યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/ગતિ


બાર
ગતિ

રજા ના તો શું આપે? જોઈ લઈશ... પાર્થનો ધૂંધવાટ વધતો ચાલ્યો – બધી હેરાનગતિ સીધા માણસોને... ચમચાઓ ને લાંચિયાઓ તો સાલાઓ જલસા કરે જલસા... અહીં કામ કરી કરીને તૂટી મરીએ તોય કશી કદર તો ઘેર ગઈ પણ વગર કારણે વાતાવાતમાં ફાયરિંગ... લોકલ માણસો રોજ મોડા આવે એનું કંઈ નહિ ને મારે કોક વાર ટ્રેન લેટ થઈ જાય તો તરત ‘વ્હાય આર યૂ લેટ?'. આ ખાતામાં સુખી થવું હોય તો ડાંડ થઈ જવું જોઈએ ડાંડ... પાર્થે ફાઈલ બંધ કરી પણ મનમાં ધૂંધવાટ તો ઘુમાતો જ રહ્યો – પંદર-પંદર વરસથી એક જ ઠેકાણે પડ્યા છે એમની બદલી કરી નહિ. ન સિનિયરો કે ન જુનિયરો, વચ્ચેથી આડેધડ ઉઠાવીને બદલી કરી નાખી. કોઈ જાતની પૉલિસી જ ન મળે. જી.એમ.ને મળ્યો તો એમણેય કંઈ સાંભળ્યું નહિ. યુનિયનવાળાઓય સાલાઓ મળી ગયેલા છે... એક ઓળખીતા ધારાસભ્ય મારફતે જી.એમ.ને દબાણ કર્યું તો મારા બેટાએ પૉલિટિકલ પ્રેશર લાવ્યાનું કારણ ધરીને અપાવી દીધી ચાર્જશીટ! ગ્રહો જ ખરાબ, બીજું શું? આ શનિની પનોતી નડી. અહીં બી રિઝુમ કર્યું ત્યારથી બૉસ પાછળ પડી ગયો છે. સારું છે કે ડિપાર્ટમેન્ટલ ક્વાર્ટર એકે ખાલી નથી તે મકાન હજી મળ્યું નથી-ના બહાને અપ-ડાઉન ચાલે છે... અપ-ડાઉનની શરૂઆતમાં તો ઊંઘમાંય જાણે ટ્રેનો મગજમાંથી ધસમસતી પસાર થતી ને ટ્રેનની ભીડ મગજમાંય માતી નહિ તે લાગતું, મગજ તોડીને ભીડ બહાર ધસી આવશે ને ટ્રેનમાં શરીર હાલે એમ પથારીમાંય, ઊંઘમાંય શરીર જાણે હાલ્યા કરતું! ઊંઘમાંય ટ્રેન આવી ગયાના ને ચૂકી જવાયાના ભણકારા વાગતા... ઊંઘમાંય સિગ્નલો દેખાતાં ને ટ્રેનનો અવાજ મગજની નસોમાં ફાટ ફાટ ઘૂમ્યા કરતો.. ‘પાર્થ...’ ‘....' ‘ખરો ધૂની છે... પાર્થ... તમારી સી. એલ. સાહેબે ગ્રાન્ટ નથી કરી.' પાર્થ ધૂંઆપૂંઆ થતો ઊઠ્યો ને સાહેબની ચૅમ્બરમાંથી બહાર આવેલી ફાઈલમાં જોયું. પોતાના સિવાય બધાની સી. એલ. ગ્રાન્ટ કરેલી! તરત પાર્થ તો પોતાની ‘નોટ-ગ્રાન્ટેડ' રિમાર્કવાળી અરજી લઈને ધસ્યો સાહેબની ચૅમ્બરમાં... ‘સર, આમાંથી Not ચેકી નાખો.' ‘ઑફિસર સાથે કેમ વાત થાય ખબર છે? કોઈ જાતની મૅનર છે કે નહીં?' પાર્થ જરી નરમ પડયો – ‘પણ સાહેબ, દિવાળીના ચાર દા'ડા જ તો રજા માગી છે... પ્લીઝ સર... બાકી બધાની રજા તો આપ-સાહેબે...' ‘ઇટ ઈઝ નોટ યૉર લૂક આઉટ. પ્લીઝ, ગેટ આઉટ...' પાર્થનો પિત્તો ગયો – ‘રજા ગ્રાન્ટ કરો કે ના કરો... દિવાળીના ચાર દિવસ નથી આવવાનો... જાઓ, થાય એ કરી લેજો, તોડી લેજો.' પાર્થના મગજની નસો ધમ ધમ ધમ થવા લાગી. આવ્યો હતો એનાથીય વધારે ઝડપથી એ બહાર નીકળી ગયો. ને છૂટવાની હજી ઘણી વાર હોવા છતાં પાર્થ લંચબૉક્સ થેલામાં નાખી, થેલો ભરાવી, હાથમાં વૉટરબૅગ પકડી, બીજા ટેબલ પરથી પુછાયેલા સવાલ – ‘પછી શું થયું?' – નો જવાબ આપ્યા વિના જ નીકળી ગયો સડસડાટ બહાર ને શટલ રિક્ષા પકડતોક રેલવે સ્ટેશને. રેલવે સ્ટેશને માણસોનું કીડિયારું ઊભરાયેલું! પડે એના કટકા. ટિકિટબારીએ એટલી બધી લાઇન કે આગલા જન્મેય નંબર લાગે તો ધનભાગ્ય! લાઇનમાં ધક્કામુક્કી. વચ્ચે ઘૂસનાર સાથે ઝઘડમ્ ઝઘડા. ગાળાગાળી. પાર્થે ‘પાસ' સંભાળ્યો. થયું, ભીડમાં પાકીટ સંભાળવું પડશે. રોજ તો નીકળતી વખતે એ ઑફિસના કૂલરમાંથી જ વૉટરબૅગમાં પાણી ભરી લેતો. આજે રહી ગયેલું તે ભીડ સહન કરીને રેલવે સ્ટેશનની ચકલી દાબીને વૉટરબૅગ ભરી. થયું, ઊંટની જેમ પોતેય પાણીને પેટમાં ‘સ્ટોર' કરી શકતો હોય તો કેવું સારું! રસ્તામાં રણ પસાર કરવું પડે તોય વાંધો ન આવે... ગુસ્સામાં પોતે સાહેબની ચૅમ્બર જ નહિ, ઑફિસ પણ છોડીને આટલો વહેલો આવી ગયો એ ઠીક ન કર્યું. હવે C. R.માં એડવર્સ એન્ટ્રી નક્કી. પ્રમોશન અટકવાનું. કંઈ નહિ, પડશે એવું દેવાશે... મેઇન લાઇન છે તે ટ્રેન તો કોઈ ને કોઈ મળી રહેશે. ત્યાં જાહેર થયું કે બાર કલાક લેટ ચાલતી ટ્રેન ફલાણા પ્લૅટફૉર્મ પર આવી રહી છે. પુલ ઓળંગવાના બદલે પ્લૅટફૉર્મ પરથી જ કીડિયારું કૂદી કૂદીને દોડ્યું ને રેલવે ટ્રેક ઓળંગતું સામેના પ્લૅટફૉર્મ તરફ રઘવાયું રઘવાયું, હાંફળું હાંફળું ધસવા લાગ્યું. પાર્થ પણ સીડી ચઢી, પુલ પરથી જવાના વિચારને પડતો મૂકી રેલવે ટ્રેક ઓળંગતા ટોળામાં ભળતોક દોડ્યો. પાટા ઓળંગ્યા. પણ પછી કોક તાર પગમાં આવતાં લથડિયાં ખાતો પડ્યો. પ્લૅટફૉર્મની ધાર સાથે માથું જોરથી અફળાયું ને પછી ઊંધા માથે નીચે પટકાયો. વૉટરબૅગ ફંગોળાઈ. તમ્મર આવી ગયા. કોક બે-ત્રણ જણાએ એને ઊંચકીને પ્લૅટફૉર્મ પર બેસાડ્યો. આંખો મીંચી, બેય હાથે માથું પકડીને એ બેસી રહ્યો. હોઠના