દક્ષિણાયન/મદ્રાસ


મદ્રાસ

ડિસેમ્બરની ૧૭ મીની બપોરે અમે કાંજીવરમ્ છોડ્યું. તારીખ એટલા માટે નોંધવાની કે એ વેળા ગુજરાતમાં આપણે ગોદડાં ઓઢીએ છીએ ત્યારે અહીં વરસાદ પડે છે. સ્ટેશન ઉપર જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. પુષ્કરાવર્તકોના જે વંશજે ધનુષકોડિમાં રસ્તાની રેતીને થોડીક દાબી આપી હતી, રામેશ્વરમાં જેણે આકાશને અને સૂર્યચંદ્રને આચ્છાદિત રાખ્યા હતા, ત્રિચિ અને ચિદંબરમાં જે આછાં દર્શન દઈ ગયો હતો અને મહાબલિપુરમાં જેણે આકાશને ભયજનક રીતે આવૃત કરી લીધેલું તે શ્યામઘન આ ઘડીથી ત્રણ દિવસ લગી અમે મદ્રાસમાં રહ્યાં ત્યાં સુધી અમારો સતત સાથી રહ્યો. દક્ષિણના પૂર્વ કિનારાનું આ બીજું ચોમાસું હતું. ગાડીમાં ત્યારે વરસાદ ધીમો પડ્યો હતો પણ એનો આડંબર તો અવિચલ જ હતો. બારી ખોલીને બેસી શકાય તેવું હતું. વાદળોના બનેલા, સંપૂર્ણ સફાઈપૂર્વક પ્લાસ્ટર કરેલા ઘુમ્મટ જેવા આકાશ નીચે આજુબાજુની પ્રકૃતિનું દર્શન કોઈ મ્યુઝિયમમાં કરતાં હોઈએ તેવો ભાસ કરાવતું હતું. આકાશ ઘણું નિકટ આવી ગયું હતું અને તેની નીચેનાં ખેતરો અને રેલવેનો માર્ગ કોઈ અનેરી મીઠાશવાળાં લાગતાં હતાં. દક્ષિણના સર્વત્રનિવાસી એવાં તાલવૃક્ષો તો હતાં જ, પણ તે થોડી સંખ્યામાં; ખેતરો વધારે ખુલ્લાં, ક્ષિતિજ કલ્પી શકાય અને કદીક જોઈ પણ શકાય તેવી; રેલના રસ્તાની જોડે લંબાતાં લાંબાં તળાવો સ્નાન કરવાને નહિ પણ કિનારે બેસવા લલચાવે તેવાં અને કદીક જ ખેતરોમાં જોવામાં આવતાં માણસો. આ અમારી પથસૃષ્ટિ હતી; પણ એ સૌમાં મને સૌથી રમણીય તો અમારી ગાડી જ લાગતી હતી. આજુબાજુની ઘાસ અને કાદવથી ભરેલી પૃથ્વી પર રેલનો કોરોકટ સ્વચ્છ રસ્તો અનોખી સુંદરતા ધારણ કરતો હતો. તેના પર પણ પાણી તો પડ્યું જ હતું; પણ તે કમળપત્ર પેઠે નિર્લેપ જ રહ્યો હતો અને વાંકીચૂંકી જતી સડક પર દોડતી આખી ગાડી તેનું છટાપૂર્વક આગળ વધતું એન્જિન અને તેની પાછળ ખેંચાતા ડબ્બાની લંગાર, શક્તિ અને સુંદરતા બંનેની પ્રતીતિ કરાવતાં. મને રેલગાડી હમેશાં આકર્ષક લાગી છે, રૂપાળી પણ લાગી છે. બાળપણમાં એ મારી એકમાત્ર મોહિની હતી. એના એન્જિનની છટાએ મને ઉત્તેયો ન હોય એવું કદી બન્યું નથી. મદ્રાસમાં બે દિવસ અને ત્રણ રાત કાઢી. વરસાદ વરસ્યા તો ન કર્યો, પણ તેણે જરાકે ઉઘાડ કાઢ્યો નહિ. બે દિવસમાં આ દસેક માઈલ લંબાઈના શહેરના બધા છેડાને અડી આવ્યા પણ મદ્રાસની દિશાઓનું ભાન ન જ આવ્યું. દિશાપતિ સૂર્ય ઊગીને દિગ્દર્શન કરાવે તો દિઙમૂઢતા ટળે ને? મદ્રાસમાં તીર્થનો રસ નહોતો. નાનાંમોટાં લગભગ વીસેક શૈવ અને વૈષ્ણવ તીર્થ ફર્યા પછી હવે દેવદર્શન કે મંદિરદર્શનની આતુરતા બહુ રહી ન હતી. મેં મદ્રાસમાં બને તેટલો ઇતિહાસનો રસ લેવાનો પ્રયત્ન કર્યો. લગભગ ત્રણસો વરસનું આયુષ ધરાવતું મદ્રાસ, મુંબઈ અને કલકત્તા પેઠે બધી નાગરિક વિશેષતાઓવાળું છે. પરદેશીઓને હાથે વસેલાં અને વિકસેલાં આ ત્રણે નગરોમાં મદ્રાસ સૌથી ઘરડું છે, પણ વૃદ્ધિમાં સૌની પાછળ છે. પેલાં બે નગરની સરખામણીએ એ લાંબા વિસ્તારમાં છે, છતાં વસ્તીમાં ઓછું છે; કેળવણીમાં આગળ વધેલું છે, છતાં વેપારમાં મંદ છે અને ઇલાકાની રાજધાની છતાં તે ચળકાટ અને ભભકામાં ઝાંખું છે. તેમ છતાં ઇતિહાસની પ્રૌઢતા અને ધૂપ તેમાં પેલાં બેય કરતાં કદાચ વધારે પ્રમાણમાં પ્રતીત થાય છે. ફ્રેન્ચો અને અંગ્રેજોની સાઠમારી, તેમની તોપોના ધડાકા, લશ્કરના હુમલા અને ધસારા એ બધાના પડછાયા આ શહેરની આસપાસ હજી પણ ભમતા લાગે છે. દરિયાકાંઠે બેઠેલો સંત જ્યૉર્જનો કિલ્લો હજી પોતાની તોપો રસ્તા પર તાકી રહ્યો છે. અહીં પરદેશીઓનો હાથ ઠેરઠેર દેખાય છે. હિંદમાં અંગ્રેજી ભાષા અહીંના કરતાં ક્યાંયે વધારે વ્યાપક નથી; ખ્રિસ્તીસેવકો અહીંના કરતાં ક્યાંય બીજે વધારે જામેલા નથી. એમની કેળવણી, એમનો ધર્મ, એમનો વેપાર, એમનું રાજ્ય એ બધાંની ચોક્કસ છાપ અહીં જોવા મળે છે. તેમ છતાં મદ્રાસ હિંદી શહેર છે. અહીં દ્રાવિડ પ્રજા રહે છે એ વાત પ્રથમ દર્શને જ તમારા મનમાં ઠસી જાય છે. દક્ષિણ જેટલો ધર્મચુસ્ત પ્રાંત બીજો એકે નથી; છતાં પાશ્ચાત્ય સંસ્કૃતિને પચાવવામાં તે પાછળ પડ્યો નથી. ધાર્મિકતા અને બૌદ્ધિકતાનો અનેરો મેળ અહીં પ્રગટ્યો છે. મોટા એમ. એ. કે પીએચ. ડી. થયેલાના કપાળમાં રામાનુજનું શિષ્યત્વ બતાવતું લાંબું ટીલું તમે જોઈ શકશો. અહીં પ્રખર વૈજ્ઞાનિકો, ધારાશાસ્ત્રીઓ અને સચિવો પાક્યા છે. વેપારીઓ પાક્યા નથી. એ તો ગુજરાતમાં જ – અને બીજે નંબરે મારવાડમાં પાકે છે. અહીંના વેપારનાં મોટાં મોટાં બજારોને હાથ કરનાર ગુજરાતીઓનાં નામ સહેલાઈથી ગણાવી શકાય. મદ્રાસમાં ફરવું એ એક નવો જ અનુભવ છે. મદ્રાસીઓની વચ્ચે રહેવું એ એથીયે વિશેષ નવીન અનુભવ હશે. પણ એ તો અહીંનો કોઈ ગુજરાતી વસવાટી વધારે સારી રીતે કહી શકે; પણ મને ભય છે કે તેનો નિખાલસ અભિપ્રાય મદ્રાસીને તો રોચક નહિ જ નીવડે. અમારા યજમાનને ત્યાં ગયાં. તેઓ એક