ચાંદરણાં/રાજકરણ


25. રાજકારણ


  • રાજકારણમાં હવે સંવાદ નથી વિવાદ છે.
  • વફાદાર કૂતરા નહીં, વફાદાર માણસો પાળે તે નેતા થાય...
  • આપણને જન્મના નહીં, રાજકારણના ગ્રહો નડે છે!
  • સમસ્યા જાણ્યા વગર પણ નેતા ઉકેલ આપી શકે છે.
  • નવરા માણસ પાસે નેતા થવાનો પુષ્કળ સમય હોય છે.
  • પ્રધાનો છૂટા હાથે ખર્ચી શકે તે માટે આપણે પુષ્કળ કમાવું જોઈએ.
  • નેતાઓના જીવનચરિત્રો, જાસૂસી નવલકથાને ખપવા નથી દેતાં.
  • નેતા : હું સનાતન, બીજું બધું સાપેક્ષ.
  • પ્રજાને જાગતી રાખવા સરકાર ઉજાગરા કરાવે છે.
  • માણસ મરે છે અને નેતાનો જન્મ થાય છે.
  • રાજકીય પક્ષોનાં લગ્ન છૂટાછેડા માટે જ હોય છે.
  • માટીનો માણસ ધૂળનો માણસ થવા માટે રાજકારણી થાય છે.
  • પાંચ વરસ પરદો પાળનાર નેતા, ચૂંટણી આવે એટલે ફેશન પરેડમાં ઉતરે છે.
  • દિલ્હીમાં માત્ર રંધાય નહીં, બફાય પણ ખરું.
  • અહીં ‘છળ’ જ છલોછલ છે.
  • તમારે નવું નામ યાદ રાખવું ન પડે એટલે મને જ ચૂંટો!
  • કઠિયારો માળી થાય, લોકશાહી છે ભાય!
  • રાજકીય પ્રવક્તા, હવે બકવાસ કરે છે.
  • ગોળાકાર રાજકારણ પડખું ફરવાની વાત કરે છે!
  • માજી વફાદાર હડકાયો કહેવાય!
  • આપણા પ્રશ્નોને અભરાઈએ ચઢાવનારાઓને જ અભરાઈએ ચઢાવીએ!
  • ચૂંટણીમાં જીવનશક્તિ નહીં, લાલસા હુંકાર કરે છે.
  • આ નેતાઓ કંઈ પતન પામેલા દેવદૂતો નથી.
  • આલ્સેશિયન કૂતરાને આશ્ચર્ય થાય છે કે નેતાઓ અમને પાળવાને બદલે ગુંડાઓને કેમ પાળે છે!
  • સત્તા હોય ત્યાં બળવો પણ હોય!
  • એક વાદળ આપી નેતા આખો સૂરજ લઈ લે!
  • પક્ષપલટુને નાતરાવરણ કહીએ તો ખોટું લાગે?
  • એન્જિન ડબ્બાની અપેક્ષા રાખે તેમ નેતા ટોળાની અપેક્ષા રાખે જ!
  • કેટલાક ફાતડા માત્ર પાંચ વર્ષે જ તાબોટા પાડે છે!
  • જાહેર જીવન એ નેતાની અંગત સમસ્યા હોય છે!
  • પોદળો ધૂળ લઈને અને નેતા ચૂંટણીફંડ લઈને જ ઊઠે!
  • નેતાઓ કાનમાં કહે તે માઈકમાં નથી કહેતા!
  • ચૂંટણી છેલ્લાં થોડાંક વર્ષોથી છૂટીછવાઈ કબરને બદલે નવું કબ્રસ્તાન જ રચે છે!
  • આરોપનામા એ નેતાઓને અપાતાં માનપત્રો છે!
  • વરરાજા પોતાના વરઘોડામાં નાચતો નથી, પણ ચૂંટણીનો મુરતિયો પોતાની શોભાયાત્રામાં નાચે!
  • ચૂંટણીનો ઉમેદવાર ઉતરાણ પહેલાં જ ઊડવા માંડે.
  • ચૂંટણીનું મેદાન, જીતે તેના માટે અખાડો, હારે તેને મન ખાડો!
  • રાજકારણ, જોતજોતામાં જાજમને કંતાન કરી નાખે છે!
  • રાજકારણમાં ચારિત્ર્ય, ચરીતર થઈ જાય છે.
  • ભૂમિતિની જેમ ચૂંટણીમાં પણ એક વર્તુળ બીજા વર્તુળને છેદે છે!
  • રાજકારણમાં ધૂમાતું છાણું જ્વાળામુખી બની શકે!
  • પરાજય જ રાજકીય પક્ષોને આત્મનિરીક્ષણની તક આપે છે.
