પુરાતન જ્યોત/૭. રુદિયો રુવે


૭. રુદિયો રુવે

રોઈ રોઈ કોને સંભળાવું રે, જેસલજી કે' છે,
ઊંડાં દુખ કેને સંભળાવું રે જાડેજો કે' છે,
રુદિયો રુવે રે મારો ભીતર જલે.

અમે હતાં તોળી રાણી! ખારી વેલ્યે તુંબડાં,
તમ આવ્યે મીઠડાં હોય રે જાડેજો કે' છે.— રોઈo

અમે હતાં તોળી રાણી! ઊંડે જળ બેડલાં,
તમે રે ઉતારો ભવપાર, જાડેજો કે' છે.—રોઈo

કપડાં લાવો તોળી રાણી, સાબુએ સુધારું,
નિંદા થકી ઊજળાં હોય, જાડેજો કે' છે.— રોઈo

તમે જાવ તોળી રાણી, વડે સુંધે વાયકે,
તમ વિના દિનડા નવ જાય, જાડેજો કે' છે. — રોઈo

દોયલી વેળાની તોળી રાણી, ગાયત્રી સંભળાવો,
સંભળાવ્યે મુગતિ હોય, જાડેજો કે' છે. — રોઈo

*

જેસલ અને તોળલનાં જીવન એકબીજામાં આવી રીતે ઓતપ્રોત બની ગયાં. જેસલ હીરો ને તોળલ લાલ રંગી માણેક : ભક્તિના દોરમાં બેઉ પરોવાઈ ગયાં. જેસલ ચંપો ને તાળલ કેળ્ય : સતના ક્યારામાં બેઉ સજોડે રોપાઈ ગયાં. એને જેસલના ઉદ્દામ પ્રેમરૂપી જળ-હિલ્લોલ ફરતી સંયમની પાળ બનેલી તોળલ : જીવન-આરામાં બેઉ ઝૂલવા લાગ્યાં. અને એ પ્રેમ એટલે સુધી પહોંચ્યો કે બેઉએ એકીસાથે એક જ સમાધમાં બેસવાનો ઠરાવ કરી લીધો. આખરે જુદાઈનો એક દિવસ આવી પહોંચ્યો. જેસલ અને તોળલને મેવાડના સંતમંડળમાંથી ‘વડાં વાયક' આવ્યાં એટલે કે જ્યોતના પાટમાં હાજરી આપવા જવાનું નોતરું આવ્યું. બેઉએ ભેળા બેસીને પરિયાણ કર્યું : “જેસલજી! છેલ્લુકી વારનાં જઈ આવીએ. પછી તો નિરાંતે પાછા આવીને ભેળાં જ સમાશું.” કંઈ બોલ્યા વગર જેસલ ચાલ્યા. પણ અંજારના ઝાંપા સુધી આવીને એણે કહ્યું: “સતી! રુદિયો કહે છે કે હું ન આવું.” “ભલે જેસલજી! રુદો રાખે તેમ રહેવું.” જુદા પડતાં પડતાં જેસલ બાળક જેવો વ્યાકુળ બની ગયો. “અરે સતી! રોઈ રોઈ હું કોને સંભળાવું? મારા અંતરનાં ઊંડાં દુઃખ હું કોને સંભળાવું? મારો રુદિયો રુવે છે. કલેજાના ભીતરમાં ઊંડાણે જાણે કોઈ આગ જલી ઊઠી છે. હું કડવી વેલે તુંબડા જેવો, તે તમારા મેળાપથી મીઠો બન્યો. હું મધસાગરે કોઈ ખડક સાથે અથડાઈ ભાંગી જતા, સુકાની વિહોણા નાવ સરીખો, તેને તમે તારીને કિનારે લઈ આવ્યાં. જગતની નિંદાનાં જળથી મારો આત્મા ઓર વધુ ઊજળો બન્યો. ઘણા ઘણા લોકાપવાદ મારે માથે ચડ્યા તેની મને બીક નહોતી, ખેવના નહોતી પણ તમે મને તજી જશો તો એકલા મારા દિવસે કેમ નીકળશે?” "જેસલજી! હું વહેલી પાછી વળીશ.” એમ કહીને તોળલે મેવાડનો માર્ગ લીધો.