તારાપણાના શહેરમાં/ચિત્તવૃત્તિ નિરોધ


ચિત્તવૃત્તિ નિરોધ

અજાણ્યા શ્વાસના આવેગને અડી જાઉં
બિલોરી કાચના ઘરમાંથી નીકળી જાઉં

કોઈની યાદ મને વીંટળાય પગલામાં
હું રસ્તા વચ્ચે અચાનક ઊભો રહી જાઉં

કશેથી અવનવા ચહેરાઓ ઊપસી આવે
હું કહેવા જાઉં કશું… ને બધું ભૂલી જાઉં

રહી રહીને રૂપેરી અવાજ સ્પર્શી જાય
હવામાં સ્થિર થતો હઉં ને ખળભળી જાઉં

પુરાતો જાઉં હું આકાશની નસેનસમાં
અમસ્તી આંખ ઉઘાડું ને હું મળી જાઉં