ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ગોપાલજી કલ્યાણજી દેલવાડાકર

ગોપાળજી કલ્યાણજી દેલવાડાકર

સ્વ. ગોપાળજી દેલવાડાકરનો જન્મ તા.૧-૬-૧૮૬૯ને રોજ કાઠિયાવાડના દેલવાડા ગામમાં થયો હતો. ન્યાતે તે ઔદીચ્ય બ્રાહ્મણ હતા. તેમનાં માતુશ્રીનું નામ વ્હાલીબાઈ હતું, જે તેમને ૬ દિવસના મૂકીને મૃત્યુ પામ્યાં હતાં, દેલવાડામાં ગુજરાતી સાત ધોરણનો અભ્યાસ કરીને ૧૬ વર્ષની વયે તે મુંબઈ ગયા હતા. મુંબઈમાં વાચ્છાગાંધીને ત્યાં નામું લખવાની નોકરીમાં જોડાયા હતા, તે સાથે તેમણે ખાનગી રીતે અંગ્રેજી અભ્યાસ કરવા માંડ્યો હતો. કવિતા અને નાટકો લખવાના રસને કારણે પછીથી તે મી. નાનાભાઈ રુસ્તમજી રાણીનાની 'આલ્ફ્રેડ નાટક મંડળી'માં નાટક લખવા માટે રહ્યા હતા. ત્યારબાદ તેમણે 'સ્વદેશી નાટક મંડળી', 'વિક્ટોરિયા ગુજરાતી નાટક મંડળી’ને માટે પણ કેટલાંક નાટકો લખ્યાં હતાં. તે અરસામાં અને તે પછી તેમણે કેટલાંક વાર્તાનાં પુસ્તકો તથા કિંડરગાર્ટન શિક્ષણપદ્ધતિનાં પુસ્તકો લખી પ્રસિદ્ધ કર્યાં હતાં. એ શિક્ષણપદ્ધતિનાં પુસ્તકો તૈયાર કરવામાં ગુજરાતીઓમાં તે પહેલા હતા, અને તેમનાં પુસ્તકો બાળકેળવણી માટે તે અરસામાં સારી પેઠે લોકિપ્રિય નીવડ્યાં હતાં. નાનપણથી સંગીતનો તેમને શોખ હતો તેથી આગળ જતાં શાળામાં સંગીતશિક્ષક તરીકે પણ તેમણે કામ કર્યું હતું. તેમની કવિતાશક્તિ તથા લેખનકાર્ય માટે તેમને સાત ચંદ્રકો મળ્યા હતા; બાલીવાલા નાટક કંપની, વાંકાનેર નાટક કંપની, દેશી નાટક સમાજ, જૂનાગઢ સ્ટેટ, ભાવનગર સ્ટેટ, વડોદરા સ્ટેટ, અને ૧૯૧૧માં ભરાયલા દિલ્હી દરબાર તરફના એ ચાંદો હતા. મર્હુમ ગર્ભશ્રીમંત હતા. તેમના દાદા મેઘજી ગોવિંદજી એક શ્રીમંત શરાફ હતા અને વહાણો રાખી રંગુન તથા આફ્રિકા સુધીનો વેપાર ખેડતા. સ્વ. ગોપાળજીને સાત સ્ત્રીઓ થઈ હતી, તેમાંથી ચોથી સ્ત્રી કમલા ઉર્ફે કુસુમબાઈની કન્યા મધુમતીનું લગ્ન શ્રી. ગોપાળજીની હયાતી પછી બાલુભાઈ શ્યામજી પુરોહિત બી. એ. સાથે થયાં હતાં. તેમનાં છેલ્લાં પત્ની ઓતમ હાલમાં વિદ્યમાન છે. તા.૧૭-૨-૩૫ને રોજ સ્વ. દેલવાડાકરનું ૬૬ વર્ષતી વયે મુંબઈમાં અવસાન થયું હતું. મૃત્યુસમયે તેમણે આઠેક હજાર રૂપિયાનું દાન પોતાની જ્ઞાતિને કર્યું હતું, જેમાં બોડિંગ માટે જમીનનો અને પોતાના એક મકાનનો સમાવેશ થાય છે. તેના ટ્રસ્ટીઓ તરીકે શ્રી. જયાપ્રસાદ પુરુષોત્તમરાય ઝાલા અને શ્રી. કે. કે. જોશી કામ કરે છે. સ્વ. દેલવાડાકરે ૨૨ નવલકથાઓ, ૧૩ નાટકો, ૯ ચિત્રપટ માટેની કથાઓ, અને કિંડરગાર્ટન ગ્રંથમાળાની વીસેક પુસ્તિકાઓ લખી પ્રસિદ્ધ કરી હતી. તેમની કૃતિઓની યાદી નીચે આપી છેઃ નવલકથાઓ:–નીલમ અને માણેક ૮ ભાગ, નીલમમાણેક સંતતિ ૪ ભાગ, ચંદ્રકળા, નિરંજની અથવા વરઘેલી વનિતા, મધુરી અથવા પ્રેમઘેલી પ્રમદા, મંદારિકા, બેરિસ્ટરની બૈરી, બ્રીફલેસ બેરીસ્ટર, શાન્તિપ્રિયા, લાલન વણઝારી, બહાદુર ક્લો ૨ ભાગ, નંદકિશોર, નવલગંગા ૨ ભાગ, વિક્રમ રાજાનો સંભ્રમ ૨ ભાગ, સ્ત્રીઓની મહત્તા, સહચરી, પૃથુકુમાર, મહિલાસમાજ, કુસુમ વાઘેલી. નાટકો-રાજા શ્રીયાળ, વસંતમાધવ, રમણસુંદરી, મદનવસંત, મનોહરી રંભા, નીલમ-માણેક, તારાસુંદરી, મધુર બાળા, ચંદ્રકળા, મનહર મેના, પુંડલીક, રાજભક્તિ, યોગમાયા. ચિત્રપટ કથાઓ-પિત્રોદ્ધાર, ઇંદ્રકુમારી, દેવી ટોડી, લાલન વણઝારી, જનકવિદેહી, કાશ્મીરા, દિલફરોશ, નીલમ–માણેક, કુસમ વાઘેલી. બાળગ્રંથાવલી-કિંડરગાર્ટન શિક્ષણપદ્ધતિનાં મૂળતત્ત્વો, કિંડરગાર્ટન ૪ ભાગ, બાળકસરત, શિશુશિક્ષણ, બાળકહાણીઓ, બાળબાગ ૨ ભાગ, કિંડરગાર્ટન પાઠમાળા, બાળશિક્ષણ ગરબાવળી, સંગીત સતીમંડળ, સંગીત રાજામંડળ, બાળખેલ, બાળકોની રંગભૂમિ, બાળજ્ઞાન, બાળગીત, કિંડરગાર્ટન પદાર્થપાઠ, વાંચનમાળા-મૂળ ભાગ, પહેલી ચોપડી,બાળશિક્ષણ ૩ ભાગ.

***