નારીસંપદાઃ વિવેચન/પ્રેમાનંદકાલીન સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા


૩૨

પ્રેમાનંદકાલીન સાંસ્કૃતિક–સાહિત્યિક પરંપરા
આરતી ત્રિવેદી

આપણે જે કવિના નવનવોન્મેષોનો–પ્રયોગનિષ્ઠ અનન્ય એવી સર્જકતાને પરિચય મેળવવા માગીએ છીએ તે આપણા મહાન કવિ પ્રેમાનંદનો સમય એટલે ઈ.સ.ની સત્તરમી સદીનો સમય. એ સમયનો સાંસ્કૃતિક દૃષ્ટિએ પરિચય મેળવવો જરૂરી છે. પ્રેમાનંદની કવિતાની પરંપરાગત ભૂમિકાનો યથાર્થ ખ્યાલ મેળવવા માટે પણ તે પરિચય મેળવવો અનિવાર્ય છે. પ્રેમાનંદની હયાતીનો સમય એ ગુજરાતમાં મોગલ સત્તાનો સમય હતો. મોગલોનું શાસન સારું હોવાથી લોકજીવનમાં એકંદરે શાંતિ અને સલામતીનું વાતાવરણ હતું. લોકો પોતપોતાનાં જ્ઞાતિ-ગોળ-કુળમાં રહીને જીવન વ્યતીત કરતા હતા. આ દરમ્યાન ગુજરાતને અને ગુજરાતી ભાષાને પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. રાજકીય રીતે ગુજરાતની સ્વાયત્તતા જો વિકસતી જતી હતી તો સાંસ્કૃતિક રીતે એવી વ્યક્તિતા-વિલક્ષણતા પણ સિદ્ધ થતી જતી હતી. પ્રેમાનંદના આવતાં સુધીમાં ગુજરાતને 'ભરતેશ્વરબાહુબલિરાસ' (ઈ.સ. ૧૧૮૫), ‘નેમિનાથચતુષ્પદિકા’ (૧૩મું શતક), ‘સિરિથૂલિભદ્દફાગુ' (ઈ.સ. ૧૩૩૪), ‘રણમલ્લછંદ’ ( ૧૪મું શતક), 'પૃથ્વીચંદ્રચરિત્ર' (ઈ. ૧૪૨૨), વસંતવિલાસ’ (૧૫મું શતક, ‘ત્રિભુવનદીપક-પ્રબંધ' (૧૫મું શતક), ‘કાન્હડદે પ્રબંધ' (ઈ. ૧૪૫૬), ‘હરિલીલાષેડશકલા’ (ઈ.૧૪૮૫) ભાલણકૃત ‘રામબાલચરિત' ( ૧૫મું શતક) અને ‘કાદંબરી' (૧૫મું શતક), ‘વિમલપ્રબંધ' (ઈ. ૧૫૧૨), 'વિરાટપર્વ' (નાકરકૃત-૧૬મું શતક), 'કપૂરમંજરી' (૧૬મું શતક) 'રૂપચંદકુંવરરાસ' (ઈ. ૧૫૮૧), ‘પ્રેમપચીસી' (૧૭મું શતક) આદિ કૃતિઓ અને તે સાથેના જ આપણા તેજસ્વી સાહિત્યસર્જકો નરસિંહ, મીરાં, અખો જેવાની અનેક કૃતિઓ મળી ચૂકી હતી. આ કૃતિઓએ ગુજરાતી ધર્મ-રુચિ અને રસરૂચિને પોષવા સાથે તેનું ઘડતર પણ કર્યું’ છે. આ કૃતિઓને આધારે સ્પષ્ટ કહી શકાય છે કે ગુજરાતી ભાષાએ કાવ્યની- સાહિત્યની ભાષા તરીકેની પોતાની ક્ષમતા બરાબર રીતે પ્રેમાનંદના આવતાં સુધીમાં સિદ્ધ કરી બતાવી હતી. પ્રેમાનંદકાલીન અને પ્રેમાનંદના સાહિત્યના સર્જનની શક્તિમર્યાદાઓને ક્યાસ તત્કાલીન ને તત્પૂર્વકાલીન વિદ્યાકીય, સાહિત્યિક, રાજકીય, સામાજિક, ધાર્મિક આદિ વલણોના – સાંસ્કૃતિક વહેણોના વ્યાપક પરિપ્રેક્ષ્યને ખ્યાલમાં રાખીને કાઢવો જોઈએ. એ રીતે જોતાં પ્રેમાનંદમાં પરંપરાનું કેટલું અને એનું પોતાનું કેટલું તેનો રસપ્રદ ખ્યાલ આવી શકે. હેમચંદ્ર(ઈ. ૧૦૮૮-૧૧૭૨)થી દયારામ (ઈ. ૧૭૭૭૭- ૧૮૫૩) સુધીનો ગાળો તે આપણા ગુજરાતી સાહિત્યનો મધ્યકાળ. એ કાળમાં ગુજરાતમાં પ્રારંભિક અને અંતિમ તબક્કાનો કેટલોક સમય બાદ કરતાં વચ્ચેનો ઘણો લાંબો સમય મુખ્યત્વે મુસ્લિમ શાસનકર્તાઓના શાસનનો રહ્યો જણાય છે. મુસ્લિમ શાસનકાળના શરૂઆતના તબક્કાની અંધાધૂંધી અને અશાંતિ સિવાય, ખાસ તો ચૌદમા શતકથી સૂબાઓનો અમલ શરૂ થયો ત્યારથી, ગુજરાતની પ્રજાને એકંદરે સ્થિર, વ્યવસ્થિત વહીવટ મળ્યો. મુસલમાનોના આગમન અને વસવાટને કારણે આપણા સમાજજીવન પર–પહેરવેશ અને ખાણીપીણી પર, કળાકારીગરી અને વેપાર-ઉદ્યોગ પર, ભાષા અને સાહિત્ય પર એમની કેટલીક અસર થઈ ગુજરાતમાં બે વિધર્મી સંસ્કૃતિઓ એકબીજાના પરિચયમાં આવતાં સાંસ્કૃતિક સમન્વયની પ્રક્રિયા આરંભાઈ. આમ તો વિધર્મી શાસન હતું, છતાં મધ્યકાળનું સમાજજીવન એકંદરે તો અવિક્ષુબ્ધ-સ્વસ્થ રહેલું જણાય છે. એ સમયગાળા દરમ્યાન કેટલાક પ્રજાવત્સલ શાસકો થયા હોવા છતાં શાસકવર્ગ-આમવર્ગ વચ્ચે ચોખ્ખું અંતર વરતાય છે. સમાજમાં આમ જનતાનો ભાગ તો ગામડાંનો રહેનાર હતો. રાજધાનીથી દૂર - નગરથી દૂર ગામડાઓમાં વસતી પ્રજા સંપર્ક-વ્યવહાર-Communicationની મર્યાદિત સવલતોને કારણે ઠીકઠીક બંધિયાર-સંકુચિત જીવન ગાળતી હતી. રાજ્યનાં મુખ્ય કેન્દ્રોમાં, શાસકવર્ગમાં જે ઘટનાઓ ઘટતી, રાજસત્તામાં જે ઊથલપાથલો થતી, એની ગાઢી ને ચિરસ્થાયી સીધી અસર તો ગામડાંની પ્રજાને પ્રમાણમાં ઓછી જ થતી એ કાળે સત્તાપલટા છતાં પ્રજા એનાથી લગભગ અલિપ્ત-શી રહીને પોતાની રીતે જીવતી હતી. ક્યારેક શાસનની થોડીઘણી વિપરીત અસર થતી, તો એના મલમપટ્ટા પ્રજા પોતાની રીતે જ કરી લેતી. વળી, આખું પ્રજાજીવન જે પરંપરા અને માન્યતા પર સ્થિત હતું એના પર – પ્રજાના ધર્મજીવન-અધ્યાત્મજીવન પર વિધર્મી શાસનની અસર ખાસ જણાતી નથી. ઝીણવટથી જોઈએ તો વિધર્મી પરિબળો સામે ટકી રહીને પ્રજાએ પોતાનું આંતરસત્ત્વ સાચવ્યું છે. આમેય વિધર્મી (મુસલમાન) રાજકર્તાઓનો સીધો રસ તો અગ્રતાક્રમે સામાન્યતઃ સત્તા, દ્રવ્ય, આદિની પ્રાપ્તિનો હોય વળી ધર્મ જેવી બાબતોમાં હસ્તક્ષેપ કરી જનતાની નારાજગી વહોરવાનુંયે કેટલાકે પસંદ ન કર્યું હોય એમ બને, અને જ્યાં એવા હસ્તક્ષેપનો પ્રયત્ન થયો ત્યાં જનતાએ ઠીકઠીક શાણપણ, ચતુરાઈ ને જરૂર પડી ત્યાં અણનમતા વગેરે દાખવીને પરધર્મ સામેના બચાવની એક સબળ વ્યૂહરચના – ખાસ તો સંરક્ષણાત્મક સાંસ્કૃતિક વ્યૂહરચના ગોઠવી કાઢ્યાનું પ્રતીત થાય છે. અખો, પ્રેમાનંદ, શામળ આદિ કવિઓનો સમયગાળો, અગાઉ નિર્દેશ્યું તેમ, એકંદરે શાંતિ ને સુવ્યવસ્થાનો ગાળો છે. અકબર જેવાએ હિંદુ-મુસ્લિમ સમન્વયના સુંદર પ્રયત્નો આરંભેલા. આ મોગલાઈ શાસનકાળ દરમ્યાન જનતાએ ઠીકઠીક રાહતનો દમ ખેંચ્યો હોય એમ જણાય છે. આવા શાંતિકાળનો