ટોળાં અવાજ ઘોઘાટ/૧૬ -ઢસડાય છે બધું
૧૬ -ઢસડાય છે બધું
ઢસડાય છે બધું એકધારું અવિરત ઢસડાય છે ક્ષણો, એક-પછી-એક ઢસડાય છે સવાર–બપોર–સાંજ. ઢસડાય છે રાત્રિ–ઊંઘ–ઊંઘમાં ઊછળતાં બેબાકળાં સ્વપ્નો. ઢસડાય છે આ શરીર– બેઝિન પાસે–બાથરૂમમાં–રસોડામાં–બસમાં–ઓફિસમાં–કૅન્ટિનમાં. રસ્તામાં–ઘરમાં–રસોડામાં–પત્નીના શરીરમાં એકધારા યાંત્રિક ઉછાળા સાથે, અને પછી ફસડાય છે ઊંઘમાં. આમ અવિરત એકધારું બધું ઢસડાય છે કે કવિ છીએ તો વધારામાં ક્યારેક ક્યારેક આમ કલમ ઘસડાય છે, એકધારી, અને એમાં ઢસડાતા જતા શબ્દોના પરસ્પર સંદર્ભોમાં– અથડાતા અર્થ જેવું નિરર્થક મન પણ– ઘસડાય છે–ઢસડાય છે– એકધારું અવિરત–