બહુવચન/એક નૃવંશવિજ્ઞાનીનું ઘડતર
એ દિવસોમાં હું agregationની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાને ઇરાદે ફિલસૂફીનાં થોથાં ઊથલાવી રહ્યો હતો, એની પાછળ મારી નેમ જેટલી સાચુકલી કારકિર્દી અપનાવવાની હશે એના કરતાં, અત્યાર સુધીમાં મેં અન્ય વિષયોના ચકાસી જોયેલા નમૂના પરત્વે થઈ આવેલો અભાવ વધુ કારણભૂત હતો. હું જ્યારે lycee માં ‘ફિલસૂફી’ના અથવા તો ટોચના વર્ગમાં હતો, ત્યારે એક પ્રકારના બુદ્ધિમૂલક એકાત્મવાદ (rationalistic monism)નો પક્ષકાર બની રહ્યો હતો, જેને ન્યાયી ઠેરવવાનો કે ટેકો આપવાનો અવસર ઊભો થાય તે માટેની મારી પૂરી તૈયારી હતી; તેથી જે વિભાગમાં ગુસ્તાવ રોડરિગ્ઝ શીખવતા એમાં પ્રવેશ મેળવવા મેં ભારે જહેમત ઉઠાવેલી, રોડરિગ્ઝની ‘પ્રગતિશીલ’ હોવાની બોલબાલા હતી. એ વાત સાચી કે, એઓ S.F.L.O.ના એક લડાકુ સભ્ય હતા, પરંતુ ફિલસૂફીના સ્તરે એમની પાસે પ્રદાન કરવા જેવું કશું હોય તો તે બર્ગસૉંવાદ અને નવ્ય-કાન્ટવાદનું મિશ્રણ, એમનાં સૂકાં ભઠ અને રૂઢિવાદી મંતવ્યો એઓ અત્યંત જુસ્સાપૂર્વક રજૂ કરતા તેમ જ વર્ગના પૂરા સમય સુધી આવેગપૂર્વકની આંગિક ચેષ્ટાઓ કર્યે રાખતા. એમનાં મંતવ્યોથી મને અત્યંત નિરાશા સાંપડી. આવી ભોળી શ્રદ્ધાનું એનાથીય અધિક બૌદ્ધિક દારિદ્ર્ય સાથેનું ભેલાણ મેં કદી ભાળ્યું નથી. ૧૯૪૦માં જર્મનોએ પેરિસમાં પ્રવેશ કર્યો ત્યારે એમણે આત્મહત્યા કરી લીધી. એ જ વર્ગમાં મેં એ શીખવું શરૂ કર્યું કે પ્રત્યેક સમસ્યા, એ ગંભીર હો વા ગૌણ, એને એકસમાન પદ્ધતિ લાગુ પાડવાથી ઊકલી જતી હોય છે, જેમાં બે પારંપરિક મતોને એકબીજા સાથે વિરોધાવવામાં આવે છે; જેમાં બે પારંપરિક મતોને સામાન્ય સમજણની ભૂમિકાના આધારે વાજબી ઠેરવવામાં આવ્યા હોય એ રીતે રજૂ કરવામાં આવ્યા હોય છે, તે પછી એ વાજબીપણાનું બીજા મતને આધારે ખંડન કરવામાં આવતું હોય છે અને છેવટે એ બન્ને મતોને એકસમાનપણે અપર્યાપ્ત ઠેરવી એમને રદિયો આપવામાં આવતો હોય છે, પાડ માનીએ ત્રીજા મતનો જે પહેલા બન્ને મતોના અધૂરપભર્યા લક્ષણોને પ્રકટ કરી આપે છે, હવે એમને શાબ્દિક કૃતકતાથી એકના એક વાસ્તવનાં પૂરક અંગોમાં ફેરવી દેવાય છે : સ્વરૂપ ને એના વિષય-વસ્તુ; અસ્તિ અને એનાં આભાસો; સાતત્ય અને બિનસાતત્ય, અર્ક અને અસ્તિ વગેરે. આવો વ્યાયામ સત્વરે નિતાંત શબ્દાળુ બની જતો હોય છે, એનો આધાર શ્લેષ કરી શકવાની કુશળતા પર રહેલો છે; પછી આવી કુશળતા વિચારશક્તિનું સ્થાન લઈ લેતી હોય છે : સ્વરસામ્ય, ધ્વનિની સમાનતા તેમ જ દ્વિઅર્થીપણું ધીમે ધીમે એ તેજસ્વીપણે નિખાલસ બૌદ્ધિક સ્થિત્યંતરોનો પાયો રચી આપે જેને સંગીન ફિલસૂફીકરણની સંજ્ઞા માની લેવામાં આવે છે. સોરબોર્ન ખાતે ગાળેલાં પાંચ પાંચ વર્ષ, આખી રાત દળીને ઢાંકણીમાં સમાં નીવડ્યાં; એના માનસિક અખાડામાં નિપુણતા પ્રાપ્ત કરી તો ખરી, તથાપિ એમાંનાં જોખમો સ્પષ્ટ છે. સૌપ્રથમ, જે ટેક્નિક વડે બૌદ્ધિક સંતુલન જાળવી રાખવામાં આવે છે, એ એટલી તો સરળ હોય છે. તે કોઈ પણ સમસ્યાના કિસ્સામાં અજમાવી શકાય તેવી છે. પરીક્ષા માટે અમે જે તૈયારી કરતા હતા અને ખાસ તો lecon dagregationની ચરમ યાતના સમો મૌખિક ભાગ, (જે હેટમાંથી ખેંચેલી ચિઠ્ઠીઓમાંના પ્રશ્નો સાથે કામ પડતો હોય છે, એમાં થોડાક કલાકની મહેતલ આપવામાં આવે) હું અને મારા સહપાઠીઓ માનવામાં ન આવે એવા વિષયો લઈને વન્ય આવેગમાં આવીને પ્રશ્નો તૈયાર કરવા લાગી ગયા. મને શ્રદ્ધા હતી કે દશ મિનિટની તાકીદમાં હું એક કલાકનું વ્યાખ્યાન, એના સંગીન ઊહાપોહાત્મક (dialectic) માળખા સમેત, આપી શકું તેમ હતો. એમાં ટ્રામો અને બસોનું ચડિયાતાપણું અનુક્રમે કેમ વિકસતું ગયું એ વિષય લઈને વાત કરવાની હતી. આ ટેક્નિક કોઈ પણ તાળાને ખોલી આપવાની કૂંચી કેવળ પૂરી પાડતી નથી, એ આપણને એવું ધારવા ભણી દોરી જાય છે કે વિચારોની સમૃદ્ધ શક્યતાઓને માત્ર એકની એક પેટર્નમાં ઢાળી શકાતી હોય છે, તે પણ વળી પ્રારંભિક રૂપની મામૂલી ગોઠવણના ભોગે. સાચું પૂછો તો આ તો જાણે સંગીતને કેવળ એના સીધાસાદા સૂર (melody)માં ઢાળી દેવા જેવું છે, જેમાં એક વાર સંગીતકારને સમજાઈ જાય કે મુખ્ય સૂર કાં તો નિષાદ અથવા તો ખરજની સંજ્ઞામાં વાંચી શકાય તેમ છે. એ અર્થમાં ફિલસૂફી વિશેની તાલીમે અમારી બુદ્ધિને ખૂબ કસરત કરાવી, પરંતુ મનને તો કોરુંધાકોર