ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/કર્ણોત્પલાની કથા


કર્ણોત્પલાની કથા

પ્રાચીન કાળમાં સત્યસન્ધ નામના રાજા ઇક્ષ્વાકુ કુળમાં થઈ ગયા. તેમને ત્યાં એક કન્યા જન્મી. બારમા દિવસે મંત્રીઓ અને બ્રાહ્મણો સાથે ચર્ચા કરીને તેમણે નક્કી કર્યું, ‘મારી આ કન્યાના કાન કમળપત્ર જેવા છે એટલે તેનું નામ કર્ણોત્પલા પાડીએ.’ પછી તો તે કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી. આમ કરતાં તે યુવાન થઈ. તેને જોઈને રાજા વિચારવા લાગ્યા, ‘હું આનો વિવાહ કોની સાથે કરું? એને શોભે તેવો કોઈ વર પૃથ્વી પર તો છે જ નહીં. તો હવે હું શું કરું?’ છેવટે તેમણે બ્રહ્મા પાસે જવાનો વિચાર કર્યો. ‘તે જે વર બતાવે તેની સાથે આનો વિવાહ કરી દઉં.’

આમ તેઓ કન્યાને લઈને બ્રહ્મા પાસે પહોંચ્યા. તે સમય બ્રહ્માની સંધ્યાનો હતો એટલે તેઓ તો સમાધિ લગાવીને બેસી ગયા અને અંત:કરણમાં બ્રહ્માનો સાક્ષાત્કાર કરવા લાગ્યા. તે વેળા તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતા, અંગે રોમાંચ થઈ રહ્યો હતો.

સંધ્યા પૂરી કરીને બ્રહ્માએ આચમન લીધું, હાથપગ ધોયા અને બધી દિશાઓમાં દૃષ્ટિપાત કર્યો. રાજાએ પુત્રી સાથે તેમને પ્રણામ કર્યાં અને કહ્યું, ‘હું આનર્ત દેશનો રાજા સત્યસન્ધ છું અને આ મારી પુત્રી કર્ણોત્પલા છે. મને પૃથ્વી પર આને લાયક કોઈ પતિ મળતો નથી. એટલે હું તમારી પાસે આવ્યો છું. તમે જ આને યોગ્ય કોઈ પતિ બતાવો.’

રાજાની વાત સાંભળીને બ્રહ્મા હસ્યા અને બોલ્યા, ‘રાજન્, તમે અહીં આવ્યા ત્યારે ત્રણ યુગ વીતી ગયા. તમે પૃથ્વી પર જે જે લોકોને જોયા હતા તે બધા તો મૃત્યુ પામ્યા. અત્યારે પૃથ્વી પર બીજી જ સૃષ્ટિ છે. હવે તો તમે પુત્રી સાથે અહીં જ રહો. તમારા પુત્ર, પૌત્ર, ભાઈ, સેવકો બધા જ મૃત્યુ પામ્યા છે.’

રાજાએ તો કહ્યું, ‘ભલે.’ પણ તેમની પુત્રીએ કહ્યું, ‘પિતાજી, હું તો જઈશ. ત્યાં જ મારી માતા, ત્યાં જ મારી સખીઓ છે એટલે ચાલો જતા રહીએ.’

પુત્રીની વાત સાંભળી રાજા સ્નેહવશ પુત્રી સાથે પોતાના રાજ્યમાં પાછા ફર્યા. તેમણે શું જોયું? જ્યાં પહેલાં સ્થળ હતું ત્યાં જળાશય હતાં અને જ્યાં પહેલાં જળ હતું ત્યાં દુર્ગમ સ્થળ દેખાયાં. તે દેશમાં બીજા જ લોકો હતા અને તેમનો ધર્મ પણ જુદો હતો. પૂછવા છતાં પણ કોઈની સાથે કશો નાતો બાંધી શકતા ન હતા. મૃત્યુલોકની હવાનો સ્પર્શ થતાંવેંત તે બંને વૃદ્ધ થઈ ગયા. તેમણે પૂછ્યું, ‘અહીં રાજા કોણ છે, આ પ્રદેશ કયો, આ નગર કયું?’ પછી લોકોએ કહ્યું, ‘આ દેશનું નામ આનર્ત છે. ધર્મજ્ઞ બૃહદ્વલ રાજા છે, આ પ્રાપ્તિપુર નગર છે અને અહીં સાભ્રમતી નદી વહે છે. અહીં ગર્તા નામનું તીર્થ છે અને જપતપ કરતા મુનિઓ અહીં વસે છે.’

આ સાંભળી રાજા પોતાની કન્યાની સાથે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા. બંનેને રડતાં જોઈ આસપાસના લોકો ભેગા થઈ ગયા. ‘અરે તમે આની સાથે કેમ રડો છો? તમારું કશું નાશ પામ્યું છે?’

રાજાએ કહ્યું, ‘હું આ આનર્ત દેશનો રાજા હતો. મારું નામ સત્યસન્ધ. હું આનો વિવાહ કરવા બ્રહ્મા પાસે ગયો હતો. ત્યાં મારે બે ઘડી રોકાવું પડ્યું અને પાછા આવીને જોઉં છું તો અહીં બધું બદલાઈ ગયું છે.’