ખૂણેથી થોડું લોહી રેલાતું હતું. કોક બોલ્યું, ‘માથામાં વાગ્યું છે ને મોંમાંથી લોહી નીકળે છે તે નક્કી, બ્રેઇન હેમરેજ. થોડી ક્ષણમાં બધું પતી જશે.' કોકે ફંગોળાયેલી એની વૉટરબૅગ લાવીને પાસે મૂકી. – કોઈ એને દવાખાને તો લઈ જાઓ... – ક્યાં કેટલું વાગ્યું છે એ તો જુઓ... કોકે પાર્થના ખિસ્સામાં હાથ નાખી એનો રૂમાલ કાઢ્યો. પાર્થને પાકીટ યાદ આવ્યું ને તરત વાચા ફૂટી— ‘બહુ નથી વાગ્યું... આ તો માથામાં ખૂબ જોરથી વાગ્યું તે ઘડી તમ્મર આવી ગયા...' પેલાએ રૂમાલ વડે હોઠ પરથી લોહી લૂછ્યું... એક દાંત હલી ગયેલો. હોઠનો ખૂણો ચીરાઈ ગયેલો તે ત્યાંથી લોહી નીકળતું હતું... ત્યાં ટ્રેનની વ્હીસલ સંભળાઈ. ‘લો, આ રૂમાલ દાબી રાખો.' કહી પેલો માણસ પણ દોડ્યો. રઘવાયું-હડકાયું ટોળું પોતાને હડફેટમાં ન લે માટે પાર્થ વૉટરબૅગ સંભાળતો ઊભો થયો, હોઠ પર રૂમાલ દાબી રાખી જરી ઊભો રહ્યો. ત્યાં એ ટોળા સાથે ઢસડાયો... ટ્રેન ઊભી રહે એ પહેલાં જ લોકો ઘૂસવા માંડ્યા. પાર્થની આંખોમાં કીકીઓ ડાબે-જમણે ફરતી રહી. એ અપ-ડાઉનવાળાનો ડબો શોધતો રહ્યો... ગમે તેટલી ભીડ હશે. પણ એ લોકો પોતાને ખેંચી લેશે. પણ એ ડબો દેખાયો નહિ. ક્યાંય ઘૂસી શકાય એમ હતું નહિ. છેવટે ટોળાની ગતિ અને ધક્કાથી એય ઘૂસ્યો. જોયું તો લગેજનો ડબ્બો! ને એમાંય પગ મૂકવાનીય જગ્યા નહિ! ‘તોબા આ દિવાળીની ભીડથી તો...' થોડી ક્ષણમાં તો ટ્રેનના છાપરે બચેલી જગ્યાય ભરાઈ ગઈ! પાર્થને થયું, ભાગલા વખતે ટ્રેનોમાં જેવી ભીડ હતી એવી જ ભીડ અત્યારેય ! મૂઈ આ દિવાળી... કોકે પગ ચગદો. થયું, પગ તો છે. બૂટ હતા તો સારું થયું. ઉપર ચઢતાં વૉટરબૅગનો પટ્ટો તૂટી ગયેલો. પણ વૉટરબૅગ નીચે પડી શકે એટલીય જગ્યા નહોતી. તે વૉટરબૅગ પડવાને બદલે પડખામાં દબાયેલી હાલતમાં સાથે ને સાથે અંદર આવી! તૂટેલા પટ્ટાને ગાંઠ વાળવા પાર્થ પ્રયત્ન કરવા લાગ્યો. પણ વ્યર્થ. હાથ ઊંચો-નીચો તો શું, હાલી શકે એટલીય જગ્યા નહોતી. તેણે પટ્ટાને ગાંઠ વાળવાના બદલે વૉટરબૅગ એવી રીતે છાતીસરસી દાબી રાખી કે જાણે ગયા જન્મે રણની રેતીમાં અસહ્ય તરસના કારણે મોત થયું ન હોય! બીજા હાથની હથેળી પાકીટ ૫૨ એવી રીતે દાબી રાખી કે જાણે આ પાકીટને આવતા જન્મ માટેય સાથે ન લઈ જવાનું હોય! એને લાગ્યું