ચારણી સાહિત્ય/23.મારુ ચારણો કાઠિયાવાડમાં ક્યારે આવ્યા?


23.મારુ ચારણો કાઠિયાવાડમાં ક્યારે આવ્યા?

મુખ્ય સાડા ત્રણ શાખાના ચારણો સૌરાષ્ટ્રમાં વસે છે : સોરઠિયા, પરજિયા અને મારુ અને તુંબેલ. તુંબેલનો ‘અરધો પાડો’ અર્થાત્ અરધી શાખા, કેમકે તેમની ઉત્પત્તિ જોગમાયાએ પોતાનો કાચો ગર્ભ કાઢીને એક તૂંબડામાં મૂકેલો તેમાંથી થઈ હોવાનું કહેવાય છે. સોરઠિયા અને પરજિયા મુખ્યત્વે માલધારીનો તેમ જ સોદાગરોનો વ્યવસાય કરતા હોઈ કાવ્યસાહિત્યના રાજ્યાશ્રિત ઉપાસકો નહોતા. સાહિત્યની ઉપાસના અને રાજ્યાશ્રિત કવિઓ તરીકે વ્યવસાય કરનારા તો મારુ ચારણો જ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કેમ આવ્યા? ‘મારુ’ શબ્દનો અર્થ ‘મારવાડના’, મૂળ મારવાડનું. રાજસ્થાનનું વતન છોડીને તેઓ સૌરાષ્ટ્રમાં શા માટે આવ્યા, તેનો ઇતિહાસ આ રીતે અપાય છે : પંદરમાં સૈકામાં જોધપુરની ગાદીએ મહારાજ ઉદેસિંહજી હતા, તેને ‘મોટા રાજા’ અને ‘નનામા રાજા’નું બદનામ આજેય અપાય છે. કેમકે તેમની સામે મારુ ચારણોને એક ભયંકર સામુદાયિક ‘ત્રાગું’ કરવું પડેલું. ત્રાગું કરવાનું કારણ : મહારાણાનાં રાણી ગામતરે જતાં હતાં. માર્ગે તેમના વેલડાના એક બળદનો પગ ભાંગ્યો. એ સ્થળ એક ચારણી ગામની સીમમાં હતું. મહારાણીની વેલડીને જોડવા માટે, એક બળદ તેમણે બળજબરીથી એક ચારણ ખેડુના સાંતીએથી છોડાવી લીધો. ચારણે આ જબરજસ્તી સામે ત્યાં ને ત્યાં ત્રાગું કર્યું એટલે બળદ તો પાછો આપી દીધો, પરંતુ આને પરિણામે બિલકુલ કરમુક્તિ ભોગવતાં ચારણી ગામો પર મહારાજ ઉદેસિંહજીએ લાગો નાખ્યો. આ નવા કરભારણ સામે ચારણોએ સામુહિક ત્રાગું — ધરણું માંડ્યું. પાલી પાસે વાલોતરા નામે સ્થાન છે, ત્યાં ચારણો ભેળા થયા અને તેમણે પ્રથમ તો ઉપવાસ આદર્યા. ત્રાગું : ધરણાંના પ્રકાર ધરણું ચાર પ્રકારનું કરવાનું હોય છે : ડગલો, છોગાળું, ગળે છરો ને ચોથી કાંડા ઉપર સાધારણ ઈજા. ડગલો એટલે તેલમાં ઝબોળેલો ડગલો પહેરીને શરીરે આગ લગાડવી. છોગાળું એટલે હડપચીની નીચેથી સોયો ઘોંચી સોયો છેક માથા ઉપર કાઢવો તે. ધરણું અથવા