ભારતીયકથાવિશ્વ−૪/પદ્મપુરાણ/સુનીથાની કથા


સુનીથાની કથા

પ્રાચીન કાળમાં મૃત્યુને ત્યાં એક સુનીથા નામની ભાગ્યશાળી કન્યાનો જન્મ થયો. પિતાનું જોઈજોઈને તે બધાં કામ કરતી અને રમતગમતમાં લીન રહેતી. એક દિવસ સુનીથા સખીઓ સાથે એક વનમાં ગઈ અને ત્યાં તેના કાને એક ગીત પડ્યું. પાસે જઈને જોયું તો સુશંખ નામનો ગંધર્વકુમાર તપ કરતો હતો. તે બહુ સુંદર હતો. બધાં અંગ સપ્રમાણ હતાં. તે દરરોજ ત્યાં જઈને તેને સતાવવા લાગી. તે દરરોજ તેના અપરાધો પર ધ્યાન આપતો ન હતો, તે માત્ર તેને ત્યાંથી જતા રહેવાનું કહેતો હતો.

આવું સાંભળીને સુનીથા વધુ ગુસ્સે થતી અને તેને મારવા લાગતી. એક દિવસ તેનાથી રહેવાયું નહીં અને પછી સ્વસ્થ થઈને તેણે કહ્યું, ‘સજ્જનો માર ખાઈ લે છે, સામે કશું કરતા નથી, કોઈ ગાળો દે તો પણ ક્રોધ કરતા નથી.’ પછી તો તે જતો રહ્યો. સુનીથાએ પોતાના પિતાને આ બધી વાત કરી, અને ગંધર્વે જે કહ્યું હતું તે કહીને તેનો મર્મ પૂછ્યો. તેના પિતાએ કશો ઉત્તર ન આપ્યો. સુનીથા ફરી વનમાં ગઈ, અને જોયું તો સુશંખ તપોરત હતો. સુનીથાએ તેને કોરડા ફટકારવા માંડ્યા હવે તે પોતાનો ક્રોધ કાબૂમાં રાખી ન શક્યો. ‘સુનીથા, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશીશ ત્યારે તારા પેટે એક દુષ્ટ પુત્રનો જન્મ થશે, તે દેવતાઓની અને બ્રાહ્મણોની નિંદા કરશે અને પાપી બનશે.’ આમ કહીને તે તો તપ કરવા બેસી ગયો. સુનીથાએ ઘેર આવીને પિતાને બધી વાત કરી. તેમણે પુત્રીને બહુ ઠપકો આપ્યો.

એક સમયે મુનિ અત્રિના પુત્ર રાજા અંગે નંદનવનમાં જઈને ગંધર્વ, અપ્સરા અને કિન્નરોની સાથે દેવરાજ ઇન્દ્રનાં દર્શન કર્યાં. ઇન્દ્રનો વૈભવ જોઈને તેમને થયું, ‘મને ઇન્દ્ર જેવો પુત્ર ક્યારે મળશે?’ પછી ખિન્ન થઈને તેમણે પિતા અત્રિને વાત કરી. અત્રિએ કહ્યું, ‘તપ કરવાથી પ્રસન્ન થયેલા વિષ્ણુ બધું આપે છે. એટલે તું તેમની આરાધના કર.’

તેમની વાત સાંભળીને અંગ મેરુ પર્વત પર ચાલ્યા ગયા. કામક્રોધનો ત્યાગ કરીને ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા. તે બધે જ વિષ્ણુનું દર્શન કરતા હતા. એમ કરતાં કરતાં સો વર્ષ વીતી ગયાં. દુર્બળ થઈ ગયા હોવા છતાં તેમનામાં તેજ હતું. પછી ભગવાન પ્રગટ થયા. ભગવાનની સ્તુતિ કરીને ઇન્દ્ર જેવો પુત્ર માગ્યો. ભગવાને વરદાન આપ્યું.