કે જાણે એ બે જન્મ વચ્ચેની ભીડમાં ન ઊભો હોય! બે જન્મ વચ્ચેના અવકાશમાંય આવી ભીડ! ટ્રેન ઊપડી. ગતિ વધી. છતાં બારીઓમાંથી અંદર આવીને પવન પોતાના પરસેવાવાળા ચહેરાને સ્પર્શી શકે એટલીયે જગા નહોતી. ભીડના કારણે ગભરામણ જેવું થતું હતું. અતિ વેગે ટ્રેન દોડ્યે જતી હતી... પાર્થને થયું, આ ટ્રેન મળી તે સારું થયું. વચ્ચે ખાલી બે જ સ્ટેશને ઊભશે. ઝટ ઘરે પહોંચાશે. સ્ટેશને ઊતર્યા પછી, બહાર નીકળ્યા પછી, રિક્ષા પકડ્યા પછી વાંધો નહિ... માથામાં અંદર સાલું ખૂબ દુઃખે છે. રહેવાતું-સહેવાતું નથી, છૂટવાના ટાઇમે જ નીકળ્યો હોત તો સારું થાત. અપ-ડાઉનવાળા રોજના સાથીઓ પણ જોડે હોત... માથામાં દુખાવો વધતો ચાલ્યો. પોપચાં ભારે થતાં ગયાં. આંખો મીંચાઈ ગઈ. ટ્રેન અતિ વેગે દોડતી રહી... નદી-નાળાં--જંગલ-ઝાડી-ગામ-કસબા-નાનાં સ્ટેશન-ફાટક-ઝૂંપડપટ્ટી-ખેતર-વગડો-ટેકરીઓ વટાવતી – જાણે ક્યાંય થોભવાની જ ન હોય એમ, વચ્ચેનાં સ્ટેશન તો શું, અંતિમ સ્ટેશન પણ જાણે એનું લક્ષ્ય ન હોય એમ ટ્રેન એકધારી દોડી રહી હતી — જાણે ગતિ એ જ એનું લક્ષ્ય ન હોય! પાર્થનું શરીર ગતિમય – ગતિરૂપ બનતું જતું હતું. પણ એનું મન-મગજ જાણે બહેરું થતું જતું હતું... જાણે કોઈ અંતિમ નિદ્રા એના મન-મગજ પર અંદરથી અને બહારથી, ભીંસ વધારતી જતી હતી... બે-ત્રણ સ્ટેશનોએ ગાડી થંભી ન થંભી ને વળી દોડવા લાગી. જેટલાં ઊતરતાં એટલાં જ ચઢતાં. તે ભીડ તેમની તેમ જ રહેતી... પાર્થને ભાન નહોતું કે કયું સ્ટેશન આવ્યું કે કેટલાં સ્ટેશન ગયાં કે સમય કેટલો ગયો કે... મન અને શરીર જાણે સ્થિતિ અને ગતિ વચ્ચે ઝૂલણામાં ઝૂલ્યા કરતું... જાણે કોઈ નિદ્રામાં ડૂબતું જતું... ક્યારેક ધક્કા આવે તો એ ગૂઢ નિદ્રાના તળિયેથી થોડો ઉપર આવે ને વળી પાછો તળિયા તરફ ડૂબતો જાય... સપાટીથી તળિયા તરફની ને તળિયેથી સપાટી તરફની ગતિય ચાલ્યા કરે – આરોહ-અવરોહ સાથે... એક જોરદાર ધક્કો ને પાર્થ ઝબક્યો – ચારે બાજુ ભીડ-ભીંસ! બહાર કશું જોઈ શકાય એમ નહોતું. ‘કયું સ્ટેશન ગયું?' – બબડાટ જેવા અવાજમાં એણે પૂછ્યું. જવાબ કાને પહોંચતાં એ જાણે ખીણમાં પટકાયો. ઊતરવાનું સ્ટેશન ચાલ્યું ગયેલું ને આ ટ્રેન તો હવે પછીનાં ચાર-પાંચ સ્ટેશને તો થોભતી નથી! હવે? એ પછીના સ્ટેશને