ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યના પ્રકારો

કાવ્યનો પ્રકારો

મમ્મટ વ્યંગ્યાર્થની ઉચ્ચાવચતા પ્રમાણે કાવ્યના મુખ્ય ત્રણ પ્રકારો પાડે છે : ૧. ઉત્તમકાવ્ય કે ધ્વનિકાવ્ય, ૨. મધ્યમકાવ્ય કે ગુણીભૂતવ્યંગ્ય કાવ્ય અને ૩. અવરકાવ્ય (અધમકાવ્ય) કે ચિત્રકાવ્ય. આ ત્રણેના – ખાસ કરીને ધ્વનિકાવ્યના – અનેક પ્રભેદો મમ્મટ આપે છે.

૧. ઉત્તમકાવ્ય કે ધ્વનિકાવ્ય :

इदमुत्तममतिशयिनि व्यङ्ग्यै वाच्याद् ध्वनिर्बुधैः कथितः ।

કાવ્યમાં જ્યારે વ્યંગ્યાર્થ વાચ્યાર્થ કરતાં વિશેષ ચમત્કાર હોય, ત્યારે એ ઉત્તમ ગણાય. કાવ્યતત્ત્વજ્ઞો ઉત્તમકાવ્યને ‘ધ્વનિકાવ્ય’ એવું નામ આપે છે. ઉદાહરણ તરીકે.

निःशेषच्युतचन्दनं स्तनतटं निर्मृष्टरागोऽधरो
नेत्रे दूरमनञ्जने पुलकिता तन्वी तवेयं तनुः ।
मिथ्यावादिनि दूति बान्धवजनस्याज्ञातपीडागमे
वापीं स्नातुमितो गतासि न पुनस्तस्याधमस्यान्तिकम् ।।

(તારા સ્તનપ્રદેશ પરનું ચંદન ખરી ગયું છે; અધર પરનો રાતો રંગ ધોવાઈ ગયો છે; આંખોના છેડા કાજળવિહોણા થઈ ગયા છે: તારો આ સુકુમાર દેહ રોમાંચિત બન્યો છે. સખીજનની પીડાથી અજ્ઞાતઓ જૂઠાબોલી દૂતી ! તું અહીંથી તે અધમની પાસે નહોતી ગઈ પણ વાવ પર સ્નાન કરવા ગઈ હતી.) આ શ્લોકનો વાચ્યાર્થ તો દૂતીની દેહસ્થિતિના વર્ણનમાં અને એ વાવ પર સ્નાન કરવા ગઈ હતી એ હકીકતમાં સમાપ્ત થઈ જાય છે. એમાં કોઈ વિશેષ રમણીયતા નથી. પણ આ શ્લોકમાં ‘અધમ’ શબ્દ વિશિષ્ટ છે. સામાન્ય રીતે, પોતાના પ્રિયતમને કોઈ અધમ કહે નહિ. આથી આ સ્ત્રી અહીં ખરેખર એવું સૂચવવા માગે છે કે ‘તારી દેહસ્થિતિ વાપીસ્નાન નહિ, સંભોગ સૂચવે છે, અને તેથી તું સ્નાન કરવા નહિ પણ તારી સાથે રમણ કરી દોષિત બનેલા તે અધમ પાસે ગઈ હતી.’ આ વ્યંગ્યાર્થને કારણે જ કાવ્ય રમણીય બને છે, કાવ્ય કાવ્યત્વ પામે છે. આમ, અહીં કાવ્યનું ચારુત્વ વ્યંગ્યાર્થને આભારી હોઈ, આ કાવ્ય ઉત્તમ કાવ્યનું ઉદાહરણ થયું. (૨૪) શ્રી ઉમાશંકર જોષીના ‘બળતાં પાણી’ કાવ્યને આપણે આ પ્રકારનું ઉત્તમ કાવ્ય ગણી શકીએ. એમાં જે પ્રકૃતિવર્ણન છે તે તો, પ્રો. બ. ક. ઠાકોરના શબ્દોમાં કહીએ તો, અત્યંત ઉત્કટ ઉત્પ્રેક્ષાઓથી ભરેલું છે. એ કાવ્યનું કાવ્યત્વ એ પ્રકૃતિવર્ણનમાં નહિ, પણ એ દ્વારા પ્રગટ થતા વ્યંગ્યાર્થમાં છે.