પ્રભાવ પ્રેમાનંદના મનોઘડતરમાં પણ કોઈક રીતે હોઈ શકે, તત્કાલીન રાજકીય વાતાવરણથી સાવ અલિપ્ત રહીને, પણ તત્કાલીન સમાજને નજર સમક્ષ રાખીને, તત્કાલીન ધર્મભાવનાને અનુસરતાં પ્રેમાનંદે કેટલીક ચિરંજીવ કૃતિઓનું સર્જન કર્યું. એ બાબત ધ્યાનાર્હ છે કે મુસ્લિમ શાસન હેઠળ પોતે સાહિત્યસર્જન કર્યું હોવા છતાં પ્રેમાનંદની એક પણ કૃતિમાં મુસલમાનોનો પરોક્ષ રીતે પણ ઉલ્લેખ મળતો નથી. મધ્યકાળના અન્ય સર્જકોના સર્જનમાં પણ તત્કાલીન શાસન-શાસક અંગેની માહિતી સામાન્યતઃ સાંપડતી નથી. વળી સાહિત્યસર્જનમાં સ્પષ્ટતયા હિન્દુકવિતામાં એની પ્રસ્તુતતાનો પ્રશ્ન પણ ખરો જ. પ્રેમાનંદે પોતાનાં આખ્યાનોમાં વૈષ્ણવ, શૈવ, શક્તિ આદિની ભક્તિનો સમાદર કર્યો જણાય છે. એમાં ક્યાંય એણે સંપ્રદાયજડતા દાખવી નથી. પ્રેમાનંદનો સમય એ મોગલાઈના અસ્ત અને મરાઠાઓના ઉદયનો હતો. જોકે એ સમયે થયેલા રાજકીય ફેરફારો પ્રેમાનંદના જીવનકવનને ખાસ સ્પર્શ્યા હોય એવું લાગતું નથી. એણે તત્કાલીન રાજકીય જીવનને પોતાના કવનમાં કોઈ મહત્ત્વ આપ્યું નથી. એમ કરવાની કોઈ જરૂર પણ એને ઊભી થઈ નથી. એણે તો એ કાળના સમાજજીવનને જ પ્રાધાન્ય આપ્યું છે. પ્રેમાનંદની કૃતિઓમાં એના સમયના સમાજનું–એ સમાજના ધર્મો અને રીતરિવાજોનું, લોકોના સ્વભાવ અને સંસ્કારોનું દર્શન જરૂર થાય છે, જેની ચર્ચા યથાસ્થાને આપણે કરીશું. આપણે આજે જે ભાષા બોલીએ છીએ તે ગુજરાતી ભાષા અર્વાચીન ભારતીય આર્યકુળની ભાષા. તેનો પ્રારંભ ઈ. સ.ની ૧૦-૧૧મી સદીના અરસાથી લેખી શકાય. ઈ. ૯૬૧માં મૂળરાજ સોલંકી અને ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. ૧૦૯૪થી ૧૧૪૩) તથા અન્ય સોલંકી રાજાઓએ ગુજરાત પર શાસન કર્યું. એ પછી વાઘેલા રજપૂત રાજાઓએ સત્તાનો દોર પોતાના હાથમાં લીધો આ રાજાઓએ પોતાના શાસનકાળ દરમ્યાન ગુજરાતને દરેક ક્ષેત્રે સમૃદ્ધિ અને ગૌરવ બક્ષ્યાં આર્થિક, કલાકીય અને શિક્ષણિક ક્ષેત્રે ગુજરાતને માતબર બનાવી, આ રાજાઓએ ગુજરાતનો સીમાવિસ્તાર કેરીને સત્તાનો પ્રસાર કર્યો અને ગુજરાતનું સાંસ્કૃતિક-સાંસ્કારિક વ્યક્તિત્વ ઉપસાવ્યું. આ રાજવીઓએ દેશવિદેશના પંડિતોને પોતાના દરબારમાં આશ્રય આપ્યો અને એ રીતે વિદ્યા-કલાના ઉત્કર્ષને પ્રોત્સાહન આપ્યું. વિદ્યાપ્રેમી રાજા સિદ્ધરાજ જયસિંહના સમય દરમ્યાન પાટણ શહેર એક મોટા વિશ્વવિદ્યાલયના રૂપમાં ફેરવાઈ ગયું હતું. સુપ્રસિદ્ધ કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રના ગ્રંથ ‘સિદ્ધહૈમવ્યાકરણ’ના નિર્માણનો આ કાળ હતો. એ પછી ઈ. સ. ૧૨૯૭માં અલાઉદ્દીન ખીલજીએ પાટણના કરણ વાઘેલાને શિકસ્ત આપી અને ગુજરાત પર શાસન સ્થાપ્યું, ત્યારથી ગુજરાતમાં હિંદુ રાજાઓની સર્વોપરી સત્તા અસ્ત પામી. શરૂઆતમાં દિલ્હીના બાદશાહોએ સૂબાઓ દ્વારા ગુજરાત પર શાસન કર્યું. પણ થોડા સમય બાદ તૈમુર લંગ દ્વારા દિલ્હી પર આક્રમણ થતાં ત્યાંની રાજસત્તા શિથિલ બની. આ સ્થિતિનો લાભ લઈને ગુજરાતનો સૂબો ઝફરખાન ગુજરાતમાં સુલતાન બની બેઠો, અને તેણે પાટણમાં અલગ રાજ્ય સ્થાપ્યું. એના શાસનકાળમાં ગુજરાતનો ભૌગોલિક નકશો બદલાયો. તેણે ગુજરાતની સીમાને વિસ્તારી અને આર્થિક ક્ષેત્રે ગુજરાતને સમૃદ્ધ કર્યું. આ રીતે ગુજરાતની અસ્મિતાના ઉદયનો તબક્કો વિધર્મી શાસનની મુદ્રાવાળો પણ છે. સોલંકી, વાઘેલા, સૂબા તથા મોગલોના શાસન હેઠળ ગુજરાતમાં કલા આદિનો વિકાસ અને સમૃદ્ધિ જોવા મળે છે. હિંદુ રાજવીઓના શાસન દરમ્યાન જે પ્રશ્નો નહોતા ઉદ્ભવ્યા, એવા કેટલાક પ્રશ્નો મુસ્લિમ-વિધર્મી સલ્તનત દરમ્યાન ઊભા થાય તે સમજી શકાય એમ છે. મધ્યકાળના કેટલાક સૂબાઓની ચુસ્ત ને ઝનૂની ધર્મનીતિએ, ખાસ તો એમની વટાળપ્રવૃત્તિએ એમને લોકોમાં અપ્રિય કરી મૂક્યા. આ સૂબાઓ સ્ત્રીઓને પરેશાન કરતા, મંદિરો લૂંટતા, ધાર્મિક સ્થળોમાં ભાંગફોડ કરતા ને તેમને ભ્રષ્ટ કરતા અને હિંદુ પ્રજાને ધર્માન્તર કરવાની ફરજ પાડતા. સૂબાઓના આવા ધર્મઝનૂની વલણને પરિણામે સ્થાનિક પ્રજાએ આત્મસંરક્ષણાર્થે એવાં અત્યાચારનાં સ્થળ છોડી અન્ય સલાલત સ્થળે જવાનું ઈષ્ટ માન્યું. લોકો છૂટાછવાયા રહેવા લાગ્યા.૧[1] પ્રજાજીવનની આ વિચ્છિન્નતાએ ગુજરાતી ભાષા-સાહિત્યના સર્જન-ભાવન અને તદનુવર્તી વલણવિકાસમાં પણ યત્કિંચિત્ ભાગ ભજવ્યો હશે એમ લાગે છે. પરધર્મીઓના–પરભાષીઓના સંપર્કને કારણે ગુજરાતી ભાષાના ઘડતરને લાભ થયો. જુદી જુદી કોમના લોકો સાથેના પરિચયનો આપણી ભાષા પર, આપણું સંસ્કૃતિ અને આપણા સંસ્કારો પર પ્રભાવ પડ્યો. વળી પૂર્વે સંસ્કૃતિને જે રાજ્યાશ્રય મળતો, તે હવે મુસ્લિમ સલ્તનતને કારણે બંધ થયો અને સમાજના સામાન્ય વર્ગમાં સુગ્રાહ્ય થાય એવી ગુજરાતી ભાષાના વિકાસને વેગ મળ્યો. આ સાહિત્ય આમજનતાને પરસંસ્કારોના આક્રમણ વિરુદ્ધ ધર્મ અને નીતિના માર્ગે દોરવા માટે રચાયેલું હતું. તેથી એમાં પ્રયોજાયેલું ભાષાસ્વરૂપ આપણી ધર્મભાષા સંસ્કૃત પ્રત્યેનો આદરભાવ ટકાવી રાખે એવું હોવા સાથે લોકો સમજી શકે એવું સરળ હતું. લોકભાષામાં સાહિત્ય સર્જાવાને કારણે પ્રાંતીય ભાષાને જાણે નવું જ ચૈતન્ય મળ્યું. આ સમયે બૌદ્ધો અને જૈનોએ પણ ધર્મનો ઉપદેશ કરવા માટે પ્રાકૃત ભાષાઓનો વપરાશ કરવા માંડ્યો હતો, એ રીતે પણ સંસ્કૃત અને આમજનતા વચ્ચે અંતર વધતું ગયું. આમ આ સમયગાળામાં પ્રાંતીય ભાષાઓનો – સ્થાનિક તળભાષાઓનો ઉત્કર્ષ થયો. લોકો