રણજિતરામ ગદ્યસંચય – ૨/પહેલી ગુજરાતી કેળવણી પરિષદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પહેલી ગુજરાતી કેળવણી પરિષદ

આપણી પ્રગતિને માટે પ્રયાસ કરતી જુદી જુદી સંસ્થાઓ જેવી કે પ્રજાકીય કૉંગ્રેસ, રાજકીય પ્રાંતિક પરિષદ, સંસાર સુધારા પરિષદ, સાહિત્ય પરિષદ વગેરે અસ્તિત્વમાં છે. આ વર્ષે ગુજરાત કેળવણી પરિષદ નામની એક નવીન સંસ્થાનો તેમાં ઉમેરો થયો છે. માત્ર કેળવણીના પ્રશ્ન ઉપર વિચાર કરનારી એકાદ અલાયદી સંસ્થાની આપણને લાંબા સમયથી ખાસ જરૂર હતી. આપણી આવી લાંબા સમયની ખાસ જરૂરિયાત પૂરી પાડવા માટે આપણે પરિષદના ઉત્સાહી મંત્રીઓને ખાસ ધન્યવાદ આપવો ઘટે છે. આપણે આશા રાખીએ છીએ કે માત્ર બે દહાડાનો તમાસો કરવાને માટે આ પરિષદ તેમણે અસ્તિત્વમાં આણી નથી. તેઓએ અનેક જાતની પ્રશ્નમાળાઓ યોજી હતી, વિધવિધ સ્થળેથી કેળવણી સંબંધી અનેક પ્રકારની માહિતી મેળવી સમસ્ત પ્રજાની જાણને માટે તે સંબંધી એક ટૂંકો રિપોર્ટ પણ તેઓએ બહાર પાડ્યો હતો. વળી આજકાલ જગબત્રીસીએ ચઢેલાં પાઠ્યપુસ્તકોના પ્રશ્ન સંબંધી વિચાર કરવાને તેઓએ કેળવણીના પ્રશ્નના અનુભવીઓની ખાસ કમિટી નીમી તે કમિટીનો રિપોર્ટ સમસ્ત પ્રજાની જાણને માટે બહાર પાડ્યો હતો. સામાન્ય રીતે જેમ બને છે તેમ આ નવીન સંસ્થા પહેલો ઊભરો શાંત થયા પછી સદાને માટે સૂઈ ના જાય તેની સંભાળ રાખવાને તેઓએ ગુજરાત કેળવણી મંડળ(Gujarat Education League) સ્થાપવાનો વિચાર કર્યો છે અને તે યોજનાને વ્યવહારુ રૂપ આપવાને માટે કેળવણીના પ્રશ્નોમાં હિત ધરાવનારા ગુજરાતનાં કેટલાંક સ્ત્રીપુરુષોની તેમણે એક ખાસ કમિટી નીમી છે. આ બધી બાબતો ધ્યાનમાં લેતાં એક વાત આપણી નજર આગળ સ્પષ્ટ રીતે ખડી થાય છે અને તે એ કે આ પરિષદના યોજકો સંગીન કાર્ય કરવાને તત્પર દેખાય છે. પરમકૃપાળુ પ્રભુ એમના આ યશસ્વી કાર્યમાં એમને સંપૂર્ણ ફતેહ આપો. આ નવીન સંસ્થાની ઉત્પત્તિ સંબંધે આટલું કહ્યા પછી મિત્રભાવે અમારે એમને એક સૂચના કરવાની છે. એમની આ પ્રવૃત્તિ કેટલેક અંશે અમને સંકુચિત લાગે છે. સમસ્ત મુંબઈ ઈલાકાને માટે એક જ અમલદારના હાથ નીચે કામ કરતું એક જ કેળવણીખાતું છે, અને તે કેળવણીખાતા તરફથી નક્કી થયેલી કેળવણીની રાજ્યનીતિનો અમલ આખા ઈલાકામાં સરખી રીતે થાય છે, તો પછી માત્ર ગુજરાત કેળવણી પરિષદ સ્થાપવાનું