૨. મધ્યમ કે ગુણીભૂતવ્યંગ્ય કાવ્ય :

अतादशि गुणीभूतव्यङ्ग्यं व्यङ्ग्ये तु मध्यमम् ।

વ્યંગ્યાર્થ ધ્વનિકાવ્યમાં હોય છે તેવો, એટલે કે વાચ્યાર્થથી વિશેષ ચમત્કારક ન હોય, કાવ્યની રમણીયતા વાચ્યાર્થને આભારી હોય, ત્યારે મધ્યમ પ્રકારનું કાવ્ય ગણાય. આવા કાવ્યને ‘ગુણીભૂતવ્યંગ્ય’ (જેમાં વ્યંગ્યાર્થનું સ્થાન ગૌણ છે એવું) નામ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે,

ग्रामतरुणं तरुण्या नववञ्जुलमञ्जरीसनाथकरम् ।
पश्यन्त्या भवति मुहुर्नितरां मलिना मुखच्छाया ।।

[વંજુલની તાજી મંજરી હાથમાં લઈને આવતા ગ્રામતરુણને વારંવાર જોતી તરુણીની મુખકાન્તિ અતિશય ઝાંખી થાય છે.] અહીં વ્યંગ્યાર્થ તે ’વંજુલલતાગૃહમાં મળવાને સંકેત આપવા છતાં તરુણી આવી નહિ’ એવો છે; પણ એ વ્યંગ્યાર્થ કરતાં વાચ્યાર્થ– ગ્રામતરુણને વારંવાર જોતી અને ઝંખવાઈ જતી તરુણીનું ચિત્ર–વધારે રમણીય છે. તેથી આ કાવ્ય ‘ગુણીભૂતવ્યંગ્ય’ પ્રકારનું અને મધ્યમ કક્ષાનું ગણાય. શ્રી. સુન્દરમના ‘કોણ?’ કાવ્યને કદાચ આ ગુણીભૂત-વ્યંગ્યના પ્રકારનું ગણી શકાય. એમાં પ્રકૃતિનાં ભિન્ન ભિન્ન તત્ત્વનું મનોહારી વર્ણન છે અને એ તત્ત્વોમાં કોઈક વ્યક્તિના ભાવો આવિર્ભૂત થતાં કલ્પવામાં આવ્યા છે. આ લીલાસૃષ્ટિનો સર્જનાર કોઈ નિયંતા છે એવી પ્રતીતિ આ કાવ્યનો વ્યંગ્યાર્થ છે. પણ ચારુત્વ વાચ્યાર્થનું વિશેષ છે. [૨૫]

૩. અધમ કે ચિત્રકાવ્ય :

शब्दचित्रं वाच्यचित्रमव्यङ्ग्यं त्ववरं स्मृतम् ।

કાવ્ય જ્યારે શબ્દગુણ-શબ્દાલંકારથી યુક્ત હોય, કે અર્થગુણ–અર્થાલંકારથી યુક્ત હોય અને સ્ફુટ વ્યંગ્યાર્થ ન હોય ત્યારે એ અવર કે અધમ કક્ષાનું કાવ્ય ગણાય. એને ‘ચિત્રકાવ્ય’ એવું નામ આપવામાં આવે છે. (૨૬)
ઉદાહરણ તરીકે,

स्वच्छन्दोच्छलदच्छकच्छकुहरच्छातेतराम्बुच्छटा—
मूर्च्छन्मोहमहर्षिहर्षविहितस्नानाह्निकाह्नाय वः ।
भिधादुधदुदारदर्दुरदरी दीर्धादरिद्रद्रुम —
द्रोहोद्रे कमहोर्मिमेदुरमदा मन्दाकिनी मन्दातम् ।।

