ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/પ્રસન્નચંદ્ર અને વલ્કલચીરીનો સંબંધ


પ્રસન્નચંદ્ર અને વલ્કલચીરીનો સંબંધ

તે સમયે અર્હંત ભગવાન ગુણશીલ ચૈત્યમાં સમોસર્યા હતા. તીર્થંકરના દર્શન માટે ઉત્સુક શ્રેણિક રાજા વંદન કરવાને માટે નીકળ્યો. તેના અગ્રાનીક (આગળના રસાલા)માંના પોતાના કુટુંબ સંબંધી વાતો કરતા બે પુરુષોએ બે હાથ ઊંચા રાખીને એક ચરણ ઉપર ઊભા રહીને આતાપના લેતા એક સાધુને જોયો. તેમાંના એકે કહ્યું, ‘અહો! મહાત્મા ઋષિ સૂર્યની સામે ઊભા રહીને આતાપના લે છે; નક્કી સ્વર્ગ અથવા મોક્ષ એને હસ્તગત છે.’ બીજાએ પેલા ઋષિને ઓળખ્યા અને કહેવા લાગ્યો, ‘અરે, તું શું નથી જાણતો?’ આ તો રાજા પ્રસન્નચંદ્ર છે. એને ધર્મ ક્યાંથી હોય? બાળકપુત્રને એણે રાજ્ય ઉપર સ્થાપન કર્યો, તેને હવે મંત્રીઓ પદભ્રષ્ટ કરે છે. આ રીતે આણે પોતાના વંશનો વિનાશ કર્યો છે. કોણ જાણે એના અંત:પુરનું શું થશે?’ ધ્યાનમાં વિઘ્ન કરનારું આ વચન પ્રસન્નચંદ્રના કાન સુધી પહોંચ્યું. તે વિચાર કરવા લાગ્યા, ‘અહો! આ અમાત્યો કેવા અનાર્ય છે? મેં દરરોજ જેમનું સન્માન કર્યું હતું એવા તે મારા પુત્રની જ સામે પડ્યા છે. જો હું ત્યાં હાજર હોત અને તેમણે આવું કર્યું હોત તો જરૂર તેમને બરાબર શિક્ષા કરત.’ આવા સંકલ્પ કરતા તે પ્રસન્નચંદ્રની આગળ જાણે તે પ્રસંગ સાક્ષાત્ વિદ્યમાન થયો. પેલા અમાત્યો સાથે તે મનથી જ યુદ્ધ કરવા લાગ્યા.

એટલામાં શ્રેણિક રાજા તે સ્થળે આવ્યો. વિનયપૂર્વક ઋષિને વંદના કરી, અને ધ્યાનનિશ્ચલ એવા તેમને જોયા. ‘પ્રસન્નચંદ્ર રાજર્ષિનું તપમાં આટલું સામર્થ્ય ખરેખર આશ્ચર્યજનક છે’ એમ વિચાર કરતો તે તીર્થંકર પાસે પહોંચ્યો. વંદન કરીને તેણે ભગવાનને વિનયપૂર્વક પૂછ્યું, ‘ભગવન્! પ્રસન્નચંદ્ર અણગારને જે સમયે મેં વંદન કર્યું તે સમયે તેઓ કાળ કરત તો કઈ ગતિમાં જાત?’ ભગવાને કહ્યું, ‘સાતમા નરકમાં.’

‘સાધુને નરકગમન ક્યાંથી હોય’ એમ વિચારીને રાજા ફરી પૂછવા માંડ્યો. ‘ભગવન્, પ્રસન્નચંદ્ર અત્યારે કાળ કરે તો કઈ ગતિમાં જાય?’

‘અત્યારે તે સર્વાર્થસિદ્ધિમાં જવાને યોગ્ય છે.’

