ચાંદનીના હંસ/૨૮ અજિત દેસાઈનાં ચિત્રો જોતાં


અજિત દેસાઈનાં ચિત્રો જોતાં

મત્સ્યથી મનુષ્ય સુધીના
સૈકાઓથી હિજરાતા રઘવાયેલા જીવનો શંભુમેળો
કેન્વાસ ફોડી વિમુક્ત થવા તરફડે છે.
છે હરેક કેન્વાસ આ બ્રહ્માંડના કોચલાનું અંદરનું પડ.
જ્યાં હાથમાં ઈંડું લઈ સેવું છું હું મને.

ચક્રાકાર ઘુમરાતા કોષ, શુક્રાણુઓ આ
ગર્ભ તરતા પાણીમાં
આ ડિમ્ભ
ને દૂર ત્યાં ક્ષિતિજ ઉપર પટકાતું
પવનથી રહેંસાયેલી પાંખો ઢાળી પારેવું...
અહીં આ કાળોતરું
લિસ્સા ચળકતા ચામ પાછળ
અણિયાળા કંકાલ વડે આકાશ ચીરતું
દોડે છે.
એમાં અવળવળ લપટાયેલી સાથળો
છે સ્ત્રીની?
મારી કે તમારી?
હશે કંઈ કેટલીય યોનિ?
ભટકતા જીવ પણ કંઈ કેટલા?
ગણ્યા ગણાય નહીં.
જણ્યા જણાય નહીં.
ભૂખ્યાડાંસ કરુણા નીતરતા જીવ આ
હશે કંઈ પાંચ હજાર કે ચોર્યાસી લાખ?
સામે ખુલ્લા સફેદ અવકાશમાં
રહી રહીને ઊભો થતો પડછાયો
મને ચોપગો સાબિત કરે છે.
ને જીવ મુઠ્ઠીમાં લઈ નાસતો
કેન્વાસ ફોડી વિમુક્ત થવા તરફડું છું.

૩૦-૧૨-૮૮