આ સાંભળી ત્યાંના લોકોએ રાજાને વાત કરી. રાજા પગપાળા ત્યાં આવ્યા અને પ્રણામ કરીને બોલ્યા, ‘મહારાજ તમારું સ્વાગત. તમારું રાજય પાછું લો.’

રાજાએ તેને ભેટીને કહ્યું, ‘મેં બહુ દિવસ રાજ કર્યું, બહુ દાન આપ્યાં, પૂરી દક્ષિણાવાળા અશ્વમેધ યજ્ઞ કર્યા. હવે પુત્રી સાથે તપ કરીશ. જેથી આને ફરી યુવાવસ્થા પ્રાપ્ત થઈ જાય.’

‘મેં લોકો પાસેથી વાતો સાંભળી હતી. રાજા સત્યસન્ધ પોતાની કન્યા લઈને ક્યાંક ચાલ્યા ગયા હતા અને પાછા આવ્યા ન હતા. તેમના મંત્રીઓએ બહુ દિવસ તે રાજ્ય સંભાળ્યું પછી તેમના પુત્ર સુહયનો અભિષેક કર્યો. તેમના જ વંશમાં મારો જન્મ થયો. હું તેમની સત્તરમી પેઢીએ છું. તમે આ જ તીર્થમાં રહી તપ કરો એટલે હું ત્રણે સમય તમારી ચરણવંદના કરી શકું.’

રાજાએ કહ્યું, ‘વત્સ, પહેલાં હાટકેશ્વરમાં મેં શિવની પ્રતિષ્ઠા કરી હતી. તે સ્થળ આજે પણ છે. તું મને આ કન્યા સાથે ત્યાં મોકલી આપ.’

પછી પુત્રી સાથે ત્યાં જઈને રાજા પ્રસન્ન થયા અને તેઓ તપ કરવા લાગ્યા. કર્ણોત્પલા પણ પવિત્ર જળાશયના કિનારે પાર્વતીની સ્થાપના કરીને તપ કરવા લાગી. તેના તપથી સંતુષ્ટ થઈને પાર્વતીમાતાએ તેને દર્શન આપ્યાં અને વરદાન માગવા કહ્યું.

‘માતા, મારા પિતા મારા વિવાહ માટે બહુ દુઃખી છે. તેઓ આટલા જ માટે બધું ગુમાવીને બેઠા છે. હું કુમારી હતી તે એકદમ વૃદ્ધ થઈ ગઈ. મારી પ્રાર્થના છે કે મારાં યૌવન અને સૌંદર્ય પાછાં સાંપડે.’

દેવીએ કહ્યું, ‘મહા મહિનાની ત્રીજે શનિવારે અને ઘનિષ્ઠા નક્ષત્ર હોય ત્યારે તું યૌવન અને સૌંદર્યનું સ્મરણ કરતી આ જળાશયમાં સ્નાન કરજે. એટલે તું યુવાન થઈશ અને સુંદર પણ. બીજી પણ કોઈ સ્ત્રી તે દિવસે આવા હેતુ માટે આવશે તો તે પણ દિવ્ય રૂપવાળી થઈ જશે.’

આમ કહી પાર્વતીદેવી અદૃશ્ય થઈ ગયાં. તેવો દિવસ આવ્યો એટલે કર્ણોત્પલાએ રૂપ, સૌભાગ્ય તથા બીજા મનોરથો સાથે મધરાતે પાણીમાં સ્નાન કર્યું અને તે રૂપ, યૌવન પામીને બહાર આવી. તે જ વેળા તેની પાસે સાક્ષાત્ કામદેવ આવ્યા અને બોલ્યા, ‘હું કામદેવ, પાર્વતીમાતાની આજ્ઞાથી આવ્યો છું. તું મારી પત્ની બન.’

કર્ણોત્પલા બોલી, ‘જો એવી વાત છે તો તમે મારા પિતાજી પાસે જઈને મારી માગણી કરો. કન્યાએ સ્વચ્છંદ રહેવું ન જોઈએ.’

કામદેવે તેની વાત માની લીધી. પછી કર્ણોત્પલા પિતા પાસે જઈને બોલી, ‘મેં પાર્વતીમાતાની આરાધના કરીને સુંદર રૂપ અને યૌવન પામ્યાં છે. હવે તમે મારો વિવાહ કરો. દેવીએ કામદેવને મારા પતિ તરીકે મોકલ્યા છે.’

પોતાની કન્યાને પૂર્વવત્ જોઈને રાજાએ કહ્યું, ‘આજે મારું તપ ફળ્યું.’ એટલામાં કામદેવે આવીને પ્રાર્થના કરીને બધી વાત કરી. રાજાએ બ્રાહ્મણોને સાથે રાખી અગ્નિની સાખે પોતાની કન્યાનો વિવાહ કામદેવ સાથે કર્યો. રતિ પછી તે કામદેવની પ્રીતિપાત્ર બની એટલે પ્રીતિ નામથી વિખ્યાત થઈ. જે જળાશય પર તેણે તપ કર્યું તે કર્ણોત્પલાતીર્થના નામે પ્રસિદ્ધ થયું.

(નાગર ખંડ: પૂર્વાર્ધ)