ઊતરવું પડશે ને ત્યાંથી પાછી આવતી કોક ટ્રેનમાં... માથામાં દુખાવો વધ્યો હતો. કશું વિચારવા કે યાદ કરવા માટેય મગજને જાણે હચમચાવીને જગાડવું પડતું. કોઈ ઑપરેશન માટે ડૉક્ટર ઇંજેક્શન આપીને શરીરનો કેટલોક ભાગ જેમ બહેરો કરી નાખે એમ મગજ પણ જાણે ધીરે ધીરે... નેક્સ્ટ સ્ટૉપેજ કયારે આવશે? ક્યારે ટ્રેન ઊભશે? પરત આવવા ટ્રેન ક્યારે મળશે? ક્યારે પહોંચાશે ઘેર? ટ્રેનમાં કેમ દેખાય છે કાળમીંઢ અંધારું? એમાં બાકોરું પાડ્યું હોય તો? એ બાકોરામાંથી જઈ શકાય અજવાળાના ઘેર?! ત્યાં ટ્રેન ઊભી રહી. પાર્થ બધાય જન્મોની શક્તિ એકઠી કરીને ધસ્યો. ભીડમાંથી માર્ગ કરતો દરવાજા સુધી પહોંચ્યો. ત્યાં પાછળથી ધક્કો આવતાં બહાર ફેંકાયો... થોડો ઘસડાયો... થોડું છોલાયું... વળી દૂર પડેલી વૉટરબૅગ સંભાળી... ખિસ્સા પર હાથ મૂકી જોયો... થોડી ક્ષણ શોધ્યા પછી યાદ આવ્યું કે બગલથેલો તો ખભે જ છે... ટ્રેન ચાલ્યા જવાનો અવાજ ધીમો ને ધીમો થતો જઈને અદશ્ય થઈ ગયો. પાર્થે આંખો પટપટાવી. બધીયે શક્તિ આંખોમાં એકઠી કરી. આંખો જરી ચોળી, ઝીણી-મોટી કરી જોઈ. આંખોમાં ચાંગળું પાણી છાંટ્યું ને પછી જોઈ જોયું તોય – સ્ટેશન જ નહીં! પાટાય નહીં! આજુબાજુ એકેય માણસ નહીં! પશુ-પંખી કે ઝાડ-ઝાંખરાંયે નહીં! ચારે તરફ રણ! નજર પહોંચે ત્યાં લગી રેતી જ રેતી! ચોતરફ રેતીના મોટા મોટા ઢૂવા! પવનમાં, જળલહેરીઓની જેમ સર સર સર વહેતી પીળી-કેસરી રેતલહરીઓ... હવે? ક્યાં જવું?? કઈ રીતે જવું??? પાર્થ આંખો ઝીણી કરીને ચોતરફ જોવા લાગ્યો – ક્યાંય ઊંટનાંય પગલાં દેખાય છે? તો, એ પગલાંના રસ્તે ચાલ્યા જવું... પણ ક્યાંય પગલાંય નજરે ન પડ્યાં. ગળું સખત સુકાતું હતું. રણ જાણે એના ગળામાં બળબળતું હતું... વૉટરબૅગમાંથી એ પાણી પીવા લાગ્યો – ઘટ્ક ઘટક્ ઘટક્ – ગળામાં હૈડિયો ઊંચોનીચો થતો રહ્યો. પણ તરસ કેમેય છીપતી નહોતી. પાછલા અનેક જન્મોની તરસ જાણે લાવાની જેમ ઊભરાયા કરતી... અચાનક પાર્થ પાણી પીતો થંભ્યો – પાણી બચાવીને રાખવું પડશે... રણ પાર કરવા સુધી ચલાવવું પડશે. ટીપેટીપું જાળવી જાળવીને વાપરવું પડશે. એણે ચાલવા માંડ્યું. પગ રેતીમાં ખૂંપી જતા ને રેતી બૂટમાં ભરાતી. મોજાં હોવા છતાં રેતી થોડી ગરમ લાગતી. ક્યાંક ક્યાંક રેતીની ડમરીઓ ઊઠતી