ભારતીયકથાવિશ્વ-૫/કાઠિયાવાડની જૂની વાર્તાઓ/બાનરો


બાનરો

પ્રેમની કીંમત લઈ હૃદય તો વેચાઈ ગયું. પછી વિવેક, લોકલજ્જા વચ્ચે આવી પ્રેમી પાત્રોને અથાગ મૂંઝવે છે. ઘડીકમાં પ્રેમી પ્રિયાને મળવા, તેનું ચન્દ્રમુખ નિહાળવા, પ્રિયાના ઉદાર ઉરને સાથે દાબવા ઊઠે છે, ચાલવા માંડે છે, ત્યાં વળી કંઈ વિવેકના વિચારો આવી તેને અટકાવે છે.

બાનરો ઉરવલ્લભા મૂળદેને મળવા ઘેરથી નીકળે છે. બંનેએ નક્કી કર્યું છે કે લગ્ન કરવાં જ; પણ વચ્ચેથી વાત બગડી જાય છે. બાનરો જતો અટકી જાય છે ને હૃદયનાથ બાનરાને ભેટવા તલસી રહેલ બાલા વિરહજ્વાળામાં સળગે છે. છેવટે પથારીવશ થાય છે. આ ખબર બાનરાને પડે છે, ને બાનરો એક ફકીરનો વેશ લઈ પોતાની પ્રિયાને મળવા જાય છે, પણ ફળિયામાંથી જ મળ્યા સિવાય પાછો વળી જાય છે. વિરહઘેલી ઇશ્કબિમારી સહતી બાલાને આ ખબર પડતાં બોલે છે:

ફળીયામાંથી ફકીર રે, ફેરી દઈ પાછો ફર્યો, આયર અમથી આજ, બાનરો બીજો થયો.

અરેરે, એ ફકીર મારા ફળિયા સુધી આવી આંટો ખાઈ પાછો વળી ગયો; ખરેખર એ આયર બાનરો હવે તો પલટી ગયો જ.

આમ આવેલ પ્રેમી કદિ પણ પાછો ગયો જાણ્યો નથી. પણ તેના મનમાં કંઈ અંદેશો ઉત્પન્ન થયો. કાં તો કોઈ અન્ય હૃદયે તેને પાછો ખેંચ્યો. ગમે તેમ પણ એ બદલાઈ તો ગયો જ.

આમ પ્રેમઘેલી બાલા તર્કવિતર્ક કરે છે. પછી કોઈ સૈયર સાથે કહાવી દીધું કે હે સગા,

જેસે મળ્યા તમે બાન થઈ બેઠાં છીએ, સગવણ કરને સાર, વેલી તું વરસાવને.

રે વ્હાલા સગા જ્યારથી તું મને મળ્યો છે ત્યારથી તો હું તારી ગુલામ બની ગઈ છું. રે પ્રેમી, તું હવે મારી તાકીદે સંભાળ લે ને, સ્નેહની ઝડી વરસાવ ને. વળી કહાવી મોકલ્યું:

બસળાં હતાં ને બોલતો, સગા સંધીએ હતી સાન, મધદરીએ મેલ્યાં એકલાં, હવે બાનરા કેનાં બાન?

રે વ્હાલા, જ્યારે નાનાં બાળક હતાં, ને તું કાલાં કાલાં વેણ વદતો ત્યારે પણ તને સર્વ વાતનું ભાન હતું. અરે પ્રેમી બાનરા, આજ આ મધદરીઆમાં આ મારા જેવી કેદ પકડાયલને શા કારણથી છોડી દીધી.

સળીયો મીઠો મેરાણ ખારે દળ ખોટી થયું નૈ, વા’લા તારાં વા’ણ બારે બૂડ્યાં બાનરા.

રે પ્રેમી, આ મહાસાગર ઊછળી ઊઠ્યો છે અને તેમાં મારું વહાણ એક ઠકાણે ઊભું રહી શકતું નથી. રે વ્હાલ આજ તો તારાં સર્વ વહાણ બૂડી ગયાં છે.

આમ પોતાના હૃદયની અકથ સ્થિતિ બાનરા પ્રેમીને જણાવી કે: મહાસાગર રૂપી હૈયામાં અગણિત મોજાં ઊઠે છે ને તેમાં પોતાના જીવનું સુકાન હાથ રહેતું નથી, કારણ કે સુકાની પ્રેમી પાસે નથી. વળી કહાવી મોકલ્યું:

બંદુકડીથી બીનો, અમ લગી આવ્યો નૈં, આવ્ય ને અલબેલા, બખતર પેરી બાનરા.

