માંડવીની પોળના મોર/એક પતંગિયું આવશે...

એક પતંગિયું આવશે...

એક એકલી ડોશી. દીકરી જ નહીં તો પછી વહુ ક્યાંથી આવે? ડોશીને પરષોતમ મહિનો નહાવાનું મન થયું. ઘરમાં દીકરાની વહુ હોય તો બધું કામકાજ સંભાળી લે. એટલે એણે તો ભગવાન ભરોસે વાત વહેતી મૂકી. કહે કે મારો દીકરો શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. ઘરનો સાતમો ઓરડો જે બંધ છે એમાં પર્યો છે. અભ્યાસ પૂરો થશે એટલે પંડિત થઈને બહાર આવશે. પણ એને માટે જો કોઈ પોતાની દીકરી મને આપે તો એને વહુ કરીને સ્થાપું! પરષોત્તમ મહિનાના વરતવરતુલાં કરી લઉં! મહિનો ઊતર્યે દીકરો બહાર આવે પછી પરણાવી દઈશ! કોઈ હૈયાફટો બાપ તૈયાર થયો ને એણે તો ડોશીના વચન ઉપર વિશ્વાસ મકીને દીકરી દીધી. છેલ્લે જતાં - ડોશી ઘણી સાચક ને નિર્મળ, ભક્તિની રીત એની સાચી એટલે મહિનાને અંતે સાતમા ઓરડામાંથી પોતે પર્ણ પુરુષોત્તમ થયા. ડોશીનો ને વહુનો અવતાર ધન્ય થયો! આવું બધું વ્રથકથાઓમાં આવે. તૃપ્તિબહેનનું નિમંત્રણ આવ્યું તો મેં કહ્યું કે મારા દીકરાને હજી પરણાવ્યો જ નથી, તો પુત્રવધૂના અનુભવની તો વાત જ ક્યા? કહો કે ભાવિ પુત્રવધૂની કલ્પના કરો...પણ લખો તો ખરા જ! હજી તો દીકરો ભણે છે. બાવીસનો થયો, પણ મારા મનમાંથી એ જન્મ્યો તે ઘડીનો રોમાંચેય ઓછો થયો નથી. હજી તો એનું બચપણ અમે રોજ સંભારીએ છીએ ત્યાં પુત્રવધૂની કલ્પના કેવી રીતે કરવી? સાવ કલ્પના નથી જ કરી એવું પણ નથી, કેમ કે છેલ્લાં કેટલાંક વરસોમાં અનેક સગાંસંબંધીઓ દ્વારા આડકતરી રીતે મારા ચિત્તમાં પુત્રવધનું સ્વપ્ન આરોપવામાં આવ્યું છે. ક્યારેક કોઈ વડીલો કે મિત્રોએ હસતાં હસતાં કહ્યું કે ‘તમારે ક્યાં કંઈ કરવાનું છે? ભણી લે એટલે કહેજો એક કહેતાં એકવીશ....’ અને હું આશ્ચર્યથી તાકી રહું! વિચારું છું કે હજી મારામાંથી જ એક બાળક કે કિશોર ગયો નથી, ત્યાં આ વળી કેવી વાત? પણ સમય કોઈનોય રોક્યો રોકાતો નથી. આજે નહીં તો આવતી કાલે…પણ કાલની કોને ખબર છે? માનવજીવનની મજા જ એ છે કે જેની ખબર નથી એનાં સ્વપ્ન જોવાનાં! થોડા વખત પહેલાં એક ફોન આવ્યો. મેં હલો કહ્યું તો સામેથી કોઈ છોકરીનો અવાજ આવ્યો. સીધો જ પ્રશ્ન – ‘ક્યારે નીકળે છે? જોજો મોડો ન પડતો...’ મેં કહ્યું, ‘તમારે કોનું કામ છે?’ ‘કોનું કામ છે તે તારું કામ છે... સીધો જવાબ દેને ક્યારે નીકળે છે?’ મને ખબર પડી ગઈ. ચોક્કસ કંઈ ગરબડ થઈ છે. મારો ને મારા દીકરાનો અવાજ એકસરખો! ભલભલા ભૂલ ખાઈ જાય એટલું બધું સરખાપણું! મેં અવાજને જરા ગંભીર કર્યો. ‘હું જયજિતના પપ્પા બોલું છું...જયજિત હમણા બાથરૂમમાં છે. તમારું નામ કહો...મેસેજ આપી દઈશ અથવા એ ફોન કરશે...!’ ‘લે પાછો ઘડીક વારમાં તો પપ્પાય થઈ ગયો? નાટક બંધ કર ને સીધો જવાબ દે!’ પહેલી વખત હું આવી મૂંઝવણમાં મુકાઈ ગયો. કેવી રીતે એને ખાતરી કરાવવી કે હું જયજિત નથી, એના પપ્પા છું! અચાનક જ મારા મોંમાંથી નીકળી ગયું, ‘બેટા! તારું નામ કહેને! હું ફોન કરાવીશ...યાદ રાખીને!’ પછી એ છોકરીને ખ્યાલ આવ્યો... તરત જ ‘સૉરી, સૉરી’ થયું ને હું હસી પડ્યો. બાથરૂમમાંથી બહાર આવેલા જયજિતને મેં વાત કરી તો એય કદવા લાગ્યો! ‘હવે મજા આવશે! પપ્પા, અમારા ગ્રુપમાં એ એક ગાંડુડી છે...’ વાતમાં વાત એટલી જ હતી કે એ લોકોએ બે-ચાર મિત્રોએ ભેગા મળીને ફિલ્મ જોવાનું નક્કી કરેલું. બિન્દુને પણ આ વાતની ખબર હતી. બીજું કશું ગંભીર નહીં! પણ, પહેલી વખત આ પ્રકારે ‘બેટા!’ શબ્દ બોલતાં જ જાણે કે હું આખેઆખો બદલાઈ ગયો! પહેલી વખત એક છોકરીએ મને જોયા વિના જ મારી દાઢીની સફેદી બતાવી દીધી હતી. પહેલી વખત એક અજાણ્યા કોમળ અવાજે મને મારો અવાજ ગંભીર કરવાની ફરજ પાડી હતી. અચાનક જ એણે રમતરમતમાં જ મને હું એક જુવાન દીકરાનો બાપ છું, એનો અહેસાસ કરાવ્યો હતો! હજી તો દીકરાને પરણાવવાની ઘણી વાર છે. પણ વિચારું છું કે આ ઘરમાં અમારા ત્રણ ઉફરાંત ચોથું કોઈ આવશે ત્યારે? મારી આંખો બંધ થઈ જાય છે ને એક સ્વપ્નની શરૂઆત થાય છે. દીકરો છે એના કરતાં વધુ સોહામણો અને કણો લાગે છે. એના ચહેરા પર કદીયે ન જોયો હોય એવો આત્મવિશ્વાસ છલકાય છે. જાણે જગ જીતીને આવ્યો હોય એવું મંદ મંદ સ્મિત છલકાવે છે! એની પાછળ નહીં, પણ બરાબર લગોલગ એક સીધી-સાદી પણ સોળ શણગાર સજેલી, હળુહળુ ડગ માંડતી, ક્લોઝ-અપની જાહેરાતમાં આવે છે એવું મીઠું મીઠું હસતી એક કન્યા ઘરમાં પ્રવેશી રહી છે. દીકરો સહેજ બાજુ પર ખસીને એને પ્રથમ ડગ માંડવા કહે છે. અચાનક રસોડામાંથી એની માનો અવાજ આવે છે... ‘ત્યાં જ ઊભાં રહેજો! હું આવું છું!’ એ હરખઘેલીના હાથમાં કંકાવટી, ચોખા, ફૂલમાળા ને પ્રગટાવેલા દીવડાની થાળી છે. હિન્દી ફિલ્મોમાં આવા દૃશ્યો બહુ જોયાં, પણ મારા ઘરમાં, મારી નજર સામે, મારા દીકરાના સંદર્ભમાં જોઉં છું તો મને લાગે છે કે મારા મનનો એક ખણો જે વર્ષો થયાં ખાલી હતો એ જાણે કે નર્યા પ્રેમથી, વાત્સલ્યથી ઊભરાઈ રહ્યો છે. આ ખૂણો આટલાં વર્ષથી ખાલી હતો, એની ખબર જ આજે પડી! આ વળી કેવું કૌતુક કે આપણા મનના એક અજાણ્યા ખણાની આપણને જ જાણ ન હોય ને એ અચાનક આમ છલકાઈ ઊઠે ત્યારે શરીરમાં લોહી કેવું દોડવા માંડે! થોડાં વર્ષો પહેલાં અમે ડેલહાઉઝી ગયાં હતાં. ત્યારે જયજિત પ્રમાણમાં નાનો. એની મમ્મીને ક્યાંથી વિચાર આવ્યો કે એક કાશ્મીરી ડ્રેસવાળાને બોલાવી લાવી. જયજિતને કશ્મીરી કન્યાનાં વસ્ત્રો પહેરાવ્યાં ને પછી ફોટો પડાવ્યો! જયજિત તો કંઈ રડે... કંઈ રડે... ‘હું છોકરી નથી તો મને વાં કપડાં શું કામ પહેરાવો છો?’ આજે સમજાય છે કે બિન્દુના મનમાં પણ ઊંડે ઊંડે ક્યાંક એવું છે કે એકાદ દીકરી હોત તો સારું હતું. આજે કદાચ એનો હરખ છલકાવાનું એ પણ એક કારણ છે કે ભલે કોઈની તો કોઈની પણ આપણી થઈને રહેવા એક દીકરી આવી છે! મારી આંખો ભીની થઈ જાય છે. બંનેને ડાબે જમણે રાખીને હું મારી બાથ મોટી કરી લઉં છું. બિન્દુ જોઈ રહી છે ને એય દોડી આળે છે. અમે ચારેય એકબીજામાં સમાઈ જઈએ છીએ! મને વિચાર આવે છે કે આવનાર દીકરી એનાં મા-બાપને છોડીને આવી છે. એ મા-બાપ કે જેમણે એને બબ્બે દાયકાથી વધારે સમયમાં એને ઉછેરીને મોટી કરી છે. જેમણે એના ઉંવા ઉંવાથી માંડીને પ્રથમ પગલીનો ધબકાર ઝીલેલો એ જ છોકરી આજે પ્રયત્નપર્વક પગલાં માંડીને પારકાંને પોતાનાં કરવા જઈ રહી છે! એ લોકોએ તો જાણે બધી રિદ્ધિ-સિદ્ધિ અમને આપી દીધી! અમે કેટલાં સમૃદ્ધ થઈ ગયાં! અત્યાર લગી જે વિશ્વ અમારા ત્રણનું હતું એ વિશ્વ હવે આખા જગતનું થઈ ગયું હતું, કેમકે એ કન્યા અમારા કુટુંબનો વિસ્તાર કરવા આવી છે! અમારે ત્યાં કોઈની દીકરી દુ:ખી થાય એવો તો પ્રશ્ન જ અસ્થાને, કેમકે અહીંનું સ્વાતંત્ર્ય જુદા પ્રકારનું છે. પ્રેમ નામનો દોરો એટલો મજબૂત છે કે એમાં ગમે તેટલા મણકા પરોવી શકાય. ઝળઝળિયાં ઓછાં થાય છે ને સ્વપ્ન ધીરે ધીરે વાસ્તવમાં પલટાવા લાગે છે. વાસ્તવ તો એ છે કે દીકરો હજી ભણે છે. એ પોતે પણ માને છે કે જ્યાં સુધી કારકિર્દી ગોઠવાય નહીં ત્યાં સુધી બીજું કંઈ વિચારવું નથી. અમે પણ થોડા ચિંતિત છીએ કે એ જલદી ગોઠવાઈ જાય તો સારું! આ સમયમાં સારી રીતે જીવવું કેટલું દુષ્કર છે એ આપણે ક્યાં નથી જાણતા? એકવાર બધું ગોઠવાય