રાજાએ પ્રશ્ન પૂછ્યો: ‘તપસ્વીને માટે એક વાર નરકગતિ અને બીજી વાર દેવગતિ એમ દ્વિવિધ ઉત્તર આપે શાથી આપ્યો?’ ભગવાને કહ્યું, ‘ધ્યાનવિશેષે કરીને તે સમયે અને અત્યારે તેણે અનુક્રમે અશાત અને શાતકર્મનો સ્વીકાર કર્યો હતો.’

શ્રેણિકે પૂછ્યું, ‘કેવી રીતે?’

‘ભગવાને કહ્યું, ‘તારા અગ્રાનીકના પુરુષોના મુખથી પોતાના પુત્રનો પરાભવ સાંભળીને જેણે પ્રશસ્ત ધ્યાનનો ત્યાગ કર્યો એવો તે જ્યારે તેં એને વંદન કર્યું ત્યારે પોતાના અમાત્યરૂપી શત્રુઓ સાથે મનથી યુદ્ધ કરતો હતો; અને તેથી કરીને તે કાળે નરકગતિને યોગ્ય હતો. તું ત્યાંથી ચાલ્યો ગયો ત્યાર પછી જેની ક્રિયાની શક્તિ જાગ્રત થઈ છે એવો તે ‘મારા શિરસ્ત્રાણથી શત્રુઓને મારું’ એમ વિચારીને પોતાના લોચ કરેલા માથા ઉપર હાથ મૂકતાં પ્રતિબોધ પામ્યો કે, ‘અહો! હું મારા કાર્યનો ત્યાગ કરીને બીજાને ખાતર યતિજનોથી વિરુદ્ધ એવા માર્ગમાં ઊતરી પડ્યો.’ આમ પોતાની જાતની નિંદા અને ગર્હણા કરતા તેણે ત્યાં જ મને પ્રણામ કરીને આલોચના લીધી અને પ્રતિક્રમણ કર્યું. અત્યારે તે પ્રશસ્ત ધ્યાની છે. તે અશુભ કર્મ તેણે ખપાવ્યું છે અને શુભ કર્મનું ઉપાર્જન કર્યું છે. આથી તેને માટે જુદા જુદા સમયે મેં બે જુદી જુદી ગતિનો નિર્દેશ કરેલો છે.’

ત્યારે કુણિક રાજાએ પૂછ્યું, ‘ભગવન્! બાળકુમારને રાજ્ય સોંપીને પ્રસન્નચંદ્ર રાજાએ શાથી દીક્ષા લીધી? તે હું સાંભળવા ઇચ્છું છું.’

ત્યારે ભગવાને (સુધર્માસ્વામીએ) કહ્યું, ‘પોતનપુરમાં સોમચંદ્ર રાજા હતો. તેની ધારિણી દેવી હતી. તે એક વાર ઝરૂખામાં બેસીને પોતાના પતિનું માથું ઓળતી હતી, તે વખતે સફેદ વાળ જોઈને તેણે કહ્યું, ‘સ્વામી! દૂત આવી ગયો છે.’ રાજાએ આમતેમ નજર નાખી, પણ કોઈ નવો માણસ તેના જોવામાં ન આવ્યો. એટલે તેણે રાણીને કહ્યું, ‘દેવિ! દિવ્ય છે તારું ચક્ષુ.’ ત્યારે રાણીએ સફેદ વાળ બતાવીને કહ્યું, ‘આ ધર્મદૂત આવ્યો છે.’ એ જોઈને રાજાએ રુદન કર્યું. ઉત્તરીયથી તેનાં આંસુ લૂછતી દેવીએ કહ્યું, ‘જો વૃદ્ધપણાથી લજ્જા પામતા હો તો પરિજનોને દૂર કરવામાં આવે.’ ત્યારે રાજાએ કહ્યું, ‘દેવિ! એમ નથી. ‘કુમાર બાળક હોઈ પ્રજાપાલનમાં અસમર્થ છે,’ એમ વિચાર કરતાં મને ગ્લાનિ થઈ. ‘પૂર્વપુરુષોના માર્ગે હું ગયો નહીં’ એટલો જ વિચાર મને આવ્યો છે. તું પ્રસન્નચંદ્રની રક્ષા કરતી અહીં જ રહે.’ પણ રાણીએ તો તેની સાથે જ દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો હતો.