સમજી શકે એવી ભાષામાં સાહિત્ય રચાવાને કારણે સંસ્કૃત ધર્મપુસ્તકોના અનુવાદ પણ પ્રાંતીય ભાષાઓમાં સુલભ બન્યા. ગુજરાતીમાં રામાયણ, મહાભારત, ભાગવત અને અન્ય પુરાણો, ધર્મગ્રંથો પર આધારિત સાહિત્ય રચાવા લાગ્યું. એ સમયે પરધર્મીઓનાં થતાં આક્રમણો તેમજ અન્ય કારણોએ લોકોના જાનમાલની સલામતી ઓછી હતી. બ્રાહ્મણો પણ પોતાના જીવનને સંકુચિત કરી, આચારવિચારની જાળવણીમાં રોકાયા હતા. જ્યારે જૈન સાધુઓને તો પોતાના ગચ્છનો આશ્રય હોવાથી તેઓ ઉપાશ્રયોમાં જઈ સાહિત્ય અને ધર્મનો અભ્યાસ કરતા અને વિદ્યાસંસ્કારના જતન-સંવર્ધનનું કાર્ય કરતા. એમનું સાહિત્ય સચવાયું પણું ઘણું. તેથી જૈનેતરોને મુકાબલે જૈન સાધુકવિઓ દ્વારા રચાયેલું સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળી આવે છે. આ જ કારણે જૈનેતર સાહિત્યપ્રવાહ જૈન સાહિત્યપ્રવાહને મુકાબલે મંદ કે અલ્પક્ષુણ્ણ હોવાનું માની લેવાય નહીં. ઘણું જૈનેતર સાહિત્ય મૌખિક પરંપરા (‘ઓરલ ટ્રેડિશન')માં ફેલાતું ટક્યું લાગે છે. અનેક એવા કવિઓ છે જેની રચનાઓ એમના થઈ ગયા બાદ વરસો પછી લિપિબદ્ધ– હસ્તપ્રતસ્વરૂપે મળી હેય. નરસિંહનું દૃષ્ટાંત તરત યાદ આવે. પ્રેમાનંદના સંદર્ભમાં પણ આવું જ થયેલું જોઈ શકાય છે. પ્રેમાનંદ સ્પષ્ટતયા હિંદુ-બ્રાહ્મણપરંપરાનો પ્રતિનિધિ છે. એના સર્જનમાં વ્યાપક એવી હિંદુપરંપરાનાં દર્શન થાય છે. તેમાં વૈષ્ણવ, શૈવ ને શક્તિ ત્રણેય ભક્તિનાં રૂપ ઓછાવત્તા અંશે જોવા મળે છે. એનાં બહુધા પૌરાણિક વિશ્વ ધરાવતાં આખ્યાનોમાં જૈનધર્મ પરંપરાના સંકેતો ભાગ્યે જ મળે છે. વળી મધ્યકાળ દરમ્યાન કેટલાક સૂબાઓની ધર્માંધતાએ હિંદુ સંસ્કૃતિ અને વિધર્મી સંસ્કૃતિ વચ્ચેનો સંઘર્ષ પણ ક્યાંક ઊભો કર્યો. કેટલાક મુસ્લિમ શાસકોની ધાર્મિક જડતાએ અને તત્પ્રેરિત રાજકીય અંધાધૂંધીએ હિંદુ-સમાજને પોતાની વાડાબંધી અને સામાજિક આચારવિચારોને લગતા નીતિનિયમોને વધારે ચુસ્ત બનાવવા પ્રેર્યો. સમાજને સુગઠિત રાખવાની એક સંરક્ષણાત્મક વ્યૂહરચનાના સંદર્ભમાં જ્ઞાતિવ્યવસ્થાને હિંદુ પ્રજાએ સખત બનાવી. પરિણામે હિંદુ સમાજવ્યવસ્થામાં અનિવાર્યતયા સંકુચિતતા પ્રવેશી. વર્ણાશ્રમવ્યવસ્થા પણ ચુસ્ત થઈ. લોકો નાના નાના ગોળમાં કામ કરતા થયા. જ્ઞાતિઓ, પેટાજ્ઞાતિઓ, ઊંચનીચના ભેદભાવ, જ્ઞાતિબહિષ્કાર, રોટીબેટીવ્યવહાર વગેરેને કારણે મહાજનબળ વધ્યું. ધાર્મિક-સાંપ્રદાયિક- સામાજિક રૂઢિગત બંધનો સવિશેષ મજબૂત બન્યાં. અસ્પૃશ્યતાના ખ્યાલો વિશેષ સ્પષ્ટ બનીને ઊપસી આવ્યા. આમ સ્વકીય સંસ્કૃતિ અને સંસ્કારની રક્ષા માટે હિંદુ પ્રજાએ કચ્છપવૃત્તિનું અનુકરણ કર્યું. વિધર્મીઓથી પરાભવ પામેલી–પરાધીનતાનો ભાવ અનુભવતી હિન્દુ પ્રજાએ પોતાના ધર્મમાં જ આશ્વાસન જોયું. એમાંથી જ પ્રજાએ જીવન ટકાવી રાખવાનું બળ મેળવ્યું. આપણી ધર્મવ્યવસ્થા-જ્ઞાતિવ્યવસ્થાનાં મૂળિયાં ધારીએ છીએ તેથી ઘણાં ઊંડાં છે. આથી જ જે કંઈ સંઘર્ષો આવ્યા, તેમાંથી તે મૂળિયાં હચમચી ઊઠ્યાં, પણ ઊખડી તો ન જ ગયાં. આપણું સમાજનું આખુંય તંત્ર પંચપંચાયત, મહાજન, જ્ઞાતિ આદિ વિવિધ સંગઠનોએ સુબદ્ધ અને પ્રભાવક રહ્યું છે. આવાં સંગઠનોથી જ આપણા સમાજે વિધર્મીઓ સામે સામાજિક, સાંસ્કૃતિક કિલ્લેબંધી કરેલી જણાય છે. જ્ઞાતિના નિયમો તોડનારને નાતબહાર મૂકવો, એનો બહિષ્કાર કરીને એની સાથેનો બધો જ વ્યવહાર તોડી નાંખવો વગેરે વલણો આ કિલ્લેબંધીનું પરિણામ છે. આ પ્રકારની કિલ્લેબંધીથી પ્રજાનું કેટલુંક આંતરસત્ત્વ-સાહસનું હીર હાસ પણ પામ્યું, આપણું સમાજજીવન વામણું પણ બન્યું. દુશ્મનોના આક્રમણ સામે બચાવની વ્યૂહરચના ગોઠવી કાઢતા લોકોના પ્રત્યક્ષ જીવનમાં પ્રેમશૌર્યની અને સાહસસમર્પણની ભાવના કેવી-કેટલી એવો પ્રશ્ન થાય એવું પણ બન્યું. આમ છતાં કેટલુંક ગુમાવીનેય ધર્મ ટકી રહ્યો, ધર્મ એમની ટેકણ-લાકડી બન્યો. લોકો કર્મફળસિદ્ધાન્ત, પુનર્જન્મ વગેરેમાં માન્યતા ધરાવતા હોવાને કારણે પ્રારબ્ધવાદ તરફ વધુ પડતા ઢળ્યા. આપણું મધ્યકાળનું સાહિત્ય એકંદરે આવા લોકમાનસનું પ્રતિબિંબ પાડે છે. આ સમયગાળાની રાજકીય પરિસ્થિતિ વિશિષ્ટ રીતે હિંદુ પ્રજાનો ધાર્મિક ઝોક વધારવામાં કારણભૂત બની. વિધર્મી શાસન, વટાળપ્રવૃત્તિ, લૂંટફાટ, અંધાધૂધી વગેરેને કારણે પ્રજાજીવનમાં કંઈક અસંતોષ પ્રવર્તતો હતો. હિંદુ પ્રજાની પરંપરાગત શ્રદ્ધાઓ, એની સમૃદ્ધ ધર્મપરંપરા અને પારલૌકિકતાનો ખ્યાલ-આ સર્વે એને આત્મસંરક્ષણમાં વહારે આવ્યું. મધ્યકાળના ગુજરાતનું એક મહત્ત્વનું વલણ આત્મચૈતન્યને સાચવવાનું હતું. વિપરીત સ્થિતિમાંયે સમાધાનપૂર્વક ટકી રહેવાનું બળ આ કાળના સર્જકોએ પ્રજાને પૂરું પાડયું. આ યુગમાં રામાયણ, મહાભારત, પંચોપાખ્યાન, કાદંબરી, સિંહાસનબત્રીસી તથા ભાગવત, શિવપુરાણ, માર્કંડેયપુરાણ આદિ પુરાણોમાંથી પ્રચલિત લોકપ્રિય કથાનકો લઈને વિવિધ કવિઓએ કાવ્યકૃતિઓ રચી એમણે પ્રજાના ધર્મપ્રેમને ટકાવી રાખવામાં–પોષવામાં નોંધપાત્ર કામગીરી બજાવી. આ એમણે કર્યું પરંપરાગત ધર્મવારસા અને સંસ્કારવારસાનો મહિમા કરીને, એનો પક્ષ અને પ્રચાર કરીને. આ કાળના સાહિત્યમાં જે ગતાનુગતિકતા છે તેના મૂળમાં આવી પરંપરાગત ભાવના-નિષ્ઠા રહેલી જોઈ શકાય. સમાજમાં એકંદરે ધર્મનું વર્ચસ્વ બહુમાન્ય હોવાને કારણે તે સમયે સર્જાયેલું સાહિત્ય સવિશેષ ધર્મમૂલક જણાય છે. આમ જૈન સાધુઓએ તેમ જ જૈનેતરોએ પણ જનતાના ધાર્મિક સંસ્કારોને પોષે-દઢાવે એવું સાહિત્ય સર્જ્યું. એમણે સાહિત્યમાં ધર્મનાં વિવિધ સ્વરૂપોને વણ્યાં, ધર્મનીતિ-બોધના સંસ્કારોથી. તત્કાલીન સાહિત્ય પરિબદ્ધ છે, એના કારણમાં ધાર્મિક તેમ જ વિ-ધાર્મિક ઉભય પ્રકારની પરિસ્થિતિ જવાબદાર છે પ્રેમાનંદના સાહિત્યસર્જનમાંયે આવી ભૂમિકાનું પ્રચલન જોઈ શકાય. મુસ્લિમ રાજસત્તા દરમ્યાન સૂબાઓની ધામિક જડતાનો કડવો અનુભવ લઈ ચૂકેલી હિંદની પ્રજાની નિર્વેદપણે, હતાશ મનોદશાએ લોકોને ધર્મ તરફ વાળ્યા. ઉપરાંત આ સમયગાળામાં દેશભરમાં ફેલાયેલ ભક્તિઆંદોલન પણ પ્રજાને વિશેષ ધર્માભિમુખ બનાવવામાં નિમિત્ત બન્યું. સારાયે દેશમાં આવેલા આ ભક્તિના જુવાળથી ગુજરાત પણ અસ્પૃષ્ટ ન રહ્યું. પૂર્વે પણ ઈસવી સનના નવમા શતકમાં રચાયેલ ભાગવતની નવધા ભક્તિ અને દસમી ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિએ લોકોને આકર્ષ્યા જ હતા. આ ભક્તિ સૌ પ્રથમ વેદની ઋચાઓમાં અને એ પછી ઉપનિષદો, ગીતા, નારદનાં ભક્તિસૂત્રો, હરિવંશ, પુરાણસાહિત્ય વગેરેમાં જેવા મળે છે. અગિયારમા શતકમાં તે વૈષ્ણવ ભક્તિધર્મ દેશભરમાં ફેલાઈ ગયો હતો. શંકરાચાર્યે, જ્યારે ભારતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો વિશેષ વ્યાપ હતો એ અરસામાં, બૌદ્ધ ધર્મ સામે બ્રાહ્મણ ધર્મને વિશેષ લોકપ્રિય બનાવવા આમજનતા માટે ભક્તિમાર્ગ અને વેદાન્તીઓ ભાટે જ્ઞાનમાર્ગ –એમ બે વિભિન્ન માર્ગ ચીંધ્યા. સરળતાના ગુણને કારણે ભક્તિમાર્ગને વેગ મળ્યો, જનતાએ એને આવકાર્યો. અગિયારમા શતકથી ભક્તિમાર્ગ પૌરાણિકને બદલે સાંપ્રદાયિક બનવા લાગ્યો– જેનો આરંભ દક્ષિણ ભારતમાં થયો. આ ભક્તિમાર્ગના પ્રસારમાં દસમા શતકના બાર આલવારો, રામાનુજ અને એમની પૂર્વેના આચાર્યો, બારમા શતકના નિમ્બકાચાર્ય અને વિષ્ણુસ્વામી તથા મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય વગેરેનો આગળ પડતો ફાળો છે. મધ્યકાળમાં ગુજરાતમાં પણ નરસિંહ-મીરાં જેવા સંત-કવિઓના સાહિત્યસર્જનમાં ભક્તિની જ્વાળાઓ પ્રગટેલી જોવા મળે છે. આપણા સંતો, આલવારો તથા ભક્તિમાર્ગના કેટલાક આચાર્યોની પરંપરામાં જ ગુજરાતના સંતભક્તકવિઓ–નરસિંહ, મીરાં આદિ આવે છે. તેમની કવિતા ભક્તિનું એક વાતાવરણ સરજે છે, જેમાંથી ગુજરાતી કવિતાસાહિત્યને નવું બળ અને પ્રેરણા મળે છે, અનેક કવિઓ ભક્તિની કવિતા રચે છે. પ્રેમાનંદના આવતાં સુધીમાં, ગુજરાતી સાહિત્યમાં ભક્તિકવિતાનું સર્વોચ્ચ શૃંગ નરસિંહ-મીરાં દ્વારા સર થઈ ગયું હતું. પ્રેમાનંદને પોતાને એ ભક્તિપરંપરાનો લાભ મળ્યો જ છે. ઉપર્યુક્ત ભક્તિ-આંદોલનનના કારણે સર્વે વર્ણના લોકોને ભક્તિમાર્ગમાં પ્રવેશ મળ્યો. રામાનંદની પ્રેરણાથી વણકર કબીર, ચમાર રૈદાસ, હજામ સેન ને ખાટકી સદના મહાત્મા થયા. કેટલાક મુસલમાનો પણ આ આંદોલનમાં સામેલ થયા. પરિણામે ભક્તિમાર્ગનો પ્રચાર-પ્રસાર વધ્યો. વળી આ પ્રચારવ્યાપ્તિમાં આ અરસામાં ભારતમાં પ્રવેશેલ ઇસ્લામ ધર્મ પણ કારણભૂત ખરો જ. ઈસવી સનના આઠમાં સૈકાથી હિંદમાં ઇસ્લામ-ધર્મી સંતોની આવનજાવનનો આરંભ થઈ ચૂક્યો હતો.૨[2] એ ધર્મનાં એકેશ્વરવાદ, સમતા, સાદી ધાર્મિક વિધિઓ ઇત્યાદિ સરળ તત્ત્વો અહીંની જનતાને ગમી જાય એવાં હતાં. એના પ્રભાવ સામે આપણા સંતો–આચાર્યોએ સર્વધર્મના લોકોને આકર્ષે એવો સુલભ ભક્તિમાર્ગ ખોલી આપ્યો, ને જે કેટલાંક ઇષ્ટ તત્ત્વો ઈસ્લામમાં હતાં તે પોતાનામાં વણી લીધાં. વળી શંકરાચાર્યે ચીંધેલા ભક્તિમાર્ગમાં પ્રેમલક્ષણા ભક્તિનું તત્ત્વ ઉમેરાતાં એ લોકહૃદયને માટે વિશેષ આકર્ષક બની રહ્યો. આ પ્રેમલક્ષણા ભક્તિમાં ઈશ્વરને પ્રિયતમરૂપે કલ્પી, સ્ત્રીભાવે અને સર્વસ્વનું સમર્પણ કરીને એની આરાધના કરવામાં આવે છે. ભાગવતમાં ભક્તિનું આ સ્વરૂપ સુંદર રીતે પ્રગટ થયું છે. આ સમયગાળામાં ભારતભરના સાહિત્યમાંયે ભક્તિનું આ સ્વરૂપ પ્રગટ્યું છે. પૂર્વ ભારતમાં જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ વગેરેએ, પશ્ચિમમાં નરસિંહ અને મીરાં આદિએ, ઉત્તરમાં કબીર, સૂરદાસ અને તુલસીદાસે તથા દક્ષિણમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ વગેરેએ કેટલુંક ઉત્તમ ભક્તિસાહિત્ય સર્જ્યું છે. આમ ભક્તિના મોજાએ સમગ્ર ભારતીય સાહિત્યને સમૃદ્ધ કર્યું. આ ભક્તિ-કવિતાને કારણે સાહિત્ય શુષ્ક ન રહેતાં કૃષ્ણાદિની વિવિધ લીલાઓના ગાને ભાવરસમધુર બન્યું. આ ભક્તિપ્રવાહે પ્રેમાનંદ પછી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તાનંદ, પ્રેમાનંદ અને બ્રહ્માનંદની તથા કબીર સંપ્રદાયના જીવણસાહેબ જેવાની અને એ જ રીતે રાજે, દયારામ વગેરે કવિઓની કૃતિઓમાં પણ પોતાનો ઉદ્રેક-ઉછાળ પ્રગટ કર્યો છે. દયારામમાં તો તે પ્રવાહ એવી રીતે પ્રગટ્યો કે તેમાંથી મુનશીને દયારામ કૃષ્ણનું ઓઠું લઈ નિજી પ્રેમસંવેદન વ્યક્ત કરતો પ્રણયકવિ હોવાનો વહેમ ગયો. આ ભક્તિપ્રવાહનો રંગ જૈન કવિઓમાંયે–જેમકે આનંદધન જેવામાં– અત્રતત્ર પ્રગટ થયેલ છે. કેટલીક વૈરાગ્યની કવિતાને પણ ભક્તિકવિતાની પડછે જોવી ઘટે. આ યુગમાં ભાલણ પાસેથી મળતો ‘કાદંબરી'નો અનુવાદ તે કાળના અમુક પ્રકારના–અમુક કક્ષાના લોકોની રસિક્તાનો પુરાવો આપે છે. એ સમયમાં સંસ્કારી શ્રોતાઓ, વિદ્વજ્જનો વિના આવા ગ્રંથની રચના સંભવે નહીં. શ્રી કે. હ. ધ્રુવે કહ્યું છે તેમ હિંદની કોઈપણ ભાષામાં કાદંબરીનો પદ્યબંધ તરજૂમો થયો નથી.