ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/નારદ અને શીમળાની કથા


નારદ અને શીમળાની કથા

હિમાલય પર્વત ઉપર અનેક વર્ષો જૂનો, થડ અને ડાળીઓવાળો એક બહુ મોટો શીમળો હતો. મદોન્મત્ત હાથીઓનાં જૂથ અને જાતજાતનાં પશુ ઉનાળામાં ગરમીથી બચવા ત્યાં આવતાં હતાં. તે વૃક્ષની લંબાઈ ચારસો હાથ હતી; તેની ગાઢ છાયા અને પુષ્પોથી ભરચક હોવાને કારણે પોપટપોપટીનો સમૂહ પણ ત્યાં રહેતો હતો. સમૂહમાં પ્રવાસે નીકળેલા વણિક, વનવાસી તપસ્વીઓ અને બીજા પ્રવાસીઓ પણ શીમળા નીચે વિશ્રામ કરતા હતા.

એક વેળા મહર્ષિ નારદ તેના થડ અને અસંખ્ય ડાળીઓને જોઈ તેની પાસે આવીને કહેવા લાગ્યા. ‘અરે શાલ્મલિ, તું તો બહુ રમણીય, સુંદર છે. તને જોઈને હું બહુ પ્રસન્ન થયો છું. સુંદર, મૃગ, પક્ષી, હાથીઓનાં જૂથ આનંદ પામીને તારે ત્યાં રહે છે. તારા થડ અને ડાળીઓ પવનને કારણે કોઈ રીતે ભાંગી પડી હોય એમ હું જોતો નથી. આ વનની વચ્ચે જ્યારે પવન નિત્ય તારી રક્ષા કરે છે એટલે લાગે છે કે તે તારો મિત્ર છે અથવા તારા પર પ્રસન્ન છે. વેગવાન પવન વાય ત્યારે જુદાં જુદાં વૃક્ષોને અને પર્વતનાં શિખરને હચમચાવી શકે છે. પવિત્ર સુવાસિત પવન, પાતાળ, સરોવર, નદીઓ, સમુદ્રોને પણ સૂકવી શકે છે. આ મૈત્રીને કારણે પવન તારી રક્ષા કરે છે એમાં તો કશી શંકા નથી. એટલે જ અનેક ડાળીઓ સમેત પુષ્પ-પર્ણથી તું શોભે છે. તારું આ રમણીય રૂપ છે એટલે બધાં પક્ષી તારો આધાર લઈ પ્રસન્ન હૈયે વિહરે છે. વસંત ઋતુમાં મધુર કૂજન કરતાં આ પક્ષીઓનો મધુર ધ્વનિ કાનમાં અમૃતવર્ષા કરે છે. ગરમીથી ત્રાસેલા હાથીઓનાં ઝુંડ આનંદિત થઈને તારા આશરે સુખ પામે છે. અને એ જ રીતે બીજાં પ્રાણીઓ અને જીવોનો તું આશ્રયદાતા હોવાને કારણે મેરુ પર્વત જેવો શોભે છે. તપસ્વી બ્રાહ્મણો, સંન્યાસીઓના સમૂહ અહીં છે એટલે તારું આ સ્થાન મને તો સ્વર્ગ લાગે છે. બધે ઘૂમી વળતો ભયંકર વાયુ બંધુભાવથી કે મૈત્રીને કારણે સદા તારી રક્ષા કરે છે એમાં તો કશી શંકા નથી.‘હું તમારો જ છું.’ એમ તેં વાયુ આગળ બોલીને તેનો આત્મીય બન્યો છે અને એટલે જ તે નિત્ય તારી રક્ષા કરે છે. પવનના બળને કારણે ન ટૂટી જાય એવું કશું — વૃક્ષ, પહાડ, સ્થળ-જોતો નથી, હું માનું છું કે પવન આ બધાને ધરાશાયી કરી શકે છે. તું ડાળી, પાંદડાં સમેત વાયુથી રક્ષાતો હોવાને કારણે નિર્ભય બનીને અહીં નિવાસ કરે છે.’

શાલ્મલિએ કહ્યું, ‘હે બ્રહ્મન, વાયુ મારો કોઈ સખા, બંધુ કે મિત્ર નથી, મારી રક્ષા કરનાર બ્રહ્મા પણ નથી. મારાં તેજ અને બળ વાયુથી પણ પ્રબળ છે. પવન મારા બળ કરતાં અઢારમા ભાગ જેટલી શક્તિ પણ ધરાવતો નથી. જ્યારે વૃક્ષ, પર્વત અને બીજા બધાને ધ્રૂજાવતો તે અહીં આવે છે, ત્યારે હું તેને બળપૂર્વક થોભાવી શકું છું. મેં તોડફોડ કરનારા વાયુને ઘણી વાર અટકાવ્યો છે, એટલે વાયુના ક્રોધની પણ મને બીક લાગતી નથી.’

