જયદેવ શુક્લની કવિતા/ગબડાવી દે, ફંગોળી દે...
ગાય માટે કાઢેલું
ભૂંડને ખાતાં જોઈ
ઉગામેલો હાથ
અચાનક
હવામાં સ્થિર.
ભૂંડની રાખોડી, કાળી, ધોળી રૂવાંટી પર
હાથ ફેરવવા
હથેળી વાંકી ડોકે
જરી લંબાય.
ચૂંચી આંખે
લાંબા નાકે
ઉકરડા ચૂંથતા ભૂંડને
ઊંચકી લેવા
લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે?
સતત
લોલકની જેમ
ડોલતી
ક્યારેક ઊછળતી
ટૂંકી પૂંછડી
આટલી વહાલી કેમ લાગતી હશે?
ચરબીથી લથબથ
તસતસતાં આંચળ જોઈ
હોઠ-જીભ પર ધારાનું રેશમ કેમ ફરફરતું હશે?
‘સુવ્વરની ઓલાદ’ ગાળથી
સળગી ગયેલાં અંગોમાં
આજે, પેલ્લી વાર
ઢોલ, નગારાં, શંખ બજી રહ્યાં છે...
વરાહ! વરાહ!
હવે ગબડાવી દે,
ફંગોળી દે,
ઘા કરી દે
દૂર
દૂ...ર...
ડુબાડી દે
ફરી ડુબાડી દે
પેલા આદિમ સમુદ્રમાં
આ બોડા, ધુમાડિયા ગોળાને,
આ હિરણ્યાક્ષોને.