૩[3] ઉપરાંત, બિલ્હણકૃત ચૌરપંચાશિકાનો અનુવાદ, કર્પૂરમંજરીની કથા, સદેવંતસાવળિંગા, નંદબત્રીસી વગેરે પ્રેમવિષયક કૃતિઓ પણ મળી આવે છે–જે એ સમયના લોકોની રસવૃત્તિની સૂચક છે. આ કાળમાં સાહિત્ય મનોરંજન, સંસ્કારશિક્ષણ અને ધર્મનું માધ્યમ બન્યું છે. જનતાએ કથા-વાર્તા-ભજન-આખ્યાન આદિના શ્રવણ દ્વારા મનોરંજન માણવાની સાથે જ પોતાની ધર્મભાવનાને દૃઢાવી છે. રાજકીય અસ્થિરતા અને પરાધીનતાના ગાળામાં આખ્યાનકારોએ રામાયણ, મહાભારત, ભાગવત તથા પુરાણોમાંથી વસ્તુ લઈને આખ્યાનો રચ્યાં અને એ કથાઓ પ્રજા સમક્ષ ગાઈ સંભળાવી, એની ધર્મશ્રદ્ધાને પોષીને સંગીન સંસ્કારસેવા કરી. ઉપરાંત અન્ય સાહિત્યસ્વરૂપો—રાસ, ગરબા-ગરબી જેવી સમૂહભોગ્ય કલાઓ; ભજન, પ્રબંધ જેવાં ગેય સ્વરૂપો અને પ્રહેલિકા, ઉખાણા જેવાં માનવીની બુદ્ધિશક્તિને, ચાતુર્યને ખીલવે તેવા કાવ્યપ્રકારોએ પણ જનતાને સારા પ્રમાણમાં મનોરંજન પૂરું પાડ્યું. મધ્યયુગીન ગુજરાતમાં સાક્ષરતાનું ધોરણ ઘણું નીચું હતું. એ જમાનામાં આમજનતાને કેળવણીની ખાસ જરૂર નહોતી. આથી અમુક લોકો જ ખપ પૂરતું અક્ષરજ્ઞાન ધરાવતા હતા. બ્રાહ્મણ જ્ઞાતિ અંગે વિચારીએ તો, એ સમયે આજીવિકા અને ધર્મ બંને એકમેકમાં મળી ગયાં હતાં. સમાજમાં વ્યાપેલી મજબૂત વર્ણાશ્રમવ્યસ્થાના શિરમોર સમા બ્રાહ્મણો જ યથાશક્તિ અધ્યાપનકાર્ય તથા સઘળાં ધર્મકાર્યો કરતા. સામાજિક, રાજકીય ક્ષેત્રે એમનું સ્થાન મહત્ત્વનું હતું. બ્રાહ્મણોમાંથી પણ કેટલોક વર્ગ તો કેવળ જ્યોતિષ, કર્મકાંડ અને ધાર્મિક વિધિઓ પૂરતું જ જ્ઞાન ધરાવતો હતો. બહુ નાનો વર્ગ બ્રહ્મચર્ય દરમ્યાન પાઠશાળાઓમાં કે ગુરુના ઘેર જઈ વેદ, શાસ્ત્રો, ઉપનિષદો, કાવ્ય-સાહિત્ય આદિનું અધ્યયન કરતો અને પછી યથાવકાશ કરાવતો. સમાજ પર બ્રાહ્મણવર્ગનું નિયંત્રણ રહેતું. સ્ત્રી, શૂદ્રને તે કેળવણી લેવાનો અધિકાર જ નહોતો. એ સમયે સંસ્કૃત અને વ્રજ ભાષાનું સાહિત્યમાં સવિશેષ ચલણ હતું. દેવભાષા સંસ્કૃત પ્રત્યે, એ સામાન્યતઃ ન સમજાતી છતાં, જનતા આદરભાવ રાખતી, વળી હિંદી અને વ્રજ એ વ્યાપક જનસંપર્કની ભાષા હતી. આપણા સાહિત્યની પદ અને ભજનપરંપરા પણ આ વ્રજભાષાથી પ્રભાવિત એ સમાજમાં વ્રજભાષાનું એક ચોક્કસ, પ્રતિષ્ઠિત અને આદરણીય સ્થાન હતું. આખ્યાનકવિ પ્રેમાનંદને એ ભાષાનો –એ પરંપરાનો પરિચય પણ ખરો જ. આ ખેતીપ્રધાન દેશમાં સ્ત્રીઓ પણ નિરક્ષર હતી. રૂઢિચુસ્તતાને કારણે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઘણું પાછળ હતું. મુસ્લિમ શાસનકાળ દરમ્યાન સૈન્યોની લૂંટફાટની અને આમજનતાને રંજાડવાની પ્રવૃત્તિને કારણે સ્ત્રીઓ સલામત નહોતી, તેઓ જાહેરમાં ખુલ્લા મોંએ હરીફરી શકતી નહીં કે ચર્ચા-વિવાદ કરી શકતી નહીં. તત્કાલીન સમાજે સ્ત્રીઓને શિક્ષણના અધિકારથી વંચિત રાખી છે એમાં તત્કાલીન રાજકીય પરિસ્થિતિયે કોઈક રીતે કારણભૂત હોઈ શકે. આ પરિસ્થિતિમાં પણ સ્વપ્રતિભાબળે ઉત્તમ ભક્તિસાહિત્ય સર્જી, લોકહૃદયમાં ચિરંજીવ સ્થાન મેળવનાર મીરાંનો સબળ અપવાદ મળી આવે છે. જોકે મીરાં જેવી સંતભક્ત કવયિત્રીમાં કેટલીક રીતે વિદ્રોહનું વલણ જોવા મળે છે. એટલે જ, નરસિંહના જીવનને પોતાના સર્જનમાં વણી લેનાર પ્રેમાનંદ મીરાંના જીવન અંગે કેમ મૌન રહ્યા એ પ્રશ્ન પણ ઉદ્ભવે. વળી તત્કાલીન સ્ત્રીઓની સામાજિક સમસ્યાઓ મધ્યકાળમાં પ્રેમાનંદ આદિના સાહિત્યસર્જનમાં પણ વણઊકલી જ રહી એ સમજી શકાય એવું છે, કેમકે પ્રેમાનંદ સુકવિ છતાં કેઈ મહામેધાવી યુગસર્જક કવિ તો નહોતો જ, એનું દર્શન એવું લોકોત્તર ને આગવું નહોતું, કે જેમાંથી નારીજીવનના પ્રશ્નોનો સર્વગ્રાહી અંદાજ મળી રહે. મધ્યકાળમાં ગુજરાતમાં સંયુક્ત કુટુંબની પ્રથા પ્રચલિત હતી. સમાજમાં જન્મ, નામકરણ, જનેઈ લગ્ન, સીમંત, મૃત્યુ, શ્રાદ્ધ જેવા સારા–માઠા પ્રસંગોએ જુદીજુદી વિધિઓ આચરવામાં આવતી. ઉપરાંત, કન્યાવિક્રય, વરવિક્રય, દહેજ, બાળલગ્ન, સતીપ્રથા વગેરે રિવાજે પણ વ્યાપક હતા. એ સમયે હોળી, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી જેવાં પર્વો પણ જનતા ઉમળકાથી મનાવતી. એની સાથે સાથે સાહિત્યમાં સામાજિક ઉત્સવોનાં ગીતો પણ રચાતાં. સમાજમાં યજ્ઞયાગ, વ્રતતપ, તીર્થયાત્રાનો ઘણો મહિમા હતો; તો વહેમ, અંધશ્રદ્ધા-ભૂત-પ્રેત, મંત્રતંત્ર, ચમત્કાર અંગેની માન્યતાઓ; કર્મફળ, પુનર્જન્મનો સિદ્ધાંત, પ્રારબ્ધવાદ વગેરે પણ લોકમાનસમાં પ્રબળપણે રોપાયેલાં હતાં. આને કારણે સમાજનું માનસ પણ અમુક નિશ્ચિંત પરિપાટીને અનુસરનારું હતું. ભક્તજનોને મુશ્કેલીના કપરા સંજોગોમાં પ્રભુ તરફથી મળતી દૈવી-ચમત્કારિક મદદનાં લોકપ્રિય કથાવસ્તુ દ્વારા લોકોને ભક્તિ-ધર્મ તરફ આકર્ષવાનો પ્રયાસ આ યુગના સર્જકોએ પુરાણકારોને અનુસરીને જારી રાખ્યો જણાય છે. સુદામા, સુધન્વા, નરસિંહ જેવા ભગવાનના પરમ ભક્તો આકરી કસોટીના કાળમાં પણ ભગવદ્ભક્તિમાં જ લયલીન રહી પ્રભુકૃપા મેળવે છે અને ભક્તવત્સલ ભગવાન એમને સર્વ પ્રકારે સહાય કરે એવાં એવાં વસ્તુ લઈને મધ્યકાળમાં અનેક આખ્યાનકારોએ અનેક આખ્યાનકૃતિઓ સર્જી છે. આ સમયગાળામાં ઊજવાતા સામાજિક ઉત્સવો તથા રાસ- ગરબા, આખ્યાન-કથા-વાર્તા-ભજન જેવી સમૂહભોગ્ય કલાઓમાં પણ કેન્દ્રીય પરિબળ તો ધર્મ જ છે. આ પ્રકારના સમાજસંદર્ભમાં રચાયેલું સાહિત્ય ભક્તિ-વૈરાગ્યને અને નીતિ તથા ધર્મબોધને