રે પ્રેમી, તું બંદુકથી બીનો કે રખે ને મારાં સગાં કોઈ તને વીંધી નાખે, તો રે ફાંકડા તું લોઢાનું બખતર પેરીને આવ; પણ આવ તો ખરો જ.

સૈયરે બાનરાને આ સર્વ સમાચાર કહ્યા પણ બાનરો પોતાની વ્હાલીને મળી શક્યો જ નહીં. અત્યંત દુ:ખને લીધે તે તો ઘર છોડી ચાલી ગયો, ને ગયો તે ગયો.

હવે પ્રેમઘેલી બાલાને કોઈ અન્ય સાથે પરણાવી દેવા તેનાં સગાએ તદબીર કરી. આ સર્વ સમાચાર તેને કાને પડ્યા. તેણે હજુ બાનરાને કહાવી મોકલ્યું:

આંબેથી ઉઠી બાવળ બેસવું પડે, કાંઉ કણ ખુટ્યો, બાનરા બીડ ખાવો પડે.

રે બાનરા, આજ મારે મજાનાં તું રૂપી આંબાને તજી શૂળોભર્યા બાવળનો આશ્રય લેવો પડે છે. અરેરે, અનાજના દાણા ખૂટી જવાથી મારે હવે ખડ ખાવું પડે છે.

અમૃત વૃક્ષ બાનરાને તજી શૂળોભર્યા વીંધી દેતા અન્ય સાથે પોતાને જોડાવું પડે છે, રે અનાજને અભાવે ઘાસ ખાવું પડે છે. વગેરે ઉપમા આપી બાનરાને ભલે મનાવી લેવા તે મથે; પણ બાનરો ક્યાં છે? સૈયરે આવી કહ્યું કે તારો પ્રેમી તો અચબુચ ઘર તજી ચાલ્યો ગયો છે. આ તો પે્રમવશ બાલાને વજ્રપાત સમાન હતું. પોતે પ્રેમીની પાછળ ઘર તજી નીકળી પડી. પોતે લવતી જાય છે:

આ વખુટ્યું વા’ણ મને સંઘ આરો સુજે નૈં, સમૂળાં જાય શરીર તોય બાનરો બીજો થાય નૈં.

અરેરે, આ મધદરીએ વ્હાણ વીફર્યું. હવે મને કોઈ દિશા કે કિનારો, કશું માલમ પડતું નથી. મને તો ખાતરી છે કે મારો બાનરો મરે તો પણ મારાથી જુદો થાય જ નહીં. ફરી બેસે જ નહીં.

ઊંચે જોઉં ત્યાં આભ, રે નીચે ધરતીના ધરા, મધદરીએ વધ જાણ બારે બૂડ્યાં બાનરા.

હું તો હવે ઊંચે જોઉં તો અગાધ આકાશ છે ને નીચે અગાધ પાણી છે. રે વ્હાલા બાનરા, આ મધદરીઆમાં તારું પ્રેમનું પાણી છે. રે વ્હાલા બાનરા આ મધદરીઆમાં તારું પ્રેમનું વ્હાણ આજ બૂડ્યું જ.

વખુટી વિધવા ફરું મને સંધ સૂઝે નૈં આરો, મધદરીએ વધ જાણ બારે બૂડ્યાં બાનરા.

રે પ્રેમી, હું આજ તારાથી વિખૂટી પડી શુદ્ધબુદ્ધ વગરની ભટકું છું. રે વ્હાલા, આજ મધદરીઆમાં મારે તો હવે બારે બૂડ્યાં. હું પાયમાલ થઈ.

આમ લવતી લવતી જંગલમાં એક નદી કિનારે આવી ચડે છે તેની નજરે એક પુરુષના મડદા જેવું કંઈ પડે છે. તેને ઓળખી કાઢે છે, અને પોતાનો પ્રેમી આમ કેમ મૂંગો થઈ ગયો છે એ જાણવા કહે છે:

ડાડડીયુ દેતેય સગા કાં સાંભળ્ય નૈં, કેદુકનો કાનેય બાનરા તું બેરો થયો.

રે બાનરા પ્રેમી, હું તને કરગરતી કહું છું તો ય તું કેમ સાંભળતો નથી? આ તે તું કયા દિવસથી આમ બેરો થઈ ગયો છે? તું જો’ તો ખરો પ્રેમી.

ટાઢ્યું ને તડકા, લૂ અમને લાગે નૈં વાંસા ગયા વળી બાનરા બેવડ થાય.

