બે હજાર ચોવીસ સમક્ષ/પ્રથમા-પૂષા – દેવાંગી ભટ્ટ

નવલકથા

‘પ્રથમા-પૂષા’ : દેવાંગી ભટ્ટ

મીનલ દવે

રમ્ય છળની કથા

દેવાંગી ભટ્ટ મૂળ તો અર્થશાસ્ત્રનાં અધ્યાપક, ત્યારે વિદ્યાર્થીઓ માટે એકાંકી-નાટક પણ લખ્યાં, દિગ્દર્શન કર્યું. સાહિત્ય પ્રત્યેના પ્રબળ આકર્ષણથી નિવૃત્તિ લીધી. કવિતા, નાટક, ટૂંકી વાર્તા, નવલકથા એમ અનેક સ્વરૂપોમાં એમની સર્જકતા મહોરી ઊઠી છે. ‘પ્રથમા-પૂષા’ એમની દસમી નવલકથા છે. જોકે એમણે એક પણ પુસ્તકને નવલકથા તરીકે ન ઓળખાવતાં માત્ર કથા તરીકે જ ઓળખાવ્યું છે. ઘટનાઓનું રસપૂર્વક થતું ગૂંથણ અને પાત્રોનાં આંતરવિશ્વમાં થતી હલચલનું નવતર રીતે થતું નિરૂપણ એમની દરેક કથાને નોખી ઓળખ આપે છે. વારાણસીને અડીને આવેલા બભનપુર ગામમાં કચોરી, સમોસા, બરફીની દુકાન ધરાવતાં બેનીરામ શર્મા અને ગીતાની જોડિયા દીકરીઓ પ્રથમા અને પૂષાની આ કથા છે. પૂર્ણિમાને દિવસે જન્મી એટલે પિતાએ નામ પાડ્યાં પ્રથમા-પૂષા. પૂષાને મોટી થયા પછી ઘણી વખત મનમાં પ્રશ્ન થતો : ચંદ્રની સોળ કળામાં પહેલી તે પ્રથમા અને ત્રીજી તે પૂષા, તો વચ્ચેની બીજી કળા ક્યાં ગાયબ થઈ ગઈ? પણ એના બાપુની બીજના ચંદ્ર જેવી ‘છોટુ શર્મા’ની ઝંખના એ બીજી કળામાં દબાઈ ગયેલી. જેનોે જવાબ પૂષાને કદી મળ્યો ન હતો. ઉત્તર ભારતના સામાન્ય કુટુંબમાં જન્મેલી આ દીકરીઓ સામાન્ય જ રહી ગઈ હોત, જો એમણે જીદ કરીને પંડિત શંભુજીની નૃત્યશાળામાં પ્રવેશ ન લીધો હોત. પંડિતજી પ્રથમાની નૃત્યકળાથી અત્યંત પ્રસન્ન હતા. ‘બેનીરામ, યે બિટિયા સાક્‌છાત સરસ્વતી હૈ, ઈસકી તાલીમ ન છૂટે.’ (૩૮) પરંતુ ગીતાને તો જુવાન દીકરીઓના હાથ પીળા થાય એમાં જ રસ હતો. એટલે જ એમને નૃત્યની પરીક્ષા આપવા ન પટના જવા દીધી, ન તો વારાણસીમાં જ ચાલનારા સાત દિવસના સાંસ્કૃતિક મહોત્સવની પ્રેક્ષક થવા દીધી. પરંતુ કાર્યક્રમની સાતમી રાતે બનેલી એક ઘટનાએ બન્ને બહેનોની જિંદગી બદલી નાખી. એ રાતે બભનપુરના ઘાટ પર વરસતા વરસાદમાં પ્રથમાને નૃત્ય કરતી જોઈને વિશ્વભરમાં જાણીતા નાટ્યદિગ્દર્શક વસિષ્ઠ ઐયરે એને પોતાના જૂથમાં જોડાવા આમંત્રી. ઘેરથી તો પરવાનગી મળવાની ન હતી, આથી પ્રથમાએ ભાગી જઈને જોડાવાનું અને વિશ્વ જોવાની તથા નૃત્ય કરવાની પોતાની ઇચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું. પણ પૂષાએ મા-બાપની સ્થિતિનો ભય બતાવી, ભગવાનના સોગંદ ખવરાવી એને ભાગતી અટકાવી. અને પોતે પ્રથમા બનીને વસિષ્ઠ ઐયરના જૂથમાં જોડાઈ ગઈ. અભિનય અને નૃત્યના જોરે દુનિયાભરમાં નામના મેળવી. વસિષ્ઠ ઐયરનાં તમામ નાટકોની એ મુખ્ય અભિનેત્રી હતી. રંગમંચની મોહિની, પ્રસિદ્ધિથી મળેલી સંતુષ્ટી