(સ્વચ્છન્દે ઊછળતાં અને કિનારાની બખોલોમાં બળપૂર્વક પ્રવેશતાં સ્વચ્છ પાણીનાં મોજાંઓથી જેમનો મોહ નષ્ટ થયો છે એવા મહર્ષિઓ જ્યાં સહર્ષ સ્નાન અને આહિ્નક કરી રહ્યા છે; જેના ખાડાઓમાં કૂદતાં મોટાં દેડકાં છે અને મોટાં લચી પડેલાં વૃક્ષોના પડવાથી ઊંચે ઊછળતા મોટા તરંગોને કારણે જે ખૂબ અભિમાન ધરે છે, તે મન્દાકિની તમારી મન્દતા જલદી દૂર કરો.) અહી च्छનું પુનરાવર્તન, महर्षिहर्ष, मन्दाकिनी मन्दताम વગેરેમાં છેકાનુપ્રાસ અને द અને मના પુનરાવર્તનમાં વૃત્ત્યનુપ્રાસ એ શબ્દાલંકારો છે તથા ઓજસ્ ગુણ છે. કાવ્યનો વ્યંગ્યાર્થ છે ગંગા પ્રત્યેનો ભક્તિભાવ, પણ તે અસ્ફુટ રહે છે. તેથી આ કાવ્ય શબ્દચિત્રકાવ્યનું ઉદાહરણ બની રહે છે. શ્રી પૂજાલાલના ‘ભારતસ્તવન’ની ‘હીનને ગણતા હોય’ વગેરે પંક્તિઓ૧[1] અત્યંત પ્રગટ શબ્દાલંકારોને કારણે શબ્દચિત્ર બની જાય છે.

અવરકાવ્યનું મમ્મટનું બીજું ઉદાહરણ આ છે :

विनिर्गतं मानदमात्ममन्दिराद्
भवत्युपश्रुत्य यदच्छयापि यम् ।
ससंभ्रमेन्द्रद्रुतपातितार्गला
निमीलिताक्षीव भियामरावती ।.

[અભિમાન ઉતારનાર (હયગ્રીવ)ને પોતાના મહેલમાંથી સહેજ બહાર નીકળ્યો સાંભળીને ઈન્દ્રે ગભરાટથી આગળા દઈ દેતાં અમરાવતી જાણે ભયથી આંખો મીંચી ગઈ.] અહીં અર્થગુણ પ્રસાદ અને અર્થાલંકાર ઉત્પ્રેક્ષા છે. એમાં ઈન્દ્રના ભયના ભાવનું સૂચન છે. હયગ્રીવની વીરતા પણ વ્યંગ્ય છે, પણ ઉત્પ્રેક્ષા અલંકારની તુલનાએ એ અસ્ફુટ રહે છે. તેથી આ કાવ્યને અર્થચિત્રકાવ્ય કહી શકાય. (જોકે ‘પ્રદીપ’ ટીકા લખનાર ગોવિંદ આને વાચ્યચિત્રકાવ્યનું યોગ્ય ઉદાહરણ ગણતા નથી, કેમ કે એમના મતે અહીં હયગ્રીવની વીરતા અસ્ફુટ નથી અને કવિનું પ્રયોજન પણ એ વીરતાના નિરૂપણનું જણાય છે.) ‘નળાખ્યાન’માં પ્રેમાનંદ દમયંતીનાં રૂપ અને વસ્ત્રાભૂષણનું જે અલંકારખચિત વર્ણન કરે છે ત્યાં કવિની પ્રેરણા જાણે અલંકારની જ હોય, અને સૌન્દર્યદર્શનનો ભાવ અસ્ફુટ રહેતો હોય એમ લાગે છે. આથી તેને અર્થચિત્રકાવ્ય કહી શકાય.


  1. ૧. જુઓ પૃ.૧૪૪ - ૨