મકાનના મેડા ઉપર રહેતા હતા. અને પહેલી વસ્તુ એ જાણવા મળી કે અહીંનાં લોકોને મેડા ઉપર રહેવાનું પસંદ નથી. આ દ્રાવિડ સંસ્કૃતિમાં આતિથ્ય જેવું કંઈ જ નથી એ વાતની તો પહેલેથી ખબર હતી. પણ મને થાય છે કે એટલા પરથી જ આપણે આ લોકોને વિશે કશો નિર્ણય કરી લઈએ એ યોગ્ય નથી. આ લોકોના જીવનવ્યવહારમાં પણ મીઠી ફોરમ, આપણા જેવી જ નહિ તો બીજી રીતનીય હોવી જ જોઈએ. આનો અમારા જોવામાં આવેલો એક જ દાખલો મેં મૈસૂરના વર્ણનમાં નોંધ્યો છે. અહીંની સ્ત્રીઓ પોતાને ત્યાં મળવા કે બેસવા આવેલી અતિથિ સ્ત્રીને કંકુ આપી ચાંલ્લો કરાવે છે અને વેણીમાં ખોસવા ફૂલ આપે છે. આ સત્કાર માંગલ્યનો કેટલો બધો સૂચક છે! સૌંદર્ય, કળા, સુઘડતા, સ્વચ્છતા અને ધર્મભાવના. સંસ્કૃતિનાં આ લક્ષણો આ લોકોમાં જરાયે ઓછાં નથી, બલકે આપણા કરતાં અમુક રીતે વિશેષ પ્રમાણમાં પણ લાગે છે. નાનામાં નાના ગામડામાં પણ સ્ત્રીઓ સાથિયાથી ઘરને રોજ શણગારે છે, આપણી પેઠે કેવળ દિવાળી કે દેવદિવાળીએ જ નહિ. અહીંનો સંસ્કારી વર્ગ સોનાચાંદીનાં ભારે ઘરેણાંને બદલે હીરામોતીના આછા શણગાર પસંદ કરે છે. ઉઘાડાં શરીરવાળા લોકોના મોટા ટોળામાં પણ તમને માનવશરીરની દુર્ગંધ બહુ નહિ મળે અને ધર્મભાવના તો અહીંના જેવી વ્યાપક રીતે હિંદમાં અન્યત્ર ઓછી જ જોવા મળે છે. બેશક, દરેક પ્રજાને તેજ અને છાયા છે. એવી છાયા તો અહીંથી પણ મળી આવે. અમે મદ્રાસ જોવા માંડ્યું. રેલવે-ગાઇડમાંથી મળેલી યાદી પ્રમાણેની દર્શનીય વસ્તુઓ અંગ્રેજી રાજ્યના પ્રતાપને જ કેવળ લાગતીવળગતી હતી. જાણે મદ્રાસને કંઈ જોવા જેવું બનાવ્યું હોય તો તે અંગ્રેજ સરકારે જ! મનરોની પ્રતિમા રસ્તામાં જ આવી ગઈ. મોટરમાંથી ઊતરીને તે જોઈ લીધી. રાતા ભૂખરા પથ્થરની દસેક ફૂટ ઊંચી બેઠક પર મનરો ઘોડા પર બેઠો છે. તેની ટટાર છાતી વિજેતાના ગર્વથી ભરેલી છે. દોઢેક માઈલ લાંબા સીધા રસ્તા પર એનું એકલું જ પૂતળું લશ્કરી શુષ્કતામાં ઊભું ઊભું અંગ્રેજોના લશ્કરી આધિપત્યનું અચ્છું પ્રતિનિધિ બની રહ્યું છે. સરકારના બધા ગવર્નરોને મદ્રાસે પ્રતિમાઓ રૂપે પોતાની સ્મરણસંહિતામાં સંગ્રહી લીધા છે. અંગ્રેજોના સ્વામિત્વને સૌથી પ્રથમ ધારણ કરનારી આ નગરી પ્રથમ પત્નીની વફાદારી બતાવે તેમાં ખોટું પણ શું છે? મૈસૂરની પેઠે અહીંના વતનીઓના પરિચયમાં આવવાનું અમારાથી બની શક્યું નહિ. મૈસૂર કે બેંગલોર જેમ કર્ણાટકની સંસ્કૃતિનાં કેન્દ્ર છે તેમ મદ્રાસ આજની દ્રાવિડ સંસ્કૃતિનું