બાળ કાવ્ય સંપદા/કીડી (૨)

કીડી

લેખક : કીર્તિદા બ્રહ્મભટ્ટ
(1958)

ભારે કમાલ કરતી આ તો
નાનીઅમથી કીડી,
ધીમે ધીમે ફરતી એ ને
તોયે ચડતી સીડી.

એક હારમાં આવે એ ને
એક હાર થઈ જાતી,
મોટો દાણો હોય જરા તો
ટોળામાં વહેંચાતી.

દોડદોડ કરતી દેખાતી,
કાળી હો કે રાતી,
સંઘરીને રાખેલું ક્યારે,
હશે કેટલું ખાતી.

સંપીને મહેનત કરતી એ,
હોય દિવસ કે રાત,
હોય પછી દર કરવાની,
કે ખાવાની હો વાત.