સહજતાથી સ્વીકારે, એને પ્રાધાન્ય અર્પે એમાં કશું અજુગતું નહીં લેખાય. આથી જ મધ્યકાળનું ઘણુંખરું સાહિત્ય ધાર્મિક સંસ્કારોને કેન્દ્રસ્થાને સ્થાપે છે. આ સાહિત્યે યથાશક્તિ મનોરંજન પણ જનતાને પીરસ્યું છે. આ કાળમાં આખ્યાન-કથાવાર્તા-ભજનકીર્તન દ્વારા નિરક્ષર પ્રજાને સંસ્કારશિક્ષણ અપાયું છે. સમાજનો ઘણોખરો વર્ગ નિરક્ષર હતો એવા સંજેગામાં સાહિત્ય પાસેથી પ્રજાની અપેક્ષા પણ પ્રમાણમાં આજને મુકાબલે ઓછી–મર્યાદિત હશે. જનમનરંજન અને ધર્મસંસ્કારો પીરસે એવા સાહિત્યથી – એવી કથાવાર્તાથી આ સમાજ મેળવવા જેવું મેળવી લીધું એે સંતોષ અનુભવતો હોય તો નવાઈ નહીં. આમ લોકમાનસની સીમિત અપેક્ષા અને સર્જકમાનસની દૃષ્ટિ-મર્યાદાને કારણે આ યુગના સાહિત્યની કામગીરીનો -સ્તર અપવાદરૂપ પરિસ્થિતિ સિવાય સામાન્ય જ લાગે છે. આ યુગના કવિનું વિષયવર્તુળ પણ સાંકડું છે. સાહિત્ય સર્જનારો મોટો વર્ગ તો ભગતો, આખ્યાનકારો, કથાકારો અને સાધુ–વૈરાગીઓનો છે. તત્કાલીન સાહિત્યની ધર્મસાપેક્ષતાનું એક કારણ આ પણ ખરું. અલબત્ત, ધર્મ પોતે પણ બૃહદ્, વ્યાપક વસ્તુ છે. એટલે ધાર્મિક વિષયોમાં પણ સમર્થ કવિને માટે તો ઘણું કરવાનો અવકાશ રહે જ. સારા સર્જકના સાહિત્યમાં ધાર્મિકતા સાથે રસાત્મકતા પણ મળે છે. તત્કાલીન સાહિત્યનાં સ્વરૂપોમાં વૈવિધ્ય નથી એવું પણ નથી. મધ્યકાળમાં બધા જ સર્જકો એક પ્રકારની ધાર્મિકતાથી પ્રેરાઈને લખતા હતા. લખવા માટે એમને ધર્મથી ઇતર વિષયો ખાસ સૂઝ્યા નથી. આ સાહિત્યમાં ઐહિકતાનો ઝાઝો આદર થયો નથી, પણ પારલૌકિકતાનો સતત આદર-મહિમા થયો છે, કેમકે આમ- પ્રજાને ગળથૂથીમાંથી જ એનો મહિમા ઠસાવવામાં આવતો હતો. અલબત્ત, એનો સદ્-અંશ એ પણ ખરો કે મિથ્યાત્વના વળી વળીને રજૂ કરાતા ખ્યાલથી સમાજમાં ખોટાં મૂલ્યોની પ્રતિષ્ઠા થતી કેટલેક અંશે અવરોધાઈ, સામાજિક વિકાસની સમતુલાને પણ એથી કેટલીક મદદ થઈ હશે, પરંતુ ઐહિક્તાના અનાદરને કારણે ઠીકઠીક ગુમાવવાનુંયે બન્યું છે. મધ્યકાળમાં આત્મકથા જેવું સાહિત્યસ્વરૂપ મળતું નથી. મધ્યકાળના સર્જકો આત્મલક્ષી વિષય-વસ્તુ તરફ લગભગ વળ્યા જ નથી. કદાચ ‘અહમ્ અને મિથ્યાપણા' અંગેના ખ્યાલો પણ આવા વલણમાં કારણભૂત હોય એમ બને. આ સાથે જ, એ યુગના કવિ-સાહિત્યસર્જકનો બૌદ્ધિક સ્તર કેવો-કેટલો એ મુદ્દો પણ વિચાર માગી લે એેવો છે. આ યુગના કવિ સામે જીવન-કળા કે કળા-જીવનનો કોઈ મજબૂત પડકાર (Challenge) નથી, એની સર્જકતાને કોઈ એેવો ઉગ્ર પડકાર નથી. સામાન્યતઃ તો પૌરાણિક સાહિત્યના અધ્યયને અને તેનામાં થોડીઘણી સર્જનાત્મકતા હોય તો તેના બળે પુરોગામીઓમાંથી થોડુંઘણું લઈને જે કંઈ સર્જે, એથી સામાન્ય શ્રોતાવર્ગ રંજન અનુભવતો, મધ્યકાળમાં મોટે ભાગે ખ્યાત વસ્તુ પર અને તેમાંયે વિશેષ ધાર્મિક વસ્તુ પર કામ કરવાનું સર્જકોનું વલણ રહ્યું છે. મધ્યકાલીન સાહિત્યમાં કલ્પનોત્થ પ્રકારનું વસ્તુ એકંદરે ઓછું જણાય છે. આ યુગમાં ‘સર્જવું’ નહીં, પણ ‘જોડવું’–‘બાંધવું' એ જ ક્રિયા સર્જકપક્ષે બળવાન રહી છે. Literature for religion's sake –ધર્મને ખાતર સાહિત્ય – એ પરિસ્થિતિ ત્યારે પ્રવર્તતી જણાય છે. મધ્યકાળના ગુજરાતમાં પ્રજાએ ધર્મને જ સાચું જીવન ટકાવી રાખનાર ધારકબળ માન્યો છે. આપણી સંસ્કૃતિની એક મોટામાં મોટી ખૂબી એ છે કે પ્રજાએ શાસક કરતાં ધાર્મિક કાર્યો કરનાર વ્યક્તિને-સર્જકને, જે પોતાના સર્જન દ્વારા જનતામાં ધર્મભક્તિને સંવર્ધતો, તેને વિશેષ આદર આપ્યો છે. એ સમયે ધર્મનો નશો પ્રજાની નસેનસમાં વ્યાપેલો હતો. આ ધર્મ જ ભારતીય એકાત્મકતાનું રહસ્ય છે. સાંસ્કૃતિક એકતા સાધવામાં ધર્મે ઘણો ફાળો આપ્યો છે. વિદેશી પરિબળો સામે, વિધર્મ સામે ટકી રહેવાનો જુસ્સો પણ ધર્મે જ આમજનતામાં પૂર્યો. અલબત્ત, મધ્યકાળમાં સમયાંતરે સાંપ્રદાયિક પ્રચારપ્રવૃત્તિઓ – ભક્તિઆંદોલનો – ચાલી છે, અનેક રાજકીય ફેરફારો થયા છે તેમ છતાં આ બધું મધ્યકાળના સાહિત્યમાં વિષયવસ્તુ તરીકે સ્થાન પામ્યું નથી. આ યુગના સર્જકમાં Literary Awareness – સાહિત્યિક સજાગતા ખાસ વરતાતી નથી. મધ્યકાળના સાહિત્યમાં વિવેચન- પ્રવૃત્તિનો અભાવ છે. મૌલિક્તાની તપાસનો સવાલ મધ્યકાળમાં ઊઠતો નથી. મુદ્રણયંત્રો વિનાના એ જમાનામાં કોઈ કવિ પોતાની પૂર્વના કવિઓ કરતાં ક્યાં જુદો પડ્યો, એણે અગાઉના કવિના સર્જનમાંથી કેટલું લીધું અને એમાં નવું કેટલું ઉમેર્યું-આવા પ્રશ્નો એ સમયના લોકોને મન બહુ મહત્ત્વના નહોતા, એટલે આજે મૌલિક્તાનો જે પ્રશ્ન છે, એને એ જમાનામાં સહેજ વિશિષ્ટ રીતે જોવો જેઈએ. આથી જ સાહિત્યની સભાન રીતે સાધના કરનારા આ યુગમાં કેટલા ?