કેન્દ્ર છે. કોઈ પણ પ્રજાની સંસ્કૃતિના હાર્દ લગી પહોંચવાને તેના સુખના અને દુઃખના, આનંદના અને શોકના પ્રસંગોમાં તેની નિકટ જઈ વસવું જોઈએ; તેના રાગ અને દ્વેષો, તેની કળા અને વિકળા, જીવનવ્યવહારમાં તેની સફળતા અને નિષ્ફળતા તે સર્વને જાણવાં જોઈએ; પણ આટલી ઉપરછલ્લી મુસાફરીમાં અમારાથી એ તો કેવી રીતે બની શકે? વળી અહીં આવીને વસેલા ઇતરપ્રાંતીય લોકો અને તેમાંય ગુજરાતીઓ અને તેમાંય વળી ધીરધારનો ધંધો કરતા ખેડાવાળો એ બધાનો અભ્યાસ પણ રસિક બને તેવો છે. પણ એ વિષય પણ અમારે અત્યારે તો અસ્પૃશ્ય હતો. અમારી પાસેના થોડા વખતમાં અમે લભ્ય અને શક્ય તેટલો મદ્રાસનો પરિચય સાધ્યો. પહેલાં તો અમે કવિ ખબરદારને મળ્યા અને અહીં રહી વેપાર કરતાં કરતાં તેમણે કવિતાની તથા જ્ઞાનની જે કમાણી કરી છે તેનો સાનંદ પરિચય મેળવ્યો. બીજું અહીંનું જગતના થિયૉસૉફિસ્ટોનું આદિધામ એવું અચાર પણ જોયું અને જગતમાં એક કાળે જગદુદ્ધારક બનવાની હામ ભીડનારી એ સંસ્થાની, તેના મસીહા કૃષ્ણમૂર્તિના તેમાંથી નીકળી જવા પછી પાણ્ડર બનવા લાગેલી પ્રવૃત્તિઓનાં દર્શન કર્યાં. અડચારમાંથી પાછા ફરતાં અમે સમુદ્રતટનો રસ્તો લીધો. માઈલો સુધીનો આ પ્રલંબ પથ ‘મરીના’દરિયાને તટે તટે મોટર દોડાવવા માટે બહુ મઝાનો છે. કદાચ નવરાશને વખતે એનો પગપાળો પ્રવાસ એથીયે વધુ આહ્લાદક નીવડે. અહીં એક અતિ રમણીય ચીજ છે. એ છે ‘ઍક્વેરિયમ’યાને ‘જલચરમંદિર’. હું તો એને ‘સૌન્દર્યમંદિર’જ કહ્યું. આપણે ફૂલોના સૌંદર્ય પર આફરીન થઈ જઈએ છીએ, પતંગિયાંના રંગછટાથી મુગ્ધ બની જઈએ છીએ; પણ અહીં રાખેલી આ થોડીક જ માછલીઓને જોયા પછી ફૂલ અને પતંગિયાં તેની આગળ કંઈ વિસાતમાં નથી લાગતાં. માછલીઓને મેં થોડીક જ એટલા માટે કહી કે અહીં જોઈએ છીએ તે કરતાંયે મત્સ્યજગત અને તેનું સૌંદર્ય અનેકગણું છે. પણ આ જે થોડુંક છે, તે પણ આપણા માટે તો ઘણું જ કહેવાય; કારણ હિંદમાં તો શું પણ આખા એશિયામાં આ પ્રકારનું જલચરમંદિર બીજે નથી. ૩પ|| અને ૫૦|| ફૂટની લંબાઈપહોળાઈના એક લંબચોરસ ખંડમાં સામસામી ભીંતે ચણેલી પાણીની દસ પેટીઓમાં આ મત્સ્યજગત સંઘર્યું છે. મદ્રાસની આસપાસના દસેક માઈલના દરિયામાંથી જ આ સંપત મેળવેલી છે અને તે ત્યાંની બધી જાતોના માત્ર એક દશાંશ જેટલી જ છે. આ બધી માછલીઓનાં વર્ણનો કેવી રીતે આપું? દરિયામાં રહેનાર પ્રાણીને પણ કુદરતે કેટલા બધા રંગ બહ્યા છે, કેટલું આકારવૈવિધ્ય બક્ષ્ય છે! નીલા, ભૂરા, પીળા, ગુલાબી