ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/જયંતિલાલ નરોત્તમભાઈ


ગ્રંથકાર ચરિત્રાવળી

(વિદ્યમાન)

જયંતિલાલ નરોત્તમ ધ્યાની

ભાઈશ્રી ધ્યાનીનો જન્મ ભરૂચ જીલ્લાના શુકલતીર્થ ગામમાં થયો છે. એઓ જ્ઞાતે શ્રીમાળી બ્રાહ્મણ છે. એમના પિતાનું નામ નરોત્તમ નાગેશ્વર અને માતાનું નામ બાઈ ઉજમ છે. એમનું પ્રથમ લગ્ન સામવેદના સુપ્રસિદ્ધ પંડિત સદ્ગત પ્રાણશંકર ભવાનીશંકરનાં પુત્રી સ્વ. સવિતાબ્હેન સાથે થયું હતું. બીજું લગ્ન શ્રીમતી હંસા સાથે થયું છે. ગુરૂ કૃપાએ એમને સંસ્કૃત, હિંદી અને ગુજરાતી પર પ્રીતિ થઈ. ગુજરાતી સાહિત્યનું નરસિંહ યુગથી માંડીને અર્વાચીન યુગપર્યંત અધ્યયન કર્યું છે. લાંબા સમયથી પોતે હાઈસ્કૂલની વિનીત કક્ષામાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કરે છે. બાલજગતમાં ભાઈથી ખૂબ જાણીતા છે. ગુરુકુળ વિનયમંદીર, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કન્યાશાળામાં એમણે રસપૂર્વક કામ કર્યું છે. ચારિત્ર્યની કેળવણીમાં પોતે ખૂબ માને છે. ગાંધીયૂગની એમના જીવન પર ભારે અસર છે. ગુજરાતી સાહિત્યમાં એમણે કેટલાંક કાવ્યો રચ્યાં છે. તેમાંનાં ઘણાં અપ્રસિદ્ધ છે. સ્વામી રામતીર્થને એઓ સારી રીતે માને છે.

: : એમની કૃતિઓ : :

(૧) સુવર્ણ મહોત્સવ પ્રસિદ્ધ
(૨) વ્રત વિચાર   ”
(૩) આશ્રમનો આત્મા   ”
(૪) શબરી   ”
(૫) બાલબંધુદ્વય અપ્રસિદ્ધ
(૬) રામહૃદય   ”
(૭) સ્વદેશ સેવા ભાષાંતર
(૮) રાષ્ટ્રીય કક્કો   ”
(૯) સ્વાસ્થ્ય રક્ષા અપ્રસિદ્ધ
(૧૦) ઉર્મિલા