ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/સૂર્ય અને જમદગ્નિની કથા


સૂર્ય અને જમદગ્નિની કથા

ભૂતકાળમાં ભગવાન ભાર્ગવ પોતે જ ધનુષ લઈ રમત કરતા હતા, વારંવાર સંધાન કરીને બાણ ચલાવતા હતા. રેણુકા પ્રદીપ્ત તેજથી છોડેલાં બાણ વારે વારે તેમને આપતી હતી. ધનુષ્યની પણછની ટંકાર અને બાણ છૂટતાં થતા શબ્દથી તે ખૂબ હર્ષ પામતા હતા. તે વારે વારે બાણ મારતા હતા અને રેણુકા દૂરથી લાવીને તેમને આપતી હતી. સૂર્યના ભ્રમણના નક્ષત્રોની મધ્યે રોહિણી અને જ્યેષ્ઠા સાથે આવ્યા ત્યારે મધ્યાહ્ને જમદગ્નિએ શીઘ્રગામી બાણ ચલાવી રેણુકાને કહ્યું, ‘હે વિશાલનયની, જા, ધનુષમાંથી છોડેલાં બાણ લાવ. હે સુંદર, ભ્રમરવાળી, હું ફરી બાણ મારીશ.’

ચાલતી વખતે સૂર્યના તાપથી ભામિનીના પગ અને મસ્તક થાકી ગયા, એટલે ઘડી ભર વૃક્ષની છાયામાં તે ઊભી રહી. કાજળવાળાં નેત્રો ધરાવતી તે યશસ્વિની થોડી વાર ઊભી રહી અને પતિના શાપના ભયથી બાણ લાવવા ફરી ચાલી. તે બાણ લઈને પાછી ફરી, તેના બંને પગે ફોલ્લા પડ્યા એટલે પીડા પામતી તે પાછી ફરી અને પતિના ભયથી કાંપતી ત્યાં ઊભી.

જમદગ્નિએ ક્રોધે ભરાઈને શુભાનના પત્નીને પૂછ્યું, ‘હે રેણુકા, તું કેમ મોડી આવી?’

રેણુકાએ કહ્યું, ‘હે તપોધન, મારું માથું અને બંને પગ બહુ તપી ગયા હતા, સૂરજના તાપથી બચવા વૃક્ષની છાયામાં ઊભી હતી. એટલે બાણ લાવવામાં મોડું થયું. હે તપોધન, તમે આ સાંભળીને ક્રોધ ન કરતા.’

જમદગ્નિએ કહ્યું, ‘હે રેણુકા, હું આજે જ તને પીડા આપનારા ઉદ્દીપ્ત કિરણોવાળા સૂર્યને મારા બાણ વડે — અસ્ત્રાનલ વડે નીચે પાડી નાખીશ.’

જમદગ્નિ તો દિવ્ય ધનુષ્ય ઝાલીને ઘણાં બાણ હાથમાં રાખીને જે દિશામાં સૂર્ય જઈ રહ્યા હતા ત્યાં મોઢું કરીને ઊભા રહ્યા. સૂર્ય તેમને બદ્ધકવચ જોઈને બ્રાહ્મણ વેશે આવીને બોલ્યા, ‘સૂર્યે તમારો ક્યો અપરાધ કર્યો છે? સૂર્ય આકાશમાં રહી પૃથ્વી પરના રસ આકર્ષે છે. અને વર્ષા ઋતુમાં એ જ રસ વરસાવે છે. હે વિપ્ર, તેનાથી જ મનુષ્યોના સુખ માટે અન્ન પાકે છે, અન્ન પ્રાણ છે, આ તો વેદમાં કહ્યું છે. કિરણો દ્વારા ઘેરાયેલો સૂર્ય આકાશમાં વાદળો છે એટલે આ સાત દ્વીપવાળી પૃથ્વી પર જળવર્ષા થાય છે. એ જ જળ ઔષધિ, લતા, પત્ર, પુષ્પ સર્જે છે. વર્ષાજળથી બધું અન્ન રૂપે ઉત્પન્ન થાય છે. હે ભાર્ગવ, જાતકર્મ વગેરે બધાં કાર્ય, વ્રત, ઉપનયન, ગોદાન, વિવાહ, યજ્ઞસમૃદ્ધિ, યજ્ઞ, બધા પ્રકારના દાન, સંયોગ, વિત્તસંચય, તમે જેટલા વિષય જાણો છો તેમાં અન્નથી જ બધું ચાલે છે. જે ઉત્તમ પદાર્થો છે, જે ઉત્પાદક પદાર્થ છે તે બધા અન્ન વડે સર્જાય છે, આ બધું તમે જાણો જ છો, એ જ હું તમને કહું છું. હે વિપ્ર, તમે આ બધા વિષય જાણો છો. હે વિર્પિષ, એટલે હું તમને પ્રાર્થના કરીને પ્રસન્ન કરું છું, સૂર્યને પાડવાથી તમને શું મળશે?’

