નવલકથાપરિચયકોશ/તિરાડ

૧૧૮

‘તિરાડ’ : પડેલી ગૂંચ ઉકેલવા મથતી સ્ત્રીની કથા : હરીશ મંગલમ્

– મિતેષ પરમાર
તિરાડ.jpg

કવિ, વાર્તાકાર, સંપાદક, વિવેચક હરીશ મંગલમ્ નવલકથાકાર તરીકે પણ હવે પોંખાયા છે. તેમનો જન્મ તા. ૧૫-૨-૧૯૫૨ના રોજ ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાના ફલુ ગામમાં થયો. તેમણે બી.એ., એલએલ.બી. સુધીનો અભ્યાસ કર્યો છે. મહેસૂલ ખાતાના ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન જીવે છે. ‘બૂંગિયો વાગે’ સંપાદન એમની ઓળખ બની ગયું છે. અમદાવાદમાં સાહિત્યિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયા ત્યારે મહેશ દવે અને મોહન પરમાર સાથેના વાર્તાલાપ વખતે નક્કી થયાં એ પરિણામ એટલે ‘તિરાડ’ નવલકથા. ૬૪ પેજ ધરાવતી આ કૃતિને સર્જક પોતે જ બંધનોને વખોડતી નવલકથાના સ્વરૂપમાં મૂકે છે. લેખકની નજર સામે બનેલી એક ઘટના આ નવલકથાનું બીજ છે. લેખકના ગામનો જ, એમની આસપાસ રહેતો સમાજ અહીં યથાતથ નિરૂપાયો છે. વાસ્તવની ધરાતલ પર વાસ્તવિક પાત્રો, પ્રસંગો, ઘટનાઓ જ આ નવલકથાને અસરકારક બનાવે છે. સર્જકે પોતાની કેફિયતમાં લખ્યું છે કે, “મારા જ વતનના – વાસના ‘તિરાડ’ના સ્વજનસમાં પાત્રો છે. જીવતા-જાગતાં અને નક્કર ધરાતલ પર વસતાં, ના દંભ કે ના ડોળ, અસ્સલ રૂપેરંગે માણસો.” આ નવલકથાનો હિન્દી અનુવાદ ‘દરાર’ નામ ડૉ. હસમુખ બારોટે કર્યો છે. પાર્શ્વ પ્રકાશન અમદાવાદથી પ્રગટ થયેલ છે. ‘તિરાડ’ની ગુજરાતી આવૃત્તિની પ્રસ્તાવના ડૉ. મોહન પરમારે લખી છે. દલિત સમાજની સામે અદલિત સમાજ મૂકીને આજ સુધી લખાયેલી આ પ્રકારની નવલકથાઓ કરતાં વિશિષ્ટ રીતે અલગ પડે છે. આ એક સામાજિક નવલકથા હોવાની સાથે એક દલિત નારીની પોતાની જાત સાથેના સંઘર્ષની પણ કથા બની છે. સર્જકે એવી રચનારીતિ અપનાવી છે કે પરિસ્થિતિઓ સમાજનું (દલિત-બિનદલિત) રૂપ બતાવતી જાય, સનાતન પ્રશ્નો મૂકતી જાય અને તાણાવાણા ગૂંથાતા જાય. કોઈને એમ પણ લાગે કે અહીં નારીની વેદના-સંવેદના ઉજાગર કરવામાં આવી છે. એ ખરું પણ હું તો કહું છું અહીં આવતાં નારીપાત્રો સંદર્ભે નારીચેતના સરસ રીતે વ્યક્ત થઈ જાય છે. ખાસ કરીને ‘જોઈતી’મા જે આ નવલકથાનું મુખ્ય પાત્ર છે. આ નવલકથામાં માનવ-સંબંધો કેવી મુશ્કેલી ઊભી કરે છે ને એમાંથી ઉકેલ કેવો નીકળે છે તેનું સશક્ત, સમર્થ આલેખન થયું છે. દલિતોના જીવનની કરમકહાણી કેવી હોય છે તે એક સ્ત્રીના જીવનની કરુણ પરિસ્થિતિ સંદર્ભે બરાબર ઉપસાવી આપ્યું છે જે લેખકની કાર્યસાધકતા જ છે. ગામના મોભાદાર ગણાતા પૂંજા પટેલના બે છોકરાં-ભગો અને બળદેવ ખેતરમાં શેઢાની બાબતે વઢી પડે છે ને વાતનું વતેસર થઈ જાય છે. ખેતરમાં વણકરવાસમાંથી મજૂરીયા આવેલાં છે એ લોકો આ તમાશો જોઈ રહ્યાં છે. ક્રોધે ભરાયેલ ભગો છત્તો