ત્યાર પછી રાજ્ય પુત્રને આપીને ધાત્રી અને દેવી સાથે રાજાએ દિશાપ્રોક્ષક તાપસ (તાપસની એક જાતિ) તરીકે દીક્ષા લીધી, અને એકાન્ત આશ્રમમાં રહેવા લાગ્યો. દીક્ષા લીધા પહેલાં રાણીને ગર્ભ રહેલો તે વધવા માંડ્યો. ચાર પુરુષોએ પ્રસન્નચંદ્રને આ હકીકત જણાવી. પૂરા દિવસે રાણીએ કુમારને જન્મ આપ્યો, અને તેને વલ્કલમાં મૂક્યો હતો તેથી વલ્કલચીરી એવું તેનું નામ પાડ્યું. સૂતિકારોગથી રાણી મરણ પામી. ધાત્રીએ કુમારને વગડાઉ ભેંસના દૂધથી ઉછેરવા માંડ્યો. થોડા સમય પછી ધાત્રી પણ મરણ પામી. પછી ઋષિ વલ્કલચીરીને વસ્ત્રનાં સાધન લઈને ફરવા માંડ્યા. વલ્કલચીરી મોટો થતાં તેનું આલેખન કરીને ચિત્રકારોએ પ્રસન્નચંદ્રને બતાવ્યું. તેણે ભાઈ પ્રત્યેના સ્નેહથી ગણિકા પુત્રીઓને તાપસનું રૂપ ધારણ કરાવીને ખાંડના લાડુરૂપી વિવિધ ફળો વડે વલ્કલચીરીને લોભાવીને અહીં લાવો’ એવી સૂચના આપીને આશ્રમમાં મોકલી. તે ગણિકાપુત્રીઓએ મધુર ફળ, મધુર વચન અને સુકુમાર, ઉન્નત અને પુષ્ટ સ્તનોના સ્પર્શ વડે વલ્કલચીરીને લોભાવ્યો. સંકેત પ્રમાણે ત્યાંથી જવાના વખતે જ્યારે તે પોતાનાં તાપસનાં ઉપકરણો મૂકવા ગયો ત્યારે વૃક્ષ ઉપર બેઠેલા ચાર પુરુષોએ નિશાની કરી કે ‘ઋષિ આવ્યા છે.’ આથી પેલી ગણિકાપુત્રીઓ ત્યાંથી એકદમ નાસી ગઈ. વલ્કલચીરી તેમનાં પગલાં જોતો જોતો પાછળ ચાલ્યો. અટવીમાં ભમતા એવા તેણે રથમાં બેઠેલા એક પુરુષને જોઈને કહ્યું, ‘તાત! વંદન કરું છું.’ ત્યારે પેલા રથવાળાએ પૂછ્યું, ‘કુમાર! ક્યાં જવું છે?’ વલ્કલચીરીએ જવાબ આપ્યો કે, ‘મારે પોતનપુર નામના આશ્રમમાં જવું છે.’ પેલા પુરુષને પણ પોતનપુર જવું હતું, એટલે તેણે કહ્યું કે, ‘ચાલો આપણે સાથે જઈએ.’ પછી વલ્કલચીરી રથવાળાની પત્નીને પણ ‘તાત!’ એ પ્રમાણે સંબોધન કરવા લાગ્યો. પેલીએ કહ્યું, ‘આ તે કયા પ્રકારનો વિનય છે?’ રથવાળાએ કહ્યું, ‘સુન્દરિ! સ્ત્રીઓથી રહિત એવા આશ્રમમાં આ ઊછરેલો હોવાથી સ્ત્રી-પુરુષનો ભેદ જાણતો નથી, માટે એના ઉપર ક્રોધ ન કરવો જોઈએ.’ પછી વલ્કલચીરી રથના ઘોડાઓને જોઈને પૂછવા લાગ્યો, ‘આ મૃગલાઓને કેમ જોડ્યા છે?’