આ બાજુ મૃત્યુએ સુનીથાને બહુ સમજાવી અને ભગવાનનું ધ્યાન ધરવા કહ્યું. તે પિતાને પ્રણામ કરીને વનમાં જતી રહી અને તપ કરવા માંડ્યું. એક દિવસ તેની સખીઓ ત્યાં આવી ચઢી અને ચંતાિ ત્યજીને સુખ માણવા સમજાવી. પછી તેણે પોતાની કથા કહી. સખીઓએ તેનાં બહુ વખાણ કર્યાં. ‘તને કેવી રીતે પતિ મળી શકે તે ઉપાય અમે જાણીએ છીએ એટલે હવે તું ચંતાિમુક્ત થઈ જા. પુરુષોને મોહ પમાડનારી વિદ્યા અમે તને આપીશું.’

આમ કહીને તેમણે સુનીથાને તે વિદ્યા આપી. ‘હવે તારે જેને મોહિત કરવો હોય તેને તું મોહિત કરી શકીશ.’ સુનીથાએ તે વિદ્યા સિદ્ધ કરી અને તે સખીઓ સાથે ભમવા માંડી.

એક દિવસ તેણે ગંગાકિનારે એક તેજસ્વી બ્રાહ્મણને જોયો, સખી રંભાને પૂછવાથી જાણવા મળ્યું કે ‘તે મહાત્મા અત્રિના પુત્ર અંગ હતા. ઇન્દ્રનો વૈભવ જોઈને તેમને પણ એવો વૈભવ પામવાનું મન થયું અને એવો પુત્ર ભગવાન પાસે માગ્યો. ભગવાને તે વરદાન આપ્યું. હવે તે પવિત્ર કન્યાની શોધમાં છે. તેમને તારા જેવી જ સુંદર કન્યા જોઈએ છે. તું તેમની સાથે લગ્ન કર એટલે તને એવો પુત્ર મળશે.’

સુનીથાએ તેની વાત માની લીધી. ‘પેલી વિદ્યા વડે હું એને મોહમાં નાખીશ.’ રંભાએ તેને સહાય કરવાનું વચન આપ્યું. વિશાળ નેત્રવાળી સુનીથા યુવાન હતી, અસામાન્ય રૂપ હતું. તે ત્રણે લોકને મોહિત કરવા બેઠી. ઝૂલા પર બેસીને તે વીણાવાદન કરવા લાગી. તે સમયે અંગ મહર્ષિ પોતાની પવિત્ર ગુફામાં ધ્યાનમગ્ન હતા. ઉત્તમ સૂર, તાલવાળું સંગીત સાંભળીને તે મોહ પામ્યા. બહાર જઈને જોયું તો વીણાધારિણી કોઈ યુવતી ગાઈ રહી હતી. અંગ તેનાં રૂપ અને સંગીત પર વારી ગયા. મોહ પામીને તેમણે સુનીથા પાસે જઈને પૂછ્યું, ‘સુંદરી, તું કોણ છે, કોની પુત્રી છે? અહીં સખીઓ સાથે આવીને શું કરે છે? તને અહીં કોણે મોકલી છે?’

અંગની વાતનો તેણે કશો પ્રતિભાવ ન આપ્યો. તેણે રંભા સામે જોયું. રંભાએ સંકેત વડે સુનીથાને સમજાવી દીધું અને પછી તે પોતે જ બ્રાહ્મણ પાસે જઈને નમ્રતાથી બોલી, ‘આ મૃત્યુની કન્યા સુનીથા છે. તે પોતાના માટે ધર્માત્મા, તપસ્વી, જિતેન્દ્રિય, બુદ્ધિશાળી અને વેદજ્ઞ પતિની શોધમાં છે.’

આ સાંભળીને અપ્સરાઓમાં ઉત્તમ એવી રંભાને અંગે કહ્યું, ‘મેં ભગવાન શ્રીહરિની આરાધના કરી છે અને તેમણે મને પુત્રનું વરદાન આપ્યું છે. આ વરદાનને સફળ કરવા હું કોઈ પુણ્યશાળી કન્યાની શોધમાં છું, પણ મને એવી મંગલમય કન્યા મળી નથી. હવે જો આ કન્યા પણ પતિની શોધમાં હોય તો તે મને અપનાવે. તેને મેળવવા હું કોઈ અદેય વસ્તુ પણ આપી શકું છું.

