રચનાવલી/૧૦૧


૧૦૧. અર્જુન (સુનીલ ગંગોપાધ્યાય)


સુનીલ ગંગોપાધ્યાય બંગાળી સાહિત્યનું જાણીતું નામ છે. મૂળે કવિ. પણ આ કવિએ કથાસાહિત્યમાં પણ કેટલીક ધ્યાન ખેંચનારી રચનાઓ આપી છે. ‘આત્મપ્રકાશ' ‘પ્રથમ પ્રભા’ ‘તે જ યુગ’ કે ‘સુન્દરનો બંધાણી’ જેવી નવલકથાઓ કવિની સંવેદના સાથે વાસ્તવિકતાની અડોઅડ રહીને ચાલી છે. ‘અર્જુન’ પણ દેશવિભાજન વખતે થયેલા પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળના આઘાતજનક અનુભવમાંથી નિરાશ્રિત જીવનના સંઘર્ષનો સાક્ષાત્કાર કરાવે છે. એટલું જ નહીં પણ નાના ફલક પર માર્ક જેવા મહાકાય મહાકાવ્યના કેન્દ્રવર્તી ગીતાસારને નવો અર્થ પણ આપે છે. વર્ષોથી કલકત્તાના શિક્ષણજગતમાં સ્થિર થઈને રહેલા અને ગુજરાતી ભાષાસાહિત્ય સાથે સંકળાયેલા નલિન પટેલે બંગાળીમાંથી એનો ગુજરાતીમાં અનુવાદ આપ્યો છે. કેટલીક અ-ગુજરાતી લાગતી વાક્યલઢણો અને બિનગુજરાતી શબ્દોને કારણે અનુવાદ ક્યાંક ક્યાંક લથડે છે. વળી એમાં દશમો ખંડ પણ ખૂટે છે અને ક્યાંક ક્યાંક પરિચ્છેદોના છેડાઓ પણ મળતા નથી. છતાં એકંદરે અનુવાદ મૂળ કૃતિનો સ્વાદ આપવામાં પોતાની કામગીરી નભાવે છે એ આનંદની વાત છે. ‘અર્જુન’ દેશવિભાજનના મુદ્દા ૫૨ તેમજ દેશવિભાજનને કારણે ઊભી થયેલી કોમ કોમ વચ્ચેનો વિટંબણાઓને સ્પર્શીને રહી જનારી ઉપર ઉપરની હું કથા નથી. પણ એના ભોગ બનેલા એક નાયકના મનઃસંઘર્ષમાં આ નવલકથા અંદર અંદર પણ ઊતરેલી છે. રાતોરાત પોતાના વતનમાં જ પરાયી બની જતી પ્રજાની વેદના કલ્પવી મુશ્કેલ છે. દેશવિભાજને પોતાનાને પારકા બનાવી દેનારી જે રાજકીય પરિસ્થિતિઓ ઊભી કરી, લાખોને ઘરથી જે રીતે બેઘર કર્યા, સ્થળાન્તર માટે મજબૂર કર્યા, નવ છિનવાઈ જતાં હંમેશાં માટે નિરાશ્રિત બનાવી મૂક્યા એની સાથે સાથે જે રીતે જોહૂકમી અને જુલમો સાથે હિંસાનો દોર ચલાવ્યો એનો અણસાર આ નવલકથા ઝીલવા પામી છે. નાનાં નાનાં ગામડાંઓમાં સંપૂર્ણ ઓળખ સાથે અને ભાઈચારાથી જીવતી કોમ કોમ વચ્ચે બહારનાં અને નગરનાં ઝેર ધીમે ધીમે જે રીતે પ્રસર્યાં, બંને વિભાજિત પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળના પાકિસ્તાન-હિન્દુસ્તાનના પ્રદેશોમાં લઘુમતિમાં મુકાઈ ગયેલી પ્રજા ભયથી અને અવિશ્વાસથી કઈ રીતે લાચાર બની – એનું પણ ઝીણવટભર્યું ચિત્ર અહીં રજૂ થયું છે. ‘અર્જુન’ નવલકથા બાર ખંડમાં વહેંચાયેલી છે, એમાં દશમો ખંડ ગાયબ છે. બીજો, પાંચમો અને છેલ્લો ખંડ નાયક દ્વારા કહેવાયેલો છે, જ્યારે બાકીના ખંડોમાં કથા લેખક દ્વારા કહેવાયેલી છે. અર્જુન દ્વારા કથા કહેવાયેલી છે એ ખંડોમાં અર્જુનનો ભૂતકાળ અનુભવ અને સ્મૃતિ રૂપે પ્રગટ થયો છે તેથી વધુ અસરકારક બન્યો છે. ‘અર્જુન’ દેશવિભાજન પછી પૂર્વ બંગાળના ફરિજપુરમાંથી પોતાની કોમના માણસો સાથે સ્થળાન્તર કરતો કરતો પશ્ચિમ બંગાળની એક નિરાશ્રિત વસતીમાં વસી રહ્યો છે. વસતીને હજી કોઈ કાયદેસરતા મળી નથી. જમીનના માલિક દ્વારા અને નિરાશ્રિત વસતીની નજીકની ફેક્ટરીના માલિક