જ રહેવા દીધું. જ્ઞાનની પ્રગતિને બૌદ્ધિક સંરચનાઓની વિકસતી જતી સંકુલતા જોડે ગૂંચવી મારવામાં એથીય મોટું જોખમ રહેલું હોવાનું હું જોઈ શકું છું. અમને કહેવામાં આવ્યું કે એક ગતિશીલ સંશ્લેષણનું નિર્માણ અમે કરી દેખાડીએ. એમાં છેક અપર્યાપ્ત સિદ્ધાંતોથી શરૂઆત કરી સૌથી સૂક્ષ્મ ભણી જવાનું હતું; એની સાથેસાથ અમારે એવો ખુલાસો પણ કરવાનો હતો કે પાછળનું ક્રમિકપણે આગળનામાંથી શી રીતે ઉત્ક્રાન્ત થતું ગયું. મૂળે તો, સત્ય શું અને મિથ્યા શું એ શોધી કાઢવા માટેની એ સિસ્ટમ જ હતી નહિ, જેટલી કે માનવજાતિએ અમુક વિરોધાભાસો પર ક્રમવાર સરસાઈ શી રીતે મેળવી એ અંગેની સમજણ પ્રાપ્ત કરવાની હતી. ફિલસૂફી કંઈ વૈજ્ઞાનિક શોધખોળ માટે રોકવામાં આવેલી દાસી અને સહાયક ancilla scientiarum નહોતી, પરંતુ એ તો સ્વયં ચેતનાનું એક પ્રકારનું નિદિધ્યાસન હતું. એને એ રીતે જોવામાં આવી હતી કે શતાબ્દીઓના ગાળાઓ દરમિયાન ઉત્તરોત્તર ઊંચી અને પ્રગલ્ભ સંરચનાઓમાં ઉત્ક્રાન્ત કરી આપતી હોય, સંતુલન અને આધારની સમસ્યાઓને ઉકેલી આપતી હોય, તેમ જ તાર્કિક પરિષ્કૃતિઓની શોધ કરી આપતી હોય, અને એનાં પરિણામોને એની ટેક્નિકલ પરિપૂર્ણતાના પ્રમાણમાં અથવા એની આંતરિક સંગતિના પ્રમાણમાં વજુદ ધરાવતા માન્ય રખાયા હોય. ફિલસૂફીના અધ્યાપનની કલા ઇતિહાસના રૂપમાંની સૂચનાઓ સાથે તુલના થાય તેમ છે. જેમાં એવી ઘોષણા કરવામાં આવી હોય છે કે રોમેનેસ્ક (Romanesque) કરતાં ગૉથિક (Gothic) આવશ્યકપણે ચડિયાતું હતું અને એમાંય ગૉથિકની ભીતરની અતિ-અલંકૃત શૈલી તો આદિમ કરતાં અધિક પરિપૂર્ણ છે, પરંતુ એણે રમણીય કોને કહેવાય અને કોને નહિ એ વિશે કોઈ જ પ્રશ્ન ઉઠાવ્યો નથી. સંકેતકને સંકેતિત સાથે કશો નાતો નહોતો; જ્યાં નિર્દેશ્યનું નામોનિશાન નહોતું. નિપુણતાએ સત્યનું સ્થાન લઈ લીધું હતું. વર્ષો સુધી આવી તાલીમ લીધા પછી હું અત્યારે પ્રતીતિ કરી રહ્યો છું કે કેટલીક અસંસ્કારી માન્યતાઓની, પંદરની વયે હું ધરાવતો એનાથી ખાસ ભિન્ન નહિ એવી. બની શકે કે હું આ બધાં બૌદ્ધિક ઓજારોની મર્યાદાઓને વધુ સ્પષ્ટરૂપમાં જોતો હોઉં; કંઈ નહિ તો એમનું ઉપકરણાત્મક મૂલ્ય તો રહેલું જ છે, જેની સેવાઓની મને જરૂર રહેતી હોય છે તેને માટે એકદમ અનુકૂળ હોય છે, એમની આંતરિક સંકુલતાથી છેતરાઈ જવાનો મને કશો ભય નથી કે એમની અદ્ભુત વિગતપ્રચુરતાના વિચારોમાં ગરકાવ થઈ જઈને એમનાં વ્યવહારુ પ્રયોજનો આંખ સામેથી ઓજલ થઈ જવાનો પણ ભય નથી. મારા મન પર એક આશંકા, જોકે, સતત સવાર થયેલી છે કે મને ફિલસૂફી છોડાવીને નૃવંશવિજ્ઞાન ભણી વાળવમાં, કેમ કે એમાં નાસવા માટેનો માર્ગ હતો, હું ધારું છું એના કરતાં વિશેષ અંગત કારણો હોવાં જોઈએ. મોં દ મારસોં ખાતેની lyceeમાં એક વર્ષ અધ્યાપન કરાવ્યા પછી, સાથે એ માટેનો અભ્યાસક્રમ તૈયાર કરતા રહીને, સુખેથી વિતાવ્યા પછી મારી બદલી લાઓં ખાતે થઈ. ત્યાં આવનારા શાળાકીય વર્ષના આરંભમાં મેં એવું શોધી કાઢ્યું કે મારા જીવનની આખર સુધી આનો આ જ અભ્યાસક્રમ શીખવવો રહેશે. આ જાણીને હું હેબતાઈ જ ગયો. મારા માનસિક બંધારણની એક ખાસિયત-નિઃશંકપણે એક નબળાઈ – એ હતી કે એકના એક વિષય પર ફરી એકાગ્ર થવું મને દુર્ઘર્ષ જણાતું હોય છે. સામાન્ય રીતે aggregationને એક અમાનુષી યાતના લેખવામાં આવતી હોય છે, જેની આખરે કોઈ ઇચ્છે તો શેષ જીવન શાંતિમાં પસાર કરવાનો અધિકાર પ્રાપ્ત થઈ શકતો હોય છે. મારી બાબતમાં એથી તદ્દન વિપરીત બન્યું. મેં aggregation પ્રથમ પ્રયાસમાં જ પસાર કર્યું તે પણ મારા વર્ષમાંના સૌથી નાની વયના ઉમેદવારરૂપે, તેમ છતાં હું સિદ્ધાંતો તેમ જ પૂર્વધારણાઓના થતા રહેતા મારાઓથી લેશ પણ થાક્યો ન હતો. મારી યાતના પાછળથી શરૂ થવાની હતી; મને સમજાઈ ગયું હતું કે મારાં લેસન પહોંચાડી શકવા શારીરિક રીતે હું નિષ્ફળ રહીશ, સિવાય કે પ્રત્યેક વર્ષ હું નવો અભ્યાસક્રમ ઉત્ક્રાન્ત કરતો રહું. આ પંગુતા મારા માટે હજીય વધુ કિંકર્તવ્યમૂઢ કરનારી પુરવાર થઈ જ્યારે મારે મૌખિક પરીક્ષકરૂપે ફરજ બજાવવાની આવી : હેટમાંથી ચિઠ્ઠી ખેંચવાની નિયમાનુસાર રીતિએ પ્રશ્નો આડેધડ ઊભા થતા ગયા એમાંથી મારો વિશ્વાસ મરી પરવાર્યો કે એના વિદ્યાર્થીએ શા જવાબ આપવાના છે. એમાંનો સૌથી મંદ પણ જે કહેવું જોઈએ એ ફટાફટ બોલતો જતો હતો. જાણે વિષયો બધા મારી આંખ સમક્ષ ઓગળી જતા લાગ્યા, કેવળ એક હકીકતને કારણે કે એક વાર મેં એમાં મારું મન પરોવેલું. આજે મને ક્યારેક વિસ્મય થતું હોય છે કે નૃવંશવિજ્ઞાને મને એટલા માટે તો નહીં આકર્ષ્યો હોયને, મને એ વાતથી સભાન થવા દીધા વિના, કે એ જે સંસ્કૃતિઓનો અભ્યાસ કરે છે એ અને વિચારવાની મારી રીત વચ્ચે કશોક સંરચનામૂલક ઘરોબો રહેલો હોય. ભાગે આવેલાં ખેતરો ખેડતા રહી વરસોવરસ ઠાવકાઈથી પાક લણતા રહેવાની મને કોઈ અભિરુચિ નથી. મારી બુદ્ધિમત્તા નવ્ય-પાષાણ (Nelithic) યુગીન છે. આદિમ દવની જેમ એ કશીક શોધ થયા વિનાના વિસ્તારમાં આગ ચાંપી દેતી હોય છે; એથી ભૂમિ રસાળ થઈ ઊઠે, એમાંથી જૂજ પાક લણી લેવા, ત્યાર પછી કજળી ગયેલી ધરતીને પાછળ મૂકી આગળ વધવું. એ સમયે, જોકે, ભીતરમાં ધરબાઈને પડી રહેલા પ્રેરક તત્ત્વની સમજણ મેળવવા હું અસમર્થ હતો. નૃવંશવિજ્ઞાન વિશે મને કશી જ જાણકારી નહોતી. મેં એ વિશેના કોઈ અભ્યાસક્રમમાં હાજરી પુરાવી નહોતી અને જ્યારે સર જેમ્સ ફ્રેઝર સોરબોર્નનની આખરી મુલાકાતે આવેલા અને યાદગાર પ્રવચન કરેલું – મને લાગે છે ૧૯૨૮માં – ત્યારે મને સૂઝ્યું નહોતું કે મારે એમાં હાજરી આપવી જોઈતી હતી, જોકે એ વિશે મને જાણ તો હતી જ. એ વાત ખરી છે કે બાળપણથી જ મને અવનવાં કૌતુકોનો સંગ્રહ કરવાનો શોખ હતો, પરંતુ એ હવે જુનવાણી થઈ ગયેલો શોખ રહી ગયો, જેની દિશા મને પોસાય એવી કિંમતો નક્કી કરતી. કિશોરાવસ્થામાં આવ્યા પછી મારે શું કરવું જોઈએ એ વિશે અનિશ્ચિત જ હતો. આન્દ્રે ક્રેસોં, ફિલસૂફીના મારા એક અધ્યાપક જેમણે મને સૂચવ્યું કે કાયદાનો અભ્યાસ મારા મિજાજને સૌથી બંધબેસતો થશે. હું એમનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરતો રહું છું, એમની ભૂલમાં પણ અર્ધસત્ય રહેલું હતું. તેથી મેં Ecole Normale Superieureની સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય માંડી વાળ્યો અને કાયદાના વિદ્યાર્થીરૂપે મારું નામ નોંધાવ્યું. આ ઉકેલ એટલો સરળ હતો કે મેં એને અપનાવી જ લીધો. કાયદાના શિક્ષણ પર એક અજબની નિયતિ તોળાઈ રહેલી છે. એ સમયે સ્પિરિટને મળતા આવતા ધર્મશાસ્ત્ર તેમ જ તાજેતરમાં જેની તરફ ઝૂકવું શરૂ કર્યું છે એ પત્રકારત્વ એ બેની વચ્ચે એ સપડાયેલું રહ્યું છે, તેથી એકસાથે સંગીન પણ હોય અને વસ્તુલક્ષી પણ હોય એવો આધાર પોતાને માટે શોધી શકવા અસમર્થ રહ્યું છે. એમાંના એક ગુણને પ્રાપ્ત કરવા જતાં કે ટકાવી રાખવા એ અન્ય ગુણને ખોઈ બેસે છે. કાયદાકોવિદ, સમાજવિજ્ઞાની માટે સદાય અધ્યયનનો વિષય રહેલો છે; એ કાયમ એક પ્રાણીનું સ્મરણ કરાવતો હોય છે જે પ્રાણીવિજ્ઞાની (zoologist)ને જાદુઈ ચિરાગ દેખાડતો ફરતો રહે છે. સદ્ભાગ્યે, એ દિવસોમાં પરીક્ષામાં પાર ઊતરવા પંદરેક દિવસની મહેનત પૂરતી થઈ રહેતી, પાડ માનીએ ગાઈડ-બુકોનો જેને કેવળ ગોખી જવાની રહેતી. પરંતુ મને વિષયની વેરાનતા કરતાં એનો અભ્યાસ કરી રહેલા લોકોએ જ વારવાની કોશિશ કરેલી. મને શંકા છે કે હજુ આ ભેદમાં વજૂદ રહેલું છે કે નહિ, પરંતુ ૧૯૨૮ની આસપાસ વિવિધ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને રીતસરની બે જાતિઓમાં વિભાજિત કરી નાખવામાં આવતા – એક તરફ કાયદો અને વૈદક, તો બીજી તરફ, વિનયન અને વિજ્ઞાન. ‘બહિર્મુખ’ અને ‘અંતર્મુખ’ – આ બે સંજ્ઞાઓ ગમે તેટલી અનાકર્ષક હો, વિરોધની અભિવ્યક્તિ માટે એ સૌથી સુયોગ્ય છે એમાં કશી શંકા નથી. એક તરફ હતું ‘યુવાજૂથ’ (પરંપરાથી લોકમુખે કહેવાતું કથાસાહિત્ય જે અર્થમાં વિનિયોગ કરે છે), આક્રમક, પોતાને આગળ ધરવા સતત ચિંતિત, નિમ્નકોટિની ગ્રામ્યતાને ભોગે પણ, તેમ જ રાજકીય સ્તરે જમણેરી ગણાતી પાંખ હતી; બીજી તરફ હતું અકાળે વૃદ્ધ કિશોરોનું જૂથ; ડહાપણશીલ, પોતાને પાછળ ખેંચી રાખનાર, સામાન્યપણે ડાબેરી; એમની નેમ હતી વડીલોની પંગતમાં ભરતી થવાની, પોતે એવા થવા મથતા રહેતા. આ વિભેદનો એવો ખુલાસો આપ્યો છે કે બહિર્મુખીઓ, વ્યવસાયમાં દાખલ થવા અધ્યયનમાં રત રહેતા કે શાળાના બંધનમાંથી મુક્ત થઈ ગયાની ઉજવણી કરતા હોય એવું વર્તન કરતા રહે છે, અને એ હકીકત છે સામાજિક કામગીરીઓમાં પોતાનું ચોક્કસ સ્થાન અગાઉથી સ્વીકારી લેતા હોય છે. શાલેય બાળકોની અવિભેદિત ભૂમિકા એક તરફ તો વિશેષજ્ઞતાની ભૂમિકા બીજી તરફ એમ બે વચ્ચેની અવસ્થામાં પોતાને રહેલા જોઈ, હાંસિયામાં ધકેલાઈ ગયાનું