રંગનાં અત્યંત કુમાશવાળાં મિશ્રણો, મનોરમ છટાઓ અને મોહક રંગરચનાઓ આ પ્રાણીઓનાં શરીરો પર કુદરતે ઠાલવી છે. મને થયું, પાણીમાં રહેનાર આ પ્રાણીઓને રંગની આટલી બધી શી જરૂર હશે? એક નાનકડી માછલીના શણગાર આગળ આપણી ગજબમાં ગજબ ફૅશન કરનારી સ્ત્રીનાં વસ્ત્રો અને અલંકારોની શોભા પણ ફિક્કી લાગે. આપણા ફૅશનવિધાયકો જો આ માછલાં પાસેથી જ રંગના પાઠ લે તોય તેમની ફૅશનોની બોલબાલા થઈ જાય. સૌંદર્યની ઊંચામાં ઊંચી કલ્પના જલવાસિની અપ્સરાની આપણે કરી છે તે આવી માછલીઓને જોઈને જ કરી હશે? માછલીઓના રંગ જેટલા મોહક હતા તેટલા મોહક તેમના આકારો ન હતા. એ આકારો આપણા કુતૂહલને વધારે સંતોષે તેવા હતા. માછલીને પાણીમાં તરતી જોવી એ જ એક ખૂબ કુતૂહલની વસ્તુ છે. છ છ ફૂટનાં ટાંકામાં તરતી બેએક આંગળથી માંડીને હાથેક જેવડી જુદી જુદી જાતની માછલીઓને ઉપરનીચે સરતી જોવામાં ખૂબ જ મઝા પડે છે. જે ચપળતાથી એ સરકે છે અને શરીરને ફેરવવામાં પૂંછડીનો સુકાન તરીકે જે છટાભર્યો ખૂબીદાર ઉપયોગ તે કરે છે તે જોઈને તાજુબ થઈ જવાય. એક જરા નવાઈની વાત એ જાણી કે આ કૃત્રિમ નિવાસમાં આ માછલીઓ બિચારી માંદી પણ પડી જાય છે અને ત્યારે તેમને હવાફેર, ના ના, પાણીફેર કરાવવા થોડો વખત દરિયામાં મૂકી આવે છે. અપ્સરાઓને એમનાં નાનકડાં અપાગૃહોમાં રમવા દઈને અહીંથી આગળ ચાલીએ. અહીંનું મ્યુઝિયમ એ ઘણી રીતે અમૂલ્ય વસ્તુ છે. હિંદનાં મહત્ત્વનાં મ્યુઝિયમોમાંનું આ પણ એક છે. આ જોયા પછી મદ્રાસની સરકાર વિશે મારો અભિપ્રાય બદલાયો. સ્થાનિક સંસ્કૃતિના સંરક્ષણ તથા સંશોધન માટે મુંબઈની સરકાર કરતાં આ સરકાર મને વધારે પ્રગતિશીલ લાગી. અહીંના જૂના સ્થાપત્યના, શિલ્પના, ઉદ્યોગોના તેમ જ પ્રજાકીય સંસ્કૃતિનાં બીજાં અંગોના જે જે સંરક્ષણીય અને પ્રદર્શનીય નમૂના છે તે તેણે અહીં કાળજીપૂર્વક સંશોધીને સંગ્રહ્યા છે. મ્યુઝિયમમાં સંગૃહીત પદાર્થોની માહિતી આપનારું પુસ્તક જ એક મહાગ્રંથ છે. અહીં પ્રાકૃત લોકોને રસ આપે તેવી ઘણી વસ્તુઓ હોવા ઉપરાંત કેટલીક પ્રાકૃતેતર સોવાળી સામગ્રી પણ સંગ્રહાઈ છે. એ છે કેટલાંક ખંડિત શિલ્પોનો સંગ્રહ તથા ધાતુની પ્રતિમાઓમાં ઉતારેલું આપણું દેવજગત. ખંડિત શિલ્પોવાળ ભાગ એવી ખૂબીપૂર્વક ગોઠવ્યો છે કે જાણે આપણે કોઈ પ્રાચીન કાળમાં જ ફરી રહ્યાં છીએ એમ લાગે. ખંડિત મૂર્તિઓ, આખી મૂર્તિઓ, શિલાલેખો, જુદાં જુદાં સ્થાપત્યના અલંકારો – ભૂતકાળને સજીવ કરતી આ બધી