  • ઓછું દૂધ આપતી મારકણી ગાયને રાજકારણમાં મહત્ત્વનું સ્થાન મળે.
  • વિદૂષકો હવે નાટકમાં નહીં રાજકીય પક્ષોમાં કામ કરે છે!
  • રાજકારણમાં ખર્યું પાન મઘઈપાન બની જાય છે!
  • પહેલાં ચૂંથણી, પછી ચૂંટણી.
  • બારણે બારણે ભિખારી નહીં, ઉમેદવાર!
  • આપણે ત્યાં લોકશાહી છે એ સૌથી મોટી અફવા છે!
  • ચૂંટણીના મહાભારતમાં શાંતિપર્વ નથી હોતું.
  • ચૂંટણીનું પ્રતીક બદલાય એટલે વાવટા પણ બદલાય.
  • ચૂંટણીમાં દુઃશાસનોનાં ચીરહરણ થાય છે!
  • રાજકારણમાં ભાગીદારો હોય છે, મિત્રો નહીં!
  • ધૂળ અને ચૂંટણીનો ઉમેદવાર, આમંત્રણ ન આપો તો યે આવી ચડે!
  • નેતા કબરની ઈંટોથી પોતાનું ઘર બનાવે.
  • પોતાને જાણે તે સાધુ થાય, બીજાને જાણે તે નેતા થાય.
  • નિંદામણને પાકરૂપે ઉગાડવામાં આવે તે રાજકારણ!
  • નેતા જરાક ચાલતાં અટકી જાય છે પણ પ્રજાને કહે છે : આગે બઢો!
  • નેતાને ભલે પગ હોય પણ ઊડે તો એ વિમાનની પાંખે જ!
  • દરેક નેતા એવું માને છે કે મારો કોઈ વિકલ્પ નથી.
  • નેતા માને છે કે : માઈક મળ્યું છે તો કાન પણ મળશે!
  • લોકશાહીમાં હીરો ઝીરો અને ઝીરો હીરો બની શકે છે.
  • રાજકારણ એ અંગત લાભ માટે ચાલતો સમૂહઉદ્યોગ છે.
  • રાજકારણ એક એવું ખેતર છે જ્યાં અનેક ચાડિયા ઊભા છે!
  • તાપણું ભાજપમાં થાય અને ટાઢ કોંગ્રેસની ઊડે છે!
  • લોકશાહીમાં આંકડા-ધંતુરા જ ગુલાબ-મોગરા થઈ જાય!
  • સાધુ-બાવા તો રાજકારણની પરોપજીવી વનસ્પતિ છે!
  • ચૂંટણીમાં તો ઘણા ઉમેદવાર પડે, પણ ઊભા થોડાક જ થાય.
  • પાકિસ્તાની મરઘો માત્ર કાશ્મીરની જ બાંગ પોકારે છે!
  • પ્રધાનો રાજીનામાં સિવાય બધું જ આપે!
  • નેતા જેમ જેમ વામન થતા ગયા તેમ તેમ એમનાં કટઆઉટ ઊંચાં થતાં ગયાં!
  • રામના સર્વ હક્ક બીજેપીને સ્વાધીન.
  • ગંજીફાના ગુલામને હવે રાજકીય પ્રવક્તાનું કામ કરવું પડે છે!
  • વચન વાવો ને મત લણો!
  • પોતાનો સરવાળો અને બીજાની બાદબાકી કરે તે નેતા થાય!
  • ગધેડો કુંભારની પસંદગી કરે એવી લોકશાહી હજી નથી આવી!
  • ચોરપગલે આવતું અસત્ય ચૂંટણીમાં હરણફાળે આવે છે!
  • ચૂંટણીનો ઉમેદવાર આંધળાની આંખમાં પણ સૂરમો આંજે!
  • સંસદ દેશના આરોગ્યની જાળવણી કરતી હૉસ્પિટલ છે પણ ત્યાં ઊંટવૈદો જ પ્રૅક્ટિસ કરે છે!
  • ગટરજોડાણ અને પક્ષજોડાણ વચ્ચે શાણાઓ ભેદ કરતા નથી.
  • ચૂંટણી પાથરણું છે, પરિણામ બેસણુંયે હોય!
  • ચૂંટણી એ સાધનશુદ્ધિના અંતિમ સંસ્કારનું પર્વ છે.
  • ચૂંટણી કવ્વાલીનો નહીં, ફટાણાનો મુકાબલો છે.
  • કૉંગ્રેસ સાફ થઈ જાય છે, પણ સ્વચ્છ નથી થતી!
  • ચોર બેટરી છોડીને મશાલ પકડે પછી રાજકારણમાં જાય.
  • ચૂંટણી એવું બ્યુગલ છે, જે ગાજરની પીપુડી થઈ શકે છે!
