ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્મવૈવર્તપુરાણ/વેદવતીની કથા


વેદવતીની કથા

ધર્મધ્વજ અને કુશધ્વજ — બંનેએ કઠોર તપ કરીને ભગવતી લક્ષ્મીની ઉપાસના કરી, મહાલક્ષ્મીની કૃપાથી તેઓ પૃથ્વીપતિ થયા, ધનવાન અને પુત્રવાન થયા — કુશધ્વજની સાધ્વી પત્ની માલાવતી હતી. યોગ્ય સમયે લક્ષ્મીના અંશરૂપ કન્યા તેમને ત્યાં જન્મી, ધરતી પર પગ મૂકતાં વેંત તે જ્ઞાની થઈ ગઈ. સૂતિકાગૃહમાં જ વેદમંત્રોનો જાપ તે કન્યાએ કર્યો અને તે ઊભી થઈ ગઈ. એટલે તેનું નામ પડ્યું વેદવતી. જન્મતાવેંત તેણે સ્નાન કર્યું અને તપ કરવા વનમાં ચાલી નીકળી. બધાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તેણે કોઈનું સાંભળ્યું નહીં. પુષ્કરક્ષેત્રમાં એક મનાંતર તે તપ કરતી રહી. તપ આકરું હોવા છતાં સહજ રીતે ચાલતું રહ્યું. ખૂબ તપ કરવા છતાં તેનું શરીર હૃષ્ટપુષ્ટ રહ્યું, દુર્બળતા વિના તે નવયૌવન પામી. એક દિવસ આકાશવાણી તેણે સાંભળી, બીજા જન્મે ભગવાન હરિ તારા પતિ થશે. આ સાંભળી તે કન્યા ગંધમાદન પર્વત પર જઈને પહેલાં કરતાં પણ આકરું તપ તે કરવા લાગી. ત્યાં લાંબા સમય સુધી તપ કર્યા પછી તેણે પોતાની સામે રાવણ જોયો. વેદવતીએ અતિથિધર્મ પ્રમાણે પાદ્ય, ફળ અને જળ આપ્યાં. ફળ ખાઈને રાવણ વેદવતી પાસે જઈને પૂછવા લાગ્યો, ‘કલ્યાણી, તું કોણ છે? અને અહીં કેમ રહે છે?’ તે તો બહુ સુંદર હતી, તેના મોં પર મંદ મંદ સ્મિત ફરકતું હતું. તે જોઈ રાવણ કામાતુર બન્યો. તેણે હાથ વડે વેદવતીને પોતાની નિકટ ખેંચી. રાવણની આ હીનતા જોઈ સાધ્વી ક્રોધે ભરાઈ. તેણે પોતાના તપોબલ વડે રાવણને સ્તંભિત કરી દીધો, તેના હાથપગ જડ થઈ ગયા. તે કશું બોલીચાલી ન શક્યો. આવી સ્થિતિમાં રાવણે મનોમન કમલલોચના દેવીની ઉપાસના કરી. શક્તિની ઉપાસના નિષ્ફળ નથી જતી, વેદવતી રાવણ પર પ્રસન્ન થઈ અને એ સ્તુતિનું ફળ પરલોકમાં આપવા તે તૈયાર થઈ, અને સાથે સાથે શાપ આપ્યો, ‘દુરાત્મા, મારે કારણે જ બંધુજનોની સાથે તારો વિનાશ થશે, તેં કામવશ મારો સ્પર્શ કર્યો છે. હવે હું આ શરીર ત્યજી દઉં છું — જો.’

આમ કહીને વેદવતીએ યોગશક્તિથી પોતાના પ્રાણ ત્યજી દીધા. રાવણે તેનું શબ ગંગામાં વહેવડાવી દીધું. મનમાં ચિંતા કરતો રાવણ ઘર ભણી જવા નીકળ્યો અને મનમાં વિચારવા લાગ્યો, ‘કેવી અદ્ભુત ઘટના! અને મેં આ શું કર્યું? આમ પોતાના દુષ્કૃત્યનો અને વેદવતીના દેહત્યાગનો વિચાર કરવા લાગ્યો.