રંભાએ કહ્યું, ‘તમારે આ જ રીતે તેને મનગમતી વસ્તુ આપવી જોઈએ. તે સદા માટે તમારી ધર્મપત્ની થવાની એટલે તમારે કદી તેનો ત્યાગ નહીં કરવો. તેના ગુણદોષ પર ધ્યાન ન આપતા. તમે મને પ્રતીતિ કરાવો. સત્યની પ્રતીતિ કરાવતો તમારો હાથ તેના હાથમાં મૂકો.’

અંગે રંભાની વાત માનીને પોતાનો હાથ સુનીથાના હાથમાં મૂક્યો.

આમ સત્યની પ્રતીતિ કરાવતો સંબંધ સ્વીકારી અંગે સુનીથાને ગાંધર્વવિવાહની રીતે સ્વીકારી. અંગના હાથમાં સુનીથાને સોંપી રંભાને બહુ આનંદ થયો. તે સખીની આજ્ઞા લઈને પોતાને ઘેર ગઈ, બીજી સખીઓ પણ પોતપોતાને ઘેર પ્રસન્ન થઈને ગઈ. બધાં ગયાં એટલે અંગ પત્ની સાથે વિહાર કરવા લાગ્યા. થોડા સમય પછી સુનીથાએ એક સર્વગુણસંપન્ન પુત્રને જન્મ આપ્યો. વેદ, ધનુર્વેદ ભણીને તે બધી વિદ્યાઓમાં પારંગત થઈ ગયો. અંગપુત્ર વેન સજ્જનોનો આચાર પાળીને ક્ષત્રિય ધર્મનું પાલન કરતો હતો. વૈવસ્વત મન્વંતરના આગમનની સાથે પ્રજા રાજા વિના દુઃખી થવા લાગી ત્યારે બધાએ વેનમાં સુલક્ષણો જોઈને તેને રાજા બનાવ્યો, પછી બધા ઋષિઓ પોતપોતાના આશ્રમોમાં જતા રહ્યા. પ્રજા સુખી હતી, ધામિર્ક હતી.

એક વખત રાજદરબારમાં કોઈ પુરુષ છદ્મવેશે આવ્યો. તેનું શરીર વિશાળ હતું, બગલમાં મોરપીંછનું ઝાડુ હતું, એક હાથમાં નારિયેળનું કમંડળ હતું. તે વેદવિરુદ્ધ વાણી બોલતો હતો. તેને જોઈ વેન રાજાએ પૂછ્યું, ‘તમે કોણ છો અને આવો વેશ કેમ?’

તેણે કહ્યું, ‘તમે જે રીતે ધર્મ અનુસાર રાજ્ય ચલાવો છો તે વ્યર્થ છે. હું જ્ઞાન છું, હું જ સત્ય છું, હું જ સનાતન ધર્મ છું. સત્ય અને ધર્મ મારી કાયા છે. જ્ઞાની યોગી મારા સ્વરૂપને પૂજે છે.’

રાજાએ જ્યારે તેના ધર્મ વિશે પૂછ્યું ત્યારે તે બોલ્યો, ‘મારું દર્શન જૈન છે. મારી દૃષ્ટિએ યજ્ઞ, વેદાભ્યાસ, સંધ્યાપૂજા, તપસ્યા, દાન, હવ્યકવ્ય, પિતૃતર્પણ, અતિથિસત્કાર, બલિ વગેરે નથી. દાનકર્મનો કશો અર્થ નથી. તીર્થમહિમા નથી. માતાપિતાને પણ પગે લાગવું ન જોઈએ.

અને આમ રાજાને સમજાવીપટાવી પોતાના મતનો કરી દીધો અને વેનના મનમાં પાપબુદ્ધિ જાગી.


(ભૂમિખંડ)
(આના અનુસંધાનમાં જુઓ હરિવંશની કથા)