સામગ્રી સંસ્કૃતિના ઊંચા ભાનવાળી એક જીવંત પ્રજાનો ખ્યાલ આપે છે. ધાતુની અને તેમાંય મુખ્યત્વે તાંબાની પ્રતિમાઓવાળો ભાગ આખા દક્ષિણની પથ્થરમાં ઊતરેલી શિલ્પકળાનો ધાતુમાં અવતાર બતાવે છે. મંદિરોમાં શિલ્પીઓએ જેમ પથ્થરને માખણ પેઠે ઘડ્યો છે તેમ અહીં આ ધાતુને કંસારાએ ઘાટ આપ્યો છે. શિવ, વિષ્ણુ અને શક્તિની આસપાસ અનેક દૈવી પાત્રો તાત્પ્રદેહે અનેક અંગભંગોમાં બિરાજમાન છે. આ પ્રકારનું ધાતુનું પ્રતિમાવિધાન એ પણ દક્ષિણની મોટી વિશેષતા છે. આ પ્રતિમાઓમાં સૌથી મનોહર અને શિલ્પની દૃષ્ટિએ અજોડ અને ઉત્તમ એવી પ્રતિમાઓ શિવનાં નટરાજનાં રૂપોની છે. જેને ચિત્ર રૂપે ઘણી વાર મુગ્ધ બનીને જોયા કીધેલી તે નટરાજની પ્રતિમા મૂળ રૂપમાં અહીં જોવા મળી. એવી જ પણ થોડી બીજી વિશેષતાવાળી બીજી પ્રતિમાઓ પણ અહીં હતી. ત્રણેક ફૂટની ઊંચાઈની આવી ચારપાંચ પ્રતિમાઓ આ ખંડના બારણા પાસે મૂકી છે. હવે મ્યુઝિયમનો એક ભાગ મારે નોંધવાનો રહે છે અને તે છે શસ્ત્રવિભાગ. અંગ્રેજોના ભારત પરના વિજયની શાસ્ત્રોમાં મુકાયેલી એ ગાથા છે. આપણા દેશી યોદ્ધાઓનાં હથિયારો, બખ્તરો વગેરે મૂક્યાં છે; પણ તેમને અહીં સ્થાન આપ્યું છે તે જાણે તેઓ અંગ્રેજોને હાથે પરાજિત થયા એમ બતાવવા પૂરતું જ લાગે છે. દક્ષિણના કિલ્લાઓ તથા લશ્કરોને જીતનાર તોપો મહાગૌરવપૂર્વક અહીં ગોઠવાઈ છે. આપણી સ્થાનિક સંસ્કૃતિનાં અંગોનું ઐતિહાસિક દૃષ્ટિએ આટલું અમૂલ્ય સંગોપન કરવા માટે અંગ્રેજ સરકારને ધન્યવાદ આપ્યા; પછી પણ તેની આ વિજયખુમારી તો સહન નથી જ થતી. આખા મ્યુઝિયમનો ખરો અર્થ શું છેવટે આ તોપોમાં જ આવીને સમાય છે? મદ્રાસની યાત્રાનું સમાપન અમે અહીંના સુવિખ્યાત દૈનિક પત્ર ‘હિંદુ’નું પ્રેસ જોઈને કર્યું. હું મદ્રાસની વર્તમાનયુગની મોટામાં મોટી સિદ્ધિ આ પત્રને ગણું. હિંદનાં દૈનિક અંગ્રેજી વર્તમાનપત્રોમાં પશ્ચિમના પત્રકારત્વની ટોચને કોઈ સાધી શક્યું હોય તો તે આ ‘હિંદુ’ છે એ સૌ જાણે છે. એની લોકપ્રિયતા તો અજોડ છે. એનું આખું તંત્ર પણ અજોડ રીતે કાર્યક્ષમ છે. એનાં યંત્રો એથી પણ વધારે કાર્યક્ષમ છે. સંપૂર્ણ રીતે હિંદીઓથી જ ચાલતું આ પત્ર હિંદનું એક ગૌરવ છે એમાં શંકા નથી. પ્રજાના જીવનને ઘડતું, ઇતિહાસને હરઘડી પોતાનાં આંગળાંમાં પરોવતું, વજ્રની શક્તિ ધરાવતું, સાચી નિષ્ઠાથી ચાલતું અને દક્ષતાપૂર્વક પોતાનું કામ પાર ઉતારતું વર્તમાન પત્ર એ આજના યુગનું જીવંત કાળતીર્થ છે. એનાં