આ વેદવતી બીજા જન્મે જનક રાજાને ત્યાં જન્મી, તેનું નામ પડ્યું સીતા. વેદવતી અદ્ભુત તપસ્વિની હતી. પૂર્વજન્મના તપને કારણે ભગવાન રામ તેને પતિ રૂપે મળ્યા. દેવી વેદવતીએ ઘોર તપ વડે જગદીશ્વરને પતિ રૂપે પ્રાપ્ત કર્યા. તે સાક્ષાત્ રમા હતી. સીતા રૂપે તે દેવીએ ઘણો સમય રામ સાથે વીતાવ્યો. પૂર્વજન્મની વાતો તેને યાદ હતી પણ પૂર્વજન્મમાં તપને કારણે જે કષ્ટ પડ્યું હતું તેની કશી સ્મૃતિ ન રહી. વર્તમાન સુખે ભૂતકાલીન દુઃખોને ભુલાવી દીધાં. શ્રીરામ પરમ ગુણવાન, સુલક્ષણપૂર્ણ, રસિક, શાન્ત, સુંદર અને શ્રેષ્ઠતમ દેવતા હતા. વેદવતીએ આવા મનોવાંછિત સ્વામીને મેળવ્યા. થોડા સમય પછી રામ પિતાના વચન ખાતર વનમાં પધાર્યા. સીતા, લક્ષ્મણ સાથે સમુદ્ર પાસે રહ્યા. ત્યાં બ્રાહ્મણનું રૂપ લઈને અગ્નિદેવે આવીને રામને કહ્યું,

‘ભગવાન, મારી વિનંતી સાંભળો. આ સીતાહરણનો સમય છે. સીતા મારી મા છે, તેને મારા સંરક્ષણમાં રાખો અને તમે છાયામયી સીતા સાથે રહો. અગ્નિપરીક્ષાના સમયે હું તેમને પાછી આપીશ. આ કામ માટે મને દેવતાઓએ અહીં મોકલ્યો છે. હું બ્રાહ્મણ નથી, હું અગ્નિ છું.’