‘તારી બુદ્ધિ વિપરીત થઈ ગઈ છે. વાયુ જેટલું બળવાન બીજું કોઈ નથી. કોઈ જગ્યાએ એવો બળવાન પાક્યો પણ નથી. ઇન્દ્ર, યમ, કુબેર, વરુણ પણ વાયુ જેવા નથી, પછી તારી તો શી મજાલ? જગતમાં બધા જીવ પવનને કારણે જ ટક્યા છે, પવન જ તેમનો આધાર છે, તે જ પ્રાણદાતા અને ચૈતન્યપ્રદ છે. આ વાયુ શાંત હોય છે ત્યારે બધા જીવે છે અને તે અશાંત થાય છે ત્યારે બધા જીવ નાશ પામે છે. હવે જો આ બધા બળવાનોમાં અગ્રણી અને પૂજનીય વાયુની તું જો પૂજા ન કરતું હોય તો તારી મંદબુદ્ધિને કારણે. તું સાર વિનાનો છે એટલે જ માત્ર મોટી મોટી વાતો કરે છે, ક્રોધે ભરાઈને ખોટી વાતો કરે છે. તારી આ વાત સાંભળીને હું ક્રોધે ભરાયો છું, હું વાયુ પાસે જઈને તારી આ શેખી સંભળાવીશ. ચંદન, સ્પંદન, દેવદાર, વેતસ, બકુલ જેવાં બળવાન વૃક્ષ પણ વાયુનો આવો તિરસ્કાર કરતા નથી. તે બધાં વાયુનું તથા પોતાનું બળ જાણે છે. એટલે જ તે વૃક્ષ વાયુને પ્રણામ કરે છે, તું મોહવશ થઈને વાયુનું પ્રચંડ બળ જાણતો નથી, એટલે જ આમ બોલે છે.’

બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા નારદે શીમળાને આમ કહી વાયુ પાસે જઈને બધી વાત કરી.

‘હે વાયુ, હિમાલયની તળેટીમાં બહુ મોટા પરિવારવાળો, ડાળી-પર્ણવાળો શીમળો તમારું અપમાન કરે છે. તેણે તમારી વિરુદ્ધ બહુ આક્ષેપો કર્યા છે, તમારી પાસે એ બધું બોલવું મને શોભતું નથી. હું તમને બધામાં અગ્રણી, વરિષ્ઠ અને ગરિમાયુકત માનું છું. તમે ક્રોધે ભરાઓ તો યમ જેવા લાગો.’

નારદની વાત સાંભળીને વાયુ દેવ શીમળા પાસે જઈને ક્રોધથી બોલ્યા,

‘અરે શીમળા, અહીંથી પસાર થતા નારદ આગળ મેં તારી નિંદા કરી છે, એટલે હવે હું તેને મારા બળ અને પ્રભાવ દેખાડું છું. હું તને નથી ઓળખતો એવું નથી. હું તને પૂરેપૂરો જાણું છું. પિતામહે આ સૃષ્ટિ રચી ત્યારે મારા મૂળમાં વિશ્રામ કર્યો હતો. એમને કારણે જ હું તારા ઉપર ઉપકાર કરતો રહ્યો છું. અધમ વૃક્ષ, એટલે જ મેં તારી રક્ષા કરી છે, તું તારા બળને કારણે ટક્યો નથી. તું સામાન્ય લોકોની જેમ મારી અવજ્ઞા કરે છે, એટલે હવે પછી આવી અવજ્ઞા ન કરે એવી રીતે મારો પ્રભાવ દેખાડીશ.’

વાયુની વાત સાંભળીને શીમળાએ હસતાં હસતાં કહ્યું, ‘તું મારા પર ક્રોધે ભરાઈને કયું પરાક્રમ દેખાડીશ. તારી જાતને જ તું દેખાડ. મારા પર ગુસ્સો કર; તું ગુસ્સે થઈને શું કરીશ? તું શાસન કરવામાં સમર્થ છે તો પણ હું ડરતો નથી.’

શીમળાની વાત સાંભળીને વાયુએ કહ્યું, ‘કાલે તને મારું બળ દેખાડીશ.’

પછી વાયુદેવ જતા રહ્યા.

પછી શીમળાએ નારદને કહેલી વાતો યાદ કરવા લાગ્યો. મેં જે કહ્યું હતું તે બધું ખોટું હતું. હું વાયુનો મુકાબલો કરી નહીં શકું, વાયુ મારા કરતાં વધારે બળવાન છે. વાયુ હમેશા બળવાન જ છે. તેની આગળ હું કશું જ નથી. એ વાત તો બાજુએ રાખો, હું બીજાં વૃક્ષ કરતાંય નબળો છું. પરંતુ કોઈ પણ વૃક્ષ મારા જેવું બુદ્ધિશાળી નથી. એટલે બુદ્ધિબળ વડે પવનથી મારી જાતને રક્ષીસ. વનમાં ઊગેલાં બીજાં વૃક્ષ જો મારી જેમ બુદ્ધિનો આશ્રય લે તો ક્રોધી પવન તેમનું કશું બગાડી ન શકે. ક્રોધે ભરાઈને વાયુ જે રીતે ગતિ કરે છે તે હું જાણું છું, મૂર્ખા લોકોને એની કશી ખબર પડતી નથી.

શીમળાએ મનમાં આવો વિચાર કરીને પોતાનાં ડાળી, પાંદડાં પોતાની જાતે જ ખેરવી દીધાં. ડાળી, પત્ર, ફૂલ વગેરે ત્યજીને સવારે વાયુના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યો. પછી સવારે ક્રોધે ભરાયેલા પવન દેવ મોટાં મોટાં વૃક્ષોને હચમચાવતો શીમળા પાસે આવી પહોંચ્યા, ત્યાં આવીને જોયું તો શીમળો પર્ણપુષ્પ વિનાનો હતો. ખૂબ જ આનંદિત તથા આશ્ચર્યચકિત થઈને શીમળાને કહ્યું, ‘અરે તેં તારી જાતે જ બધી ડાળીઓ ખેરવી નાખી! હું પણ આવું જ કરવાનો હતો. તું તારી બુદ્ધિહીનતાને કારણે મારા પરાક્રમને વશ થઈને સાવ બોડો થઈ ગયો.’

શીમળો વાયુદેવની વાત સાંભળીને બહુ શરમાઈ ગયો અને નારદની વાત યાદ કરીને તેનું સ્મરણ કરી પશ્ચાત્તાપ કરવા લાગ્યો.


(શાન્તિ પર્વ, ૧૫૦)