પછી જીવનની સીડીઓ ચડતાં વાર નથી લાગતી. એખ જ દીકરો ને એય પાછો અત્યંત સરળ સ્વભાવનો એટલે મનમાં થોડી દહેશત પણ રહે કે જો કોઈ એવું પાત્ર ભટકાઈ જાય કે જે એને કે અમને જ સમજે તો અમારા ઘરનું વાતાવરણ બદલાઈ જાય. સુખ અને દુ:ખ વચ્ચેની રેખા બહુ પાતળી હોય છે. સંશય એટલો જ કે ક્યાંક ઊંધો એકડો તો નહીં ઘૂંટાય ને? પણ ના, મને અમારા ઘરના વાતાવરણ ઉપરાંત બિન્દુની કોઠાસૂઝમાં શ્રદ્ધા છે. વધુ સારા માણસ બનવાની અમારી પ્રક્રિયામાં શ્રદ્ધા છે કે જે કોઈ કુંવરી આવશે એને અમારી જીવનશૈલી અમારામાં વણી લેશે. ઊગતા સૂર્યનો, ખીલતા પુષ્પનો, આંગણે આવેલાં પંખીઓનો, સંગીતનો, સાહિત્યનો જે ઘરમાં મહિમા હોય ત્યાં બીજું કોઈ અનિષ્ટ પ્રવેશી જ કેમ શકે? મારું મન કહે છે કે અમારે પુત્રવધુ નથી જોઈતી, અમે ત્રણ જેવાં મિત્રો છીએ એવો અમારે ચોથો મિત્ર જોઈએ છે. જે એકબીજાંને સમજીને પ્રેમના ધાગે બાંધવા છતાં એકબીજાનું સ્વાતંત્ર્ય અક્ષુણ્ણ રાખે. મારું તોફાની અને આશ્ચર્યમુગ્ધ વ્યક્તિત્વ ક્યારેય ન મટે એવું ઇચ્છું. સંબંધોનું પૂરેપૂરું ગૌરવ જળવાય ને આવનાર મહેમાનો, મિત્રોને આ ઘર લક્ષ્મીવંતું થાય છતાં એમનું પોતાનું, આજે લાગે છે એવું જ ત્યારે પણ લાગે એવું ઇચ્છવાનું ગમે! દીકરો હૉસ્ટેલમાં હતો ત્યારે હું ને બિન્દુ બે જ હતાં આ ઘરમાં. ઘરનું સુખ એકલાં એકલાં ભોગવવામાં અમે કોઈ ગુનો કરતાં હોઈએ એવો ભાવ થતો. લાગે કે આ સુખ માત્ર અમારા બેનું જ નથી. અમને જે વહાલાં છે અથવા અમે જેમને વહાલાં છીએ તે સહુનું સહિયારું છે. બસ, એ ભાવ ટકી રહે એવો લાભ મનને વળગેલો છે. અમે બંને સ્પષ્ટ છીએ કે જો દીકરો જાતે કોઈ પાત્ર પસંદ કરે તો કોઈ જ્ઞાતિની કન્યા છે તે જાણવાનીય ચિંતા કરવી નહીં. એ જેને પસંદ કરે તો સોનાની અને એનું આગમન સર આંખો પર! ને જો એ પસંદ ન કરે તો પરંપરાગત રીતે અમે સાથે મળીને પસંદગી કરીએ. ક્યાંક કોઈ ઉત્તમ પાત્ર જડી આવે તો સામે ચાલીને એનાં મા-બાપને વીનવશું ને કહેશું કે, આ તમારી લાડકી પરી અમારે આંગણે ઊડાઊડ કરે એવું કંઈક કરોને! આ તો માણસ છીએ એટલે આટલું! બાકી તો દા દેવો હરિનો હાથ...કાલની કોને ખબર છે? પણ, મને મારામાં, બિન્દુમાં ને દીકરામાં અને સૌથી વધુ તો પરમતત્ત્વમાં એવી આસ્થા ખરી કે જે થશે તે સારું જ થશે. એક પતંગિયું આવશે ને અમારા ઘરને રંગરંગથી હર્યુંભર્યું કરી મૂકશે!