બાળ કાવ્ય સંપદા/ઇચ્છા
ઇચ્છા
લેખક : રક્ષાબહેન પ્ર. દવે
(1946)
આજ મને બા,
એમ થાય છે કે
અમાસની વીલી આ રાતે,
ચાંદ વિનાની ખાલી રાતે
શત શત તારાગણની વચ્ચે
ચંદર થઈને ચમકું.
આજ મને બા,
એમ થાય કે
જે સરવરથી કમળ મનોહર
ચૂંટી લીધું કોઈએ એવા
સૂના બનેલા સ૨ને ખોળે
કમળ બનીને મલકું.
આજ મને બા,
એમ થાય કે
જે નીડમાંથી નાજુક ઈંડું
કાગે ભક્ષ્યું તે માળામાં
રોઈ રહેલા પક્ષી કેરું
ઈંડું થઈને બેસું.