સારથિએ કહ્યું, ‘કુમાર! આ મૃગોનો આ કાર્યમાં જ ઉપયોગ થાય છે. એમાં કંઈ દોષ નથી.’ પછી રથવાળાએ વલ્કલચીરીને લાડુ આપ્યા, તે જોઈને તેણે કહ્યું, ‘પોતનપુરવાસી ઋષિકુમારોએ પણ મને અગાઉ આવાં જ ફળ આપ્યાં હતાં.’ રસ્તે ચાલતાં તેમને એક ચોર સાથે યુદ્ધ થયું. રથવાળાએ ચોર ઉપર જબ્બર પ્રહાર કર્યો; તેની શસ્ત્રચાતુરીથી પ્રસન્ન થયેલા ચોરે કહ્યું, ‘મારી પાસે વિપુલ ધન છે. તે હે શૂર! તું લઈ લે.’ ત્યાર પછી ચોરે બતાવેલા ધનથી એ ત્રણે જણે રથ ભર્યો. અનુક્રમે તેઓ પોતનપુર પહોંચ્યા. ત્યાં રથિકે વલ્કલચીરીને ઉતાર્યો અને કેટલુંક ધન આપીને કહ્યું કે, ‘તારું રહેઠાણ શોધી લે.’ તે ફરતો ફરતો ગણિકાગૃહ આગળ પહોંચ્યો અને ત્યાં ગણિકાને કહ્યું, ‘તાત! વંદન કરું છું. આ મૂલ્ય લઈને મને અહીં રહેવા દો.’ ગણિકાએ કહ્યું, ‘તમને આવાસ આપીશું. અહીં બેસો.’ પછી ગણિકાએ હજામને બોલાવ્યો. વલ્કલચીરીએ આનાકાની કરવા છતાં તેના નખ કાપ્યા અને હજામત કરી. તેનાં વલ્કલ ઉતારી લેવામાં આવ્યાં અને વસ્ત્રાભરણ પહેરાવીને ગણિકાપુત્રીની સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. ‘મારો આ ઋષિવેશ દૂર કરશો નહીં’ એમ બોલતા વલ્કલચીરીને ગણિકાઓ કહેવા લાગી કે, ‘જે કોઈ આવાસની ઇચ્છાવાળો અહીં આવે છે તેનો આ રીતે જ સત્કાર કરવામાં આવે છે.’ પછી તે ગણિકાઓ વધૂ-વરનાં ધવલમંગલ ગાવા લાગી.

