જનપદ/સૂસવે

સૂસવે


સીસાભર્યા શંખ જેવું ગૂમડું
ટોચ ટેકરી ભૂરી
મુખ કેરીનું ડીંટ
નખ વલવલે ડીંટ ચૂંટવા
અંદર આડી પાળ ઝમે
ઘૂઘરી ઝીણું ચમકે તારલા
એમ રચાતું પરું
વરસે બારે મેઘ.
પડખે ડુંગરપોટો ફૂટી ઢળશે.
સીસાનો રાબોટો*એનો
ગર્ભમાં ગામ સમાવી લેશે.
અમે પલળતા ઊભા થડમાં
સાગપાંદડું ઓઢી.
ચાલે હેલી.
વાગે ડાકલાં જડબે
લોહીમાં ભળતું પાણી.
હાડ બૂડતાં તરતાં જળમાં
લચે ડાળખાં માથા ઉપર
કાટક ઝૂટક ખભા ડાળીઓ ભાગે
પવન કરે જળ હવાપાતળું
ફાટ ફાટ સઢ જળનો
છમકારા ને છોળ રમારમ
હોલવાય સૌ ભેદ.

એકંદર ને ભેગાં
અંજોડાં અંધારાંની કિલકારી
સીસોપોટો સઢનો મ્હાલે
સણકા મ્હાલે દશે દિશામાં.
વણપંખા ઘણઊડણાં
અણચલવ્યાં જ ચલંત
માથાહીણાં ઊમટ્યાં
સૂસવે વખ અનંત.


  • રાબોટો : માટી અને પાણી ભેગાં થઈ રાબ થાય એ.