રણજિતરામ ગદ્યસંચય – ૨/બચપણના વિનોદો

બચપણના વિનોદો

૧. આજ દિવાળી, કાલ દિવાળી,
ગામનાં છોકરાં ખાય સુંવાળી, મેઘ મેઘ રાજા.
૨. સૂરજ બાપજી તડકો કરો, તમારાં છોકરાં ટાઢે મરે;
ટાઢે મરે તો તાપે, ઘી ને રોટલા કાપે.
૩. બીજ માવડી, ચૂલે તાવડી, બે ગોધા ને ત્રીજી ગાવડી.
ચાંદા ચાંદા! ઘી ગોળ માંડા, દહીં કે દૂધડાં માંખણ ફૂદડી,
ખાય મારો બેટડો હફૂક પોળી.
૪. ચાંદા પોળી, ઘીમાં બોળી(ઝબોળી)[1] સૌ છોકરાંને કડકો પોળી,
[2]ભાઈ(બહેન)ને આખી પોળી, લે રે મોંઢા લબુક ઢીકો ખાધો ઢબુક.

[આ નાનાં બાળકોની રમત છે. એમાં રમાડનાર બાળકની હથેલીમાં પોતાની આંગળી ફેરવે છે અને ચાંદા જેવું ગોળ કૂંડાળું કરે છે અને ઉપર પ્રમાણે બોલે છે. ‘લે રે મોઢા લબુક’ કહેતાં બાળકના મોઢામાં કાંઈ મૂકતાં હોય તેમ કરવામાં આવે છે અને ‘ઢીકો ખાધો ઢબુક’ કહેતાં વાંસામાં હળવેથી ઢીકો મારવામાં આવે છે.] ૫. (ક) ચાંદાપોળી કર્યા પછી ગાય ગણવામાં આવે છે. બાળકની એક હાથની આંગળીઓ લઈ દરેકને ગાય લેખી તેનાં ભાંડુઓ અથવા ગોઠિયાઓને નામે તે વહેંચવામાં આવે છે. જેમ કે પહેલી આંગળી લઈને રમાડનાર બોલે છે : ‘આ – ની ગાય,’ બીજી લઈને ‘આ – ની ગાય’ વગેરે : અંગૂઠાને ગધેડો ગણવામાં આવે છે. જેની મશ્કરી કરવી હોય તેના સાસરાના ગધેડા તરીકે અંગૂઠો ગણાવવામાં આવે છે. કાઠિયાવાડમાં અંગૂઠાને ગાયનો ગોધો કહેવામાં આવે છે. (ખ) ગાય ગણાઈ રહ્યા પછી બાળકનો હાથ ઝાલી રમાડનાર હથેલીથી ખભા લગીના હાથ પર પોતાની આંગળીઓ ધીમેથી દોડાવે છે અને પૂછતો જાય છેઃ ‘ગીલીનું ઘર ક્યાં છે?’ જવાબ પણ પોતે જ આપે છેઃ ‘રાજાના દરબારમાં’. એમ કરતાં બગલમાં આંગળી નાંખી ગલીપચી કરી બાળકને ખૂબ હસાવે છે. ૬. હથેલીમાં બીજા હાથની કોણી મૂકી ખાંડવાનો અભિનય કરતાં :

ચકી ચોખા ખાંડે છે, પિતામ્બર પગલાં પાડે છે.
(ચકલી) ટીલડી ને ટચાક, મોરીઓ ને મચાક
રાજીએ, ભોજીઓ, તેલીઓ, ટુચકો, માર બાઈ ભૂસ્કો.

(અથવા, રાજો, ભોજો, ટીલડીને ટચાકીઓ, –) બોલાય છે. ત્યાર પછી રમનારાં સામસામી સવાલ જવાબ કરે છે :

‘માને ધાવશો કે મીનીને? ‘; ‘માને ‘.
‘સોય કે દોરો? ‘; ‘સોય. ‘
‘ધૂપેલ કે કાંસકી? ‘; ‘ધૂપેલ. ‘વગેરે.

૭. અચર ઈંઢોણી, મચર ઈંઢોણી, મોર પાણી ભરે છે, ઢેલ પાણી ઢોળે છે, ચોર ચોર બાજરીઆં. (હાથ ઊંચા કરી ઉરાડી દે છે.) ૮. રમાડનાર પોતાની હથેલીનો ઘૂમટ જેવો આકાર કરી બાળકોની આંગળીઓ અંદર રખાવે છે અને પછી નીચે પ્રમાણે સવાલ જવાબ કરે છે: ચલીઆં ચલીઆં ક્યાં રહેશો? માળામાં.

શું ખાશો? દાણા. (અથવા ખેતરના દાણા).
શું પીશો? પાણી. (અથવા તળાવનું પાણી).
ચલીઆં ચલીઆં ઊડી જજો.

એમ છેવટે બોલી ઘૂમટમાં રહેલી આંગળીઓ પકડવા રમાડનાર પોતાની હથેલીને સંકોચી દે છે. ચાલાક બાળકો પોતાની આંગળીઓ ‘ઊડી જજો‘ સાંભળતાં જ ખેંચી લે છે, જેની રહી જાય તે હથેલીમાં પકડાય છે. ૯. બાળકોની આંગળીઓ પર હથેલી ટેકાવી જમીન પર ઘૂમટ જેવું કરાવી રમાડનાર દરેક ઘૂમટ પર વારાફરતી પોતાનો હાથ મૂકી નીચે પ્રમાણે બોલે છે : ‘અડકણ દડકણ, દહીંનાં ટાંકણ, દહીં દડુકે, પીલુ પાકે, શ્રાવણ મહિને વહેલો આવે, ઓડમૂંડ, ધંતૂરાનાં ફૂલ; સાકર શેરડી ખજૂર.‘ (પાઠાંતર: અડકો દડકો, દહીં દડૂકો, પીલુ પાકે, શ્રાવણ ગાજે, ઉલ મૂલ, દાતરડે ખજૂર, સાકર શેલડી સિન્દૂર.) દરેક ઘૂમટ પર હાથ મૂકતી વખતે રમાડનાર આમાંનો એકેક શબ્દ બોલે છે. કેટલેક સ્થળે શબ્દ બોલી ઘુમટને બેસાડી દઈ હથેલીને જમીન પર ચતીપાટ કરી નાંખે છે. ૧૦. રમાડનાર પોતાના ખોળામાં બાળકનું માથું ઊંધું રખાવી; સૂવાડીને વાંસામાં આંગળી ફેરવી બોલે છે:

‘એન ઘેન દીવા ઘેન, મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે.
‘એન ઘેન દીવા ઘેન, તારા મનમાં કોણ છે?’ ‘ફૂલાણું.’
‘તે (જેનું નામ દીધું હોય તે) હોય તો નાસી જજે.’