પાવડો બળદેવના માથામાં મારવા જાય છે ત્યારે મજૂરિયામાંથી સોમો વચ્ચે પડીને છૂટા પાડવા પ્રયત્ન કરે છે. પણ પાસો ઊંધો પડ્યો. ક્રોધીલો ભગો પાવડાનો દસ્તો સોમાના બૈડામાં જોરથી મારે છે. સોમાને તમ્મર આવી જાય છે તે પડી જાય છે. આ માર કથોલો હતો. સોમા માટે તે જીવલેણ સાબિત થાય છે. સોમાની પત્ની જોઈતીના માથે બધો ભાર આવી જાય છે. સોમો ખાટલાવશ થઈ જાય છે. આખા ગામનાની કે વાસવાળાની સલાહ માનીને જોઈતીએ સોમાને સાજો કરવામાં રાત-દહાડો એક કરી નાખ્યા. કોઈ કસર ના રાખી પણ આખરે એ સોમાને બચાવી શકતી નથી. પછીથી જે પરિસ્થિતિઓ જોઈતીનો ભરડો લે છે એમાં જ સર્જકે સમગ્ર નારીજાતિની સમસ્યા વણી લીધી છે ને નારીચેતના ઉજાગર કરી છે. જે સમયની આ નવલકથા છે તે સમયે અને આજે પણ કેટલાક કહેવાતા પછાત વર્ગ ગામડાઓમાં પોતાના ઘરાક પર નભતા હોય છે. પછાત વર્ગને ઉજળિયાત કોમની ઘરાકી રહેતી. અહીં સોમાને પૂંજા પટેલની ઘરાકી છે. સોમાના મરણના વીસ દિવસ પછી બળદેવ ઘરાકીનું કામ કરવા જોઈતીને કહે છે. બળદેવ જોઈતી પ્રત્યે આકર્ષાયો છે. જોઈતીના શરીર પર લાલચુ નજર નાંખતો બળદેવ એકાદ-વાર જોઈતીની છાતીને અડી લે છે ને મનમાં મલકાય છે. જોઈતીથી આ બધું અજાણ્યું નથી, એટલે જ એને બળદેવ ગમતો નથી. પણ જોઈતીની મજબૂરી છે. પશો પંડ્યો આ બીના જોઈ જાય છે ને એણે જોઈતી ને બળદેવની આડાસંબંધની વાતો છૂટા દોરે વહેતી કરી. જે જે લોકોને જોઈતી પ્રત્યે માન હતું તે બધાંય તેને અવગણવા લાગે છે. જોઈતીને ખબર છે કે તે નિર્દોષ છે. આ વાતો વચ્ચે જોઈતીને બીજે ઠેકાણે વળાવવામાં આવે છે. ત્યાં જોઈતીને સારું ઘર, સારો વર ને સારા સસરા, જેઠ-જેઠાણી મળે છે. જોઈતી પોતાની જેઠાણી વલમ અને પતિ ધનજીને પેટછૂટી વાત કરી લે છે કે મારે ઓધાન રહ્યું છે તે મરણની અવસ્થામાં રહેલા આગલા પતિ સોમાનું જ છે પણ બાળકના જન્મ પછી વળી જોઈતી પર આળ આવે છે. નસીબજોગે ઘરના જોઈતીનાં પડખે ઊભાં રહે છે. પંચાયતના ન્યાયમાંથી પણ જોઈતી નિર્દોષ છૂટે છે. ને એવામાં બળદેવનાં લગ્ન રૂખી સાથે થાય છે. ઘણો સમય છતાંય બળદેવને ત્યાં બાળજન્મનાં એંધાણ પણ નથી જણાતાં. તપાસમાં બળદેવમાં ખામી જાહેર થાય છે ત્યારે તો જોઈતી શુદ્ધતાની ને પવિત્રતાની કસોટીમાં પાર ઊતરે છે. અધૂરામાં પૂરું બળદેવ-પશાને પોતે જોઈતી સાથે ખાલી મસ્તી કરતો’તો એની કબૂલાત કરે છે. ત્યારે પશો પંડ્યો પણ પસ્તાય છે ને મનોમન માફી માંગી લે છે. નવલકથા સુખાંતે પૂરી થાય છે. નવલકથામાં વર્ણનો અને સંવાદ દ્વારા ધાર્યું નિશાન પાર પાડ્યું છે ને એ જ રીતે દરેક પાત્રનાં આંતર-બાહ્ય વ્યક્તિત્વ જોવા-જાણવા મળે છે. સોમાના મરણ પછી એને દાટવા જતાં લોકોની વાતચીતમાં સોમાનું સાલસ ને પરોપકારી વ્યક્તિત્વ ઝળકી ઊઠે છે. બળદેવની વૃત્તિ-પ્રવૃત્તિ આપણનેય ખૂંચે