હવે, વલ્કલચીરીને લોભાવવા માટે ઋષિવેશધારી જે ગણિકાપુત્રીઓને વનમાં મોકલવામાં આવી હતી તે આવીને પ્રસન્નચંદ્રને કહેવા લાગી કે, ‘કુમાર તો વનમાં ચાલ્યા ગયા. ઋષિના ભયને લીધે અમો તેમને બોલાવી શક્યાં નહીં.’ ત્યારે વિષાદ પામેલો રાજા વિચાર કરવા લાગ્યો કે, ‘અહો! અકાર્ય થયું. કુમાર પિતા પાસે ગયો નથી, અહીં પણ આવ્યો નથી; તો કોણ જાણે ક્યાં ગયો હશે?’ આ પ્રમાણે ચિન્તા કરતો બેઠો, એટલામાં તેણે મૃદંગનો શબ્દ સાંભળ્યો. શ્રવણને દુઃખ આપનાર એ શબ્દ સાંભળીને તેણે કહ્યું, ‘હું જ્યારે દુઃખી છું ત્યારે કયો સુખી સંગીત-વિનોદ કરે છે?’ ગણિકાને તેના હિતસ્વી કોઈ માણસે આ જણાવ્યું. એટલે ગણિકા ત્યાં આવી અને પ્રસન્નચંદ્ર રાજાને પગે પડીને કહેવા લાગી કે, ‘દેવ! મને નૈમિત્તિકે કહ્યું હતું કે જે તાપસરૂપી તરુણ તારે ઘેર આવે તેને જ તારી પુત્રી આપજે. તે ઉત્તમ પુરુષ છે અને તેની સાથે તારી પુત્રી ઘણું સુખ પામશે.’ નૈમિત્તિકે કહ્યું હતું તે પ્રમાણે તે પુરુષ આજે મારે ઘેર આવ્યો. તેનો ફલાદેશ પ્રમાણભૂત માનતી એવી મેં તાપસને કન્યા આપી; અને ‘કુમાર નાસી ગયા છે’ એ હકીકત જાણતી નહોતી તેથી આ લગ્ન નિમિત્તે ઉત્સવ કર્યો હતો. મારો આ અપરાધ ક્ષમા કરો. જેમણે આશ્રમમાં કુમારને જોયો હતો એવા માણસોને રાજાએ મોકલ્યા. તેમણે કુમારને ઓળખ્યો અને આ પ્રિય વસ્તુ રાજાને નિવેદન કરી. અત્યંત પ્રસન્ન થયેલો રાજા તેને વધૂ સહિત પોતાના મહેલમાં લઈ ગયો, સરખા કુલ, રૂપ અને યૌવનગુણોવાળી રાજકન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું અને અર્ધું રાજ્ય આપ્યું. વલ્કલચીરી યથેચ્છ સુુખથી રહેવા લાગ્યો.

પેલો રથિક ચોરે આપેલું ધન વેચતો હતો તેને રાજપુરુષોએ ચોર ધારીને પકડ્યો. વલ્કલચીરીએ પ્રસન્નચંદ્રને બધી હકીકત કહીને તેને છોડાવ્યો. આ તરફ, આશ્રમમાં કુમારને નહીં જોતા એવા સોમચંદ્ર ઋષિ શોકસાગરમાં ડૂબી ગયા. પછી પ્રસન્નચંદ્રે મોકલેલા દૂતો દ્વારા વલ્કલચીરી નગરમાં ગયો છે એમ જાણીને તેમને કંઈ ધીરજ આવી; અને પુત્રનું સ્મરણ કરતા તે અંધ બની ગયા. અનુકંપાવાળા બીજા ઋષિઓ તેમને ફળાહાર આપવા માંડ્યા. એ રીતે સોમચંદ્ર એ જ આશ્રમમાં રહેવા લાગ્યા.