(જો આંગળી મૂકનારનું નામ ખરું પડે છે તો તે પકડાય છે અને તેને માથે દાવ આવે છે.) ૧૧. બાળકોની હથેલીઓને એક પર એક થર ચડાવરાવી થરને ચક્કરમાં ફેરવવાનો અભિનય કરી, ‘આટીઆ પાટીઆ ભોંયમાં દાટ્યા‘ બોલી રમનારાંઓ હથેલીના થરને જમીન પર પછાડે છે. ૧૨. બાળકોની મૂઠીઓ એક ઉપર એક ચડાવી ઉતરડ જેવું કરી રમાડનાર બોલે છે : ‘કાગડીઆ કુંભાર તારે માથે કેટલો ભાર? – એક ઉતાર.‘ એટલે સૌથી ઉપરની મૂઠી લઈ લેવામાં આવે છે અને તેની હથેલી વાંસા પછવાડે સંતાડવામાં આવે છે. આમ ઠેઠ છેલ્લી મૂઠી સંતાડાય ત્યાં લગી રમત ચાલે છે. ૧૩. ઉપરની રમતમાં સંતાડેલા હાથને સબબે નીચે પ્રમાણે સવાલ-જવાબ કરવામાં આવે છે:

‘બાઈ બાઈ તમારા હાથ(નખ) ક્યાં ગયા? છાણાં થાપવા.
છાણામાંથી શું જડ્યું? રૂપિયો.
રૂપિયાનું શું કર્યું? કેળાં લીધાં.
કેળાંનું શું કર્યું? ગર ગર ખાધો અને છાલ ઘોડાને નાંખી.
ઘોડાએ શું આપ્યું? લાદ.
લાદનું શું કર્યું? કુંભારને આપી.
કુંભારે શું આપ્યું? ઘડો આપ્યો.
ઘડાનું શું કર્યું? માળીને આપ્યો.
માળીએ શું આપ્યું? ફૂલ.
ફૂલનું શું કર્યું? મહાદેવને ચડાવ્યાં.
મહાદેવે શું આપ્યું? લાડવા.

લાડવાનું શું કર્યું? મારા મેં ખાધા અને[3]—ના ભાગના ઘંટી તળે રાખ્યા હતા તે કાળીયો કૂતરો આવી ખાઈ ગયો. ‘: આટલું બોલી હાથ આગળ ધરી ‘જો મારા નખ, જો મારા નખ‘ એમ કરી એક એકની સામે પોતાના હાથ દેખાડે છે. કાઠિયાવાડમાં(અને અમદાવાદ તરફ) આ સવાલ - જવાબના છેવટના ભાગમાં થોડોક ફેર છે :

‘મહાદેવે શું આપ્યું?’ ભાઈ.
ભાઈ લઈ ભોજાઈને આપ્યો. ભોજાઈએ મને લાડુ આપ્યો.’

આ સવાલજવાબમાં નીચે વર્ણવેલી રમતમાંની કેટલીક પૂછપરછનું પણ ઘણીવાર ઉમેરણ થાય છે. રમતોની સેળભેળ ઘણીવાર થાય છે.

૧૪.

‘કહાણી કહું રે કઈઆ સાંભળ મારી છઈઆ.
છઈએ માંડ્યું હાટ ત્યાંથી નીકળ્યો ભાટ.
ભાટ ખોદાવે કૂઈ ત્યાંથી નીકળી સૂઈ (સઈ, દરજી).
સૂઈ સંચારે દોરો ત્યાંથી નીકળ્યો વહોરો (ઘોડો).
વહોરા (ઘોડા) ખાય દાળીઆ કાઢે એટલા કાળીયા.
કાળીયા તો મેં વાડે નાંખ્યા વાડે મને વેલો આપ્યો.
વેલો મેં ગાયને નાંખ્યો ગાયે મને દૂધ આપ્યું.
દૂધ મેં મોરને પાયું મોરે મને પીંછી આપી.
પીંછી મેં પાદશાહને આપી પાદશાહે મને ઘોડો આપ્યો.
ઘોડો મેં બાવળીયે બાંધ્યો બાવળીયે મને શૂળ આપી.
શૂળ મેં ટીંબે ખોસી ટીંબે મને માટી આપી.
માટી મેં કુંભારને આપી કુંભારે મને ઘડુલો આપ્યો.
ઘડુલો મેં માળીને આપ્યો માળીએ મને ફૂલ આપ્યાં.
ફૂલ મેં મહાદેવને ચડાવ્યાં મહાદેવે મને લાડવા આપ્યા.
મારા મેં ખાધા -ના ભાગના કાળીયો કૂતરો ખાઈ ગયો.!

આ વળી જુદી રીતે પણ કહેવાય છે: ‘ચાંદાસૂરજ લડવા લાગ્યા, (અથવા, ઘોઘર જમતાં જમતાં લડી પડ્યા,) લડતાં લડતાં કોડી જડી, કોડી લઈ ગાયને બાંધી, ગાયે મને દૂધ આપ્યું. વગેરે:

૧૫.

આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ,
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.

૧૬. ‘ઊંચેથી પડી એક કેરી, દીઠી એણે લીધી હિ, લેવા દોડ્યાં બે જણ, દોડ્યા એણે લીધી નહિ, લીધી બીજે બે જણે, લીધી એણે ખાધી નહિ, ખાધી બીજે એક જણે, ખાધી એણે સ્વાદ જાણ્યો નહિ, સ્વાદ જાણ્યો બીજી એક જણીએ, સ્વાદ જાણ્યો એણે માર ખાધો નહિ, માર ખાધો બીજે એક જણે, માર ખાધો એ રોયો નહિ, રોઈ બીજી બે જણીઓ!’ બોલો જોઉં આ કોણ સૌ? ૧૭. ‘એક હતો નકો નકો રાજા, તેણે બાંધ્યાં ત્રણ ગામ, બે ઉજડ ને એક વસે નહીં, તેમાં વસ્યા ત્રણ કુંભાર, બે અણઘડ ને એક ઘડે જ નહીં, તેમણે ઘડી ત્રણ તોલડીઓ, બે ફૂટલ ને એક સાજી જ નહીં, (બે ભાંગી ને એક ખોખરી), તેમાં રાંધ્યા ત્રણ મગ (તેમાં ઓર્યા ત્રણ વાલ), બે કાંગડુને એક ચડે જ નહીં, તેણે જમવા નોતર્યા ત્રણ બ્રાહ્મણ (જમવા તેડ્યા ત્રણ જતી), બે અપવાસી ને એક જમે નહીં, તેને આપ્યા ત્રણ તાંબીયા, બે ખોટા ને એક ચાલે જ નહીં, તેણે દેખાડ્યા ત્રણ સોનીને, બે આંધળા અને એક દેખે જ નહીં, તેણે મારી આમ ઢોટો, બે ભૂલ્યા ને એક વાગી જ નહીં, આ વાત કહી ત્રણ છોકરાને, બે ભૂલ્યા ને એકને આવડી જ નહીં.’ શરૂઆતમાં નીચે પ્રમાણે બોલફેર પણ સાંભળ્યા છે : ‘વાત રે વાત, કડાફાટ, કાળી બોરડીનો કાંટો, સવા અઢાર હાથ લાંબો, તેમાં વસ્યાં ત્રણ ગામડાં, બે ઉજડ ને એક વસે નહીં, વગેરે. ‘બે અપવાસી ને એક જમે જ નહીં.’ પછી ‘તેણે મારી ત્રણ લાત, બે વાગી નહીં ને એક છટકી ગઈ’ બોલી અટકવામાં પણ આવે છે. ‘બે અપવાસીને ને એક જમે જ નહીં’ ને બદલે ‘બે અભણ ને એક ભણે નહીં’ એવો પાઠફેર પણ સાંભળ્યો છે.

