નિરંજન/૨૮. સરયુનો હાથ


૨૮. સરયુનો હાથ

બપોરે નિરંજન ઘેર પહોંચ્યો ત્યારે એને મુંબઈથી તાર મળ્યો: ``તમે બીજે નંબરે પાસ થાઓ છો; પહેલે નંબરે સુનીલા. આજે પરીક્ષાના પરિણામનો દિવસ હતો, તે પણ નિરંજનને યાદ નહોતું રહ્યું. એટલે ઓચિંતાના આવેલા સમાચાર વિશેષ સુખકર થઈ પડ્યા. શ્રીપતરામ માસ્તરે ફરી એક વાર માથા પર ફટકો બાંધ્યો, ખભે પંચિયું નાખ્યું, ચાખડી પર ચડ્યા ને ઘી-ગોળ લેવા નીકળ્યા. ગામની દુકાને દુકાને કહેતા ગયા કે, ``કાં, ભાઈનો તાર આવી ગયો હોં કે! ભાઈ બીજે નંબરે આવ્યો. પણ તારના પટાવાળાએ ઠેર ઠેર વાત પસારી દીધી હતી કે, ``પહેલા નંબરે આવનાર તો એક છોકરી છે. એટલે માસ્તરસાહેબનું ટીખળ કરનારા કેટલાકોએ ટાઢા કલેજાના જવાબો વાળ્યા કે, `` `હવે તો છોકરિયુંય પે'લા નંબર મેળવે છે, માસ્તરસાહેબ! ખિન્ન થતા માસ્તરસાહેબ ચાલી નીકળ્યા ને આશરે દસેક ઘીની દુકાનો ભમી ભમી `ભાઈને ભાવે તેવું' ઘી શોધી કાઢ્યું. ભાઈને માએ કંસાર પીરસ્યો. એ કંસારમાં ઘીની ધાર જોડે માતાનાં હર્ષાશ્રુઓની પણ ધાર સીંચાઈ ગઈ. ત્રીજે દિવસે તાર-ઑફિસમાંથી મુકાયેલા એક તારની વાત ગામમાં ફૂટી નીકળી ને ફેલાઈ ગઈ: પહેલો નંબર આવનાર છોકરી દીવાનની ભાણેજ થાય છે. તેણે યુનિવર્સિટી પર કરેલો એ તાર હતો. તારમાં લખ્યું હતું: ``પહેલા નંબર તરીકેની ફેલોશિપ, ઇનામો, ચંદ્રકો અને સ્કોલરશિપોનું હું બીજા નંબરની તરફેણમાં રાજીનામું આપું છું. એ તારની મતલબ નિરંજનના કાન પર પહોંચી. ફરી એક વાર એ અકળાયો. સુનીલાની આ મહાનુભાવતા હશે? મને હીણવાની નેમ હશે? આવડું કીમતી ટીખળ કર્યું હશે એણે? કે વળી કોઈ સ્નેહની સંતાકૂકડી માંડી એણે? ખીજ પણ ખૂબ ચડી. જઈને મોઢામોઢ સંભળાવી દેવા ઉત્સુક બન્યો કે, તારાં ઊતરેલાં પુષ્પો હું નહીં પહેરું, તારા દાનનો હું ભિખારી નથી; મને મારી બુદ્ધિશક્તિએ અપાવ્યું છે તેટલાનો જ હું ગૌરવભર્યો સ્વામી રહીશ; `આને તો મળેલાં છે એક સ્ત્રી-વિદ્યાર્થીએ છોડી દીધેલાં માન' એવું જીવનભરનું આંગળી-ચીંધણું હું નહીં સહી શકું. સાંજે દીવાન-બંગલાનો પટાવાળો એક કાગળ આપી ગયો. કાગળ સુનીલાનો હતો. એમાં લખ્યું હતું: મામા તો આપણા બેઉના માનમાં મેળાવડો રાખવાના હતા, પણ તમે ને હું ભેગાં ન થઈએ તે જ ઇષ્ટ છે એમ સમજી મેં મામાને અટકાવ્યા. વળી, આ કાગળ મળશે ત્યારે હું મુંબઈને માર્ગે ઘણે દૂર નીકળી ગઈ હોઈશ. મારા નંબરનાં તમામ પારિતોષિકોનું મેં તમારી તરફેણમાં રાજીનામું આપ્યું છે તેથી ગેરસમજ ન પામશો. વિદ્યાપીઠના જીવનને કાર્યક્ષેત્ર બનાવવાના તમારા કોડ છે. એ કોડને પૂરા કરવામાં મારો આટલો સાથ સમજજો. હું જે કામ માટે ત્યાં આવી હતી તે જ રહી ગયું છે. હવે એ કાગળથી જ કરું છું. તમારા પગ પૃથ્વી પર ઠેરાયા પછી આ વાત કહેવી વધુ સલામત બને છે. એ વાત છે – સરયુનો હાથ ઝાલવાની. સરયુ માવિહોણી છે. નવી મા નાની વયનાં ને પતિનાં લાડીલાં છે. સરયુ દીવાનની દીકરી છે એ વાત વીસરી જજો; એ તો ગરીબ ગાય છે. તમારા ગગનવિહારની તો એ પાંખ નહીં બની શકે, પણ પૃથ્વી પરના તમારા માર્ગે કાંટા વાળનારી બની શકશે. તમારે ગૃહધર્મો અદા કરવાના છે ને? અલ્પસંતોષિણી મારી સરયુ એ કરી દે તેવી છે. ઈર્ષાને એ અવકાશ નહીં આપે. દીવાન મામા સરયુના પ્રશ્નમાં બહુ રિબાય છે. મારી પાસે હોત તોય સરયુ પુરુષોનાં માથાં ભાંગનારી ન બની શકત. જેમ કેટલાક પુરુષોનું તેમ કેટલીક સ્ત્રીઓનું પણ સ્વાભાવિક સ્થાન ચરણોમાં જ હોય છે. આ તો મારું નિરીક્ષણ થયું. તમે તો જાતે અનુભવ જ લેજો. મુંબઈમાં આપણે ન જ મળીએ તેવું તમે ઇચ્છતા હશો; હું પણ એમ જ ઇચ્છું છું. લિ. સુનીલા `ઠીક છે. બરાબર વાત છે.' નિરંજનને કાગળની ગડી વાળતાં વાળતાં પોતાના મનભાવોની પણ ગડી બેઠી. સુનીલાના મનોચિત્ર ઉપર નિરાશાનો લપેટો લગાવીને પોતે ઊઠ્યો. ઘરડાં માબાપની ચાકરી કરતી એક સુંદર વહુ એની આંખો સામે રૂમઝૂમી રહી. પગમાં ઘુઘરિયાળા છડા: હાથમાં બબ્બે કાચની બંગડી: વચ્ચે અકેક સોના-ચૂડી: આંગળાં વચ્ચે શી સુંવાળી સાવરણી શોભશે! નાનીશી રસીલી લાજ કાઢતી એ બાના પગ દાબશે, બાપુની પથારી કરશે. `સરયુ, બેટા, જરી આ ચૂનામાં પાણી દેજો તો!' એવું સસરાજીનું લાડકવાયું વચન સાંભળી છાના ઉમળકા અનુભવશે. ને હુંય બા-બાપુની નજર ચુકાવી એને જરી છમકલું કરીશ, તો કશું ન બોલી શકાયાથી એ ઘૂંઘટવાળી છોકરી મીઠી મૂંઝવણો અનુભવતી મારી સામે અમીભર્યા ડોળા ખેંચશે. બા-બાપુમાંથી કોઈ માંદું પડશે, તો અહીં એને ઘર ભળાવી હું મારો પુરુષાર્થ અણરૂંધ્યો મુંબઈમાં ચલાવ્યા કરીશ. ને એ દિનરાત `વહાલા હૃદયેશ્વર' વગેરે સંબોધને મારા પર કાગળ લખશે. હું પ્રત્યુત્તર વાળીશ, તેમાં એને તરબોળ પ્રેમમાં નવરાવી નાખનારાં પ્રેમસંબોધનો તેમ જ લાડ-વાક્યો લખીશ... ઠીક છે. ચિત્ર અતિ સુંદર છે. ચિત્રની સુંદરતામાં સહેજ કરુણાની ટીબકી છંટાય છે. પ્રેમનાં પાણી સ્થિર જીવનના બે કાંઠા વચ્ચે સુખકલ્લોલ કરતાં કરતાં વહેતાં રહેશે. ઠીક જ છે સુનીલાની ભલામણ. સરયુ પ્રત્યેની દયામયતા નિરંજનના હૃદયમાં ઘૂંટાવા લાગી. સરયુ જાણે કે ઘરમાં ગોઠવાઈ ગઈ. પ્રેમના ઉધામા જતા રહ્યા એવું જણાયું.