દ્વારા વસતીની જમીન પચાવવાના દાવપેચમાં વસતીમાં ફાટફૂટ પડે છે અને અર્જુનને વસતીની જળીનના રક્ષણ માટે પોતાના જ માણસો સામે આવીને ઊભા રહેવાનું થાય છે. મહાભારતની આવી સ્થિતિ માનવજીવનમાં વારંવાર જન્મે છે અને અનેક અર્જુનોને મૂંઝવણ અને મથામણમાં મૂકી દે છે. અહીં પણ અર્જુન સંઘર્ષ ખેલી અને બબ્બે વાર ઘાયલ થઈ, છેવટે વસતીની જમીનના હક્કો માટે સરકારને સક્રિય કરવામાં સફળ નીવડે છે. કથાનો સૂર પ્રમાણમાં આશાવાદી છે. પણ નાયક અર્જુનની સ્મરણકથામાં સર્વસ્વ ગુમાવ્યાના દુઃખનો વલખાટ, પાગલ મોટાભાઈના મરણથી ઊભો થયેલો ખાલીપો, મોટાભાઈના પ્રિય કૂતરાનું વિરોધીઓ દ્વારા મરણ વગેરે નવલકથામાં છવાયેલાં રહે છે. નાયક અર્જુનની આ વસતીકથાની સાથે સાથે એક બાજુ વસતીની લાવણ્ય અને બીજી બાજુ આધુનિક શુક્લા – એની બે નારીઓની અર્જુન ભણીની ઉષ્માસભર સંબંધકથા પણ વણાયેલી છે. અર્જુન નાનપણમાં દેશવિભાજન વખતે વતન છોડીને આવ્યો છે એની વેદના જોવા જેવી છે : ‘પરંતુ અમે કદીયે ફરી આવવાના નથી. એ જ ભાતની ક્યારી, કોઈ માછલી પકડવાની બપોર, વાસી ભાતે લીંબુ પત્તાની ગંધ, વડના ઝાડે ચોરની હાક તરીને સ્કૂલે જવાનું, ભૂતના ભયે શરીરે છમછમ કંપારી, ખજુરના ઝાડે ચઢીને નીરો ચોરવાનું, અમલાદિના હાથની મિઠાઈ ખાવાનું, હરિતકી ઝાડ નીચે ગોખરુ સાપને જોવાનું – આવું ઘણુંબધું મળીને મારી જે જન્મભૂમિ તે છોડી આવ્યો.’ આવું જ આકર્ષક ચિત્ર જંગે ચઢેલા અર્જુનની દ્વિધાનું ઊભું થયું છે : ‘પરાઈ ફેંકીને દઈને અર્જુને બંને હાથે પોતાનું મોઢું ઢાંકી દીધું. તેના હૃદયમાં કશી ભયાનક અસહાયતા! જરાક આગળ વધતા મારામારી થવાની જ. કોનાં માથાં ફૂટવાનાં, કોણ મરી જવાના, કશું નિશ્ચિત નથી. અર્જુન તેના સમગ્ર દેહમાં એવી શક્તિનો અનુભવ કરી રહ્યો છે કે જો તે મનસૂબો કરે તો આખી પૃથ્વીને છિન્નભિન્ન કરી નાખે. પરંતુ તે કોની સાથે મારામારી કરવા ધપી રહ્યો છે? દિવ્ય, રતન, શંભુ નિતાઈ – એમની સાથે કૉલોનીના મેદાનમાં તેણે ખેલકૂદ કરેલી. કેટકેટલાયે દિવસ તેણે એ લોકોના ઘરે એમની માના હાથનું રાંધેલું ખાધું હતું. દિવ્યની માના મરણ પહેલાં જ્યારે તેને ખૂબ વેદના થતી હતી ત્યારે શાંતિલતાએ દિવ્યને પોતાના ઘરે લાવીને પોતાની પાસે રાખેલો ત્યારે તે અર્જુન સાથે એક જ પથારીમાં સૂતો.’ ‘ભગવદ્ગીતા'માં અર્જુનની સ્થિતિ સાથે લેખકે બરાબર આધુનિક અર્જુનની સ્થિતિને અહીં લાવી મૂકી છે. આ નવલકથામાં જે મુખ્ય સૂર ઉપસાવવામાં આવ્યો છે તે એ છે કે માણસ ગમે એટલો અલિપ્ત રહેવા ઇચ્છે કે જાતને સંડોવ્યા વગર જીવવા ઇચ્છે પણ મનુષ્ય કોઈ કાંઈ દ્વીપ પર રહેતો નથી. આજુબાજુના લોકની વાત મનમાં આવ્યા જ કરવાની. અર્જુને ઇચ્છયું હોત તો પોતાના અભ્યાસની તેજસ્વી કારકિર્દીને આધારે એ વસતીને છોડીને ભદ્ર સમાજમાં જઈ શક્યો હોત, સારી નોકરી શોધી શક્યો હોત, પરણીને ઠરીઠામ થઈ શક્યો હોત, પણ વસતીના લોકોની સાથે રહી વસતીના સુખ માટે મથવાની એની પસંદગી આ કથાના નાયકને ‘અર્જુન‘ બનાવે છે.