૧૮.

એક કોઠામાં બત્રીસ કોઠા તેમાં રમે નાનામોટા.
નાને મોટે નાંખી ગોળી ભાગી રે હરણની ટોળી.
હરણ ખાય હેરાફેરા ભાગ્યા છે રે દિલ્હીના દેરા.
દિલ્હી ઉપર આણમાણ ભાગી છે રે લોઢાની માણ.
માણ ઉપર રૂડાં મોતી બીબી જાય છે રોતી રોતી.
બીબીનાં હાથમાં છે ઘોડો તેણે ફોડ્યો મિયાંનો હોકો.
હોકો બોલે છે રામ રામ તેથી આવ્યા વીરમગામ.
વીરમગામના આરા તારા દીઠા ત્યાં તો સોનાના ભારા.
ભારા ઉપરા ઉપર કરી સો સો તરવારો પાથરી.
એક તરવાર છે તેમાં ઊંચી ભગવાનના હાથમાં કૂંચી.

૧૯. ‘આવો ગલાલ વહુ, મેદડી લઈએ, જેમણે હાથે કે ડાબે હાથે લઈએ, વાડીમાંના મોગરા વીણી વીણી લઈએ, વીણાય તેટલા વીણવા દેજો, મારા વીરાને આવવા દેજો, શેર સોનું લાવવા દેજો, તેની ઘડાઉં ટોટી, મારા વીરાની બઈયર મોટી, મોટી થાય તો થવા દે, બેડે પાણી ભરવા દે, બેડું મૂક્યું ઓટલે, વીંછી ચડ્યો ચોટલે, ચૂલા પછાડી ઠીકરી, મારી ભાભીને આવી દીકરી, દીકરી કરી દિવાળી, સોનાની ઘાઘરી સીવાડી, દીકરી ગઈ નાસી, ઘાઘરી ગઈ ફાટી.’ ૨૦. તપીયા રે તમે તપેસરી, મારો વીરો લખેસરી, લખેસરીનાં આણાં ભાણાં, –ને ઘેર ટાણાં. ૨૧. આંબરડું ફોફરડું, કોઠી ને કોઠીમડું, ગા રે ગા તું મારી મા, નત નત ડુંગરે ચરવા જા, ચરી કરી પાછી વળી, ગંગાજળ પાણી પીને વળી, સામે મળ્યો શિવનો વાઘ, વાઘ કહે હું તને ખાઉં, ના રે ભાઈ મને કેમ ખવાય, ગાના છાણનો ચોકો દેવાય, ગાના ઘીનો દીવો બળે, ગાનું દૂધ મહાદેવને ચડે. ૨૨. જમીન પર બેસી બે ઘૂંટણ પર હથેલી ઢાંકી હથેલી તળે કાંકરી મૂકી રમનાર છોકરી બોલે છે :

‘ગણ ગણ બોસલો’ તેલ તેલ પળી, ઊઠ રે લાલીયા, ઝૂંપડી બળી.
બળતી હોય તો બળવા દેજો, ચારે ખાને આવરે કાગડા કાઢી પીવા’

૨૩. ‘આપડી થાપડી, ગોળાચી થાપડી, ધમક લાડુ, તેલ પાડુ, ધડકે બીબી ને સાત કાન’ આમ બોલી એકબીજાના કાન ઝાલી બાળકે બેલે છે:

‘ચારોળી ભાઈ ચારોળી, શેર ઘઉંની ચારોળી.’

૨૪. ભેંસ દેવ, ભેંસ દેવ! આપો દૂધડાં પીવડાઉં કૂતરા ને, લડાઉં કૂસ્તીડાં, ખોદાઉં મટોડી, ઘડાઉં ઘડુલો, કઢાઉં પાણીલાં, ધોઉં ચાંચુડી, ખાઉં કોઠીમડું, બડુક બડુક.’ ૨૫. ‘એક હતો મગ, તેનાં લાંબા લાંબા પગ, થોડી છે પણ થડથી કહું.’ ૨૬. ‘ડોસી ડમકુ, મહી શેર કંકુ, થોડી છે પણ થડથી કહું.’ ૨૭. ‘નાની પૂરીઓ ને રીંગણાનું શાક ખાય મારો બેટડો ને સાથે દૂધપાક‘ ૨૮. ‘દૂધ ને રોટલો, દહીં ને ભાત લાડવા ને વાલ, ખાઓ મારા લાલ‘ ૨૯. ‘માણામાંથી પાલી દેજો, પાલીમાંથી પવાલું દેજો, મૂઠીમાંથી ચપટી દેજો, ન દે એને બાડુડો જમાઈ આવે, દે એને પાઘડીઓ પુતર આવે.’ ૩૦. જમીન પર બેસી ઘૂંટણ પર હથેલી ઢાંકી છોકરાઓ નીચે પ્રમાણે બોલે છે : ‘ડબડા ડુબડી, ભીડજો રે ભાઈ, ચોર આવ્યા. કોનામાં છે ને કોનામાં નહીં? આવ રે કાગડા કઢી પીવા.’ ૩૧. ‘ફુલફુલ ઘોડો, કેડે કંદોરો, કંદોરામાં ચીઠી, મારી ભાભી મીઠી, મીઠી થાય તો થવા દે, બેડે પાણી ભરવા દે, બેડું મૂક્યું ઓટલે. (૧૯મા પ્રમાણે પૂરું કરવામાં આવે છે.) [બાળકોને વિનોદ આપવા ટૂંકી ટૂંકી વાર્તાઓ કહેવામાં આવે છે. આવી કેટલીક વાર્તાઓમાં કવિતા પણ હોય છે. આવી કવિતા નીચે લખી છે. પણ તે કવિતાની આખી વાતો પ્રયત્ન કર્યા છતાં મળી શકી નથી.