ત્રાગું કરવા માટેની એ જગ્યાએ ચાર પ્રકારની બેઠક પાથરી, ઢોલિયો, ગાદલું, ગોદડાં અને જાજમ. ધરણામાં શામિલ થવા આવનાર ચારણ જો આવીને ઢોલિયે બેસે તો તેથી એમ સમજાય કે એને ‘ડગલો પહેરવો’ છે. ગાદલા પર બેસે તો તેને ‘છોગાળું’ કરવાનો સંકેત સમજાય. ગોદડાની બેઠક લે તો ‘ગળે છરો’ નાખવાની ઇચ્છા કહેવાય. ને જાજમ પર બેસનાર કાંડા ઉપર કટાર ફેરવે. સૌ સૌની ત્રેવડ પ્રમાણે આવી સાંકેતિક બેઠકો ઉપર, આવનારા ચારણો પોતપોતાની પસંદગી મુજબ બેસતા ગયા. કોઈને એની ત્રેવડ ઉપરવટની કુરબાની કરવા કોઈથી કહી કે સૂચવી શકાય નહિ. એથી ઊલટું, દરશા આઢા નામના એક ચારણ જેની સુકીર્તિ, રાણા પ્રતાપની ‘બિરદ છહૂંતરી’ નામની બિરદાવલિ-કવિતા રચવા માટે રાજસ્થાની સાહિત્યમાં અમર થઈ ગઈ છે, ને જે આ ધરણા વખતે ફૂટતી મૂછોવાળા રૂડા નવજુવાન હતા, તેમણે જ્યારે ત્યાં આવીને ઢોલિયા તરફ જવા માંડ્યું, ત્યારે અન્ય બીજા વડીલ ચારણોએ દરશા આઢાને માંડ માંડ મનાવી લઈ જાજમ પર બેસાર્યા હતા. સલાહકાર પણ ત્રાગામાં આવા કારમા ધરણાની તૈયારી ચાલતી હતી, ચારણો નિર્જળ ઉપવાસ ખેંચી રહ્યા હતા, તે વખતે મુંદીઆડ ગામના બારટ, રોહડિયા શાખાના, તે મહારાજ ઉદેસિંહને મનાવવા ગયા હતા. રાજાએ આ પ્રતિષ્ઠાવંત ચારણની સજાવટ પાસે ય હઠ છોડી નહિ ત્યારે બારટજીએ કહ્યું કે ‘મહારાજ, તો તો મારે પણ ધરણામાં બેસવું જોશે, હું મારી જ્ઞાતિ ભેળો જ શોભું’. ‘તો લ્યો આ કટાર!’ એમ કહીને રાજાએ પોતાની કટાર એમને આપવા માંડી. ‘એ કટારથી જ ધરણું શોભાવીશ!’ એમ કહી, કટાર લઈ, બારટજી ધરણામાં આવી પહોંચ્યા હતા. દરેક કુટુંબના પ્રતિનિધિ આવી બેસી ગયા. ત્રણ દિવસની લાંઘણ પૂરી થઈ. પછી ચોથે દિવસે વહેલી પરોઢે ખાઈને ચારણોએ ધરણામાં બેસવાનું પ્રયાણ કર્યું. જમવા બેઠેલામાંથી ખડિયા શાખના એક ચારણે માગ્યું :- ‘લાવો બે થાળી.’ ‘કેમ?’ ‘મારો બાપ ગેરહાજર છે એના ભાગની.’ ‘કારણ?’ ‘એનું ધરણું પણ હું કરવાનો છું.’ જમીને એણે બે હાથમાં કટારો લીધી. ઢોલી મીરે પણ ત્રાગું કર્યું એ સ્થાનની નજીક આડો એક ડુંગર હતો. સૂરજનારાયણની પહેલી કિરણ્યું ફૂટે તે ભેળા જ ત્રાગાની શરૂઆત કરવાની હતી. પણ સૂરજ આડો ડુંગરો હતો. ગોવિંદ મીર નામનો ઢોલી હતો તેણે પરોઢિયે ડુંગરા ઉપર ચડીને, સૂરજ ઊગે એટલે ઢોલ વગાડી સમાચાર દેવાના હતા. ગોવિંદ મીરે ઢોલ તો ગળામાં પહેર્યો, સાથે એણે કટાર પણ પેટમાં પહેરી (ઘોંચી) લીધી. તે પછી જ એણે ઢોલ પીટ્યો. ઢોલને દાંડી પીટીને ગોવિંદ મીર ડુંગર ઉપર જ ઢળી પડ્યો. આજેય એના વારસદારોનો લાગો ચારણો પાળી આપે છે. ધરણું ખતમ થયું. તે પછી મારુ ચારણોનાં કેટલાંક કુટુંબોએ મારવાડનો ત્યાગ કર્યો ને તેઓ સૌરાષ્ટ્રમાં આવી જુદાં જુદાં રાજ્યોમાં ગરાસ મેળવીને રહ્યા. તેમાંના નામાંકિતો નીચે મુજબ હતા : ‘ભૃંગીપુરાણ’ના રચયિતા હરદાસ મીશણ : એમણે મોરબીનો આશરો મેળવ્યો. નવાનગરના રાવળ જામના એ સમકાલીન : એમણે ‘ભૃંગીપુરાણ’ નામનું લાંબું કાવ્ય રચ્યું. ‘ભૃંગીપુરાણ’ આજ સુધી અપ્રકટ છે. એમની રચનાનો નમૂનો : વીરભદ્ર નામના ગણને શંભુ પોતાની જટાની એક લટ તોડીને તેમાંથી પેદા કરે છે. તે વીરભદ્રને હરીદાસ મીશણે આવો વર્ણવ્યો છે : [છંદ ભુજંગી] તઠે એક જટ્ટા તણી લટ્ટ ત્રોડી મહા ઊઠિયો વીર આળસ્સ મ્રોડી2 રોગો કાળ રૂપી કર્યો રૂપ રુદ્રં ભલો થાપિયો નામ લે વીરભદ્રં જમઝઝાળ3 જોગી જેઠીબાહજાનં4 મહા કોપથી તેમ જાજડ્ડમાનં5 રંગે રાતડો મખ્ખ6 ચખ્ખં7 રગત્તં8 મહાકારનં રૂપ ભૂપં મસત્તં9 અલં વપ્પલં.....સર્પ ઉરં ગહીરં ગભીરં શરીરં ગઉરં10 વદન્નં11 વશાળં.....વક્કરાળં12 કરાળં કંધાળં મહાકાળ કાળં વરં માગવા કાજ લીળા13 વશેખી14 વડા દેવ આગે હુવો નટ વેખી કડચ્છે કિયાં ચંદનં ચત્ર કીધા બહુ બાહ બાજુબંધ ત્રોણ બંધા. હિયે15 હીંડળે16 દોવળા17 દેવહારં વળી હેમમાળા વચાળે વરાજે વગત્તે પગે ઘુઘરા ઘોર બાજે ગણં18 ગંદ્રવં19 રાગ ભેરવ્વ ગાયે વેણા20 ચંગ21 મૃદંગ કે હો બજાયે થેઈકાર હોકાર જેકાર થાહે ચખે ચાહણે2 દેવ દેવાધ ચાહે. વદે વીરભદ્રં રુદ્રં પાવ વંદે વરં દે! વરં દે! વરં દે! વરં દે! પ્રથમ શંકરને જ સંભળાવ્યું આ કાવ્ય પોતે પહેલાં કોઈ રાજાને કે માનવીને સંભળાવ્યું નહિ. ઇનામ અકરામો કે લાખપસાવની લાલચો કવિનું દિલ ડગાવી શકી નહિ. ઇસર બારોટે જેમ ‘હરિરસ’ કાવ્ય પહેલા પ્રભુને સંભળાવ્યું, તેમ કવિ હરદાસજી મીશણે પણ પહેલવહેલું ‘ભૃંગીપુરાણ’ ખુદ શંકરને સંભળાવવાની હઠ લીધી. કહેવાય છે કે શિવજી યોગી રૂપે કવિને અરણ્યમાં મળ્યા. પોતે તેમને પહેલા છંદો સંભળાવ્યા. આખું કાવ્ય ન વંચાય પણ પહેલા ત્રણસો છંદ પૂરા થયે, ‘પ્રભુજીએ ઘૂઘર બંધી ય પાય’ એ પંક્તિથી શરૂ થઈને શંકરના નૃત્યના વર્ણનના જે બાકીના સો છંદો છે તે આજે પણ કોઈ માનવી-વૃંદ પાસે નથી વંચાતા. એવી માન્યતા છે કે એ ભાગ વાંચનારો કવિ કાં ચિત્તભ્રમનો ભોગ બને ને કાં એની સ્ત્રી મરી જાય. ભાવનગર રાજા વજેસિંહજીએ જેઠી ગઠવી પાસે પરાણે આ સો છંદ વંચાવેલા અને ગઢવીનાં પત્ની ગુજરી ગયેલાં! એ જ કવિનાં બીજાં બે લાંબાં કાવ્યો ‘જાળંધર પુરાણ’ અને ‘સભાપરવ’. ઇસરદાસ બારોટ : મારવાડમાંથી આંહીં ઊતરીને નવાનગરના રાજા રાવળ જામના સભા-કવિ બનનાર આ સુપ્રસિદ્ધ પુરુષે રચ્યાં લાંબાં કાવ્યો પૈકી ‘હરિરસ’ તો પ્રકટ છે, પણ ‘દેવયાણ’ નામે દેવીની સ્તુતિનું કાવ્ય હજુ બહાર આવ્યું જાણ્યું નથી. એ પણ ભુજંગી છંદમાં રચાયેલ લાગે છે. ગોદડ મહેડુ : મારવાડમાંથી આવેલા આ ચારણ ગુજરાતના વાળોવડ ગામમાં થઈ ગયા. તેને 400 જેટલાં વર્ષ વીત્યાં કહેવાય છે. એમના રચેલા પૈકી અપ્રકટ ગ્રંથો : ‘સર્વતંત્ર’ (ખગોળ-ભૂગોળ વિદ્યાનો કાવ્યગ્રંથ). ને બીજાં ચોવીસ અવતારનાં ચોરાશી જાતનાં ગીતો. કુંભા ઝૂલા : આ કવિ કચ્છમાં જઈ વસેલા. એની અપ્રકટ રચના : રૂકમણી-હરણ, જે લાંબું કાવ્ય છે. સાંયા ઝૂલા : એ ઈડર તાબે કુવાવાના. એમણે રચેલું લાંબું કાવ્ય ‘નાગડમણ’ પાલનપુરના મોતીસર શ્રી હમીરદાને પ્રસિદ્ધ કર્યું છે. એમની સાલસંવત પ્રકાશકે સંવત 1632-1703 બતાવી છે. એનો પ્રારંભ આમ છે : વિહાણે3 નવે નાથ જાગો વહેલા હુવા દોડિવા ધેન ગોવાલ હેલા જગાડે જશોદા જદુનાથ જાગો મહીમાટ ઘુમે, નવે નદ્ધ4 માગો હરી હો હરી હો હરી ધેન હાંકે ઝરૂંખે ચડી નંદકુમાર ઝાંકે2 અહીરાણિયાં3 અબ્બલા ઝુળ4 આવે ભગવ્વાનને5 ધેન ગોપી ભળાવે. જેઠીભાઈ અને ગેણભાઈ : આ બંને મારુ ચારણો ભાવનગર ઠાકોર