ને ચક્કર ચક્કર ચક્કર ઘુમરાતી. ઉતાવળે ચાલવા એ મથતો. પણ પગ રેતીમાં ખૂંપી જતા. આથી ઝડપથી આગળ જઈ શકાતું નહોતું. પરસેવાના રેલેરેલા વહેવા લાગ્યા. ને ફેફસાં તો કે જોર જોરથી ચાલતી ધમણ. ફૂંકાતા પવનનો વેગ વધ્યો. ચહેરા પર રેતી જાણે વાગતી. આંખો ને નસકોરાં બળવા લાગ્યા... હાંફ વધી ગઈ... ગળામાં તો જાણે આગ લાગી. વળી વૉટરબૅગ ખોલી... પાણી ખતમ... મન થયું – વૉટરબૅગ તોડીને અંદરની દીવાલો પર ચોટેલું પાણી જીભ ફેરવીને ચાટું... પગમાં ગોટલા બાઝી ગયા. પગ હવે ઊપડે તેમ નહોતા. રેતીમાં ખૂંપતા પગનેય જાણે તળિયેથી કોક ખેંચતું હોય એવું લાગતું. બધુંય જોર જાણે પગમાં સંચિત કરતો એ શરીરને ઢસડતો રહ્યો. ત્યાં તો ભયંકર વાવાઝોડું ઘૂમરાતું ઘૂમરાતું ધસી આવ્યું... છેલ્લું જોર કરીને આગળ વધવા મથતો પાર્થ ઊંધા મોંએ રેતીમાં પડ્યો... ખસી શકવાનીયે શક્તિ એનામાં રહી નહોતી... પાણીમાં ડૂબતો માણસ અંતિમ તરફડિયાં મારે તેમ એ હાથ-પગ હલાવતો રહ્યો. પણ શરીર જરીકે ખસ્યું-ચસ્યું નહીં... હાથ-પગ હાલતા બંધ થઈ ગયા... રેતીમાં ઊંધા પડેલા એના શરીરને એ જોઈ રહ્યો... ધૂળના થરના થર ઊડી ઊડીને એના શરીરને દાટતા ને વળી પાછા ઊડતા... વળી નવા થર ઊડી આવતા... વાવાઝોડાનો વેગ વધતો ગયો... પોતે જાણે વાવાઝોડાનું કેન્દ્ર હોય એમ, રેતીની મસમોટી ડમરી ઊઠી ને પોતાની આજુબાજુ ઘૂમરીઓ લેવા માંડી... ને પોતે કંઈ સમજે એ પહેલાં તો પોતાને અધ્ધર ઉઠાવી, ઘુમરાતી, ગતિ કરવા લાગી, ઊંચે ને ઊંચે, કશેક... અફાટ રણમાં ઊંધું પડી રહેલું ને રેતી નીચે દટાતું જતું એનું શરીર ધીમે ધીમે નાનું ને નાનું થતું ગયું ને છેવટે દેખાતું બંધ થઈ ગયું...

*

પાર્થે આંખો ખોલી... આજુબાજુ પહેલાં તો ધુમ્મસ દેખાયું... પણ પછી ધુમ્મસ પીગળતું ચાલ્યું... ધુમ્મસમાં ધૂંધળા દેખાતા ચહેરા સ્પષ્ટ થવા લાગ્યા... ઊંચો થવા મથતો હાથ કોઈએ પકડી રાખ્યો. અસ્પષ્ટ અવાજ કાને પડ્યો... – ટોટી ખેંચાઈ જશે, હાથ પકડી રાખો. – હવે ભાન આવતું જાય છે... – હવે આઉટ ઑફ ડેન્જર... ધીરે ધીરે પાર્થની આંખોમાં તેજ પાછું આવ્યું... મગજની નસોમાં કશા ઝબકાર થવા લાગ્યા... ‘હાશ' અનુભવતા બધા ચહેરા પર પાર્થની નજર ફરતી ગઈ – પત્ની, મા, પિતા, બહેન, બનેવી... ને... એનો બૉસ પણ...