અને વશિષ્ઠ સિવાયના અન્ય બે-ત્રણ સંબંધોએ પૂષાને, એટલે કે રંગમંચની દુનિયાની પ્રથમા – પેમ–ને ઘર, માતાપિતા, ભૂતકાળ બધું જ ભુલાવી દીધું. વર્તમાન સિવાય એને કોઈ કાળમાં રસ ન હતો. સમીક્ષકો એના અભિનય પર વારી જતા. કોઈ સારપ, પરંપરિત મૂલ્યો, સંસ્કારિતાનું એને મન કોઈ મહત્ત્વ ન હતું. જે જમીન પર ઊભી હતી એની નક્કરતા એણે જાતે ઘડેલી પણ પિતાના મૃત્યુથી આ જમીનમાં તિરાડ પડી. એણે ઘેર આવવું પડ્યું. જીવતી પ્રેત જેવી લઘરવઘર બહેને એને જોઈને ચીસ પાડી – પૂષા... ચૂડેલ... ત્યારે એને પોતે પ્રથમા નથી એ વાતની પ્રતીતિ થઈ. વીસ વર્ષ પહેલાં પોતે એની સાથે કરેલા છળની સજા પોતાની જ જાતને એ આપી રહી છે! પેમ (પૂષા) માટે આ વાત સમજબહારની છે. એ પ્રથમાની માફી માગે છે. ત્યારે પ્રથમાનો જવાબ છે : ‘ઉસ રાત તું ને કહા થા ભગવાનકી સૌગંદ... કહા થા ન? વો મર ગયા. અબ કોઈ સજા ન હોગી... કભી ના હોગી...’ (૮૧) પોતાની સાથે થયેલા દગાની સજા ભગવાને પૂષાને નથી આપી એની નિરાશાને કારણે પ્રથમાનો જીવનરસ સુકાઈ ગયો છે. ભગવાનના હોવાની, ઈશ્વરી ન્યાયની એની શ્રદ્ધા ખતમ થઈ ગઈ છે. પૂષા પ્રથમા બનીને ઐશ્વર્ય, નામના, પ્રેમી બધું જ મેળવી લે છે, અને પોતે આ ગામમાં જ રહી ગઈ, એનો ખેદ પ્રથમા માટે અસહ્ય છે. પેમ પ્રથમાને આ કળણમાંથી બહાર કાઢવા ફરી એક છળ આચરે છે, એ વસિષ્ઠની મદદથી કેટલીક બનાવટી ઘટનાઓની વિગતો પ્રથમાને પહોંચાડે છે, જેમાં કલ્પિત પ્રેમી ફ્રેડીનું એને મૂકીને જતા રહેવું. ગર્ભમાંના બાળકનું મૃત જન્મવું, વસિષ્ઠ સાથે સંબંધમાં અસલામતીનો અનુભવ થવો, હવે નાટકની નાયિકા પોતે નહીં હોય, મા-બાપુએ એની સાથે ફોન પર વાત કરવાની ના કહી દીધેલી, વગેરે વાતો સાંભળ્યા પછી, પ્રથમાનો કુદરતના ન્યાયમાંનો વિશ્વાસ જાગે છે, પૂષા માટેનો તિરસ્કાર દયામાં પલટાઈ જાય છે, આખરે પ્રથમા ગામમાં જ નૃત્યશાળા શરૂ કરવાનો નિર્ણય કરે છે પૂષા–પેમ વસિષ્ઠ સાથે પોતાના બનાવટી જગતમાં પાછી ફરે છે. અહીં જે રીતે કથાનક લખ્યું છે, નવલકથા એવી સીધી ગતિએ ચાલતી નથી. ભૂતકાળમાંથી વર્તમાનમાં અને વર્તમાનમાંથી ભૂતકાળમાં એની ગતિ થતી રહે છે. દિવાળીના થોડા દિવસો પૂર્વે આરંભાતી કથા દેવદિવાળીને દિવસે પૂરી થાય છે. કથા ઊઘડે છે પેરીસના ભવ્ય મેગાડોર થિયેટરના રંગમંચ પર પડતા પડદાની સાથે, અને કથાનો અંત લખાય છે બભનપુરના નાના ઘરમાં ઝળહળતા દીવડાઓની વચ્ચે શરૂ થનારી નૃત્યશાળાના આરંભ સાથે. પેમ-પૂષાએ પ્રથમા બનીને પોતાના સુખનું વિશ્વ રચી લીધેલું, જે પિતાના મૃત્યુ નિમિત્તે ગામ આવતાં વરવા રૂપે બહાર આવે છે. પોતાને નીતિવાદી ન ગણતી પેમ માટે સાધનની ગુણવત્તાનું કોઈ મહત્ત્વ નથી. કુરુપ વાસ્તવ કરતાં રમણીય છળ એને વધારે ગમે છે. એ આટલાં વર્ષોમાં એવું શીખી છે કે સાપેક્ષ સત્યના આ વિશ્વમાં અસત્યનો કોઈ છોછ હોઈ જ ન શકે. એટલે જ એની કથાની જાળમાં લપેટાતી પ્રથમા એને ક્ષમા કરી દે છે. પ્રથમા અને પૂષા ઉપરાંત બેનીરામ, ગીતા, વસિષ્ઠ ઐયર, કંજુચાચા, શંભુ પંડિત આ કથાનાં જેટલાં અગત્યનાં પાત્રો છે, એટલી જ મહત્ત્વની ભૂમિકા બભનપુર ગામ અને એનો કેદારઘાટ, વારાણસી અને એનો આરતી ઘાટ, ગંગાનો વહેતો પ્રવાહ, પેરીસની કાફેટેરિયા, અને વિવિધ રંગમંચની પણ રહી છે. બભનપુર ગામની શેરી, બેનીરામની દુકાન, શેરીના લોકોની આત્મીયતા, ઘાટ પરની અવરજવર, ગંગા પર વહેતી હોડીઓ, તારા છાયેલી રાતે અગાસીમાં બહેનોની થતી નાની નાની સપનાં મઢેલી વાતો, વગેરેથી આ કથાનું વાતાવરણ બંધાતું આવે છે. એની સામે પેરીસ કે મુંબઈની જુદી જ દુનિયા, વિવિધ પાત્રોમાં જીવતાં અભિનેતા-અભિનેત્રીઓ, તામઝામ અને ઝાકઝમાળ પાછળની કરુણ વાસ્તવિકતા, હમીદાબાનો જેવાં લોકો દ્વારા એ ભ્રામક વિશ્વની અસલિયત તરફ ચિંધાતી આંગળી. સાવ નોખી જ દુનિયા વાચક સમક્ષ ઊઘડે છે. જેમ પ્રથમા અને પૂષા – પેમ – બે અંતિમે જીવતાં પાત્રો છે, એમ જ આ બન્ને દુનિયા પણ સાવ નોખી છે. પણ બન્નેને સમાંતરે મૂકીને દેવાંગી ભટ્ટે કથા તથા પરિવેશને વધારે ચોટદાર બનાવ્યાં છે. કથાની રચનારીતિ પણ ધ્યાનાકર્ષક છે. કૃષ્ણપક્ષ તથા શુક્લપક્ષ – એમ બે ખંડ અને પંદર પ્રકરણમાં કથા વિસ્તરે છે. કૃષ્ણ પક્ષમાં પૂષા પ્રેમની ઝળહળતી કારકિર્દીની સમાંતરે પ્રથમાની બુઝાઈ ગયેલી અંધકારભરી કળા છે. જ્યારે શુક્લ પક્ષમાં પ્રથમા ધીમેધીમે ઊઘડતી જાય છે, વિકસતી જાય છે અને નૃત્યશાળાના નિર્ણય સાથે સોળે કળાએ ખીલે છે. કથામાં નાનીનાની બાબતોનો ઉપયોગ પણ સર્જનાત્મક રીતે કર્યો છે. જેમ કે પૂષા પેમની પેરીસની રૂમમાં ટીંગાતી વાનગોગના પેઇન્ટિંગની એક નકલ. પેમ પ્રથમા બનીને જીવી રહી છે, એનો એ સંકેત છે. એ જ રીતે પરદેશથી પાછી ફરેલી પૂષા-પેમ પ્રથમાને પહેલી વખત જુએ છે, તો એને એ માનવપ્રેત સમી ભાસે છે, પણ પ્રથમા પૂષાને જોતાં રાડ પાડે છે, ‘પૂષા... ચૂડેલ...’ અહીં બન્ને એકબીજા માટે ચૂડેલ બની જાય છે. ગીતા સગર્ભા હતી ત્યારે બેનીરામે પતરાનો એક કટકો ખરીદી રાખેલો, પુત્ર જન્મશે એટલે દુકાન પર એના નામનું બોર્ડ લટકશે, ‘છોટે શર્માકી દુકાન’(૨૭) પણ જન્મી તો જોડિયા દીકરીઓ. એ જ પતરું પછી પ્રથમાની નૃત્યશાળાના નામાંકન માટે વપરાય છે. દીકરો તો નથી, પણ દીકરીએ બાપનું નામ જાળવ્યું છે. બેનીરામની આશા પૂર્ણ કરી છે. નાટકના રિહર્સલ વખતે હમીદાબાનોની હાજરી ઈશ્વરના અસ્તિત્વ અને ભલાઈના