શ્રી વખતસંગજીની પાસે રહેતા. તેમની પાસે વિદ્યાર્થીઓ ડિંગળશાસ્ત્ર ભણતા, જેમાં સ્વ. પીંગળશીભાઈના પિતા પાતાભાઈ (‘જસોવિલાસ’ના કર્તા) નામાંકિત વિદ્યાર્થી હતા. ભાવનગરનું દશેરા-પર્વ વખણાતું, ને એ પર્વ ઉપર દેશદેશાન્તરેથી જે ચારણો આવતા તેમની વાણીને આ બેઉ ભાઈઓ ઝીલી ઝીલી લખી લેતા. એવી (એકસો વર્ષ પૂર્વેની) વાણી આ બેઉ ચારણોએ લખેલી તેના ચોપડા મોજૂદ છે. વીભા મહેડુ : 225 વર્ષ પૂર્વે. રોહીદાસ મહેડુ : 225 વર્ષ પૂર્વે. વીઠા મહેડુ : 175 વર્ષ પૂર્વે. તેમની લખેલી થોકબંધ હસ્તપ્રતો મોજૂદ છે. આ બધા ગ્રંથોની હસ્તપ્રતો ઉપરાંત જીવણવિજય ગોરજી અને એના શિષ્યોએ સંવત 1840-45માં લખેલી ‘અવતાર ચરિત્ર’ની હસ્તપ્રત, અઢીસો વર્ષ પૂર્વે લખેલી, મકાનવિદ્યાને લગતા સંસ્કૃત ‘રાજવલ્લભ ગ્રંથ’ની હસ્તપ્રત, કવિ કેશવદાસના ‘રસિકપ્રિયા’ નામના ગ્રંથની હસ્તપ્રતનાં છૂટાં પાનાં વગેરે વગેરે પ્રચુર લેખન સામગ્રી ચારણ કવિ શ્રી ઠારણભાઈ મધુભાઈને ઘેર, ગામ પાટણા(તાબે ભાવનગર)માં એક ઓરડો ભરીને પડી છે. વિદ્વાનોને મારી વિનતિ છે કે આ ડિંગળી સાહિત્યના છેલ્લા સોરઠી જાણકાર ચારણની આંખો મીંચાઈ જાય તે પહેલાં એમનો પાટણનો હસ્તપ્રત-ભંડાર તપાસી લ્યો. કોઠ પાસે રાણેસર ગામના રામચંદ્ર મોડ નામે ચારણ કવિ તેનું રચેલ ‘રસપીંગળ’ હજી અપ્રકટ છે. ડિંગળી કવિતામાં ‘નાગપીંપળ’ વધુમાં વધુ પ્રાચીન. તે પછી ‘હમીર પીંગળ’ કચ્છ રાજકવિ હમીરજી રતનુએ રચેલું, 300 વર્ષ પર, તે અપ્રકટ છે. લાંગીદાસ મહેડુ : હળવદ તાબે ગોલાસણ ગામના એ ચારણ 250 વર્ષ પર થઈ ગયા. આજે પણ ગોલાસણમાં તેના વંશજો છે. તેમણે બે લાંબાં કાવ્યો રચ્યાં છે : (1) ‘એકાદશી માત્યમ’ અને (2) ‘ઓખાહરણ’. રાજદરબારોમાં પ્રેમાનંદનું ‘ઓખાહરણ’ વાંચવાનું લગભગ નિષિદ્ધ ગણાય છે, કેમકે એમાં શૃંગાર તત્ત્વ વધારે જોરદાર છે. પણ લાંગીદાસજીનું ‘ઓખાહરણ’ અંત:પુરોમાં છૂટથી મંડાતું હતું. ‘ઓખાહરણ’ સાંભળવું હોય તો ગઢવીઓનું સાંભળવું, ‘ઓલ્યું’ નહિ એમ દરબારો રાણીઓને કહેતા. આ લેખની બધી માહિતી શ્રી ઠારણભાઈએ આપી છે. [‘ફૂલછાબ’, 28-2-1941]