છે. એની ભાભી રેવલી બટકબોલી છે. ને એની ચંચળતા અછતી રહેતી નથી. લેખકે મોટેરાંનાં વણકરવાસનાં પાત્રો યથાતથ જીવંત કર્યાં છે. પાત્રો સંદર્ભે જ ેપ્રસંગો ઊભા થાય છે તે વિશે ભૂમિકામાં મોહન પરમાર નોંધે છે તે યથાયોગ્ય છે. “બધા પ્રસંગોમાં લેખકનું અનુભવજીવન વિસ્તરતું લાગે છે.” મરણપથારીએ પડેલો સોમો વિચારે છે કે, ‘ઈની જોડે આ ભવ બેહાય એટલું બેહી લઉં અને ઇંન ઓછું આવવા ના દઉં.’ (પૃ. ૮) લેખકે નવલકથામાં કાગડો, ગળફો, લીમડાનું ઊખડી જવું, મોભ તૂટવો, તૂટેલી-ખોયા જેવી એગણી, અજગર, બિલાડીનું ઉંદરને પકડવું, નહોર વચ્ચે સમય વગેરે પ્રતીકો દ્વારા જીવનની વાસ્તવિકતા, જોઈતીની ગરીબાઈ, સોમાના મૃત્યુનાં એંધાણ, ઘરની જવાબદારી સરસ રીતે પ્રસ્ફૂટ કરી છે. સમગ્ર કૃતિમાં સર્જકની સર્જકતાએ ભાષા અને બોલી પાસે જે સૂઝ સમજથી કામ લીધું છે તેમાં અર્થઘનતા અને ગદ્યનું સુપેરે વર્ણન વ્યક્ત થયું છે. સોમાના મરણ પછી જોઈતીની સ્થિતિ-પરિસ્થિતિ બતાવતી વખતે સમય સાથે અજગરનું પ્રતિકાત્મક રૂપાંતર આ રીતે આલેખ્યું છે. “મકરોડના ઝાડ નીચેથી પગમાં શૂળ ભોંકાઈ, તીણી ચીસમાં વેદના નિઃશેષ થઈ ગઈ. ઊંડે સુધી સજ્જડ ઘૂસી ગયેલી શૂળ પ્રયત્ન છતાં નીકળી શકી નહિ. લંગડાતા પગે ખોડંગાવા લાગી. સમય અજગરના પલ્લામાં પલાંઠી વાળીને બેસી ગયો. તીરછી આંખે જોતાં અજગર જીભના લબકારા લેતો દેખાયો. અજગરથી ભયાવહ બનેલી જોઈતી કબૂતરની જેમ ફફડી રહી. એને અજગરના પીછો પકડવાના ઇરાદાની ગંધ ક્યારનીય આવી ગઈ હતી. અજગર ધીરે ધીરે જકડી રહ્યો હતો. પૂંછડીનું ગૂંચળું વાળી, શરીર ફરતે વીંટીને ભરડો લેવાનો પેંતરો રચી રહ્યો હતો.” (પૃ. ૨૦, ૨૧) ઉત્તર ગુજરાતની દલિત લોકોની બોલી નવલકથાને સફળ કૃતિ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અહીં સર્જકે પ્રાકૃતિક વર્ણનો દ્વારા વાતાવરણ બાંધીને માણસના મનનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે. લેખક કવિ પણ છે એટલે એમની કવિત્વશક્તિ નવલકથાના ગદ્યને અસરકારક બનાવે છે. “એની આંખો સાપોલિયાં થઈને એનાં વક્ષસ્થળ પર હાલક-ડોલક થતી હતી.” (પૃ. ૮) નવલકથામાં સર્જકની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ પાને પાને નજરે પડે છે. નવલકથા ચુસ્ત અને ઘાટીલી બની છે. એનું કારણ એ છે કે આ નવલકથા લેખકે ત્રણથી ચાર વખત લખી છે. સર્જકે સામાજિક ‘તિરાડ’ સાંધવાનો અને માણસના મનમાં પડેલી વૃત્તિની ‘તિરાડ’ બતાવવાનો સંનિષ્ઠ પ્રયાસ આ નવલકથા દ્વારા કર્યો છે.

સંદર્ભ : ૧. ‘તિરાડ’ (પ્રથમ આવૃત્તિ ૧૯૯૨) – હરીશ મંગલમ્ ૨. નવલકથા અને હું – વિશેષાંક ‘શબ્દસૃષ્ટિ’ – સર્જક – કેફિયત ૩. સાક્ષરનો સાક્ષાત્કાર ભાગ-૨, સંપા. રાધેશ્યામ શર્મા, આવૃત્તિ ડિસેમ્બર-૧૯૯૯– પ્રકાશક રન્નાદે, અમદાવાદ.

મિતેષ પરમાર