ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/બે ઇભ્યપુત્રોની કથા


બે ઇભ્યપુત્રોની કથા

અહીં બે ઇભ્યપુત્રો હતા. તેમાંનો એક પોતાના મિત્રો સાથે ઉદ્યાનમાંથી નગરમાં આવતો હતો. બીજો રથમાં બેસીને નગરમાંથી બહાર જતો હતો. તેઓ નગરના દરવાજે ભેગા થયા. ગર્વને કારણે બન્નેમાંથી એકે જણ પોતાના રથને પાછો લેવા માગતો નહોતો. આથી તેમની વચ્ચે બોલાચાલી થઈ. એકે કહ્યું, ‘તું પિતાએ ઉપાર્જન કરેલા દ્રવ્યથી ગર્વિત થયેલો છે; જે પોતે ધન કમાવાને સમર્થ હોય તેને જ અહંકાર શોભે.’ બીજો પણ એમ જ કહેવા લાગ્યો. આત્મોત્કર્ષ નિમિત્તે તે બન્નેએ પ્રતિજ્ઞા કરી કે, ‘આપણામાંથી જે પરિવાર સિવાય બહાર નીકળી પડે અને બાર વરસની અંદર ઘણું ધન લઈને લાવે તેનો બીજો માણસ પોતાના મિત્રો સહિત દાસ થઈ જશે.’ આ પ્રમાણે વચન પાના ઉપર લખીને તે પાનું શેઠિયાના હાથમાં આપવામાં આવ્યું. પછી તે બેમાંથી એક તો ત્યાંથી જ નીકળી પડ્યો. દેશના સીમાડા ઉપરથી પડિયાઓમાં ફળ લાવીને તે શહેરમાં આવ્યો. ત્યાં લે-વેચ કરતાં મૂડી થઈ, એટલે એક વહાણવટીને આશ્રયે સમુદ્રમાર્ગે વેપાર કરવા લાગ્યો. એમ કરતાં ઘણું ધન મળ્યું, એટલે તેણે પોતાના મિત્રોને સમાચાર મોકલ્યા. બીજો ઇભ્યપુત્ર, મિત્રોએ ઘણી પ્રેરણા કરવા છતાં બહાર નીકળતો જ નહીં અને કહેતો કે, ‘એ બિચારો ઘણા કાળે જેટલું ધન કમાશે તેટલું તો હું અલ્પ સમયમાં મેળવી લઈશ.’ પણ બારમા વર્ષે પેલા બહાર નીકળેલા ઇભ્યપુત્રના આગમનના સમાચાર સાંભળીને તે દુઃખપૂર્વક ઘરની બહાર નીકળ્યો અને વિચાર કરવા લાગ્યો કે, ‘કલેશભીરુ અને વિષયલોલુપ એવા મેં ઘણો કાળ ગુમાવ્યો. હવે એક વરસની અંદર હું કેટલું કમાઈ શકવાનો હતો? માટે શરીરનો ત્યાગ કરવો એ જ મારે માટે શ્રેય છે.’ એ પ્રમાણે નિશ્ચય કરીને તે સાધુ પાસે ગયો અને ત્યાં ધર્મ સાંભળીને તેણે દીક્ષા લીધી. ઉત્કૃષ્ટ તપશ્ચર્યાથી પોતાનું શરીર ખપાવીને તથા અનશન કરીને નવ માસનો સાધુપર્યાય પાળ્યા પછી કાળધર્મ પામી તે સૌધર્મ કલ્પમાં દેવ થયો. અવધિવિષયથી કારણ જાણ્યું છે એવા તેણે પોતાના દેશના સીમાડે સાર્થ વિકુર્વીને પોતાના મિત્રોને ખબર મોકલ્યા. આ વિષે શંકા કરતા મિત્રોએ તેની તપાસ કરવા માટે ચાર-પુરુષને મોકલ્યો. ચાર-પુરુષ દ્વારા તેની સમૃદ્ધિની ખબર પડતાં એ મિત્રો તેની પાસે ગયા. પેલાએ વસ્ત્ર અને આભરણથી પોતાના મિત્રોનો સત્કાર કર્યો. બીજો ઇભ્યપુત્ર પહેલાંથી જ આવીને રાજાને મળ્યો હતો અને ભાંડ (માલ) સહિત પોતાનું ધન તેણે બતાવ્યું હતું, પણ દેવનું દ્રવ્ય તેના કરતાં ઘણું વધારે હતું; રત્ન સહિત તે દ્રવ્યથી રાજા પ્રસન્ન થયો. જે ઇભ્યપુત્રે બાર વર્ષ સુધી ક્લેશ સહન કર્યો હતો તેનો મિત્ર સહિત પરાજય થયો. સમારંભ પૂરો થતાં દેવ-સાર્થવાહે પોતાના મિત્રોને કહ્યું, ‘હું કેવી રીતે દ્રવ્ય કમાયો તે જાણો છો?’ તેઓ બોલ્યા, ‘ના, અમે જાણતા નથી.’ તેણે કહ્યું, ‘તપથી.’ પોતાના દાસ બનેલા બીજા ઇભ્યપુત્રને તથા તેના મિત્રોને પોતાનો દિવ્ય પ્રભાવ દર્શાવીને આ હકીકત તેણે જણાવી અને કહ્યું, ‘જો તમે દીક્ષા લો તો તમને મુક્ત કરું.’ એટલે તપના પ્રભાવથી વિસ્મિત થયેલા તેઓએ મિત્રો સહિત પ્રણામ કરીને કહ્યું, ‘અમને પ્રત્યક્ષ તપનો પ્રભાવ દર્શાવીને તમે અમારા ઉપર ઘણી કૃપા કરી છે. જો અમે પ્રતિબોધ પામીશું તો આત્મહિત આચરીશું.’ પછી તેમને પ્રતિબોધ પમાડીને દેવ ગયો. પેલા બધા અત્યારે સુસ્થિત અણગારની પાસે દીક્ષા લેશે. આ કારણથી તપસ્વીઓનું તપ ઘણા કાળ સુધી ટકે એવું અને પૂજનીય છે; શરીરનો નાશ થાય તો પણ તપનું ફળ દેવાલોકમાં મળે છે; બીજાઓનું કર્મ અલ્પ કાળ સુધી જ ટકે એવું હોય છે અને શરીરનો નાશ થતાં તેનો પણ નાશ થાય છે.’

