ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/દેવલ મુનિની કથા


દેવલ મુનિની કથા

પ્રાચીન કાળમાં ગૃહસ્થધર્મા એક મહાત્મા દેવલ નામે થઈ ગયા. તે મન, વચન, કર્મથી બધાં પ્રાણીઓને સમાન ગણતા હતા, પવિત્ર બનીને ધર્મનું આચરણ કરતા હતા, ઇન્દ્રિયજિત હતા અને કોઈને દંડ આપતા ન હતા. ક્રોધ કર્યા વિના તે પોતાના નિંદા-પ્રશંસાને સમાન ગણતા હતા, પ્રિય-અપ્રિય, સોનું અને માટી — બધાંને એક સમાન ગણતા હતા. દેવતાઓ, બ્રાહ્મણો અને અતિથિઓની પૂજા કરતા હતા. સદા બ્રહ્મચર્ય પાળી ધર્મમાં તત્પર રહેતા હતા. એક દિવસ તેમને ત્યાં જૈગીષવ્ય નામના યોગી આવીને એક ચિત્ત થઈ ત્યાં રહેવા લાગ્યા. તે ઋષિએ યોગસિદ્ધિ મેળવી હતી. તે દેવલ ઋષિના આશ્રમમાં જ રહેતા હતા છતાં દેવલમુનિ તેમને બતાવવા ધર્માનુસાર સાધના જ કરતા ન હતા. આમ બંનેને સાથે રહેતાં ખાસ્સો સમય વીતી ગયો. દેવલ પેલા મુનિને ચોવીસ કલાક જોતા ન હતા. તેઓ તો ભોજન કે ભિક્ષા માટે જ દેવલ ઋષિના આશ્રમમાં આવતા હતા. સંન્યાસીના રૂપે આવેલા એ ઋષિને જોઈ દેવલ મુનિને બહુ ચિંતા થઈ. ‘હું કેટલાંય વર્ષોથી આ અતિથિની પૂજા કરું છું. વર્ષો વીતી ગયાં, પણ આ આળસુ ભિક્ષુ કશું બોલતા જ નથી.’ એવું વિચારી દેવલમુનિ આકાશમાર્ગે ઘડો લઈને સમુદ્રકાંઠે જવા નીકળ્યા. ત્યાં જઈને જોયું તો જૈગીષવ્ય પહેલેથી ત્યાં જ હતા. તેમને આશ્ચર્ય થયું, તેમણે વિધિપૂર્વક સ્નાન કરી નિત્યકર્મ કર્યું, જપ કર્યા. પછી દેવલ ઘડો ભરીને આશ્રમમાં આવ્યા તો ત્યાં જૈગીષવ્ય બેઠા જ હતા. તે વખતે પણ એ ઋષિ દેવલ સાથે કશું બોલ્યા નહીં; આશ્રમમાં સ્થિર બેઠા હતા. સમુદ્રજળમાં સ્નાન કરીને પોતાનાથી પણ વહેલા આશ્રમમાં આવેલા જોઈ દેવલ મુનિ વિચારમાં પડ્યા. તેમણે એ ઋષિનો યોગપ્રભાવ જોયો. પછી તે વિચારવા લાગ્યા કે મેં હમણાં તો તેમને સમુદ્રકાંઠે જોયા હતા. તે અહીં આશ્રમમાં કેવી રીતે આવી ગયા? પછી મંત્રવિદ્યામાં નિપુણ દેવલ મુનિ જૈગીષવ્યની પરીક્ષા કરવા ફરી આકાશમાં ઊડ્યા. ત્યાં તેમણે સિદ્ધોને જોયા. એ સિદ્ધો જૈગીષવ્યની પૂજા કરી રહ્યા હતા તે પણ જોયું. પછી તો દૃઢવ્રતધારી દેવલ મુનિ ક્રોધે ભરાયા, જૈગીષાયને સ્વર્ગલોકમાં, ત્યાંથી પછી એકાંતમાં યજ્ઞ કરનારા મુનિઓના ઉત્તમ લોકમાં, ત્યાંથી અગ્નિહોત્રીઓના લોકમાં, પછી દર્શ-પૌર્ણમાસ યજ્ઞ કરનારા તપોધનોના લોકમાં, ત્યાંથી પશુઓ વડે યજ્ઞ કરનારાના લોકમાં, ત્યાંથી દેવતાઓ વડે પૂજાતા વિમલલોકમાં જોયા. ત્યાંથી વિવિધ પ્રકારના ચાતુર્માસ યજ્ઞ કરનારા તપોધનોના લોકમાં જતાં જોયા.

આમ અનેક પ્રકારના લોકમાં જતા જોઈ દેવલ મુનિ જૈગીષવ્ય પાસે આવીને બે હાથ જોડીને બોલ્યા, ‘હું મોક્ષધર્મ પાળવા માગું છું.’

દેવલની વાત સાંભળીને તેમણે યોગનો ઉત્તમ વિધિ બતાવ્યો અને શાસ્ત્ર પ્રમાણે કર્તવ્ય-અકર્તવ્યનો ઉપદેશ આપ્યો. દેવલ સંન્યાસ લેવા માગતા હતા એટલે શાસ્ત્રવિધિ પ્રમાણે સંન્યાસ ગ્રહણ કરવાની ક્રિયાઓ કરી. તેમને સંન્યાસી થતા જોઈને બધા પિતૃઓ, ભૂતગણ કહેવા લાગ્યા કે અમને અન્નભાગ કોણ આપશે? બધેથી આ સાંભળીને દેવલે સંન્યાસ ત્યજવાની ઇચ્છા કરી. તેમને સંન્યાસ છોડતા જોઈ ફળ, ફૂલ, મૂળ, કુશ, ઔષધિઓ રડતાં કકળતાં કહેવા લાગ્યાં — આ મૂર્ખ દુર્મતિ દેવલ હવે પાછો આપણો નાશ કરશે. પહેલાં બધાં પ્રાણીઓને અભયદાન આપ્યું અને હવે પાછી મૂર્ખાઈ કરે છે.’

દેવલ વિચારમાં પડ્યા કે ગૃહસ્થજીવન અને સંન્યાસ-આમાં મારે માટે શ્રેયસ્કર શું છે, પછી પૂરેપૂરો વિચાર કરીને ગૃહસ્થાશ્રમ ત્યજીને તેમના તપની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે નારદે દેવોને કહ્યું, ‘જૈગીષવ્ય તપસ્વી નથી, તેણે તો પોતાનો પ્રભાવ દેખાડી દેવલને ભ્રમમાં નાખી દીધો.’ દેવતાઓએ નારદને કહ્યું, ‘તમે આવું ન કહો.’

(શલ્ય પર્વ, ૪૯)