ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/કેશવલાલ કાશીરામ શાસ્ત્રી–“ગાર્ગ્ય”
એઓ જ્ઞાતે બર્ડાઇ બ્રાહ્મણ જ્ઞાતિ-ગિરનારા બ્રાહ્મણના એક વિભાગના છે. એમનું વતન કાઠિયાવાડમાં આવેલું માંગરોલ બંદર છે. એમના પિતાશ્રી કાશીરામ શાસ્ત્રી ચુસ્ત વલ્લભ વૈષ્ણવ છે અને વૈષ્ણવ સાહિત્યના–ખાસ કરીને શ્રીમદ્ ભાગવતના ઊંડા અભ્યાસી તરીકે જાણીતા છે. એમની માતાનું નામ દેવકીબાઈ હતું. એમનો જન્મ તા. ૨૮ મી જુલાઇ સન ૧૯૦૫ ના રોજ સં. ૧૯૬૧ ના અષાઢ વદિ ૧૧ માંગરોલમાં થયો હતો. એમનું લગ્ન સને ૧૯૨૪ માં (સં. ૧૯૮૦ માં) પ્રભાસપાટણમાં સૌ. પાર્વતી બ્હેન તે જૂઠાભાઈ બાપોદરાનાં પુત્રી સાથે થયેલું છે. અને એ બહેને પ્રાથમિક ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. પ્રાથમિક શિક્ષણ એમણે માંગરોલમાં લીધેલું અને અંગ્રેજી અભ્યાસ ત્યાંની કોરોનેશન હાઇસ્કુલમાં કર્યો હતો. અહિં છઠ્ઠું અને સાતમું ધોરણ એકસાથે કરીને સને ૧૯૨૨માં તેમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી. વધુમાં એમના પિતાશ્રી પાસે સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, નાટકો અને શુદ્ધાદ્વૈત વેદાંતનો અભ્યાસ કરેલો છે. હાલમાં તેઓ (સને ૧૯૨૫ થી) માંગરોલ કોરોનેશન હાઇસ્કુલમાં ગુજરાતી અને સંસ્કૃતના શિક્ષક છે. થોડીક મુદતથી એમણે ગુજરાતી માસિકોમાં લખવાનું શરૂ કરેલું છે; પણ એ ટુંક અરસામાં ગુજરાતી ભાષા સાહિત્યના એક વિચારશીલ અને માર્મિક અભ્યાસી તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી છે અને ગયા વર્ષમાં મહાભારત ‘આદિ પર્વ–સભાપર્વ’નું શ્રી ફૉર્બસ ગુજરાતી સભા મુંબાઇ સારૂ સંપાદન કર્યું, એ કાર્યથી ગુર્જર વિદ્વદ્વર્ગમાં એમની બહોળી પ્રશંસા થયેલી છે. ભાષાશાસ્ત્ર, પ્રાચીન કાવ્ય અને પુરાતત્ત્વ એ એમના પ્રિય વિષયો છે; અને વૈષ્ણવ સંપ્રદાયના સાહિત્યથી પૂરા પરિચિત છે, (જે વૈષ્ણવધર્મ- પતાકા, ભક્તિસામ્રાજ્ય, શુદ્ધદ્વૈત અને પુષ્ટિપીયૂષ, એ વૈષ્ણવ માસિકોમાંના એમના લેખોથી સમજાય છે.) સોસાયટી સારૂ તેમણે રત્નેશ્વર અનુવાદિત ભાગવતના ત્રણ સ્કંધો જે ઉપલબ્ધ છે તે સંપાદન કરવાનું હાથ ધરેલું છે અને તે પુસ્તક આવતે વર્ષે છપાઇ જવા સંભવ છે. જુનાં કવિઓએ લખેલા મહાભારતનાં જુદાં જુદા પર્વો મેળવી આખું મહાભારત સંપાદન કરવાની તેઓ હોંશ રાખે છે; અને તેમાંનું પ્રથમ આદિપર્વ સભાપર્વનું કાર્ય જોતાં, તે પુસ્તક ગુજરાતી સાહિત્યમાં કિંમતી ભરતી કરી, સંશોધન પુસ્તકોમાં ઉંચું સ્થાન લેશે, એ નિઃસંદેહ કહી શકાય. વસન્ત, બુદ્ધિપ્રકાશ, શુદ્ધાદ્વૈત, પુષ્ટિપીયૂષ અને અઠવાડિક “ગુજરાતી”-માં એમના લેખો વખતોવખત આવ્યા કરે છે. સત્તર વર્ષની ઉંમરે એમણે પોતાનું પ્રથમ પુસ્તક બહાર પાડ્યું હતું. ગીતાના સુપ્રસિદ્વ શ્લોક—‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન’ એ સૂત્રાનુસાર તેઓ ફળની આશા રાખ્યા વિના નિર્ણીત ધ્યેયને પહોંચવા સતત પ્રયત્ન કર્યે જાય છે; અને તેમાં એમને ભગવદ્ગીતા અને શ્રીમદ્ વલ્લભાચાર્યના ષોડશ ગ્રંથમાંથી પુષ્કળ પ્રેરણા અને બળ મળતાં રહે છે. તે કારણે પોતાનું મંતવ્ય વ્યક્ત કરવામાં તેઓ સંકોચ પામતા નથી અને તે એમના લખાણની વિશિષ્ટતા છે.
: : એમની કૃતિઓ : :
| નં. | પુસ્તકનું નામ. | પ્રકાશન વર્ષ. |
| ૧. | સૌન્દર્યપદ્ય (સંસ્કૃત ત્રણ ટીકા સાથે) સાનુવાદ. [બોરસદના ચીમનલાલ હરિશંકર શાસ્ત્રી સાથે] |
સને ૧૯૨૨ |
| ૨. | ષોડશ ગ્રંથ-વલ્લભાચાર્ય કૃત (સમશ્લોકી અનુવાદ સહિત.) |
”૧૯૨૬ |
| ૩. | સંસ્કૃત શબ્દરૂપાવલી – નવી જૂની મિશ્ર પદ્ધતિયે – (શબ્દકોશ સાથે) |
”૧૯૨૬ |
| ૪. | પદ્ય સમૂહ – સટીક–(મેટ્રિક ગુજરાતી કાવ્યો) | ”૧૯૨૭ |
| ૫. | વલ્લભાખ્યાન કાવ્ય-ગોપાલદાસસ્કૃત | ”૧૯૩૧ |
| ૬. | પ્રેમની પ્રસાદી-માલવિકાગ્નિમિત્રનો સમશ્લોકી અનુવાદ. | ”૧૯૩૨ |
| ૭. | શ્રી વલ્લભાચાર્યજીનું જીવનચરિત અને સાંપ્રદાયિક ગ્રન્થ સાહિત્ય. | ”૧૯૩૩ |
| ૮. | મહાભારત (ગુજરાતી પદ બન્ધ) ગ્રન્થ ૧ લો (કવિ હરિદાસકૃત આદિપર્વ અને કવિ વિષ્ણુદાસકૃત સભાપર્વ-વિવેચન સહિત ) |
”” |
| ૯. | મહાભારત (ગુજરાતી પદ બન્ધ) ગ્રન્થ ૨ જો (કવિ નાકરકૃત મોટું આરણ્ય પર્વ વિવેચન સહિત.) |
”૧૯૩૪ |