રે બાનરા, આ સખત ઠંડી અને તાપ અને આ બાળી નાખતો પવન પણ મને કંઈ કરી શકતાં નથી. આ મારી સામું તો જો — મારી પીઠ વળી ગઈ છે ને હું બેવડ વળી ગઈ છું.

પોટો પાંખુ વિના માળા વિણ કયાં મેલીએ, બે દીની વાતુમાં બાનરો બીજો થયો.

અરેરે, આ પાંખ વગરનું ચકલીનું બચ્ચું, વળી તે માળા વગરનું, તેને ક્યાં આશ્રય મળે? અરેરે, બે દિવસમાં જ આમ બાનરો ફરી બેઠો.

જ્યારે પ્રેમી પોતાની દરકાર નથી કરતો ત્યારે પ્રેમવશ બાલાઓ પોતાનું સર્વસ્વ ગયું જ ગણે છે. પોતે હવે આ જગતમાં તદ્દન નિરાધાર છે, એમ દુ:ખી બાલાએ બાનરાની પાસે બેસી વિલાપ આદર્યો. પણ બાનરો ઊંચું જોતો નથી.

ઘણીએ વાર પ્રેમી જોડાંઓમાં કંઈ વૈમનસ્ય — નોખાં મન થાય છે ત્યારે તેઓ એકબીજાને આપેલ વચનોની યાદ આપી મનાવી લેવા પ્રયત્ન કરે છે. આથી જ તે બોલી:

પેલા દઈ બોલ પછી પતળીએ નૈં; કાપે કાળજની કોર, બાનરા બીજું કેમ બોલીએ.

અરે વ્હાલા, પહેલાં વચન આપી મારા જેવી ભોળીને ભરમાવી હવે ફરી બેસવું ન જોઈએ. અરેરે બાનરા, એ વચનો તો ઊંડા ઊંડા કાળજામાં કાપ કરે છે. હવે તે ફરી બેસાય?

આ કરુણાજનક ટાણો સાંભળી મૂઢ પ્રેમી ચમક્યો ને ઊઠી ઊભો થયો. ‘રે ઘેલી, તું આમ મારી પછવાડે શાને આવી!’ આ વચન સાંભળી જાણે પોતાનો પ્રેમી કોઈ બીજીની શોધમાં હશે ને પોતાની આમ અવગણના કરે છે એમ ધારી પ્રેમભર્યાં મામિર્ક વચનો બોલી:

મોંઘેરાં મળતે સોંઘેરાં સાટવીએ નૈં, લઈએ લખ ખરચે બાનરા બે પખે સરખાં.

રે પ્રેમી, જો ખરેખરું હૃદયરત્ન મોંઘું હોય પણ તે જો મળતું હોય તો સોંઘા કાચના કટકાને લેવાં નહીં હો. અરે બાનરા, લાખ રૂપિયા ખરચીને પણ બંને બાજુએ ઉત્તમ હોય તેની જ સાથે પ્રેમ કરવો. આમ પ્રેમ તથા વિકારનો ભેદ પાડી કહે છે કે, રે પ્રેમી, જાતવંતી મને તજી તું કોઈ કજાતમાં ફસીશ તો પછી તું દુ:ખી થઈશ. વળી બોલી:

પળાંશે ને પાંદડે ગુંડાંની સળીએ, ખાધાની ખપતે બાજુ વાળે બાનરો.

જુઓને, આ ખાખરાનાં પાંદડાંને ઘાસની સળી વતી, બાનરો, ભૂખ્યો થયો છે તે પડિયા વાળીને ખાય છે.

આમ ઉત્તમ કાંસાની થાળીમાં જમવાનું મૂકી આ પાંદડામાં જમવા બેઠો આદિ મીઠા ટાણા મારી, છેવટે તે બોલી:

રે વ્હાલા બાનરા સાંભળ:

એક હતું તે હર ગયું નવા ન કરવા નેગ, ભવના ભવ હરે બામણી રાંડી બાનરા.

મારે તો હે પ્રેમી, તું એક જ રત્ન હતું તે હરાઈ ગયું. હવે કંઈ કોઈની સાથે નવો સંબંધ થનાર નથી જ. ભલેને હું મારે જન્મના જન્મ હારી જાઉં તોય શું? આ તો બ્રાહ્મણીનો રંડાપો સમજવો.

આ સબળ પ્રતિજ્ઞા હવે બાનરા પ્રેમીથી જીરવી શકાઈ નહીં. એકાએક ઊછળી ઘેલી બાલાને બાથમાં લીધી તે જંગલમાં ઝૂંપડી વાળી ત્યાં ઘરવાસ શરૂ કર્યો. શા વિસાતમાં રાજ્યભુવન આ ઝૂંપડી પાસે?