મર્મર/આગ્રા ફોર્ટ


આગ્રા ફોર્ટ

અહીંથી, અહીં ભીંતમાં જડિત આ શીશામાં લઘુ
હતો નીરખતો બીમાર સુતકેદી શાહેજહાં
પ્રિયાપ્રતીક તાજ-ક્હે ચપલ ભોમિયાની જબાં
(કરે વિગતને જીવંત ઈતિહાસથી યે વધુ.)

પ્રસિદ્ધ પુરદુર્ગ શાસન પ્રતીક શો સુદૃઢ
જયાજય વિષે પરાક્રમની હાકથી ગાજતો
મહાબલ પ્રચંડ કો સુભટસ્કંધ શો રાજતો
પ્રપંચ, છલ, ગુફ્તગો હૃદય ધારતો કૈં ગૂઢ.

તું દુર્ગ સહુ શો? નહીં; અહીં ન માત્ર સમ્રાટના
પ્રશાસન કઠોરની સ્મૃતિ જ, કિન્તુ શાહેજહાં
તણા વિરહઅગ્નિ દુઃસહથી દગ્ધ ભૂમિ, યહાં
થકી નીરખી તાજ યાદ તણી આંધીએ શાહનો
હશે હચમચાવિયો હૃદયદુર્ગં; ને તારી યે
હશે જ હમદર્દીમાં કંઈક કાંકરીઓ ખરી!