હોવાની શ્રદ્ધા ટકાવવામાં સહાયક નીવડે છે. લેખિકા વગરકામનું એક વાક્ય પણ નવલકથામાં પ્રયોજતાં નથી એ નોંધપાત્ર છે. આ કથાનું મોટું જમા પાસું એની ભાષા છે. ગંગાકાંઠાની સ્થાનિક બોલી ભોજપુરી, શિષ્ટ ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજીનો ભરપૂર ઉપયોગ લેખિકાએ કર્યો છે. પરંતુ એકવીસ વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરે નાટકમાં કામ કરતી પૂષા-પેમ સ્વાભાવિક રીતે જ અંગ્રેજીનો ઉપયોગ વધારે કરવાની, એવું જ વસિષ્ઠ ઐયરનું પણ ખરું. એટલે અંગ્રેજીનો ઉપયોગ ખટકતો નથી. દેવાંગી ભટ્ટની ભાષાનાં ઉદાહરણ નોંધીએ : સામાન્ય લોકો પોતાના માળામાં પાછા ફરતા હોય ત્યારે આ વિચિત્ર જીવો ઊઠીને, શણગાર કરીને બહાર પડતા. વણઝારા જેવું જીવન જીવતાં આ લોકો સતત જુદાજુદા દેશોમાં ફર્યા કરતાં... દરેક નવા મંચનમાં એ નવું પાત્ર પહેરીને ઓળખ બદલી લેતાં. એ લોકો ક્યાંયનાં ન હતાં... કોઈનાં નહોતાં... કદાચ એ માણસ ઓછાં અને યાયાવર પંખીઓ વધારે હતાં. ઋતુ રંગ બદલે ને એ નવી જમીનોની શોધમાં ઊડી જતાં. (૮) વસિષ્ઠ પેમના નાટકજૂથ વિશેનું આ વર્ણન છે. હવે જુઓ આ ઘાટના વર્ણનની ભાષા : એ સદાપ્રવૃત્ત વયોવૃદ્ધ ઘાટને આખાયે દિવસની જળોજથ્થામાં બસ એક સમયે શાતા મળે છે... બ્રાહ્મમુહૂર્તમાં. રાત્રિના ચોથા પ્રહરે જ્યારે આકાશ હજી કૃષ્ણવર્ણ હોય, સચરાચરને સોડમાં લઈને પ્રકૃતિ ધીમુંધીમું ડોલતી હોય, અને પરાપૂર્વથી વહેતી ભાગીરથીના જળનું ધીમુંધીમું ગાન ગૂંજતું હોય... એ વેળાએ પુરાતન ઘાટ પણ આંખો મીંચીને તંદ્રામાં સરી પડે છે.’ (૩૪) અને આ ભાષા... ‘પેમે એક પછી એક... પોતાના રિક્ત જીવનની, અધૂરપોની, ઉદ્વેગોની ભ્રમણા રચી... અને પ્રથમા ધીમેધીમે ડગ માંડતી અરણ્યની બહાર આવી. સૂર્યના ઉજાસમાં એણે હાથ લાંબા કર્યા... ધ ઑબ્જેક્ટિવ વોઝ અચિવ્ડ.’(૧૫૦) નકારાત્મક પાત્ર કહી શકાય એવી પૂષા (કે પેમ) માટે ભાવકના મનમાં તિરસ્કાર જન્મતો નથી. એ આ નવલકથાનું સબળ પાસું છે. એકવીસમી સદીના ત્રીજા દાયકાના પ્રારંભે ગુજરાતી નવલકથા પોતાનું વહેણ બદલી રહી છે. જિતેશ દોગાની ‘ધ રામબાઈ’, વિષ્ણુ ભાલિયાની ‘ખારા પાણીને ઘણી ખમ્મા’, જયંત રાઠોડની ‘સરસ્વતી’, અજય સોનીની ‘કોરું આકાશ’, કે દેવાંગી ભટ્ટની ‘વાસાંસિ જિર્ણાનિ’ કે ‘મહાભિનિષ્ક્રમણ’ વાંચો તો બદલાયેલા સામાજિક સંદર્ભોને આ સર્જકો કઈ રીતે સાહિત્યમાં ઝીલે છે, તે પામી શકાશે. હવે નૈતિક મૂલ્યો કે સામાજિક દાયિત્વ કરતાં અંગત અસ્મિતાનું આલેખન વધારે અગત્યનું બની રહે છે. ‘પ્રથમા-પૂષા’ આ જ હરોળમાં આગળ વધતી ગુજરાતી રચના છે, એ સ્વીકારવું રહ્યું.

[નવભારત પ્રકાશન, અમદાવાદ]