૧. ૫.
આચર કુચરની ગાલ્લી, બે મેડક ૧. દેશ ફરે દેશાવર ફરે
જોડ્યા જાય; રાજાએ મારી ચલ્લી, રાજા રાણી વાતું કરે-કાગળ.
ચલ્લો વેર લેવા જાય. ૨. રણવગડામાં હોલો હીંચકે-નાળિયેર.
(આની ભાષા ઉપરથી આ વાત ૩. ગોટકોક વાણિયો, ગોટકુક પેટ
સુરત તરફથી લાગે છે.) પેટ પછાડે પહાણા હેઠ—સોપારી.
૨. ૪. ગોટકોક વાણિયો, ગોટકુક પેટ
હકા કેરી ગાડલી, બે ઉંદરડા જોડ્યા; હરે ફરે ને નેવા હેઠ—ડોળો.
ચમારે મારી ચરકલી, ૫. કાળી છઉં રે કાળી છઉં
ચકોભાઈ વેર લેવા દોડ્યા. કાળા વનમાં શું છઉં
(આની ભાષા ઉપરથી આ વાત લાલ પાણી પીઉં છઉં
કાઠિયાવાડ તરફની લાગે છે.) સતત ભાગી બીહું છઉં—જૂ.
૩. ૬. એક જનાવર અડ,
ચોથનો ચંદ્રમા જોવાથી દોષ તેની ચાંચ બોલે ચડ
આવે એવું સ્ત્રીઓ માને છે. એ તેનું માથું મુડદાલ,
દોષ ટાળવા ચંદ્ર જોતાં જ નીચે તેનું પૂંછડું પંદર હાથ—કોશ.
પ્રમાણે સાત વખત એક શ્વાસે ૭. ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા,
કાઠિયાવાડમાં બોલવાનો રિવાજ છે : આવો ગપ્પીજી
ધ્રુપતો રાજા, ધ્રુપતી રાણી; બાર હાથનું ચીભડું,
ચોથ ચંદ્રમા, કહું છું કહાણી. તેર હાથનું બી—મોતી
૪. ૮. એક જનાવર ઈતું,
૧. લીલી ટોપી, કાળા ઝભા, પૂંછડે પાણી પીતું—દીવો.
આવ્યા રે પરદેશી સગા-રીંગણાં. ૯. આડુ નાંખું, પાડુ નાંખું,
૨. રણવગડામાં રાતા ખીલા-ગાજર. પાડાનો પગ વાઢી નાંખું
૩. કડાકડપાન, કડીકડી બીડી તોયે પાડું દૂઝે—થોર.
માહ્ય રમે કાળી કીડી.

