્યો છે. તો સાથોસાથ ડહાપણ, વ્યવહાર, જ્ઞાન, નીતિ અને સદાચાર પણ શીખવ્યાં છે. આ રીતે તેમણે લોકજાગૃતિ અને લોકશિક્ષણનું કાર્ય કર્યું છે. કેટલુંક સાહિત્ય ગદ્યમાં પણ છે, છતાં પદ્યનું માધ્યમ તેમને વિશેષ રુચ્યું છે. મધ્યયુગના સન્તસાધુઓનું જે પ્રદાન છે તે પ્રશસ્ય છે, કારણ કે દેશનું ધાર્મિક ચૈતન્ય તેમણે બરાબર સાચવી રાખ્યું છે. તેઓએ ખરી ધાર્મિક અન્તઃપ્રેરણાથી ધર્મનાં ઘણાંખરાં અમૂલ્ય તત્ત્વો પકડી લીધાં અને તેને પોતાની સ્વાભાવિક બોલચાલની ભાષામાં સારી રીતે બહલાવ્યાં. આચાર્ય આનંદશંકર ધ્રુવ આ યુગને ‘ભાષાયુગ’ એવા નામથી ઓળખાવે છે. ચી.રા.