ચાંદનીના હંસ/૩૦ સમંદર


સમંદર

સદા ભોંયને બાઝી રહેતા
દેહવિહોણા પડછાયાની ભીતર વહેતા શ્વાસ
અચાનક અધરાતે મધરાતે લમણે
કે આંખોના બંધ બારણે
બ્હાર ટકોરા મારે.
એકસામટો જાગી પડતો અફાટ જળ-સંસાર.
જરી ઊંચકાય. ઊછળતો અમળાતો વળ ખાય.
બધે બધ અફળાતો ઢળી જાય.
કાંઠે આવી ઊઘડી પડતી ધોળી કોડી કિનારમાં સંતાય.
એકની ઉપર એક ઊછળતા ભરચક શ્વાસે
પડછાયાના ડાઘ ભૂંસતા
જળચર આવી ધીમા ધીમા સંભળાય.

સમંદર ધીમા ધીમા પડઘાય.

૮–૬–૭૮