બાળ કાવ્ય સંપદા/વરસાદી તડકો

વરસાદી તડકો

લેખક : યોસેફ મેકવાન
(1940-2021)

વરસાદી ફરફરમાં તડકો નીકળ્યો
તડકો જોવા આવો રે !
પંખીના કલરવને ટહુકારે નીતર્યો
તડકો જોવા આવો રે
પાતળા પવનની પાલખી પર આવ્યો
તડકો જોવા આવો રે
મેઘધનુષી રે સપનાં કૈં લાવ્યો
તડકો જોવા આવો રે
લીલુડા ઝાડમાં આછેરું ફરક્યો
તડકો જોવા આવો રે
ઘરના તે છાપરેથી ચોકમાં લપસ્યો
તડકો ઝીલવા આવો રે
કાળી ભીંજેલી સડકો ૫૨ મલક્યો
તડકો ઝીલવા આવો રે
ખાડા ખૈયાનાં પાણીમાં હરખ્યો
તડકો જોવા આવો રે
તડકો તે તડકો વરસાદી તડકો
અડકો-દડકો રમતો રે
સુંવાળા સસલા શો સરકે, – તડકો,
અડકો-દડકો રમતો રે