બાળ કાવ્ય સંપદા/આવો ચાંદલિયા

આવો ચાંદલિયા

લેખક : ધનસુખલાલ પારેખ
(1934)

હળવે હળવે હેઠા ઊતરો
રમવા આવો ચાંદલિયા,
હસતાં હસતાં તેડી લાવો
ભેરુ તમારા તારલિયા.
ભોળાં ભોળાં અમે ભૂલકાં
ભાગમભાગા રમીએ,
હોંશે હોંશે મમ્મી લાવે
ખીર ને પૂરી જમીએ.
ધીમે ધીમે સાંજ પડે
ગગનગોખે જઈ પહોંચો,
ચમક ચમક ચમકી ચાંદા !
જગને અજવાળું વહેંચો.