પુનશ્ચ/સ્મૃતિમાં

સ્મૃતિમાં

જેણે પ્રેમ કર્યો તે સન્નારી ક્યાં છે ?
જેણે પ્રેમ કર્યો તે સજ્જન ક્યાં છે ?
એ બન્નેએ જે પ્રેમ કર્યો તે પ્રેમ ક્યાં છે ?
એ બન્નેએ જે ક્ષણે પ્રેમ કર્યો તે ક્ષણ ક્યાં છે ?
ક્ષણ તો છે અનંતનો કણ,
એ કણ કણનો સરવાળો,
એ ક્ષણ ક્ષણનો સરવાળો
એટલે જ તો અનંત.
એ સન્નારી, એ સજ્જન,
એ પ્રેમ, એ ક્ષણ,
એ બધું એથી તો હવે અનંતમાં શમી ગયું,
એને હવે નથી આદિ, નથી અંત;
જોકે હજુ સ્મૃતિમાં તો રમી રહ્યું.

૨૦૦૫