૧. અડકણ દડકણ, દહીંના ટાંકણ, દહીં દૂઝે – દુઝામણ દૂઝે, શ્રાવણ મહિને વેલો ફૂટે, ઉર મુર ધંતુરાનું ફૂલ, સાકર શેલડી ખાંડ ને ખજૂર; ઘીંસોડે ઘી તાવીઆં, આખું ગામ જમાડીઆં; એક બડવો ભૂખ્યો, થાળી લઈને ઊઠ્યો. ૨. થાબડ થાબડ ભાણા, મોર માથે છાણા, મોર ગયા છીંડીએ, મોં ભરાણા લીંડીએ[4]ગાય ગોવાળીઓ, બકરી ભેંસ. માશી માશી કેવડો, ફૂલે ફર્યો પછેડો, પછેડામાં હીર ઘણું, ખાય મારો વીર ઘી ઘણું. ૩. ચણચણ બગલી ચણાકી દાળ, હું પોપૈયું તું મગદાળ : આવ રે કાગડા કઢી પીવા. (છોકરાંઓ ભેગાં થઈ ગોઠણ પર હથેલી નીચે કાંકરી સંતાડવાનો ડોળ કરે છે ને પછી કાગડાને એટલે જેને માથે દાવ આવ્યો હોય તેને ગોતી કાઢવા કહે છે.) ૪. પ્રશ્ન —મારે ખોરડે કોણ ચડ્યું? જવાબ... હોલ્લો, અથવા મોરલો. — શું ખાય? — મગની દાળ (અથવા બીજું ગમે તે.) હોલ્લા મારો વારો, અથવા ઉતૂર મોરલા હું ચડું.[5] ૫. ચણાક ચીબડી બામણ બીમડી, બામણને ઘેર ગોઠ વીયાણી, રાજા રાણી દાતણ પાણી કરીને ચીભડાની ચીર માંગુ. (નાની નાની છોકરીઓ એક છોકરીનાં બે બાજુથી પગ ઝાલી રાખે ને એક છોકરી ફરતી ફરતી બોલે છે. ઊભેલી છોકરી ચીભડાની રખવાળ કહેવાય છે અને બેઠેલી છોકરીઓ ચીભડાં કહેવાય છે. ફરતી છોકરી વારંવાર ચીભડાની ચીર માંગે છે, ત્યારે તેને ચીભડાંની રખેવાળ નોખાં નોખાં બાનાં બતાવે છે. છેવટે ચીભડાં પાકે ત્યારે રખવાળના પગથી ચીભડાંને છૂટાં પાડવામાં આવે છે એ વખતે બહુ ગમ્મત થાય છે. ૬. (છોકરીઓ સામસામી ફૂદડી ફરતી બોલે છે.) ફૂદડી ફરીએ દના દના, રૂપિયા ગણીએ ઠના ઠના : પૂતળીની દાળ, મારો કમરપટો લાલ. ૭. (છોકરીઓ આ ગાતાં ફૂદડી ફરે છે.) રાણકોકડી આવે છે, ઘીનાં ગાડાં જાય છે. ૮. (એક હાથની ફૂદડી ફૂદડી, મામો લેશે લૂગડી લૂગડી. લૂગડીને દોરા દોરા, મારા મામા ગોરા ગોરા. મારી મામી કાળી કાળી, કાળાને આવ્યો કાગડો કાગડો, કાગડો ગયો ભણવા ભણવા, મામી ગઈ લણવા લણવા, કાગડો આવ્યો ભણીને ભણીને, મામી આવી લણી લણીને.[6]) ૯. છાન ગપતીઉં ચાલ્યું જાય, મેવાડામાં માલ્યું જાય.(છોકરીઓ ગોળકૂંડાળું વળી બેસે છે. કાંઈક ચીજ હાથમાં રાખી સંતાડી બીજાને ગોતાવે છે.) ૧૦. કોઈની માથે અગલું નાચે બગલું નાચે, મોર ભવાયા નાચે.[7] (કોઈ છોકરાંને માથે તણખલું હોય અથવા તેને માથે છાનુંમાનું તણખલું મૂકી આજુબાજુનાં છોકરાંઓ આ મુજબ બોલે છે.) ૧૧. માટલીમાં મગ, મારી શોકના પગ, પરણ્યા પનડી ઘડાવ, મારી માને તેડાવ, મારો જીવ જાય છે, જીવ જાય છે. (છોકરીઓ ફૂદડી ફરતાં ફરતાં બોલે છે.) ૧૨. હચરક દાડીઓ, મચરક મોઈ, કાના સઈની કાતર બોઈ – અથવા હવેલી લેતાં ગુજરાત ખોઈ. (આ રમત ગાડાંની ઊંધ ઉપર સામસામે બેસી ઊંધને ઊંચી નીચી કરતાં બોલાય છે.) ૧૩. મેઘ મેઘ રાજા, દિવાળીના બાજરા તાજા (દિવાળીમાં મેરાયું ફેરવતાં બોલાય છે.) ૧૪. આવ રે વરસાદ, ઘેબરીયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આવ રે વરસાદ નેવલે પાણી નઠારી છોકરીને દેડકે તાણી. (વરસાદની શરૂઆત વખતે છોકરાંઓ બોલે છે.) ૧૫. બહેન–પોશી પોશી પુનમડી – પોશી પોશી પુનમડી, અગાશે રાંધી ખીચડી–અગાશે રાંધી ખીચડી, ભાઈની બહેન જમે કે ન જમે? ભાઈ– હા, જમે. (પોશી પુનમને દિવસે બહેન ભાઈને પૂછે છે.) ૧૬. પેલું ચાંદરડું મેં પૂજ્યું; પછી મારે વીરે પૂજ્યું, આભલા, ગાભલા, બે સોનાના ડાબલા, ડાબલામાં દોકડો, ભાભીને આવ્યો છોકરો, છોકરો માંગે ઓળા, ભાભી કાઢે ડોળા. ભાંગ ખાઉં, ભૂકો ખાઉં, મારા વીરા ઉપર ઘોળી જાઉં. (તારાઓ દેખાવા માંડે ત્યારે બહેન ભાઈને તેડીને બોલે છે.) ૧૭. છગન મગનીઆં સોનાના, ગામનાં છોકરાં ગારાનાં, પાડોશીનાં પિત્તળનાં. ૧૮. ચાંદા ઉપર ચાંદરડું ને પાલખ બેઠું જાય. મારા વીરાના મોળીઆમાં માણું મોતી માય; એક મોતી આપો વીરા, બેન સાસરે જાય. (નાના ભાઈને તેડી રમાડતાં બહેન આ પ્રમાણે બોલે છે.) ૧૯. ચાંદા પોળી, ઘી ભરી પોળી, દહીં કે દૂધડી, માખણ ફૂદડી, મારા વીરાના મોઢામાં હબુક પોળી. (નાનું બચ્ચું ન જમતું હોય તેને ફોસલાવી કોળીયા ભરાવવા આ બોલાય છે.) ૨૦. નાનાં બચ્ચાંને તેલ ચોળી તેનાં હાથપગ વાળતાં વાળતાં આ પ્રમાણે બોલાય છે : ચોર બાંધ્યાં. –(એમ કહી હાથની અદબ સજજડ બાંધે છે.) ચોર છોડ્યા –(એમ કહી હાથની અદબ છોડે છે. આ જ પ્રમાણે પગને કરે છે.) ૨૧. અહલી દેજો, બાઈ પસલી[8]દેજો; પસલીના પાંચ દાણા દેજો, બાઈ. જે–રે–દેશે–રે–એને રે-પાઘડીઆળો પુતર આવશે, ઘાઘરીઆળી નાર આવશે, જે–રે–નહીં–રે–દેશે–રે–એને રે-બાડુડો જમાઈ આવશે. આ ઘેર રાશ, ઓલે ઘેર રાશ, ઘરધણિયાણી ફેરે છાશ. આ ઘેર ઓટો, ઓલે ઘેર ઓટો, ઘરધણિયાનો ચોટલો મોટો. આ ઘેર ગાડું, ઓલે ઘેર ગાડું, ઘરધણિયાણી જમે લાડુ. આ ગીત બોલીને હુતાશણી પહેલાં એક મહિનાથી છોકરીઓ સાંજે ઘેર ઘેર પસલી માંગે છે.) ૨૨. તાળીઓ નંદા, બાલ ગોવિન્દા; તાળી પાડે તન્ના, નાચે ગોવર્ધના; તાળી પાડો છોકરાં, મામા લાવે ટોપરાં; ટોપરડાં તો ભાવે નહીં, મામા ખારેક લાવે નહીં. (છોકરાંને તાળી આપતાં આપતાં બોલાય છે.) ૨૩. કારતક નહાય, કડકડ ખાય, તેનું પુણ્ય તપીઆને જાય. તપીઓ પોત સરી, મારો વીરો લખેસરી. તપીઆ રે તું તપ કરે, લખ ચોરાચી ફેરા ફરે. ફેરા ફરતાં લાગી વાર, શ્રીકૃષ્ણે ઉઘાડ્યાં બાર, બારે બારે દીવા બળે, શ્રીકૃષ્ણના વિવાહ કરે. ગારે ગાય, તું મોરી માય, નિત નિત ડુંગરે ચરવા જાય, ચરતી ચરતી તરસી થઈ, ગંગાજી પાણી પીવા ગઈ, પીને પાછી વળી, સામો મળિયો