અનુભવતા રહે છે અને બન્ને અવસ્થાઓને અનુરૂપ હોય એવા વિરોધી વિશેષાધિકારોનો દાવો કરતા રહે છે. વિનયન તેમ જ વિજ્ઞાનના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણસરનાં પ્રારંભો-અધ્યાપન, સંશોધન અને વિવિધ નાનીમોટી કારકિર્દીઓના પ્રકાર તદ્દન જુદા જ હોય છે. જે વિદ્યાર્થી એમાંના કોઈ એક પર પસંદગી ઉતારે તો એ વિદ્યાર્થી પોતાના બાળપણના વિશ્વને અલવિદા કરી દેતો નથી, ઊલટું, એ તો એની સાથે જ રહેવા મથ્યા કરતો હોય છે. અધ્યાપનનો વ્યવસાય, આખરે તો, પુખ્ત વયનાઓ માટે શાળા સાથે રહેવાની એકમાત્ર શક્યતા ઊભી કરી આપતો હોય છે. વિનયન તેમ જ વિજ્ઞાનના વિદ્યાર્થીનું પોતાના જૂથની માગોનો ઇનકાર કરનારરૂપે આલેખન થતું હોય છે. લગભગ વૈરાગી મુનિ સમી એની વૃત્તિઓ એને તાત્પૂરતા સમય માટે અથવા કાયમને માટે જાતને પાછી ખેંચી લઈ અધ્યયનમાં રત રહેવા અથવા પસાર થતી પળથી સ્વતંત્ર રહીને વારસાની જાળવણી તેમ જ પ્રસારણ કરવા જાતને સમર્પિત કરવા પ્રેરતી હોય છે. ભાવિના કોઈ પંડિત કે સંશોધકની વાત કરી હોય તો, એની નેમ કેવળ વિશ્વના કાળપટ સાથે સમપરિમાણમાં હોય છે. એમને એવી માન્યતા ભણી દોરી જવા કે એમની પસંદગી તો પ્રતિબદ્ધતાનું જ એક સ્વરૂપ છે તો એના જેવી ભૂલભરેલી વાત બીજી હોય નહિ; એઓ પણ જ્યારે એવું જ વિચારતા હોય કે પ્રતિબદ્ધતા, કોઈ વિશિષ્ટ જાણકારીનો એઓ સ્વીકાર કરે અને પોતાના સ્વને એમાંની એક અથવા બીજી કામગીરી સાથે ઓળખાવે તેમ જ એમાં રહેલી અંગત તકો તેમ જ જોખમોનો સ્વીકાર કરવામાં રહેલી નથી હોતી, પરંતુ બહાર રહીને એની મુલવણી કરવી, જાણે કે એઓ એના અંશ છે જ નહીં, એમની પ્રતિબદ્ધતા એમની પોતાની ખાસ રીત મુજબ અપ્રતિબદ્ધ રહેવામાં છે. આ સંદર્ભમાં અધ્યાપન તેમ જ સંશોધનના વ્યવસાયને, વ્યવસાય માટેની તાલીમ સાથે ગૂંચવવા નહીં જોઈએ. એમની મહત્તા અને એમની બદનસીબી એ છે કે એઓ કાં તો એક આશ્રય (refuge) છે અથવા તો એક મિશન (mission). એક તરફ વ્યવસાયો અને બીજી તરફ સંદિગ્ધ પ્રવૃત્તિઓ – જેમને કાં તો આશ્રય અથવા મિશનના વર્ગમાં મૂકી શકાય જે બન્નેમાં ભાગ લેતી હોય છે પણ હોય છે તો હંમેશાં વધુ નિશ્ચિત સ્વરૂપની, અને બીજી કરતાં એક વધુ હોય છે. આ બેના વિરોધની વચ્ચે નૃવંશવિજ્ઞાન ચોક્કસપણે એક વિરલ સ્થાન ધરાવે છે, વિરોધની દ્વિતીય સંજ્ઞાનું જ એ આત્યંતિક સ્વરૂપ છે. સ્વયં માનવીય રહીને નૃવંશવિજ્ઞાની માનવકુળનું અધ્યયન તેમ જ મુલવણી કરતો રહે છે, એનું દૃષ્ટિબિન્દુ પૂરતું ઉદાત્ત અને દૂરવર્તી હોય છે. જેથી એને આપેલા સમાજ અથવા સંસ્કૃતિના વિશિષ્ટ સંયોગોની અવગણના કરવાની છૂટ મળી રહેતી હોય છે. જે પરિસ્થિતિમાં એ જીવી રહ્યો હોય છે અને કાર્ય કરી રહ્યો હોય છે એ એને એના જૂથથી લાંબા અરસા માટે અને શારીરિકપણે વિખૂટા પાડી દેતાં હોય છે. આવા સંપૂર્ણપણે અને સહસા આવતી વાતાવરણની બદલાતી રહેતી પરિસ્થિતિઓ સામે ખુલ્લો પડી જઈને એ અત્યંત ઉત્કટ રૂપની મૂળવિહીનતાનો ભોગ બની જાય છે અને આખરમાં કશે પણ સ્વસ્થ હોવાની અનુભૂતિ એને પ્રાપ્ત થઈ શકતી નથી, અને મનોવિજ્ઞાનની રીતે એ પંગુ બની રહે છે. ગણિતશાસ્ત્ર અને સંગીતની જેમ નૃવંશવિજ્ઞાન પણ કેટલાક સાચુકલા જૂજ વ્યવસાયોમાંનો છે. એના વિશે કોઈને કશું જ શીખવવામાં આવ્યું નહિ હોય તેમ છતાં એ વ્યક્તિ પોતાની ભીતરમાં એને શોધી શકતી હોય છે. આવી વૈયક્તિક વિશિષ્ટતાઓ તેમ જ સામાજિક અભિગમોની સાથે આવશ્યકપણે બૌદ્ધિક પ્રવૃત્તિનાં હોય એવા અનુબોધનો (promptings)નું ઉમેરણ કરવું જ રહ્યું. ૧૯૨૦થી ૧૯૩૦ના દાયકામાં મનોવિશ્લેષણમૂલક સિદ્ધાંતો ફ્રાન્સમાં જાણીતા થવા શરૂ થયા. એમણે મને શીખવ્યું. સ્થગિત બની ચૂકેલા વિરોધો જેની આસપાસ અમને અમારા ફિલસૂફીમૂલક નિબંધો રચવાની અને પાછળથી અધ્યાપન કરાવવાની સલાહ આવતી એ બુદ્ધિમૂલક અને અબુદ્ધિપરક, બુદ્ધિગત અને ઊર્મિગત, તાર્કિક અને પૂર્વતાર્કિક જેવા વિરોધો એક કારણ વગરની બૌદ્ધિક રમત કરતાં વિશેષ કશું જ હતાં નહિ. સૌપ્રથમ તો બુદ્ધિપરકતાની પેલી પાર મહત્ત્વની અને વિશેષ તથ્યવાળી એક કોટિ રહેલી છે – અર્થપૂર્ણની, જે બુદ્ધિપરક હસ્તીની સર્વોચ્ચ રીતિ હોય છે, પરંતુ અમારા અધ્યાપકોએ એનો નિર્દેશ સરખો કર્યો નહિ. અલબત્ત, એનું કારણ F de Saussureના Cours de linguistic generale કરતાં Begsonના Essai sur les donnees immediates