હે નંદિષેણ! આ પ્રમાણે સુપ્રભે પેલી રાજકન્યાને કહ્યું, ‘રાજકન્યા પણ એ બધું અહીં પોતાની નજરે જોઈને પતીજ કરશે કે પરલોક છે અને ધર્મનું ફળ પણ છે.’

સુસ્થિત અણગાર આમ કહી રહ્યા ત્યાં તો પેલા ઇભ્યપુત્રો તેમની પાસે આવ્યા અને દીક્ષા લીધી. (સુપ્રભ સહિત ત્યાં આવેલી) કુમારી સુમિત્રા પણ સાધુને વંદન કરીને સુપ્રભને વિનંતી કરવા લાગી, ‘તમે મારા ઉપર અધિકાર ધરાવો છો, પણ મારા ધર્મ કાર્યમાં વિઘ્ન ન કરશો.’ સુપ્રભે પણ ‘ભલે’ એમ કહીને તે વાત સ્વીકારી. રાજપુત્ર૧ રાજકન્યા સુમિત્રા સાથે નગરમાં ગયો.

આ રીતે પરલોકના અસ્તિત્વનું અને ધર્મફળનું પ્રમાણ જેણે પ્રત્યક્ષ જોયું છે એવા નંદિષેણે અત્યંત વિરક્ત થઈને દીક્ષા લીધી. જેણે સૂત્ર અને અર્થ જાણ્યા છે એવો, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળો, તપમાં ઉદ્યત, જેની શ્રદ્ધા વધતી જાય છે તથા જેનો વૈરાગ્ય અવિચલિત છે એવો તે વિચરવા લાગ્યો.લાભાન્તરાયના ક્ષયોપશમથી તે જેવી રીતે અને જ્યારે જે વસ્તુ ઇચ્છે તેવી રીતે અને ત્યારે તે વસ્તુ એને મળતી. તેણે અભિગ્રહ લીધો હતો કે — મારી સર્વ શક્તિથી મારે સાધુઓની વૈયાવૃત્ય કરવી. આ પ્રમાણે ભરતમાં તે મહાતપસ્વી તરીકે પ્રખ્યાત થયો.

પોતાની વસુદેવના પૂર્વભવની કથામાં નંદિષેણનો ભવ વર્ણવવામાં આવ્યો છે: