ચાંદનીના હંસ/૪૮ કેફિયત


કેફિયત


લયભીની છે ચાલ, અમે તે લયમાં લથ્થડીએ
માણસ સીધા તો ય જરી છે વાંકીચૂકી ચાલ
                   અમે તો ભયમાં થથ્થરીએ.

બળે હાથપગ તળિયાં પાંપણ સળગે આખો પંડ.
લયનો તાવ પ્રસરતો ડિલમાં સેવે લાખો અંડ.
ઊડું ઊડું પારેવાં અગણિત અંધારે બેહાલ.
                   ઝરે અગસર તે ફફ્ફડીએ.

લેખણના હડદોલે જ્યાં ત્યાં જોર કરીને અમે ખાબક્યા.
માંહ્ય નીલમ શા વહ્નિ વચ્ચે તોર લઈને અમે ત્રાટક્યા.
શ્વાસ રૂંધાતા ઉછળ્યા અધ્ધર આંખે સપ્ત પાતાળ.
                   અમે તો તણખે તત્તડીએ.

ગીત સંગીત ન જાનત ક્યા હૈ હુમરી તાલ ત્રિતાલ?
ઠક ઠક ઠોકત ઠેક ઠકા ઠક ઠક ઠક કાલ ત્રિકાલ.
                   અમે ઠક ઠકમાં મથ્થડીએ.

૩૧-૭-૮૭