de la conscienceના એઓ વધુ આગ્રહી હતા. ત્યાર પછી ફ્રોઇડના કાર્યએ મને દેખાડ્યું કે વિરોધોનું અસ્તિત્વ આવાં સ્વરૂપોમાં હોતું જ નથી, કારણ કે એ બિલકુલ સૌથી દેખીતું ઊર્મિમૂલક વર્તન હોય છે, ઓછામાં ઓછી બુદ્ધિપરક પ્રણાલી અને કહેવાતા પૂર્વ-તાર્કિક આવિષ્કરણ જે એની સાથોસાથ એટલાં જ મહત્ત્વપૂર્ણ હોય છે. બર્ગસૉંની શ્રદ્ધામૂલક કાર્યરીતિઓને તેમ જ ગોળ ફર્યા કરતી દલીલોને જેમણે વસ્તુઓ અને અસ્તિઓને એની અનિર્વચનીય mush the betterની અવસ્થામાં આણી મૂક્યાં છે. હું એવા તારણ પર પહોંચ્યો કે અસ્તિઓ અને વસ્તુઓ એમનાં ભિન્ન મૂલ્યોને, એમની રૂપરેખાની જે સ્પષ્ટતા છે એને આંચ આવવા દીધા વિના એમની વ્યાખ્યા એમને એકબીજાના સંબંધમાં મૂકીને આપે છે જેથી એ સ્પષ્ટતા છે એને આંચ આવવા દીધા વિના એમની વ્યાખ્યા એમને એકબીજાના સંબંધમાં મૂકીને આપે છે જેથી એ પ્રત્યેકને એક બુદ્ધિગમ્ય સંરચના મળી રહેતી હોય છે. જ્ઞાન નથી તો પરિહાર પર આધારિત હોતું કે નથી તો વસ્તુ-વિનિમય પર આધારિત, ખરું પૂછો તો એ સમ્યક પાસાંની પસંદગીમાં રહેલું છે, એટલે કે મારા વિચારના ગુણધર્મોની સાથે જે મેળમાં હોય, નવ્ય-કાન્ટવાદીઓએ દાવો રજૂ કર્યો હતો કે મારો વિચાર વસ્તુઓ પર અનિવાર્યરૂપે પ્રભાવ પાડતો હોય છે એ રીતે નહિ, પરંતુ મારો વિચાર સ્વયં એક વસ્તુ છે; ‘આ જગત’નું જગત સમી પ્રકૃતિમાં જ ભાગ લેતું હોય છે. મારી પેઢીના અન્ય સાથીઓની જેમ હું પણ, જોકે, આ બૌદ્ધિક વિકાસમાંથી પસાર થયો. છેક બાળપણથી ભૂમિવિજ્ઞાને મારામાં રસ પ્રેરેલો હોવાથી એને મારા કિસ્સામાં અનેરો ઓપ મળેલો. મારી સૌથી મૂલ્યવાન સ્મૃતિઓમાં મધ્ય બ્રાઝિલના અજાણ્યા પ્રદેશોમાં ખેડેલાં અભિયાનોને એટલું સ્થાન નથી જેટલું કે langudocના ઉચ્ચ પ્રદેશના ચૂનાના પથ્થરોનાં મેદાનોની ધારે ધારે ભૂમિવિજ્ઞાનના બે સ્તરોને સાંકળતી સંપર્ક રેખાને નિશ્ચિત કરવા જે રઝળપાટ કરવી પડેલી એને અતિ મહત્ત્વ આપું છું. એ બધું એક પદયાત્રા કે અવકાશના સીધાસાદા અભિયાન કરતાં કશુંક તદ્દન ભિન્ન હતું. એ એક ખોજ હતી, દીક્ષિત નથી એવા નિરીક્ષકને એ વિસંગત નજરે પડ્યું હોત. મારી નજરે તો એ સ્વયં જ્ઞાનનું કલ્પન ભાસ્યું છે. એમાં પરિષહો પણ એટલા સહેવા પડે છે તેમ જ પ્રસન્નતાની પ્રાપ્તિ પણ એટલી જ છે. પ્રત્યેક ભૂમિદૃશ્ય સૌપ્રથમ તો ગંજાવર ગેરવ્યવસ્થાસમું ભાસતું હોય છે જેમાંથી સૌ પોતપોતાને મનગમતો અર્થ કરવા મુક્ત હોય, પરંતુ ખેતીવિષયક ગણતરીઓ ઉપરાંત ભૌગોલિક અનિયમિતતાઓ અને ઇતિહાસ તેમ જ પ્રાગ્-ઇતિહાસની કેટલીક આકસ્મિક ઘટનાઓ પણ એમાં રહેલી હોય છે. જેમાંથી સૌથી ભવ્ય અર્થ તો નિશ્ચે એ જ નીકળે જે અગ્રવર્તી હોય, આજ્ઞાપક હોય અને ઝાઝે ભાગે તો અન્ય અર્થોને સમજાવી આપતો હોય. એકાદ ફિક્કી, અસ્પષ્ટ રેખા અને ઘણી વાર તો લગભગ અકળ એવો ભેદ, ખડકના અંશોની આકૃતિ તેમ જ સાતત્ય, એક હકીકતની સાખ પૂરતી હોય છે કે બે મહાસાગરો એક વાર જ્યાં એકબીજાની પાછળ ચાલ્યા આવતા ત્યાં આજે હું વેરાન ભૂમિ સિવાય કશું જ જોઈ શકતો નથી. તમામ અવરોધો-સીધા કરાલ ચહેરા, ભૂસ્ખલનો, છોડવે છાયેલી કે ખેડી રાખેલી ધરતી – છતાં સદીઓ પુરાણી સ્થગિતતાનું પગેરું કાઢું છું અને પછી પથો અને વાડોની અવગણના કરતો હું મને અર્થહીન રીતિમાં આગળ વધતો જણાઉં છું, પરંતુ આ વિરુદ્ધતાની એકમાત્ર નેમ છે એ માસ્ટર મીનિંગને ફરી હાથ કરવો, જે દુર્બોધ હોય ખરો, પરંતુ જે અન્યોના પ્રત્યેક આંશિક કે વિદ્રુપનો વ્યત્યય છે. જ્યારે કોઈ અલૌકિક ઘટના બને છે, જેમ ક્યારેક એ બનતી પણ હોય છે; ખડકને એક પડખે તેમ જ છૂપી તિરાડને બીજે પડખે બે ભિન્ન જાતિઓમાં લગોલગ ઊગી ઊઠેલા લીલાછમ રોપા જ્યારે એકાએક નજરે ચડે છે, એમાંના પ્રત્યેકે પોતાને સાનુકૂળ ભૂમિ પસંદ કરી લીધી છે એની સાથોસાથ અતિ પ્રાચીન માછલીની બે છીપોની એમની અસમાનપણે અટપટાં ગૂંચણો સાથે ખડકોમાં જ્યારે એમની ઝાંખી થાય, અને એમની પોતાની રીતે હજારો, કરોડો વર્ષના અંતરાલની સાખ પૂરતી હોય ત્યારે એકાએક સ્થળ અને કાળ એકાકાર બની જાય છે. ક્ષણની જીવતી જાગતી ભાતીગળ વિવિધતા યુગોને એકબીજાના સાન્નિધ્યમાં મૂકી આપે છે અને એમને ચિરસ્થાયી બનાવી દે છે. વિચાર અને લાગણી એક નવા પરિમાણમાં પ્રવેશ કરે છે, જ્યાં પ્રસ્વેદનું પ્રત્યેક બુંદ, સ્નાયુનું પ્રત્યેક સંચલન, પ્રાણનો પ્રત્યેક ઉચ્છ્વાસ વિગત ઇતિહાસનું પ્રતીક બની રહે છે, જેમની વિકાસમાન અવસ્થા મારા દેહમાં પડછંદા પાડતી રહે છે, એની સાથોસાથ મારો વિચાર એમના માહાત્મ્યને આશ્લેષમાં લેતો હોય છે ત્યારે હું મને ગાઢ બૌદ્ધિકતામાં તરબોળ બની ગયેલો અનુભવું છું જેની ભીતર શતાબ્દીઓ અને અંતરો એકબીજાને પ્રતિસાદ દેતાં હોય છે અને આખરમાં એક સમાન વાણીમાં વાત કરતાં હોય છે. ફ્રોઇડના સિદ્ધાંતોનો પરિચય કેળવાયા પછી સ્વાભાવિકપણે મારી એમની પાસેથી એ અપેક્ષા રહી કે એમાંની પદ્ધતિની અજમાયશ કોઈ વિશિષ્ટ માનવવ્યક્તિ પર થાય. આ પદ્ધતિના પાયાનું પ્રતિનિધાન ભૂમિવિજ્ઞાનમાં થયેલું છે. બન્ને કિસ્સામાં, પ્રારંભમાં તો, સંશોધકને એવી અનુભૂતિ થતી હોય છે કે પોતે કોઈ અભેદ્ય ઘટનાની સામે ઊભો છે; બંને કિસ્સામાં પરિસ્થિતિનો સ્ટૉક લેવા તેમ જ એની સંકુલતાનો ક્યાસ કાઢવા સંશોધકે અમુક ગુણવત્તાઓ દેખાડવાની રહે છે, જેવી કે સંવેદનશીલતા, આંતરિક સૂઝ તેમ જ અભિરુચિ, તેમ છતાં દેખીતી રીતની અસંગતતા ધરાવતા જથ્થા (mass)માં જે વ્યવસ્થા દાખલ કરવામાં આવે છે તે છેક આકસ્મિક હોતી નથી કે મનસ્વી પણ નથી હોતી, ઇતિહાસકારોના ઇતિહાસની અસદૃશ, ભૂમિવિજ્ઞાનીઓનો ઇતિહાસ મનોવિશ્લેષકોના ઇતિહાસની સમકક્ષનો હોય છે; એ રીતે કે બન્ને ભૌતિક તેમ જ માનસિક વિશ્વનાં અમુક પાયાનાં લક્ષણોને સમયના પટ પર પ્રક્ષેપિત કરવા પ્રયત્ન કરતા રહે છે. એક tableaux vivantની રીતિમાં. Tableaux vivantની ઉપમાને હું એથીય આગળ લઈ શકું : સરાડ્સ (charades) નામે ઓળખાતી એક રમત એક પ્રક્રિયાનું ઉદાહરણ પૂરું પાડી આપતી હોય છે. આ પ્રક્રિયા એ રીતની બનેલી હોય છે જેમાં પ્રત્યેક ક્રિયા (action)નું અર્થઘટન થતું રહેતું હોય, જેમાં પ્રત્યેક સનાતન સત્યો કાળમાં ઉઘાડ પામતાં હોય એ રૂપે, જેમનાં મૂર્ત પાસાંનું સરોડોએ પુનર્ગઠન નૈતિક સ્તર પર કરી આપવાનું રહે, પરંતુ અન્ય ક્ષેત્રોમાં એમનો નિર્દેશ વિશિષ્ટ નિયમો રૂપે કરેલો હોય છે. આ તમામ કિસ્સાઓમાં રસકીય કૌતુકની જાગૃતિ સીધી જ્ઞાનની પ્રાપ્તિ ભણી દોરી જતી હોય છે. હું સુમારે સોળનો હોઈશ તે વખતે એક યુવાન બેલ્જિયમવાસી સમાજવાદીએ મને માકર્સવાદનો પરિચય કરાવ્યો. રજાના એકાદ દિવસે મને એમની ઓળખાણ થયેલી; અત્યારે એઓ પોતાના દેશના વિદેશ ખાતેના એલચીપદે છે. માકર્સને વાંચ્યા પછી હું અત્યંત પ્રસન્ન થયો, કારણ એ કે એ મહાન વિચારકની કૃતિઓના વાચન થકી કાન્ટથી હેગલ સુધી ઝડપે વિકસતી રેખાના સાન્નિધ્યમાં હું પ્રથમ વાર આવી પહોંચ્યો. મારી સમક્ષ એક નૂતન વિશ્વ જાણે ઊઘડી ગયું. તે વખતથી માકર્સ પ્રત્યેનો મારો આદર સ્થાયી રહ્યો છે. સમાજલક્ષી કોઈ સમસ્યા મારી સમક્ષ આવે ત્યારે એને માકર્સના Brumaire of Louis Bonaparts અથવા Critique of Political Economyનાં કેટલાંક પૃષ્ઠોનું પુનર્વાચન કરીને ઉદ્દીપ્ત થયા વિના હાથે ધરતો નથી. જોગાનુજોગ, માકર્સની ગુણવત્તાને, એણે કેટલીક ઐતિહાસિક ઘટનાઓનો ચોકસાઈથી વરતારો કરી શક્યો હતો કે નહિ, એની સાથે કશી નિસ્બત નથી. રૂસોને અનુસરીને, અને હું જેને ચોકસાઈભરી રીતિ ગણું છું, માકર્સે એવું સ્થાપિત કરી આપ્યું કે સમાજલક્ષી વિજ્ઞાન હવે પછી ઇન્દ્રિયમૂલક માહિતીના (data) પાયા પર ઊભેલું રહેતું નથી, જેટલું કે પદાર્થવિજ્ઞાન ઇન્દ્રિયપ્રત્યક્ષ પર સ્થપાયેલું હોઈ શકે : એમાં આશય એવો રહેલો છે કે એક મૉડેલની રચના કરો, એના ગુણધર્મોનો અભ્યાસ કરી પ્રયોગશાળાની પરિસ્થિતિઓમાં આવતી રહેતી વિભિન્ન પ્રતિક્રિયાનું નિરીક્ષણ કરવું જેથી પાછળથી ઇન્દ્રિયપ્રત્યક્ષ બનન્તી (happening)ના અર્થઘટન માટે એમની અજમાયશ થઈ શકે, જે વરતારો કરાયો હોય એનાથી કંઈ કેટલીય દૂર રહેલી પણ હોય. વાસ્તવના એક ભિન્ન સ્તર પર, માકર્સવાદ અને ભૂમિવિજ્ઞાન તેમ જ મનોવિશ્લેષણની સમાન રીતિએ આગળ ધપતો લાગ્યો છે. ત્રણેત્રણ એવું નિદર્શન આપે છે કે સમજણ (understanding) તો એક પ્રકારના વાસ્તવને બીજા પ્રકારમાં ઢાળી દેવામાં રહેલી છે. સાચુંકલું વાસ્તવ કદી ઝટ સમજાઈ જાય એવું હોતું નથી. સત્યની પ્રકૃતિ છટકિયાળ રહેવાની જે કાળજી લેતી હોય છે એ પરથી એનો નિર્દેશ મળી જાય તેમ છે. તમામ કિસ્સાઓ માટે, એની એ સમસ્યા ઊભી થતી હોય છે. એ સમસ્યા છે. લાગણી અને બુદ્ધિ વચ્ચેનો નાતો અને એની નેમ પણ સમાન છે. અતિબુદ્ધિવાદ (superrationalism) નામે એક