બરફનાં પંખી/શબ્દના લાક્ષાગૃહમાં
શબ્દના લાક્ષાગૃહમાં
મેડી પરથી કુંજડીઓની કતાર જેવા વાદળછાયા દિવસો થાય પસાર....
કોઈ ઉનાળુ નદીતીરનાં દૃશ્યોના ખીલ્લે બંધાતી છુટ્ટી ફરતી ગાય ભાંભરે સીમે સીમે.
તરબૂચના વાડા પાસેથી ખરી ગયેલા દિવસોના પીંછાનું અડવું મને સાંભરે ધીમે ધીમે.
વડલા નીચે માખી અડતાં ઊભી ગાયની ધ્રૂજે ચામડી એમ કંપતી પડતી અહીં સવાર.
મેડી પરથી કુંજડીઓની કતાર જેવા વાદળછાયા દિવસો થાય પસાર....
ચૈતરના વંટોળે ધૂળની થાંભલીઓને ગણતી ઊભી સાવ ઉઘાડા તળાવ જેવી આંખ.
કાગળિયે તો ખુલ્લા નળ-શી આંગળીઓની ચકલીઓએ ફર્રક દઈને મૂકી હવામાં પાંખ.
ધીમે ધીમે સાંજ ઊતરતાં હવે શબ્દના લાક્ષાગૃહમાં ચિનગારી-શો ફરી વળે સૂનકાર!
મેડી પરથી કુંજડીઓની કતાર જેવા વાદળછાયા દિવસો થાય પસાર....
***