બીડેલાં દ્વાર/કડી અગિયારમી

કડી અગિયારમી


મહિનાને માટે તો એક પ્રચંડ શિલાનો ભાર અજિતના હૈયા ઉપરથી હેઠો ઊતરી ગયો. એ અર્ધા વરસની અંદર તો પોતાની ‘મૌલિક કૃતિ’ પર પોતે એવી મહેનત લઈ શકશે, કે ગુજરાતના હૃદયમાં એક યુગ સુધી એનું ગુંજન રહી જશે! દરમિયાનનો સમય ખેંચી કાઢવા માટે રૂ. એંશી-નેવુંની પ્રાપ્તિ તો પોતે જુદાં જુદાં અખબારોમાં પુસ્તક. પરિચયોનાં કોલમો ભરી ભરીને કરી લીધી હતી.

પુસ્તક-અવલોકનના કામની પ્રવીણતા એણે કેટલા ભોગે મેળવી હતી તે તો એનું મન જ જાણતું હતું. ‘ગુજરાતનો નાથ’ વિષે જૈનોના છાપામાં લખી મોકલેલું લખાણ અને ‘વિભાવરી’માં આવેલ અવલોકન, બન્ને એના જ હાથનાં લખેલ છતાં કેટલાં આબાદ બંધબેસતાં હતાં દરેક પત્રની નીતિને! ‘ગોંડળ-કોશ’ પરની નોંધ ‘પ્રજ્ઞા’માં લીધી તેમાં નિરપેક્ષ વિદ્વત્તાને ભરી જાણ્યું હતું. સાથોસાથ ‘વિરાટ’ની બે ખીચોખીચ કટારોમાં એ જ ‘ગોંડળ-કોશ’ની ખબર લેવા બેસતાં પોતે ‘કોશ’ના ગુણદોષોનું વિચાર-દ્વાર જ બંધ કરી દઈ આખીય વિચારણાને ઠાકોરની રાજનીતિ, જીવનનીતિ, ખુશામતખોરોની ટોળકી અને “એક નવી ઇંદ્રજાળ ‘ગોંડળ-કોશ” ઇત્યાદિ મુદ્દાઓ પર ખેંચી જઈ શક્યો હતો! એ રીતે કયા પુસ્તકનો લેખક કયા કયા પત્રકારનો મિત્ર અથવા શત્રુ છે એ વાતનો દોર પોતે અવલોકનો લખવામાં બરાબર સાચવી શકતો હતો. પુસ્તક-પરિચયની પછવાડે રહેલી દરેક પત્રની નીતિ ભિન્ન ભિન્ન હોય છે. ખાસ કરીને જે પત્રમાં ગ્રંથકર્તાએ પોતાની ચોપડીની જાહેરાત એક પાનું ભરીને મુકાવી હોય છે, એ પત્રની તે પુસ્તક પ્રત્યેની વિશિષ્ટ ફરજનું ભાન પણ અજિતને ઠીક ઠીક થઈ ગયેલું; એટલે એની નજર હંમેશાં જાહેરખબરોની કટારોને પણ તપાસ્યા જ કરતી. ઉપરાંત લગભગ દરેક પત્રની પછવાડે અક્કેક મુદ્રણાલય અને અક્કેક પુસ્તક પ્રકાશન-મંદિર નભે છે એ વાત પોતે વીસરતો નહિ; એટલે અન્યોન્ય પ્રકાશનોની સ્તુતિની આપ-લે એ એક અચલ નિયમ થઈ પડ્યો હોવાથી અજિત પ્રત્યેક પત્રની પ્રત્યેક નવા પ્રકાશન વેળાની નવતર કર્તવ્યબુદ્ધિ પણ યાદ રાખીને જ લખતો; અને છેલ્લી વાત પોતે એ પકડી હતી કે કોઈ પણ ચોપડીને — પછી ભલે તે કરિયાણાના વેપારીની, સાક્ષરના છોકરાની અથવા દેશસેવકની લખેલ હોય — તુચ્છકારવી નહિ. પુસ્તક ચાહે તેવું હોય, એની કશી જ પરવા ‘પરિચય’ છાપનાર તંત્રીશ્રીને નહોતી. ખુદ ‘પરિચય’ એવો આકર્ષક હોવો જોઈએ કે હોંશે છપાય; કેમકે નમાલી ચોપડીના પરિચયોને નામંજૂર કરી રદ કરવામાં આવે તો અજિતને જ નુકસાન હતું. આવાં અસત્યો અને ધૂર્તતાઓથી ભરેલ લખાણો લઈ જઈને અજિત તંત્રીશ્રીઓની સામે દીન વદને બેસતો; અને તંત્રીશ્રીની કાતર જેવી કલમ એ પાનાં પર ફરી રહે ત્યાં સુધી ફફડતે કલેજે રાહ જોતો. એ રીતે એને કોલમે આઠ આના મળતા. છ મહિના માટેની વેતરણને માટે, એણે બીજું પણ એક કામ મેળવ્યું હતું. ‘શાર્દૂલ’ છાપા તરફથી સાહિત્યસભાથી લઈ બંધાણીઓના દાયરા સુધીનાં (બને તેટલાં) સભાસમ્મેલનોનાં લાક્ષણિક શબ્દચિત્રો (ફિક્કાફસ અહેવાલો નહિ) લખવાં; અને ખાસ કરીને એ પ્રત્યેકના ગુણદોષની તુલના દોરવામાં સોવિયેત રશિયા, નૂતન તૂર્કી તથા સ્પેનિશ પ્રજાસત્તાક, એ ત્રણેયના ઉલ્લેખો અચૂક કરવા : હિંદુ વિધવાથી લઈ હડકાયાં કૂતરાંના ત્રાસ સુધીની બધી જ પરિસ્થિતિને માટે ‘ધર્મનું અફીણ’ જવાબદાર છે, એવી એવી કેટલીક ચાવીઓ પણ તંત્રીએ અજિતને આપી રાખી હતી : આ લખાણોની શૈલી (બેશક લાક્ષણિક શૈલી) પકડવામાં મદદગાર બને તે સારુ ‘શાર્દૂલ’નાં છેલ્લાં ત્રણ વર્ષોની ફાઇલો પણ અજિતને આપવામાં આવી હતી. એટલે કોઈ પણ સભા, સમ્મેલન યા દાયરાનું લાક્ષણિક નિરીક્ષણ કરવા જતાં પહેલાં અજિત એ ફાઇલોમાંથી બેચાર નમૂનાઓને નજર તળે કાઢી લેતો.