અગ્નિસદૃશ પ્રભા ધરાવતા જમદગ્નિ મુનિ સૂર્યની આ પ્રાર્થનાથી પણ શાંત ન થયા. ત્યાર પછી વિપ્રવેશી સૂર્યે હાથ જોડીને મુનિને નમન કર્યાં. અને મૃદુસ્વરે કહ્યું, ‘સૂર્ય તો સદા ચાલ્યા જ કરે છે, જો સદા ગમનશીલ સૂર્ય ચાલ્યા જ કરે તો તમે એને વીંધશો કેવી રીતે?’

જમદગ્નિ બોલ્યા, ‘મારું લક્ષ્ય સ્થિર હોય કે ગતિમાન. હું જ્ઞાનચક્ષુ વડે જાણી ગયો છું કે તમે જ સૂર્ય છો એટલે આજે હું તમને શિક્ષા કરીશ અને વિનયશીલ બનાવીશ. હે દિવાકર, અપરાહ્ન સમયે તમે અર્ધા નિમેષ સમય માટે ઊભા રહી જાઓ છો તે સમયે તમને વીંધીશ. હે ભાસ્કર, આ વિશે મારો બીજો કોઈ વિચાર નથી.’

સૂર્યે કહ્યું, ‘ધનુર્ધરોમાં શ્રેષ્ઠ વિર્પિષ, તમે મને વીંધશો એમાં કશો સંશય નથી. હું તમારો અપરાધી છું તો પણ મને અત્યારે તો શરણાગત જાણો.’

સૂર્યની વાત સાંભળીને ભગવાન જમદગ્નિએ હસીને કહ્યું, ‘હે સૂર્ય, તમારે ડરવાની જરૂર નથી, કારણ કે તમે પ્રણિપાત થયા છો. બ્રાહ્મણોની સરળતા, પૃથ્વીની સ્થિરતા, ચંદ્રની સુંદરતા, વરુણની ગંભીરતા, અગ્નિની દીપ્તિ, સુમેરુની પ્રભા, સૂર્યનો તાપ — આ બધાને જે અતિક્રમે તે જ શરણાગતને મારી શકે. જે શરણાગતને મારે છે તેને ગુરુપત્નીગમન, બ્રહ્મહત્યા, સુરાપાનનું પાપ લાગે છે. હે તાત, આ દુનીતિ અપરાધ વિશે વિચારો. તમારાં કિરણોથી તપેલા માર્ગે લોકો સુખે ચાલી રહે, તેનો ઉપાય કહો,

સૂર્યે તેમને છત્ર અને પાદુકા આપ્યા. ‘મારાં કિરણોથી બચવા મસ્તકની રક્ષા કરતું આ છત્ર અને પગને બચાવનાર ચર્મપાદુકા સ્વીકારો. આજથી આ લોકમાં બધાં દાનોમાં આનો પ્રચાર થશે, એનું દાન ઉત્તમ, અક્ષય ફળ આપશે.’

(અનુશાસન પર્વ, ૯૭-૯૮)