-એવો પ્રશ્ન અહીં અસ્થાને બની રહે છે. પારલૌકિક સાધનામાં ઉપયોગી થાય એવું વસ્તુ આ યુગના કવિએ પોતાના સર્જનમાં વણ્યું છે. ધાર્મિક સાહિત્યનું સર્જન અને એ દ્વારા જનમનરંજન તે જ એ જમાનામાં લોકમાન્યતા પ્રાપ્ત કરવાનું મહત્ત્વનું ધેારણ હતું. આ સાહિત્યમાં ભક્તિને નિમિત્તે, નામસંકીર્તન –નામસ્મરણના મહિમાને નિમિત્તે વિષયવસ્તુમાં પુનરાવર્તનનો છોછ રહ્યો નથી. સાહિત્યમાં ભક્તિનો, ભક્તિ કરનારનો અને વૈરાગ્યની ભાવનાનો મહિમા થયો છે. પણ એની તુલનામાં પ્રત્યક્ષ જીવનનો ઝાઝો સમાદર એમાં થયો નથી. સંસારમાં-જિવાતા જીવનમાં રસ પડે એવું એ સમયના સાહિત્યમાં પ્રમાણમાં ઓછું નજરે પડે છે. ‘માનવતાની ભાવનાના અપૂર્વ રંગો'નો૪[4] એમાં અભાવ વરતાય છે. મધ્યકાલીન કવિનું રસવિશ્વ સાંકડું હતું એમ આનંદશંકરે કહ્યું છે૫[5] એ એક અર્થમાં સાચું છે. અલબત્ત, એ સાંકડા રસવિશ્વ માટે પણ તત્કાલીન જીવનનાં પરિબળોની જવાબદારી ઓછી નથી. તેમ છતાં એ અશાંત પરિસ્થિતિમાંયે કવિહૃદયની કેટલીક સાચી ઊર્મિઓ ચિરંજીવ બનીને આપણા મધ્યકાળના સાહિત્યમાં ઝિલાય છે. એમ ન થયું હોત તો આપણને નરસિંહ-મીરાં કે અખો–પ્રેમાનંદ-દયારામ ન મળ્યા હોત. મધ્યકાળના ગુજરાતનું પ્રજાજીવન શોર્ય, ધર્મ, પ્રેમ અને માનવતાવિહોણું નહોતું જ તે તત્કાલીન સાહિત્ય દ્વારા પ્રતીત થાય છે જ. હેમચંદ્રના દુહા, 'વસંતવિલાસ’, ‘રણમલ્લછંદ', ‘કાન્હડદેપ્રબંધ', ‘કાદંબરી', પ્રેમાનંદનાં આખ્યાનો, શાભળની વાર્તાઓ, દયારામની ગરબીઓ, ફાગુકાવ્યો, પ્રબંધો, ભવાઈ, લોકસાહિત્ય વગેરે લોકહૃદયના ભાવવિશ્વને – તેના ઉલ્લાસ-ઉમળકા વગેરેને, જીવનની મંગલતાને સુરેખ રીતે અને સચોટપણે પ્રગટ કરી આપે છે. આ કાળમાં જે કંઈ સાહિત્ય સર્જાયું તે મુખ્યત્વે ત્રણ સમૂહભોગ્ય લોકભોગ્ય પરંપરાના અનુસંધાનમાં તપાસવું જોઈએ : (૧) પદ-ભજન-કીર્તન (૨) કથા-વાર્તા-આખ્યાન (૩) રાસ-ગરબી- ગરબા હીંચ-હમચી. આ ત્રણ પરંપરાઓને આધારે મધ્યકાળના ઘણાખરા સાહિત્ય-પ્રકારો રચાયા છે, એ પ્રકારોમાં કલારસ સાથે ધર્મ-નીતિ બોધનો સંસ્કારરસ તો અનુસ્યૂત હતો જ. મધ્યકાળનું સાહિત્ય મુખ્યત્વે બે પ્રકારે સચવાયેલું છે : (૧) કંઠસ્થ પરંપરારૂપે અને (૨) હસ્તપ્રતોમાં. જે કૃતિઓ કંઠપરંપરાએ ઊતરી આવી છે, એમાં પેઢી દર પેઢી ભાષામાં પરિવર્તન આવ્યું હોવાને કારણે એની ભાષામાં અર્વાચીનતાનો સ્પર્શ જોઈ શકાય છે. જ્યારે હસ્તપ્રતોમાં જે સાહિત્ય સચવાયેલું છે, એમાં આપણે તત્કાલીન ભાષાનો પરિચય મેળવી શકીએ છીએ. પદ્યની કંઠોપકંઠ-પરંપરાને મધ્યકાળના ઘણાખરા સાહિત્યસર્જકોએ જારી રાખી છે. આ યુગનું મોટા ભાગનું સાહિત્ય પદ્યમાં રચાયું છે. છાપખાનાં અને મુદ્રણયંત્રોની અનુપસ્થિતિના કાળમાં સાહિત્યના અપ્રકાશિત, હસ્તલિખિત રૂપને કારણે આ યુગના સાહિત્યમાં કંઠોપકંઠ-પરંપરા મહત્ત્વની બની. સંતો-કવિઓ જે કવિતા સ્વમુખે જનસમાજ સમક્ષ લલકારતા, એને શ્રોતાઓ પોતાના કંઠમાં ઝીલી લઈને યાદ રાખતા અને અનુગામી પેઢી સુધી એ સાહિત્યને પહોંચાડતા. પદ્ય ગદ્ય કરતાં ટૂંકું, લયબદ્ધ અને ગેય હેાવાથી સરળતાથી સ્મૃતિમાં સચવાતું. ઉપરાંત, હૃદયનો ઊર્મિધબકાર-ભાવાવેશ પદ્યમાં સુંદર અભિવ્યક્તિ પામતો. આ સમયના સાહિત્યમાં ગદ્યની ખાસ પ્રતિષ્ઠા થઈ નથી, ગદ્યનો પૂરો વિકાસ થયો નથી. આથી કવિઓએ પદ્યને જ સાહિત્યનું મુખ્ય વાહન બનાવ્યું. છે. આ યુગમાં કવિઓએ સુગેયતાના ગુણને કારણે કવિતામાં માત્રામેળ છંદો અને દેશીઓને જ વિશેષ પ્રયોજ્યાં છે. અક્ષરમેળ છંદો બહુ ઓછા જેવા મળે છે એનું એક કારણ લોકપ્રચલિત આ ગાન-પરંપરા પણ હોઈ શકે. મધ્યકાળના કવિઓએ કાવ્યરચનાની જૂની પરંપરાને જાળવવાની સાથે જ નવા નવાં સ્વરૂપો પણ નિપજાવ્યાં છે. રામાયણ, મહાભારત અને પુરાણો પર આધારિત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદના સમય સુધીમાં પદ-પદમાળા, રાસ-રાસા-આખ્યાન, પદ્યવાર્તા, ગરબો–ગરબી, ફાગુ, પ્રબંધ ઉપરાંત સલોકો, મુક્તક, બારમાસી, છપ્પા, ચાબખા, કાફી, છંદ, ચર્ચરી, નામેહ જેવાં ગૌણ સ્વરૂપો પણ મળે છે. મધ્યકાળનું આ સાહિત્ય mass-સમૂહ સાથે સંકળાયેલું સાહિત્ય છે. સમગ્ર મષ્યકાલીન સાહિત્યમાં જાણ્યે-અજાણ્યે ‘લિટરેચર ફૉર માસ સેઈક'ની ભાવના બળવત્તર બનેલી જોઈ શકાય છે. સાહિત્યનું વહેણ પ્રશિષ્ટતા તરફથી લોકભોગ્યતા તરફ વળતું જોઈ શકાય છે. એમાં પ્રશિષ્ટતા તરફનો અનાદર નહોતો, પરંતુ તત્કાલીન પરિસ્થિતિના તકાદાને કારણે લોકદરનો ભાવ સાહિત્યસર્જનમાં પ્રભાવક પરિબળરૂપે કામ કરતો થયો હતો એમ કહી શકાય. સ્વાભાવિક રીતે જ આ સાહિત્યમાં તત્કાલીન સમયની–તેના સમાજની તાસીર ઝિલાઈ છે. તત્કાલીન સમાજમાં પ્રચલિત કેટલીક ધાર્મિક વિધિઓ, ઉત્સવો આ સાહિત્યમાં સ્થાન પામ્યાં છે. આ સાહિત્ય સંસ્કારઘડતરનું છે. આથી એમાં સાહિત્યિકતા-સર્જકતા ઓછી છે. મધ્યકાળના કેટલાક કવિઓએ તો આજીવિકા મેળવવાના ઉદ્દેશથી પણ સાહિત્યસર્જન કર્યું છે. તો, એ કાળમાં કવિઓને મળતો રાજ્યાશ્રય પણ કવચિત્ કાવ્યરચના માટે નિમિત્ત બન્યો છે. મધ્યકાળમાં સત્તાનાં મુખ્ય બે કેન્દ્રો છે : (૧) રાજકીય સંસ્થા અને (૨) ધાર્મિક સંસ્થા. મધ્યકાળમાં કેટલાક રાજાઓ વિદ્યા, કળાને ઉત્તેજન આપતા અને કલાપોષક વાતાવરણ સર્જવા પ્રયત્ન કરતા. તેઓ વિદ્વાનોને રાજદરબારમાં મહત્ત્વનું, આદરભર્યું સ્થાન આપતા. કેટલાક કવિઓને રાજ્યાશ્રય પણ મળતો. રાજા સિદ્ધરાજ જયસિંહે બહુશ્રુત વિદ્વાન હેમચંદ્રાચાર્યને પોતાના રાજદરબારમાં નિમંત્ર્યા હતા. પદ્યવાર્તાકાર શામળને ચરોતરના જાગીરદાર રખીદાસે આશ્રય આપ્યો હતો. પદ્મનાભ ઝાલોરના ચૌહાણ રાજા અખેરાજનો આશ્રિત હતો. કવિઓને રાજ્યાશ્રય મળ્યાના આવા અપવાદો બાદ કરતાં સામાન્ય રીતે સર્જકને રાજ્યનો આશ્રય નહોતો. અલબત્ત, એ કાળે વિદ્વત્તાનો સમાદર હતો, પણ આજીવિકા-ભરણપોષણ ભાટે એમણે પોતે જ ઉદ્યમ કરવો પડતો. એકંદરે મધ્યકાળમાં વિદ્વત્તાના વિકાસ માટે ખાસ પ્રોત્સાહક ભૂમિકા દેખાતી નથી. વળી તત્કાલીન કવિઓના સર્જનમાં કવિકર્મ કરતાં ધર્મકર્મ-ધર્મકાર્ય સવિશેષ જણાય છે. તેઓ મહદંશે ધાર્મિક સાહિત્ય જ લખતા. આથી એમાં