દર્શન, સ્નાન અને પાન ત્રણે લાભદાયી છે. મારે મન આનો મહિમા દક્ષિણનાં મોટાં મંદિરોના જેટલો જ છે. મદ્રાસનો દરિયો ખૂબ રમણીય છે. એના તટ પરનો રસ્તો ‘મરીના’ મઝાની સહેલગાહ છે; પણ આ વસ્તુ તો રોજ ફરીને આસ્વાદવા જેવી છે. અમે ગયાં ત્યારે રાત અંધારી હોવા ઉપરાંત મેઘનું અંધારું પણ હતું. રસ્તા પરના દીવાઓનો પ્રકાશ કિનારા પર આવીને ભાંગતાં મોજાંની કેશવાળીને આછો અજવાળતો હતો. ભરતી આવી રહી હતી. સમુદ્ર તરફ મોં ઠેરવી મોજાંની નજીક જઈને અમે ઊભાં રહ્યાં. અંધારામાં દટાઈ રહેલો, ક્ષિતિજની સાથે અભેદત્વ પામેલો અગાધ જળરાશિ એક મહાન સ્થિર હુંકારથી પોતાની વિરાટતાનો પરચો આપી રહ્યો હતો. દૃઢ વેગે ધસતી ભરતીનાં, પછડાવા પૂર્વે નાગની ફણા જેમ ઊંચાં થતાં મોજાં જાણે અમને કિનારા પરથી પાણીની અંદર લઈ જવા માગતાં હતાં. બધું શાંત હતું. રસ્તા પર મોટરો દોડતી ન હતી. લોકોનો અવરજવર ઘટી ગયો હતો. એ પ્રખર શાંતિમાં સાગરનું આમંત્રણ વધુ ને વધુ મુખરિત અને પ્રબળ થવા લાગ્યું. ઘડીભર થઈ ગયું કે આ જીવન પડતું મેલીને મહાસાગર જ્યાં લઈ જવા માગે ત્યાં ચાલો, ચાલ્યાં જઈએ. સાગર એમ ઘણાંને લઈ ગયો છે! કોક અજ્ઞાત નિર્વેદ અને છૂપો ભય શરીરને રોમાંચિત કરી રહ્યો. ‘ચાલી જાવ, ચાલી જાવ.’મોજાંનું આહ્વાન ચાલુ હતું અને એવામાં એક મોજાએ જોરથી ફાળ ભરી. જાણે કહેતું હોય કે ‘ચાલી જાવ, નહિ તો નાસી જા.’અમે એનો બીજો હુકમ જ માન્યો, એ જ માની શકીએ તેમ હતું. એ નિગૂઢ નિર્વેદ મારા ઘણા નિર્વેદોમાંનો એક નિર્વેદ છે. એને હૃદયમાં પ્રેમપૂર્વક સંઘરી હું પાછો વળ્યો. મદ્રાસ રૂપાળું નહોતું તોપણ મીઠું તો લાગ્યું જ. એ કદાચ અમારા યજમાનને લીધે પણ હોય. પણ મુસાફરોને વળી ઠરીઠામ રહેવાનું હોય? અમે એક ઘેરાયેલી સવારે મદ્રાસ છોડ્યું. મેઘ ત્રણ દિવસથી જામીને પડ્યો હતો. સૂર્યનું મુખદર્શન થવા નહોતું પામ્યું. સ્ટેશન કઈ દિશામાં છે, ગાડી કઈ દિશામાં જાય છે તેની કશી ખબર નહોતી પડતી. આજની સંસ્કૃતિની સગવડો આપણને દિદિશા ભુલાવી દે છે તે કેટલું સાચું છે! અમે જતાં હતાં પશ્ચિમમાં. ગાડી પાએક કલાક એટલે કે દસેક માઈલ ચાલી હશે અને વાદળ વીખરાવા માંડ્યું. અમે જોતજોતામાં સૂર્યના તડકામાં નાહવા લાગ્યાં. આનો અર્થ વરસાદ બંધ થઈ ગયો હતો એમ નહિ, પણ અમે જ વરસાદના ખેતરમાંથી બહાર નીકળી ગયાં હતાં. હજીય મદ્રાસ ઉપર વાદળ છવાયેલું જ હશે. એ મદ્રાસ અને એનો શિયાળુ વરસાદ બંનેનો સાદ હજી સંભળાયાં કરે છે.