ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યમાં પ્રણયનિરૂપણ


સાહિત્યમાં પ્રણયનિરૂપણ : ‘પ્રણય’ શબ્દ ખાસ તો સ્ત્રી-પુરુષના પ્રેમને અર્થાત્ એમના જાતીય રાગાવેગને ચીંધતો શબ્દ છે. એટલે ‘પ્રણયનિરૂપણ’ સંજ્ઞા વાપરીએ ત્યારે એ નરનારીના જાતીય જીવનને લગતા નિરૂપણનો નિર્દેશ કરે છે. પ્રેમ માનવી જેટલો પુરાણો છે. આમ તો માનવીમાત્રનો, કહો કે જીવમાત્રનો સ્વ-ભાવ છે. પ્રેમ એક ભાવ છે, એ એક ભાવના પણ છે; એ એક વિભાવના ય છે અને જીવનનું ધારક મૂલ્ય છે. જાતીયતાના સંદર્ભે એ મૂળભૂત વૃત્તિ છે તો ભાવભાવનાના રૂપે એ બળકટ શક્તિ છે, એના આલેખન વિના સાહિત્ય અપૂર્ણ ગણાય. સંસ્કૃતકાલીન સાહિત્યમાં પ્રેમનું આલેખન જેટલું ભોગપ્રધાન રહ્યું છે એટલું ભાવપ્રધાન નથી રહ્યું. પછીના યુગોમાં એ ભાવ – અને ભાવનાપ્રધાન બનતું જાય છે. સાહિત્યમાં આલેખાયેલો પ્રેમ બહુધા બે પ્રકારનો છે – એક તો દુન્યવી પ્રેમ; આ લોકના માનવીઓ વચ્ચેનો ભાવ; બીજો તે અલૌકિક પ્રેમ. અલૌકિક પ્રેમ ઈશ્વરને, ખુદાને પામવાની આરત, ઇબાદત કે બંદગી રૂપે થાય છે. એને પ્રેમની આધ્યાત્મિક બાજુ તરીકે જોઈ શકાય. દુન્યવી પ્રણયનો કવિ પ્રિયતમા કે પ્રિયતમની ઝંખનાને આલેખે છે, જ્યારે અધ્યાત્મનો કવિ આત્મા-પરમાત્માની /અલખની આરઝૂને વર્ણવે છે. નારદનાં ભક્તિસૂક્તો (કે સૂત્રો?)માં એના સગડ મળે છે. અરબી-ફારસીમાં સૂફીભક્તિ હતી. ખુદાની ઇબાદતરૂપે સનમને સંબોધીને રચાયેલી ગઝલકવિતા તે ઇશ્કે હકીકી ગણાઈ હતી, તો દુન્યવી યારને રીઝવવા લખાયેલી કવિતા ઇશ્કે મિજાજી કહેવાઈ છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પ્રેમલક્ષણા ભક્તિ-પ્રવાહની કવિતા મળે છે. એમાં ગોપીભાવે કૃષ્ણની ઉપાસના છે. પ્રેમનો માર્ગ સર્વજનસુલભ છે. સાધનામાર્ગ કરતાં કઠિન નથી... જો કે કોઈપણ પ્રેમનો માર્ગ ‘શૂરાનો’ માર્ગ જ રહે છે. પ્રેમ, હંમેશાં પ્રેમીને માથે સ્થાપે છે. પ્રેમ એ આ અર્થમાં આત્મ-સમર્પણ છે. કવિતા એની ગવાહી પૂરે છે. સંસ્કૃત સાહિત્યના પ્રેમવર્ણનમાં માંસલતા, રાગાવેગ ઇત્યાદિનો તીવ્ર અનુભવ થાય છે. એ સાથે એમાં મૃદુતા, સૌન્દર્યલુબ્ધિ અને પ્રાપ્તિનો ભાવાનુભવ પણ છે. વળી, રતિરાગ સંદર્ભે ‘કુમારસંભવ’ સુધ્ધાંમાં માંસલરાગીયતા છે....અન્યત્ર વિપ્રલંભ અને સંયોગશૃંગારની સઘન સૃષ્ટિ પણ છે. ‘ઋતુસંહાર’ આદિમાં પ્રેમનાં એકાધિક રૂપો ઋતુઓ સંદર્ભે વર્ણવાયાં છે. નાટકો-મહાકાવ્યોમાં પ્રથમદૃષ્ટિનો પ્રેમ, પછી શાપ, યાતના, વિરહ અને અભિજ્ઞાનની ભૂમિકાઓ પણ વર્ણવાઈ છે. મધ્યકાળમાં ‘વસંતવિલાસ’ જેવા અજ્ઞાત કવિરચિત ફાગુમાં એવો જ વિલક્ષણ પ્રેમ વર્ણવાયો છે. પ્રેમાનંદનાં નાયિકાવર્ણનો ભૂતકાળને તાજો કરી આપે છે. અર્વાચીનકાળમાં માણસના/નરનારીના/નર્યા પ્રેમની કવિતા આરંભાય છે. નવલકથા વાર્તા – નાટક જેવાં ગદ્ય સ્વરૂપોમાં પણ પ્રેમનિરૂપણ ઘણી જગા રોકે છે. પ્રેમનો સંદર્ભ લઈને અનેક કવિ-લેખકોએ માનવનિયતિને, જીવનનાં સત્યોને, યાતના તથા સંવેદનોને આલેખ્યાં છે. આ બધું ઓછું હૃદયવિદારક નથી. કવિતામાં થતું પ્રેમનિરૂપણ અને ગદ્યસ્વરૂપોમાં થતું પ્રેમનિરૂપણ અલગ સૂઝસમજ ને અભ્યાસ માગે એવું ભિન્ન સ્તરો – કોટિઓનું છે. ગદ્યકૃતિઓમાં પ્રેમનિરૂપણ જીવનની બીજી વાસ્તવિકતાઓ કે ભાવનાઓને સંદર્ભે રૂખ બદલે છે. મ.હ.પ.