વિધર્મ કે પરધર્મનો અનુલ્લેખ સ્વાભાવિક છે. આ સમયસંદર્ભમાં પ્રેમાનંદના સાહિત્યસર્જનને જોતા એવા પ્રશ્નો ઉદ્ભવે કે એણે સાહિત્યનો અમુક પ્રકાર જ કેમ ખેડ્યો, વિષયવસ્તુ પણ અમુક વિશિષ્ટ પ્રકારનું જ કેમ પસંદ કર્યું, એના કથાવસ્તુમાં શા માટે નાવીન્યનો અભાવ છે આદિ. પણ એ વાત યાદ રાખવા જેવી છે કે પ્રેમાનંદ એના યુગનું સંતાન છે. સામાન્ય રીતે મધ્યકાળના કવિઓને મને ઈહજીવનમાંથી મુક્તિ અપાવનાર, મોક્ષદા ભકિત મહત્ત્વની હતી. પ્રેમાનંદ એ સમાજનું ફરજંદ છે, એટલે એના સર્જનમાં પણ ભક્તિ આલેખાઈ છે. પણ આ સર્જકને મન ભક્તિની સાથે સાથે જનમનરંજન પણ અગત્યનું છે. જોકે એ સમાજમાં મનોરંજનની ભૂમિકા કેવી હતી એ પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે. પ્રેમાનંદના સમય સુધી વ્યવસ્થિત રંગભૂમિ નહોતી. એ કાળે સાહિત્ય સિવાયનાં મનોરંજનનાં કેટલાંક સ્વરૂપો પ્રચલિત હશે. પણ નાટક જેવાં સમૂહમાધ્યમો મળતાં નથી. સૌ પ્રથમ નરસિંહમાં ‘નાટક’ શબ્દનો ઉલ્લેખ મળે છે.૬[6] પણ મધ્યકાળમાં નાટકો ભજવાતાં નહોતાં. એ સમયે ગુજરાતી નાટકોની લિખિત કે ભજવણીની કોઈ પરંપરા હોવાનું જાણવા મળ્યું નથી. એ સમયે અન્ય સાહિત્યસ્વરૂપો પણ લોકપ્રિય હતાં અને એ દ્વારા પણ જનતાને મનોરંજન મળતું હતું પણ પદ્યવાર્તા, પ્રબંધ, ફાગુ પદ વગેરે પ્રચલિત સાહિત્યપ્રકારોને બદલે પ્રેમાનંદે બહોળા લોકસમુદાયને આવરી લે એવા વિશેષ લોકપ્રિય અને જનતાને ભરપૂર મનોરંજન પીરસી શકે એવા આખ્યાનનો સાહિત્ય-પ્રકાર ખેડ્યો. પ્રેમાનંદ લોકહૃદયનો અચ્છો જાણકાર હતો. એ સમયના લોકો ધર્માભિમુખ હતા. પરિણામે પૌરાણિક સાહિત્યમાંથી વસ્તુ લઈને રચાયેલાં આખ્યાનો – જે ભક્તિનો જ મહિમા કરતાં હતાં— તે વિશેષ લોકપ્રિય નીવડે એમ હતાં એ સમયે ગામડાંઓમાં જૈન કરતાં જૈનેતરોની સંખ્યા વધુ હતી અને આ આખ્યાનનો સાહિત્યપ્રકાર વધારે પ્રમાણમાં શ્રોતાગણ લઈ આવતો. આખ્યાનનું સ્વરૂપ જનતાને મનોરંજન અને ધર્મસંસ્કાર ઉભયની લ્હાણ કરતું હોવાથી પ્રેમાનંદે એના પર હાથ અજમાવ્યો. પ્રેમાનંદ પાસે હિંદુપરંપરાનો, બ્રાહ્મણપરંપરાનો સંસ્કારવારસો છે. પોતાની કૃતિઓમાં એણે આ સંસ્કૃતિનું સંવર્ધન કર્યું છે, જતન કર્યું છે, એને સાચવી છે. એની એક પણ કૃતિમાં એવું વર્ણન નથી, જે એને અબ્રાહ્મણ ઠરાવે. પ્રેમાનંદે જીવનને નજીકથી જોયું છે. એનાં આખ્યાનોમાં આવતા સામાજિક રીતરિવાજો, વસ્ત્રાભૂષણો વગેરેના નિરૂપણમાં સમાજપરંપરા સાથેનો એનો ઘરોબો પરખાઈ આવે છે. એ જીવનધર્મી કવિ છે. ધર્મ, ઈશ્વર પ્રત્યેનું એનું વલણ આસ્તિક્તાનું છે. એ ધર્મનું મૂલ્ય સમજે છે. એટલે જ તે લોકોને આકર્ષણ રહે એવાં ધાર્મિક કથાવસ્તુવાળાં આખ્યાનોનું કથન કરે છે. પોતાનાં આખ્યાનોમાં એણે ભક્તિનો મહમા કરતાં પાત્રો જ પસંદ કર્યાં છે, જે એની ધર્મપરાયણતા સૂચવે છે. એની કવિતામાં જોવા મળતો પ્રાસાદિતાનો ગુણ પણ સંભવતઃ એના પ્રસન્ન વ્યક્તિત્વનો પરિચાયક છે. તત્કાલીન સમાજનાં વિવિધ પાસાઓમાં એને ખૂબ રસ પડ્યો છે. એટલે જ પ્રણાલિકાભંગનો પ્રશ્ન પ્રેમાનંદના સાહિત્યના સંદર્ભમાં ઊઠતો નથી. સમાજને આંચકો આપવાનો એનો હેતુ જ નથી. અલબત્ત, પ્રેમાનંદ જેવા મધ્યકાળના મોટા ગજાના કવિનું સર્જન જોતાં પણ આપણને જણાય છે કે, એનું દર્શન કંઈ શંકરાચાર્યના તત્ત્વદર્શન જેવું આગવું નથી, એમાં કોઈ નવું દૃષ્ટિબિંદુ કે નૂતન ઉન્મેષ નથી. મધ્યકાળના સમગ્ર સાહિત્યમાં કોઈનુંયે જીવનદર્શન-તત્ત્વદર્શન મહત્ત્વનું કે નવું નથી. પ્રેમાનંદના જીવનદર્શન-તત્ત્વદર્શન તેમ સમાજદર્શનમાં પરંપરાનો પ્રભાવ છે જ. તેનું પરંપરા સાથે અનુસંધાન-સાતત્ય પણ છે જ. આખ્યાનોમાં પ્રેમાનંદનું જે સમાજદર્શન છે, એમાં પૂર્વપરંપરાનો લાભ એને ઓછો મળ્યો નથી. એ સિવાય પણ એની પાસે જે પ્રાસ, ઢાળ, વર્ણનશૈલી આદિ છે તે આવી પરંપરા વિના ન આવ્યાં હોત. એ ધ્યાનપાત્ર છે કે એણે કોઈ સાહિત્યસ્વરૂપ કે theme પોતાની જ કલ્પનામાંથી સાંગોપાંગ ઊભું કર્યું હોય એવું જણાતું નથી. એણે જે વાફશૈલી- કથનશૈલી અપનાવી છે, એ પણ પરંપરાના પ્રસાદરૂપ છે. એણે જે કંઈ કર્યું, એમાંથી જો પરંપરાને બાદ કરીએ તો ઠીકઠીક હિસ્સો બાદ થઈ જાય. એણે જે કંઈ આગવી સાહિત્યિક સિદ્ધિઓ મેળવી છે તે કોઈ અકસ્માત નથી, પણ એમાં આખી પરંપરાનો ફાળો છે જ. પ્રેમાનંદે પરંપરામાંથી ઘણુંબધું લીધું હોવા છતાં એની રજૂઆત સ્વકીય રહી છે.


પ્રેમાનંદનો પ્રતિભાવિશેષ ભાગ-૧, પૃ.૧૦થી ૩૩



ટીપ

  1. ૧. 'ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન)' અનંતરાય રાવળ, પૃ. ૧૬
  2. ૨. 'સંદર્ભ' - સં. ચિમનલાલ ત્રિવેદી, જયંત કોઠારી 'મધ્યકાલીન ગુજરાતી કવિતામાં ભક્તિશૃંગાર' એ લેખ, પૃ. ૧૨૫
  3. ૩. ‘સાહિત્યકાર' ત્રૈમાસિકઃ પ્રેમાનંદ અંક. ફેબ્રુઆરી ૧૯૩૮, પૃ. ૩૮
  4. ૪. ‘ગુજરાત-એક સાંસ્કારિકવ્યક્તિ અને આદિવચનો’ -કનૈયાલાલ મુનશી, પૃ. ૬૮
  5. ૫. ‘કાવ્યતત્ત્વવિચાર’ આનંદશંકર ધ્રુવ, 'પ્રાચીન ગુજરાતી સાહિત્ય’ એ લેખ, પૃ. ૨૮૯
  6. ૬. ‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ’- સંશોધક સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા, ‘નાટક દેખી નંદસુતનું નરસૈંયાની સૂધ ટળી” (ચાતુરીઓ – ૧૯, પૃ. ૧૬૭) ‘નાનકડી નાટકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે’… (હિંડોળાનાં- પદ, પૃ. ૨૫૨)