વાઘ ને સિંહ, વાઘ કહે હું ગાયને વેડું, ગાયને કેમ વેડાય રે વાઘ? ગાના[9] ઘીનો દીવો થાય, ગાયના છાણનો ચોકો થાય, ગાયનું દહીં મહાદેવને ચડે, ગાયનાં દૂધમાં પૂર્વજ તરે. (મનમાનતો વર મેળવવા રાધાજી અને ગોપીઓએ જે કાત્યાયની વ્રત કર્યું હતું તે વ્રત કરીને નહાવા જતી છોકરીઓ બોલે છે.) ૨૪. (પોપટને કહેવાય છે :) લટપટ પંખી ચતુર સુજાણ, પઢો પોપટજી શ્રીભગવાન, પઢે તે પોપટ, ન પઢે તે સુડા, પંખીની જાતમાં પોપટજી રૂડા. ૨૫. (કોઈ મહેમાનની વાટ જોવાતી હોય ત્યારે કાગડાને કહેવાનું :) કાગડા, કાગડા, તારી સોનાની ચાંચ, તારી રૂપાની ચાંચ, કપુરનો કોળીઓ, દૂધનું ચળુ (અથવા દહીંનો કોળીઓ, દૂધનું ચળું) મારો... આવતો હોય તો ઊડી બેસજે. ૨૬. ઠાકોરજી તે બેઠા, ઝાલર ઝબુકે; રાધાજીના કાનમાં કુંડળ ઝલકે, (છોકરાંઓને પારણામાં બેસાડીને આ ગાતાં ગાતાં ઝુલાવાય છે.) ૨૭. કોઈનું કંઈ ખોવાય છે? દરિયામાં ડોવાય છે, મુંબઈમાં વેચાય છે. (કોઈ છોકરાંની ચીજ ખોવાય અને તે જડે ત્યારે જેને જડી હોય તે બોલે છે.) ૨૮. પાંચ પારેવાં ઘૂમતાં, પારેવાં લ્યો, ટોડલે ઘૂમે મોર, મારા વીર રે પારેવાં લ્યો, મેં......(ફલાણા) ભાઈ વારીઆ, પારેવાં લ્યો, ઈ આવતીમાં શું મોહ્યાં! મારા વીર રે પારેવાં લ્યો. ૨૯. પાંચ પોપટડા પાનભર રહે છે, પોપટ તારા પાંજરામાં પડી છે પાળી, આટલી વહુવારૂમાં કઈ વહુ કાળી? પોપટ તારા પાંજરામાં પડી છે સૂડી, આટલી વહુવારૂમાં કઈ વહુ રૂડી? પોપટ તારા પાંજરામાં પડી છે કૂંચી, આટલી વહુવારૂમાં કઈ વહુ ઊંચી? પોપટ તારા પાંજરામાં પડી છે કાંબી, આટલી વહુવારૂમાં કઈ વહુ લાંબી – (વગેરે વગેરે વહુઓની મજાક રૂપે પ્રાસ મેળવી એવું બોલે છે અને પછી એકવાર પ્રશ્નમાં અને બીજીવાર જવાબમાં વહુનું નામ દઈને બોલે છે.) ૩૦. અડી કડી સોનાનો દોર, કેની કેની મેડીએ ચડીયા ચોર?......ભાઈની. મેડીએ ચડીયા ચોર, કહો......ભાઈ શું શું ગયું? પેટીમાંથી પળી ગઈ...... ભાઈવાળી કામી ગઈ, વગેરે વગેરે. ૩૧. લંકાનો લોટ લઈ આવી દ્યો— રાંતા બગલાં રણચણે, પાણી દેખી પાછાં વળે; એક બગલાનો ભાંગ્યો હોઠ, લાવ્યા રે લંકાનો લોટ. ૩૨. લંકાની દોણી અમને લઈ આવી દ્યો— રાતાં બગલાં રણે ચડ્યાં, પાણી દેખી પાછાં વળ્યાં, એક બગલાની ભાંગી કોણી, લાવ્યા રે લંકાની દોણી. (આવી રીતે સામસામા છોકરાંઓ એક પછી એક સવાલ જવાબ પૂછે છે ને તેમાં પ્રાસ મળતા શબ્દો બોલે છે.) ૩૩. (સવાલ:) અહીંથી નાખ્યો વાલોણીઓ, ને ઊગ્યો અમદાવાદ, ફૂલફાલ માળવે ને શીંગ ઝાલાવાડ: (જવાબ:) ચંદ્રમા. ૩૪. (સવાલ:) રાજાની પાઘડીમાં દહીંનો ફોદો, છ પગને છુંછો મુંછો: (જવાબ:) વીંછી. ૩૫. નામ લઈને કહું છું – જુઓ બાપા જુઓ. ૩૬. (સવાલ:) એક જનાવર અરડ, તેની ચાંચ બોલે ચરડ; એનું માથું મણિદાર, એનું પૂછ પંદર હાથ – (જવાબ:) કોસ. ૩૭. (સવાલ:) ગોટકોક વાણીઓ, તે ગોટકુંક પેટ; હરે ફરે ને નેવાં હેઠ. – (જવાબ:) આંખનો ડોળો. ૩૮. (સવાલ:) ગોઠણ જેવડી ગાવડી, નીરે એટલું ખાય. – (જવાબ:) ઘંટી. ૩૯. (સવાલ:) વણકર વિના વણીઆં ચીર, બીબાં વિના પાડી ભાત તે વણઝારાની કઈ જાત? – (જવાબ:) મોર. ૪૦. (સવાલ:) વડ ઉપર વેલ ધડુકે જાય. – (જવાબ:) રેંટિયો. ૪૧. (સવાલ:) ધોળી ધારે ધજાગરો ધોડ્યો જાય. – (જવાબ:) કાંસકી. ૪૨. (સવાલ:) કાળું ને કદરામણું, ખાતાં લાગે ભૂડું, એ અરથ વરતે તેને આપું સોનાનું કડું – (જવાબ:) અફીણ, ૪૩. (સવાલ:) પિત્તળ પેરે પદમણી, ચાલે ઝાકઝમાળ, વસવાયા ઘેર નીપજે, હોય રાજદરબાર – (જવાબ:) પટારો. ૪૪. (સવાલ:) ઘેરદાર ઘાઘરો, ગુલાબદાર બુટી, દીવાનના રાજમાં, ઊભી ઊભી લૂંટી. – (જવાબ:) સાંઠી. ૪૫. (સવાલ:) બટકુંક રોટલો ને કળશી કરમદાં. – (જવાબ:) ચંદ્ર ને તારા. ૪૬. (સવાલ:) જાળીયું નગર, ફૂલનું ફગર, સોપારીનો સુકાળ, ને પાનનો દુકાળ. – (જવાબઃ) કેળાં અથવા કેરડાં. ૪૭. (સવાલ:) છ પગ ચાળવે, બે ડબા દૂઝે, પેટ વચ્ચે પૂંછડી, તેનું કાંઈ સૂઝે. – (જવાબ:) ત્રાજવાં. ૪૮. (સવાલ:) રણવગડામાં ભીલીઓ ભાંભરે. – (જવાબ:) વાડ(ઢ) અથવા સાંચોડો. ૪૯. (સવાલ:) રણવગડામાં રાતા ખીલા. – (જવાબ:) ગાજર. ૫૦. (સવાલ:) રણવગડામાં લોઈનાં ટીપાં. – (જવાબ:) ચણોઠી. ૫૧. (સવાલ:) વાંકીચૂકી વોકળી ને માઈ પડ્યું છે હાઉ, એ અરથ વરતે તેને રોજ હાલરડાં ગાઉં – (જવાબ:) ઘોડિયું. ૫૨. (સવાલઃ) કાળી સાંઠી તેલે છાંટી, એ ટપે ઈ ભલો માટી. – (જવાબઃ) નાગ. ૫૩. (સવાલ:) આખા નવખંડમાં બે ઓઘા. – (જવાબ:) ચાંદો ને સૂરજ. ૫૪. (સવાલ:) ચાંચ છે ચણતું એ જનાવર મરતું નથી – (જવાબ:) દાતરડું. ૫૫. (સવાલ:) અક્કડ પાન, કડાકડ બીડી, માંહી રમે છે કાળી કીડી. – (જવાબ:) કાગળ ને શાહીથી લખેલો અક્ષર. ૫૬. (સવાલ:) ધોળી ધરતી કાળા ચણ્યા, હાથે વાવ્યા ને મોઢે લણ્યા. – (જવાબ:) કાગળ લખી મોઢે વાંચ્યો. ૫૭. (સવાલ:) આડુ નાંખું, પાડું નાંખું, પાડાનો પગ વાઢી નાંખું, તોય પાડું દૂઝે. – (જવાબ:) આકડો. ૫૮. પાતાળ પાણી કાળાં, હાથીને પગે તાળાં. ૫૯. પાતાળ પાણી ઊંડાં હાથીને પગે કૂંડાં. ૬૦. સો અડીઆં કમાડ, સો બડીઆં કમાડ, સો દીવા બળે, સો હાથી મળે. ૬૧. (સવાલ:) વંડી ઉપર વસતો, દરિયો જાય ખસતો. ભર દરિયામાં પાંચ શેરી તરે. –(જવાબઃ) માખણનો પીંડો. ૬૨. (સવાલ:) રાજા રમતા લાવી દ્યો. (જવાબ:) અંગ તાણું તંગ તાણું, તીર મારું તાજા, હાથી ઉપર ગઢ ચણાવું, રમતા આવે રાજા. ૬૩. (છોકરાં હરણની રીતે વાંકા વળી ચાલતાં ચાલતાં બોલે છે.)