પ્રકારની પ્રાપ્તિ જે એને એના એકપણ ગુણધર્મનો ભોગ લીધા વિના બીજામાં સમાવી લેશે. તેથી જ તો, એ સમયે તત્ત્વમીમાંસામૂલક નવા નવા અભિગમો ઊભરી રહ્યા હતા એનો હું વિરોધી હતો. ફિનોમિનોલોજી મને વાંધાજનક વરતાણી, એ કારણે કે એ અનુભૂતિ તેમ જ વાસ્તવ વચ્ચે અમુક પ્રકારનું સાતત્ય રહ્યું હોવાનું પ્રતિપાદન કરી રહી હતી. મને એ વાત કબૂલ હતી કે પાછળનું આગળનાને આવરી લેતું હોય છે તેમ જ એને સમજાવી આપતું હોય છે, પરંતુ હું મારા ત્રણ પ્રેરણાસ્રોત પાસેથી એ શીખ્યો હતો કે એક વ્યવસ્થામાં અન્ય વ્યવસ્થામાં સંક્રમણ થવું સાતત્યરહિત હોય છે; વાસ્તવપર્યંત પહોંચવા પ્રથમ તો આપણે અનુભૂતિને પરહરવી પડે અને પછી પાછળથી એને વસ્તુલક્ષી સંશ્લેષણમાં પુનઃ સમાવી લેવાય જે વખતે એમાં ભાવુકતાની છાંટસરખી રહી ન હોય. બૌદ્ધિક આંદોલનની વાત કરવી હોય તો, જે અસ્તિત્વવાદમાં એના ચરમ બિન્દુએ પહોંચવાનું હતું, એ મને ચિંતનના એક ઔરસ સ્વરૂપ સિવાયનું બીજું બધું જ વરતાણું, એનું કારણ આત્મલક્ષિતાભરી ભ્રાંતિઓ ભણીનું અતિશય રમમાણ અંગત જીવનની ધૂનોને ફિલસૂફીમૂલક સમસ્યાઓની ગરિમા સુધીની ઊંચાઈએ ઉઠાવવાથી એને shop-girl-metaphysics પ્રકાર ભણી પહોંચાડવા જેવું છે, જે બોધમૂલક પદ્ધતિરૂપે ક્ષમ્ય ગણી શકાય, પરંતુ ફિલસૂફીને માથે મિશનની જાળવણી અંગેની જવાબદારી નાખવામાં આવી છે એની સાથે લોકોને ચેડાં કરવાની છૂટ આપવા લાગે તો એ અતિશય જોખમી બની રહે, ફિલસૂફીને માથે એ જવાબદારી એટલા માટે નાખી છે, વિજ્ઞાન બળૂકું બનીને એનું સ્થાન લે ત્યાં સુધી એની જાળવણી કરવી, એટલે કે અસ્તિની એના જ સંબંધમાં સમજણ પ્રાપ્ત કરવી, મારા સંબંધમાં નહિ. તત્ત્વમીમાંસા સાથે છેડો ફાડી નાખવાને બદલે ફિનોમિનોલોજી અને અસ્તિત્વવાદે એને એલિબી (alibis)ઓ પૂરી પાડતા રાખવાની બે પદ્ધતિઓ રજૂ કરી આપી. માકર્સવાદ અને મનોવિશ્લેષણ, બન્ને સામાજિક વિજ્ઞાનો, એક સમાજાભિમુખ, બીજો વ્યક્તિનિષ્ઠ – એની સાથે ભળે છે ત્રીજું-ભૂમિવિજ્ઞાન, આમ તો ભૌતિક વિજ્ઞાન છે, પરંતુ એણે પણ એની પદ્ધતિ અને લક્ષ્ય વડે ઇતિહાસનાં લાલનપાલન કર્યાં છે. માકર્સવાદ અને મનોવિશ્લેષણની વચ્ચે નૃવંશવિજ્ઞાન માનવકુળને એવી રીતે જુએ છે જાણે એને અવકાશને બાદ કરતાં કોઈ સીમામર્યાદા નડતી નથી, ભૂમિવિજ્ઞાનના ઇતિહાસે આપેલી વ્યાખ્યા મુજબ નૃવંશવિજ્ઞાન પૃથ્વીના ગોળાનાં રૂપાંતરોને એક નવો જ અર્થ પ્રદાન કરે છે; યુગોથી ચાલતી રહેલી સમાજોની પ્રવૃત્તિઓ જે પાર્થિવ પરિબળો જેટલી જ અજ્ઞાત એવા અસ્ખલિત પરિશ્રમની આ અર્થનીપજ રૂપ છે તેમ જ વ્યક્તિઓનાં મન જેમને મનોવિજ્ઞાનીઓ વિશિષ્ટ વ્યક્તિ-ઇતિહાસો (case histories) રૂપે જુએ છે. નૃવંશવિજ્ઞાન મને બૌદ્ધિક પરિતોષ પૂરો પાડી આપતું હોય છે. ઇતિહાસના એક સ્વરૂપ રૂપે એના બે વિરોધી છેડાઓ પર વિશ્વ-ઇતિહાસ તેમ જ મારા અંગત ઇતિહાસ એવા બે છેડાઓને એ જોડી આપે છે. બન્ને છેડાઓને સામાન્ય હોય એ રીતની ઉપપત્તિથી જોડી આપે છે. માનવકુળના અધ્યયનનો પ્રસ્તાવ રજૂ કરીને મને સંશયમાંથી મુક્તિ કરી આપે છે, કેમ કે એ માનવકુળના જે બધા વિભેદો અને પરિવર્તનોનાં પરીક્ષણો હાથ ધરે છે એનો મનુષ્યમાત્ર માટે અર્થ હોય, અને કોઈ એકલદોકલ સંસ્કૃતિની વિશિષ્ટ હોય એ બધાને બાકાત કરી દે છે, જે પછી બહાર રહેલા નિરીક્ષકની નજર હેઠળ શૂન્યમાં વિગલિત થઈ જાય છે. અને છેલ્લે, વરતાય એવું છે કે અગાઉ મેં જેનો નિર્દેશ કર્યો હતો, એ અજંપાભરી અને વિધ્વંસક રુચિનું તુષ્ટીકરણ મને વિધિપુરસ્સરની અણખૂટ સામગ્રી પુરવઠો પૂરો પાડીને કરી આપ્યું છે. એ માટે શિષ્ટાચારો, રૂઢિ-રિવાજો તેમ જ સંસ્થાઓના વૈવિધ્યનો આભાર માનવાનો રહે છે. મારા ચારિત્ર્યને તેમ જ મને એ સંવાદમાં મૂકી આપવાની જોગવાઈ કરી આપતું હોય છે. આમ હોવાથી, આટલા લાંબા અરસા સુધી, જેમાં મારા શાળાના ખોઈ નાખેલાં વર્ષોનો સમાવેશ થઈ જાય, મારા પર પ્રસારિત થતા રહેલા અગ્રણી ફ્રેન્ચ સમાજવિજ્ઞાનીઓની કૃતિઓના સંદેશ પરત્વે હું બધિર બની રહ્યો છું એ જરા અજાયબ લાગે એવું છે. જે પ્રમાણે એ બધું બન્યું એનું પ્રાકટ્ય ૧૯૩૩-૩૪ સુધી થયું જ નહિ. રોબર્ટ એચ. લોવીનું પુસ્તક Primitive Society આકસ્મિક મારે હાથ ચડ્યું, ત્યારે એ તાજેતરનું પ્રકાશન રહ્યું ન હતું. મુદ્દો એ હતો કે પુસ્તકોમાંથી ઉપાડેલા ખ્યાલોને તત્કાળ ફિલસૂફીમૂલક