આ પ્રમાણે બાર વરસ વીતી ગયા બાદ એક વાર વલ્કલચીરીકુમાર અર્ધ રાત્રે જાગી ગયો અને પિતાને યાદ કરવા લાગ્યો. ‘દયા વગરના મારા જેવા પુત્રથી વિખૂટા પડેલા પિતા કેવી રીતે રહેતા હશે?’ એમ વિચારતાં પિતાના દર્શન માટે ઉત્સુક બનેલો તે પ્રસન્નચંદ્ર પાસે જઈને પગે પડી કહેવા લાગ્યો, ‘દેવ! મને રજા આપો. પિતાને મળવા માટે હું ઉત્સુક થયો છું.’ પ્રસન્નચંદ્રે કહ્યું, ‘આપણે બે સાથે જ જઈએ.’ પછી તેઓ આશ્રમમાં ગયા. ત્યાં સોમચંદ્ર ઋષિને નિવેદન કરવામાં આવ્યું કે, ‘પ્રસન્નચંદ્ર પ્રણામ કરે છે.’ પોતાને પગે પડેલા પ્રસન્નચંદ્રને ઋષિએ પોતાના હાથ વડે પંપાળીને પૂછ્યું, ‘પુત્ર! તું નીરોગી છે?’ પછી વલ્કલચીરીને આલિંગન કરીને લાંબા કાળથી ધારણ કરી રાખેલાં અશ્રુ પાડતાં એ ઋષિનાં નયન ખૂલી ગયાં અને પોતાના બંને પુત્રોને પરમ પ્રસન્ન થયેલા તેમણે જોયા, તથા સર્વ કાળ વિષેનું કુશળ પૂછ્યું. ‘(લાંબા કાળથી જેની) સંભાળ લેવાઈ નથી એવા પિતાનાં ઉપકરણો કેવાં થઈ ગયાં છે, એ તો જોઉં’ એમ વિચાર કરતો વલ્કલચીરી ઝૂંપડીમાં ગયો; અને યતિ જેમ પાત્રકેસરિકાથી પાત્ર સાફ કરે તેમ પોતાના ઉત્તરીયના છેડાથી એ ઉપકરણો સાફ કરવા માંડ્યો. ‘આ જ પ્રકારનું કાર્ય આ પહેલાં મેં ક્યાં કર્યું છે?’ એ પ્રમાણે સ્મરણ કરતાં એ કાળે આવરણના ક્ષયથી તેને જાતિસ્મરણ — પૂર્વજન્મનું સ્મરણ થયું. પછી તે પોતાના પૂર્વકાળના દેવ-મનુષ્યના ભવ અને પૂર્વે પામેલું સાધુપણું સ્મરવા માંડ્યો, અને સ્મરીને વૈરાગ્ય પામ્યો. ધર્મધ્યાન વડે વિષયથી અતીત — પર બનેલો તથા જેનો વિશુદ્ધ પરિણામ થયો છે એવો તે બીજા શુક્લ ધ્યાનની ભૂમિકા ઓળંગી ગયો અને મોહનીય કર્મ, જ્ઞાનાવરણી-દર્શનાવરણી કર્મ અને ઘાતિ કર્મ જેનાં ક્ષય પામ્યાં છે એવા તેને કેવલજ્ઞાન થયું અને તે સાધુ બન્યો. પોતાના પિતાને તથા પ્રસન્નચંદ્ર રાજાને તેણે જિનોપદિષ્ટ ધર્મ કહ્યો. જેમણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે એવા તે બંનેએ ‘આપે યોગ્ય માર્ગ બતાવ્યો’ એમ કહીને પોતાના મસ્તકથી કેવલીને પ્રણામ કર્યા. પ્રત્યેકબુદ્ધ (જેને કોઈ એક નિમિત્તથી જ્ઞાન પ્રાપ્ત થયું છે) એવો વલ્કલચીરી પિતાને લઈને મહાવીર વર્ધમાનસ્વામીની પાસે ગયો. પ્રસન્નચંદ્ર પણ પોતાના નગરમાં ગયો.

પોતાના ગણ સહિત વિહાર કરતા જિન ભગવાન પોતનપુરમાં મનોરમ નામના ઉદ્યાનમાં સમોસર્યા. વલ્કલચીરીનાં વચનથી જેને વૈરાગ્ય પેદા થયો છે તથા તીર્થંકરની પરમ મનોહર વાણીરૂપી અમૃતથી જેનો ઉત્સાહ વૃદ્ધિ પામ્યો છે એવા પ્રસન્નચંદ્ર બાળક પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને સાધુ બન્યા. જેણે સૂત્ર અને અર્થ જાણ્યાં છે તથા તપ અને સંયમથી જેની મતિ શુદ્ધ બની છે એવા પ્રસન્નચંદ્ર મગધાપુર (રાજગૃહ)માં આવ્યા, અને ત્યાં આતાપના લેતા હતા ત્યારે તારા પિતા શ્રેણિકે તેમને આદરપૂર્વક વંદન કર્યું હતું. હે કુણિક રાજા! રાજા પ્રસન્નચંદ્રે આ પ્રકારે દીક્ષા લીધી હતી.’