હરણીયાં છીએ, અમે હરણીયાં છીએ.
બાંધો તો રહીએ, અમે હરણીયાં છીએ.[10]
બાળાં ભોળાં, કાલાં ઘેલાં, ગરીબડાં છીએ– બાંધો તો..
લીલું સૂકું ઘાસ ચરી, પાણી પીવા જઈએ– “
બાંધે તો બંધાયા રોજ, દાસ બની રહીએ.– “
દયા કરી છોડો તો જ, ફરી છૂટાં થઈએ.– “
“ “ “ ગામનાં છીએ, અમે આપવીતી કહીએ “
“ “ “ ગામમાં આણ્યાં અમને, કેમ પાછાં જઈએ.– “
“ “ “ એ દોર્યાં અમને, ભૂલાં પડ્યાં છીએ.– “
મારગ જો સુઝાડો તો તો ઘર ભેગાં થઈએ.– ”

૬૪. (બે હથેળી ભેગી કરી તેની વચ્ચે સળી રાખી એક છોકરું બીજાં છોકરાંઓ પાસે તે સળી ખેંચાવે છે. જેનાથી સળી હથેળીમાંથી સળંગ ખેંચીં કઢાય છે તેને માથે દાવ આવે તે ઢેડો ગણાય છે. તે બીજાં છોકરાંને અડકવાનું કરે છે ૫ણ જો તેઓ લાકડાને અડકી રહ્યાં હોય તો તેમને અડક્યાં છતાં ઢેડા બનાવી શકતો નથી. લાકડાથી દૂર એવા કોઈને જો તે અડકી જાય છે તો અડકાયેલાને માથે દાવ આવે છે. આ રમતમાં આ પ્રમાણે બોલે છેઃ) લાકડેકી ડુમડુમ ઢેડિયા

પાણીનાં ટીપાં ક્યાંથી આવે છે?

