બાળ કાવ્ય સંપદા/આજે ઉતરાણ

આજે ઉતરાણ

લેખક : હરિકૃષ્ણ પાઠક
(1938-2025)

લાવો પતંગ ને લાવો રે દોર,
ઊંચી અગાશીએ જામ્યો છે શોર.
રસ્તે દોડે છે કંઈ ઝરડાં ને ઝંડા
લૂંટ્યો પતંગ એણે ખાધા રે દંડા.
લંગશિયાં ફેંકીને પાડ્યો રે ઝોલ,
ખીજ્યો છે ખૂબ પેલો ભગલો ભંભોલ.
ફીરકી ને દોરી ને પાવલા ને ફુદ્દી
કાકા કૂદ્યા ને વળી કાકીયે કૂદી.
આપણી છે વાત જરી ગંમતી ને ગેબી,
ઊંચે પતંગ, અહીં ઝાપટી જલેબી.
વાદળના દરિયામાં કાગળનાં વ્હાણ,
આજે ઉતરાણ ભાઈ આજે ઉતરાણ.