  • પહેલાં ચૂંટણી હોડકાં ડૂબાડતી હતી, હવે તો મનવારો ડૂબાડે છે.
  • ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ચૂંટણીનાં જાહેરનામાં માગશે?
  • ચૂંટણીના બજારમાં ખાતરી વગરનો માલ જ વધારે આવે!
  • પોતાનાં વખાણ કરવા જેટલા નફ્ફટ થવા માટે તો ઉમેદવાર થવું પડે!
  • નેતાઓ બાળકોને કદી વચન નથી આપતા, કેમકે બાળકો અપાયેલાં વચનો કદી ભૂલતાં નથી.
  • મૂર્ખાઓ, સટોડિયા અને નેતાઓ ભારે આત્મવિશ્વાસુ હોય છે!
  • નેતાને જરૂર પડે પોતાની ‘ચોખ્ખી’ છબી પાડનારા ફોટોગ્રાફરોની!
  • ધોબી અને વિરોધપક્ષો બીજાનાં મેલાં કપડાં ધોવામાંથી જ ઊંચા નથી આવતા.
  • ઘેટાં માત્ર ઊન માટે જ રાજકારણમાં નથી વખણાતાં.
  • ઘેટાં હોય ત્યાં સમાજવાદ વહેલો સ્થપાય.
  • નેતાઓ સાથિયો પૂરવા બેસે છે અને જાળું રચીને ઊઠે છે!
  • નેતાઓને ઘેટાં વધુ વ્હાલાં.
  • નેતા સ્વપ્નમાં પણ પોતાને જ જુએ છે એટલે સ્વપ્નદૃષ્ટા.
  • નેતા કબરની ઈંટોથી પોતાનું ઘર બનાવે છે.
  • નેતાઓના રાજમાર્ગ કરતાં સામાન્ય માણસની ગલી વધુ ચોખ્ખી હોય છે!
  • નેતાઓના એજન્ડા પર મતદાર હોય છે, ‘માણસ’ નહીં.
  • ચૂંટણી આરામખુરશીને ઊભો ખાટલો પણ બનાવી દે છે!
  • પ્રજા બાણશૈયા પર અને નેતાઓ ફૂલશૈયા પર!
  • આગિયા દિલ્હી પહોંચીને તારામંડળ થઈ જાય છે!
  • દરેક દરબારીને ઓટોમેટિક હસવાનું આવડે જ!
  • જાદુગર હવે પ્રધાનની દાઢીમાંથી સસલાને બદલે કૌભાંડ કાઢે છે!
  • નેતા ઘરડો થાય ત્યારે પણ હરિગુણ ગાવાને બદલે પોતાના ગુણ જ ગાય છે!
  • કાણું છતાં છલોછલ રહેતું રાજકારણ અક્ષયપાત્ર છે!
  • હવામાં ઊડી શકતા નથી તે બધા ચૂંટણીમાં ઊડે છે.
  • પક્ષપલટો થયા વગર હવે હૃદયપલટો થતો નથી.
  • શરણે નથી જતો તે દુશ્મન કહેવાય છે.
  • ગોખ્યા વિના સંવાદ બોલે તે નેતા કહેવાય!
  • હવે સંસ્કારી નેતાઓ કપડાં સાથે જ ‘ખુલ્લા પડે’ છે!
  • લોકપ્રિય સરકાર ચૂંટાય છે, પછી તે અપ્રિય થવા માટે રાજ્ય ચલાવે છે.
  • પ્રજા કૂવો ભરીને રડે ત્યારે સરકાર ખોબો ભરીને હસે...
  • ચોર બેટરી છોડીને મશાલ લે પછી રાજકારણમાં જાય છે.
  • બધા જ નેતાઓ પાસે લગભગ સરખું જ અંધારું છે.
  • લોકશાહીમાં શેતાનને તક છે, તાનાશાહી પોતે જ શેતાન છે!
  • નેતા દીવાદાંડી પણ છે અને ભયજનક ખડક પણ છે!
  • ભમરો ને મધમાખી રાજકારણમાં પડે તો એકબીજાને ડંખે!
  • વડી નેતાગીરીને દૂર કરવી એ ઘરડી સ્ત્રીની આજીવિકા ઝૂંટવી લેવા જેવું છે.
  • એક માણસ વધારેમાં વધારે કેટલી મૂર્ખાઈ કરી શકે એ જાણવું હોય તો તેને પ્રધાન બનાવો!
  • પ્રધાનોને લોકશાહી વિના ચાલે છે પણ લોકશાહીને પ્રધાનો વિના ચાલતું નથી!
  • સરકાર કસરત કરે છે એટલે કામ કરવાનો સમય જ નથી!