‘બા, બા, જુઓ તો ખરાં.’ વાડીમાંથી ચૂંટેલું ગુલાબ હાથમાં લઈ દોડતી આવતી મેના બોલી : ‘પાંદડીની વચ્ચે લપાયેલું આ ટીપું તો જુઓ. ‘કેવું મજાનું છે?’ ‘ખરે મજાનું છે’ ફૂલ પર નજર નાંખતાં તેની મા બોલી. હીરા પેઠે તેજ મારતું અને સ્વચ્છ ઝાકળનું બિન્દુ ફૂલના અંતરમાં પડ્યું હતું. ‘પણ માડી, ક્યાંથી એ આવ્યું?’ ‘વરસાદ ત્યાં મૂકી ગયો હશે.’ માએ ખુલાસો કર્યો. ‘વરસાદનાં નાનાં ફોરાં પડે છે તે વાદળાં ક્યાંથી લાવે છે?’ મેનાએ પ્રશ્ન કર્યો. ‘એ ક્યાંથી આવે છે તેની મને ખબર નથી.’ ‘હાથબ ગયાં ત્યારે દરિયો જોયેલો યાદ છે ને?’ તેની માએ પૂછ્યું. ‘હવે સૂર્યની ગરમીથી દરિયાના પાણીની વરાળ થાય છે અને એ ગરમીથી ખેંચાઈ વરાળ આકાશમાં જાય છે અને તેનાં વાદળાં બને છે.’ ‘વરાળ?’ મેના બોલી. ‘પણ, વરાળ એટલે શું?’ ‘ચહાદાનીમાં પાણી ઊકળતું હોય છે ત્યારે નાળચામાંથી વરાળ નીકળતી જોઈ છે તેં?’ ‘હા, હા, એ જ વરાળ ને?’ મેના બોલી ઊઠી. તેની માએ કહ્યું, ‘એ જ વરાળ સૂર્યની ગરમી હવામાં પાણીનાં ટીપાં આકર્ષી લે છે. ઉપર પાછાં બધાં ભેગાં થાય છે એટલે વાદળાં થાય છે અને આપણી નજરે પડે છે. એવામાં પવન આવે છે અને પૃથ્વી પર તેમને ધકેલે છે એટલે જમીન પર પડી તેઓ જમીનને તાજી અને ફળદ્રુપ કરે છે.’ ‘ઓહો! બા, કેવું મજાનું! મને ખબર જ નહિ.’ મેના બોલી ઊઠી. જરા વિચાર કરી પ્રશ્ન પૂછ્યો— ‘પણ, બા, છેવટે એમનું શું થાય છે? જમીનમાં બધાં સૂકાઈ નાશ પામે છે?’ ‘ના, બેટા, ઈશ્વરના રાજ્યમાં કાંઈ નાશ પામતું નથી. આ પાણીનાં નાનાં બિન્દુ દુનિયામાં બહુ જ ઉપયોગી છે. જ્યારે નીચે પડે છે ત્યારે જમીનમાં વનસ્પતિ ઊગી શકે માટે જમીન પોચી અને તાજી કરે છે. જમીનની તળે ઠેઠ ઝાડ અને ફૂલનાં મૂળીયાં લગી તેઓ દોડી જાય છે. દરેક મૂળિયાને એનો ખપ છે કારણ કે પાણી વિના એમને ચાલતું નથી. ‘માડી, પાણીનો શો ખપ મૂંળીયાંને પડે છે?’ ‘જો કેટલાંક ટીપાં ગુલાબના છોડના મૂળીયાં પાસે જાય છે એટલે મૂળીયાં તેમને ચૂસી લે છે, પછી તેઓ રસમાં ભળી પાંદડાં અને ફૂલ બનાવવામાં મદદ કરે છે. કેટલાંક બીજાં વૃક્ષો પાસે જાય છે અને કેરીના કે કેળાંના રસમાં મદદગાર થાય છે. કેટલાંક જમીનમાં દટાઈ જાય છે અને કેટલીકવારે નીકમાં ભેળાં થાય છે. આમાંથી વહેળો વહે છે. ડુંગરો ઉપરથી વહેળીઆં વહે છે અને રફતે રફતે તેમની નદી થાય છે; ને આખરે જે સમુદ્રમાંથી ટીપાં ગયાં હતાં ત્યાં પાછી આવે છે.’ ‘હા! બા, આનો તો વિચાર જ કદી મને થયો નહોતો.’ મેના બોલી. ‘ફક્કડ વાત કહી! પણ કેટલાંક રસ્તે ભૂલાં પડી નાશ નથી પામતાં?’ ‘ના ઈશ્વરની સૃષ્ટિમાં નાશ જ નથી. કેટલાંક ટીપાં થોડીવાર રસ્તે ભૂલાં પડે છે, પણ તેમનું કામ કોઈને મદદગાર થવાનું હોય છે. કેટલીકવાર તરસ્યા પંખીની તરસ છિપાવે છે, ત્યારે તે પાણીનાં ટીપાં જોઈ કેવું રાજી થાય છે? કેટલીકવાર સૂર્યની ગરમીથી સૂકાયેલો છોડ હોય છે તે પાણીનાં ટીપાં મળવાથી કેવો ફાલે છે? અને કેટલીક વાર મારી મેના તરસી હોય છે ત્યારે પાણી ન મળવાથી કેવી કોપે છે?’ ‘પણ પાણીનોયે અંત નથી?’ મેનાએ પૂછ્યું, ‘આવી રીતે નાનાં ટીપાં નાશ નથી પામતાં?’ ‘ના, બહેન, કદી નાશ પામતાં નથી. જુદી જુદી રીતે તને તાજી થવામાં મદદ કરી તેઓ હવામાં ઊડી જાય છે અને ત્યાંથી બીજાઓની સાથે નદીનાળામાં પડે છે. અને આખરે પાછાં, પોતાને ઘેર સમુદ્રમાં જાય છે.’ ‘બા, કેવું અજાયબ જેવું? આવી સુંદર વાત મેં સાંભળી જ નથી. હવેથી એ ટીપાં મને બહુ વહાલાં લાગશે.’ ‘વારુ બહેન, પણ જેણે એમને આવાં અજાયબ જેવાં બનાવ્યાં છે તે પ્રભુ, ના વીસરતી. દરેકને સુખી કરવા ઊગતા છોડને અને ગાતા પંખીને મદદ કરવા, જંગલમાં ફરતા રાની પશુની તેમ જ પોતાની માને વળગતી નાની છોકરીની તબિયત ખુશ કરવા પાણીનાં ટીપાં સ્વર્ગમાં વિરાજતો આપણાં સર્વનો પિતા મોકલે છે. બહેન મેના, પ્રભુની આટલી બધી કૃપા અજાયબ જેવી નથી? એના પર આપણું હેત કેટલું બધું ઢળે છે?’ મેનાએ પોતાની માના ખોળામાં વહાલથી માથું મૂક્યું અને બોલી : ‘બા, એના પર મારી ઘણી જ પ્રીતિ થાય છે. તે બહુ દયાળુ છે.’[11]


  1. જ્યાં જ્યાં બોલફેર સાંભળવામાં આવ્યા છે, ત્યાં ત્યાં આવા કૌંસથી તે ફેર બતાવ્યો છે.
  2. રમનાર બાળકનું નામ બોલવામાં આવે છે અથવા તેની જાતિ પ્રમાણે ભાઈ કે બહેન બોલવામાં આવે છે.
  3. જેની ઠેકડી કરવી હોય તેનું નામ બોલાય છે.
  4. અથવા ‘મો ભરાણું લીંડીએ.’
  5. આમાંના પાઠફેર રા. વિનોદરાય વિદ્યાશંકર પટણીએ સૂચવ્યા હતા.
  6. સંગ્રહ કરનાર સન્નારીએ આ મરાઠીમાંથી ગુજરાતીમાં ઉતાર્યું છે.
  7. અથવા ‘ગામનું ગધાડું નાચે.’
  8. ‘સ’ નો ‘હ’ ઉચ્ચાર થાય છે.
  9. ગાયના
  10. ઉપરની બે લીટી સાંભળેલી પણ આખું ગીત સાંભળવામાં ન આવવાથી, સંગ્રહ કરનારી સન્નારીના પતિએ એ ગીત પૂરું કર્યું છે. આ સંગ્રહમાં જોડણી અને શબ્દો અને લખાવટ મૂળનાં કાયમ રાખ્યાં છે. કાઠિયાવાડનો સંગ્રહ છે એટલે સર્વે પર ત્યાંની છાપ છે. મારા મિત્રનો જ્યાં જ્યાં હાથ ફર્યો છે. ત્યાં ત્યાં જોડણી સાક્ષરી થવા ગઈ છે. બાકી બીજે કાઠિયાવાડી સ્ત્રીઓ બોલે છે તેમ લખાયેલું છે. આ કાઠિયાવાડમાં પ્રચલિત હોવાનું જાણમાં નથી. એ મેં ઉમેર્યું છે.
  11. ‘Friendly Greetings’માં આવેલાG. Scott games ના લેખ પરથી.