રામે લક્ષ્મણને કશું કહ્યા વિના ભારે હૈયે અગ્નિની વાત સ્વીકારી લીધી. અને સીતા અગ્નિદેવને આપી દીધી. અગ્નિદેવે યોગબળથી માયામયી સીતાનું નિર્માણ કર્યું. રૂપ અને ગુણમાં તે સાક્ષાત્ સીતા જેવી જ હતી. અગ્નિદેવે એ સીતા રામને સોંપી અને સીતાને લઈને તે આગળ ચાલ્યા. આ વાત કોઈ કરતાં કોઈને ન કરવા ભગવાન રામને તેમણે ના પાડી. લક્ષ્મણ પણ આ રહસ્ય જાણી ન શક્યા. આ દરમિયાન ભગવાન રામે એક કાંચનમૃગ જોયો. સીતાએ એ મૃગ લાવવા ભગવાન રામને વિનંતી કરી. જાનકીની રક્ષાનો ભાર લક્ષ્મણને સોંપીને રામ મૃગ વધ માટે નીકળી પડ્યા. બાણ મારી તેને ભોંયભેગો કર્યો. મરતી વખતે મૃગે ચીસ પાડી, ‘હે લક્ષ્મણ!’ સામે રામને જોઈને તે મૃગે પ્રાણ ત્યજી દીધા. મૃગનો જન્મ પૂરો કરી તે દિવ્ય દેહવાળો બન્યો અને રત્નજડિત વિમાનમાં બેસીને વૈકુંઠધામમાં ગયો. આ મારીચ પૂર્વજન્મે વૈકુંઠધામના દ્વાર પર દ્વારપાલ જયવિજયનો સેવક હતો. તે ત્યાં જ રહેતો હતો. મહા બળવાન તે સેવકનું નામ હતું ‘જિત’. સનક વગેરેના શાપથી તે પણ જયવિજયની સાથે રાક્ષસજાતિમાં જન્મ્યો. તે દિવસે તેનો ઉદ્ધાર થઈ ગયો અને પેલા દ્વારપાલોની પહેલાં તે વૈકુંઠદ્વારે પહોંચી ગયો. ત્યાર પછી ‘હે લક્ષ્મણ!’ એવો પોકાર સાંભળીને સીતાએ લક્ષ્મણને રામ પાસે મોકલ્યા. લક્ષ્મણ ગયા એટલે રાવણે સીતાનું હરણ રમતાંરમતાં કરી લંકાની દિશામાં તે ચાલી નીકળ્યો. વનમાં લક્ષ્મણને જોઈને રામ વિષાધ્ગ્રસ્ત બન્યા. તરત જ તેઓ આશ્રમ જઈ પહોંચ્યા અને ત્યાં સીતા ન હતી. એટલે રુદન કરવા લાગ્યા. સીતાને શોધવા વનના એક છેડેથી બીજા છેડા સુધી ભમતા રહ્યા. થોડા સમય પછી ગોદાવરી કાંઠે જટાયુ પાસેથી સીતાના સમાચાર મળ્યા. વાનરોની સહાયથી રામે સમુદ્રમાં સેતુ ઊભો કર્યો. તેના પર થઈને લંકા પહોંચી રાવણને તેના બાંધવોની સાથે મારી નાખ્યો. ત્યાર પછી તેમણે સીતાની અગ્નિપરીક્ષા કરાવી. અગ્નિદેવે તે જ વખતે વાસ્તવિક સીતાને રામ પાસે ઊભી કરી દીધી. ત્યારે છાયાસીતાએ અત્યન્ત નમ્ર બનીને અગ્નિને અને રામને કહ્યું, ‘મહાનુભાવો, હવે મારે શું કરવાનું છે તે કહો.’

રામે તથા અગ્નિએ કહ્યું, ‘દેવી, તમે તપ કરવા અત્યંત પવિત્ર સ્થળ પુષ્કરક્ષેત્રમાં જતાં રહો. ત્યાં રહી તપ કરજો. એનાથી તમે સ્વર્ગલક્ષ્મી બનશો.’

ભગવાન રામ અને અગ્નિદેવની વાત સાંભળીને છાયાસીતાએ પુષ્કર ક્ષેત્રમાં જઈ તપ કરવા માંડ્યું. તેનું કઠોર તપ દીર્ઘ કાળ સુધી ચાલ્યું. ત્યાર પછી તેને સ્વર્ગલક્ષ્મી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. કાળક્રમે તે છાયાસીતા રાજા દ્રુપદને ત્યાં યજ્ઞવેદીમાંથી પ્રગટી. તેનું નામ દ્રૌપદી. પાંચ પાંડવ સાથે તેનું લગ્ન થયું. આમ સત્યયુગમાં કલ્યાણી વેદવતી કુશધ્વજની પુત્રી, ત્રેતાયુગમાં છાયા રૂપે સીતા અને દ્વાપરયુગમાં દ્રૌપદી રૂપે અવતરી. એટલે તેને ‘ત્રિહાયણી’ કહી, ત્રણે યુગમાં તે વિદ્યમાન થઈ. છાયાસીતા રામ અને અગ્નિદેવના કહેવાથી શંકર ભગવાનની આરાધના કરવા લાગી. પતિ પામવા વ્યગ્ર ચિત્તે વારે વારે વિનંતી કરતી રહી. ‘ભગવાન ત્રિલોચન, મને પતિ આપો.’ આ શબ્દો પાંચ વાર તેના મોઢામાંથી નીકળ્યા. ભગવાન શંકરે સ્મિતપૂર્વક કહ્યું, ‘તને પાંચ પતિ મળશે.’ આમ દ્રૌપદીને પતિ રૂપે પાંચ પાંડવ મળ્યા.

(પ્રકૃતિખંડ ૧૪)