વિભાવનાઓમાં ફેરવીને કરેલી રજૂઆતને ઠેકાણે એમાં લેખકને આદિવાસીઓના સમાજમાં થયેલા અનુભવોનું યથાતથ વર્ણન આપેલું હતું. એ અનુભવોનું એમની સામેલગીરીથી ઊપસતું મહત્ત્વ રજૂ થયું હતું. ફિલસૂફીમૂલક ચિંતનોનું રટણ કરી કરીને મારું મન એમાં કેદી થઈ ગયું હતું. એ રૂંધી નાખનારા, ટર્કિશ બાથ જેવા વાતાવરણમાંથી ભાગી છૂટવા માથાં પટકતું હતું. એક વાર એ બહારની ખુલ્લી હવામાં પહોંચ્યું કે એ તાજુંમાજું, નવુંનક્કોર થઈ ગયું. જાણે કે નગરવાસી જીવને પહાડી પ્રદેશમાં ધક્કો મારીને હડસેલી દીધો. અવકાશનું પાન કરી કરીને એના છાકથી હું માતી ઊઠ્યો, જ્યારે મારી અંજાઈ ગયેલી આંખો મને ઘેરી વળેલા પરિસરનાં વૈભવ અને વૈવિધ્યને તોળી રહી હતી. આમ શરૂ થયો એન્ગ્લો-અમેરિકન નૃવંશવિજ્ઞાન સાથેનો લાંબો અને ગાઢ પરિચય. પહેલાં દૂરથી જ, પુસ્તકોના માધ્યમ દ્વારા ચાલ્યો, પાછળથી અંગત સંપર્કો દ્વારા જે ગંભીર ગેરસમજણો ઊભી કરવાના હતા. માંડીને વાત કરીએ તો, બ્રાઝિલનાં વિશ્વવિદ્યાલયો મારી પાસેથી એવી અપેક્ષા રાખવા લાગ્યાં હતાં, દિર્ખિમિયન સમાજશાસ્ત્રનું અધ્યાપન કરાવવા હું એમની સાથે જોડાઈ જાઉં, જેના ભણી એ સૌ ઢળેલા હતા, બે કારણે, એક તો દક્ષિણ અમેરિકામાં positive પરંપરા હજુ પણ જીવતીજાગતી હતી અને બીજું એમની ઇચ્છા વિનીત એવા ઉદારમતને તત્ત્વવિદ્યામૂલક પાયો પૂરો પાડવાની હતી. જે એમનું પરંપરાથી ચાલતું આવેલું વિચારધારામૂલક શસ્ત્ર હતું જેનો વિનિયોગ અલ્પસંખ્યક સત્તાવાહકો (oligarchies) સામે એઓ કરતા રહ્યા છે. મારું તો આગમન જ દુર્ખિયિમ સામે, તેમ જ સમાજશાસ્ત્રનો વિનિયોગ તત્ત્વમીમાંસામૂલક અન્યો સામે ખુલ્લેઆમ બળવો પોકારવાની સાથે થયું હતું. મારી ક્ષિતિજોનો વિસ્તાર કરવા જ્યારે હું ઉત્તમોત્તમ પ્રયાસ કરતો હોઉં ત્યારે કેદખાનાની દીવાલોનું નવેસરથી ચણતર કરવાનો મારો ભાગ્યે જ મૂડ હોય. ત્યારની ઘડીથી એન્ગ્લો અમેરિકન વિચારણા પરત્વે આજ્ઞાંકિત દાસ જેવું વલણ દાખવવા બદલ મારી પર પસ્તાળ પડતી જ રહી છે. આ વાત છેક જ વાહિયાત છે. આની ઉપરાંત, એવું બને કે આ ક્ષણે અન્ય કોઈના કરતાં દુર્ખિયિમ પરત્વે હું અધિક નિષ્ઠાવાન હોઉં, વિદેશોમાં, પ્રત્યેક જણ આ વાતથી વાકેફ છે – જે લેખકો પરત્વેનું ઋણ હું સામે ચાલીને સ્વીકારતો હોઉં છું, Lowie, Kroeber અને Boas એ સૌ James અને Dewey પ્રકારની અમેરિકી ફિલસૂફીથી જોજનો દૂર ખસી ગયેલા ભાસે છે અથવા તો અત્યારે જેને Logical Positivism કહે છે તેનાથી પણ, કેમ કે એ સૌ જન્મે યુરોપિયન હતા તેમ જ યુરોપમાં જ અથવા યુરોપવાસી પ્રોફેસરો દ્વારા તાલીમ પામ્યા હોવાથી એઓ કશાક ભિન્ન એવાનું પ્રતિનિધિત્વ કરે છે : જ્ઞાનના સ્તર પર ચિંતન કરતું એક સંશ્લેષણ અન્ય એક સંશ્લેષણ જેને કોલંબસે ચાર શતાબ્દીઓ પૂર્વે વસ્તુલક્ષીપણે શક્ય કર્યું હતું, એક બળકટ વૈજ્ઞાનિક પદ્ધતિ, એક વિરલ પ્રયોગાત્મક ક્ષેત્ર જોડે થયેલું સંશ્લેષણ જે નૂતન વિશ્વ (New World)એ આગળ ધર્યું હતું. એવે સમયે જ્યારે અમેરિકન નૃવંશવિજ્ઞાનીઓ પાસે ઉત્તમોત્તમ પુસ્તકાલયો કેવળ ન હતા, આદિમ સમાજોની મુલાકાતે જવા જેઓ પોતાના વિશ્વ વિદ્યાલયમાંથી પણ ચાલી જઈ શકતા, એટલી સાહજિકતાથી, જેટલી કે આપણે બાસ્કના ગ્રામીણ પ્રદેશની અથવા તો રીવીએરાની મુલાકાતે જઈ શકતા હોઈએ છીએ, હું જેનો મહિમા ગાઈ રહ્યો છું, એ કોઈ બૌદ્ધિક પરંપરા નહિ, પરંતુ એક ઐતિહાસિક પરિસ્થિતિ છે. અત્યાર સુધી જેમની ગંભીર, વસ્તુલક્ષી તપાસ હાથ ધરી શકાઈ નથી અને અણીશુદ્ધ હાલતમાં જળવાઈ રહ્યા છે. એમની સમીપે પણ જવા મળે એ તો અસાધારણ લાભની વાત ગણાય. એમના વિધ્વંશનો પ્રારંભ તો છેક હમણાં હમણાં થવા માંડ્યો છે; હું શું કહેવા માગું છું તે તમને એક ઉદાહરણથી સમજાવું – કેલિફોર્નિયાની કેટલીક આદિમ ટોળીઓનો જે સામૂહિક સંહાર થયો એમાંથી જાણે કે ચમત્કાર થયો હોય એમ કેવળ એક ઇન્ડિયન (રેડ) બચી ગયો. વર્ષો સુધી એ કોઈની પણ નજરે પડ્યા વિના, મોટાંં નગરોની સમીપમાં, તીરોનાં ફણાં માટેના પથ્થરો ઘડતો રહ્યો, પરંતુ પ્રાણીઓ જોકે, અદૃશ્ય થતાં ચાલ્યાં. એક દિવસ એ ઇન્ડિયન એક પરાના પાદરેથી નગ્ન તેમ જ ભૂખીતરસી હાલતમાં જડી આવ્યો. કેલિફોર્નિયા વિશ્વ વિદ્યાલયમાં એક પહેરેગીર તરીકે એણે પોતાની જિન્દગીનાં શેષ વર્ષ પૂરાં કર્યાં.
(તથાપિ : વર્ષ ૬, અંક ૨૨-૨૩, ડિસેમ્બર-મે, ૨૦૧૦)