તારાપણાના શહેરમાં/ખીણના ગર્ભાવાસમાં


ખીણના ગર્ભાવાસમાં

થાક્યો છું શોધી શોધીને હું ડાળ ડાળમાં
અંતે તો કૈં ન નીકળ્યું પર્ણોની આડમાં

રસ્તા સુધીય પહોંચી શક્યું નહિ સફરનું નામ
મંઝિલનો ભાર રહી ગયો પગના અવાજમાં

નહિ તો મહક કરેણની પણ રેશમી હતી
ભૂલો પડી ગયો હતો હું પારિજાતમાં

ઊજાગરાનો અર્થ શું બસ આટલો હતો?
ધુમ્મસ લઈને બેસી ગયો છું સવારમાં

પર્વતથી એક ડગલું હું આગળ વધ્યો હઈશ
નહિ તો ન હોઉં ખીણના આ ગર્ભવાસમાં