ખાસ પ્રયોજન શું? હાલ કેળવણીનો એક પણ એવો મહાપ્રશ્ન નથી કે જેની સાથે માત્ર ગુજરાતને એકલાને જ લેવાદેવા હોય. સરકારની કેળવણી સંબંધી રાજ્યનીતિ આખા ઈલાકાને સરખી રીતે લાગુ પડે છે. વિશ્વવિદ્યાલય, તેનો અભ્યાસક્રમ ને પરીક્ષાઓ, શાળાઓનો અભ્યાસક્રમ ને પાઠ્યપુસ્તકો, પ્રાથમિક શિક્ષકો તથા શિક્ષિકાઓના કોડો (નિયમગ્રન્થો), ગ્રાંટ ઈન-એઈડ કોડ વગેરે કેળવણી સંબંધી બાબતો આખા ઈલાકાને માટે સામાન્ય છે તો પછી આવી સંકુચિત સંસ્થાને બદલે આખા ઈલાકાના માટે એક જ કેળવણી પરિષદની યોજના થઈ હોત તો આવી પરિષદને અસ્તિત્વમાં આણવાનું માન અમદાવાદને મળ્યું હોત. તે ઉપરાંત આપણા દક્ષિણી ભાઈઓ, જેઓ કેળવણીની બાબતમાં આપણાથી ઘણે દરજ્જે આગળ વધેલા છે તેમનાં જ્ઞાન તથા અનુભવનો લાભ પણ આપણને પ્રાપ્ત થયો હોત. વળી કેળવણી પરિષદ તરફથી પસાર થયેલા ઠરાવો અને થયેલી સૂચનાઓ માત્ર એક જ પ્રાંત તરફથી નથી આવતી પણ આખા ઈલાકાના નેતાઓ તરફથી આવે છે એમ જાણી સરકાર તરફથી એમને વધારે સારો આવકાર મળત. કેળવણીના પ્રશ્નો સંબંધી વિચાર કરવાને આવા જ પ્રકારની એક સંસ્થા સર નારાયણ ચંદાવરકરની આગેવાની નીચે મુંબઈમાં હાલમાં ઉપસ્થિત થાય છે. અમે આશા રાખીએ છીએ કે ગુજરાત કેળવણી પરિષદ મુંબઈની આ સંસ્થાની એક શાખા તરીકે કામ કરશે. ઐક્ય એ મહાશક્તિ છે એ સૂત્ર આ પરિષદના આગેવાનોને સમજાવવાની ખાસ અગત્ય નથી. મુંબઈમાં નીકળતી નવીન સંસ્થા અને ગુજરાત કેળવણી પરિષદ એકબીજાથી નિરાળું કામ કરશે તો બંને સંસ્થાઓ તરફથી જુદી જુદી જાતની સૂચનાઓ સરકાર સમક્ષ જાય એ સંભવિત છે. આથી કરીને સરકાર કદાચ એમ સ્વીકારી લે કે કેળવણીની બાબતમાં પ્રજાના નેતાઓમાં હજી મતભેદ છે અને આથી બંને સંસ્થાઓને હાનિ થવાનો ભય રહે છે. માટે અમે ફરી ભાર મૂકી સૂચના કરીએ છીએ કે કેળવણીના મહાન પ્રશ્નો આખા ઈલાકાને માટે એક જ છે તેથી આખા ઈલાકાના કેળવણીના હિતને માટે કાર્ય કરતી માત્ર એક જ સંસ્થાની જરૂર છે. પ્રાંતિક અભિમાનની ખોટી ભ્રમણા તથા સંકુચિત દૃષ્ટિબિંદુનો ત્યાગ કરવાનો અત્યારે સમય છે અને તેનો જલદી ત્યાગ થાય એ જ આપણા હિતને માટે ઈષ્ટ છે. દક્ષિણીઓ અને આપણે ભેગા કામ કરીશું તો આપણે પાછળ પડી જઈશું એવા સંકુચિત વિચારોને દેશહિત માટે કાર્ય કરનારાઓના હૃદયમાં સ્થાન જ ના મળવું જોઈએ. આપણામાં યોગ્યતા ઓછી હશે તો આપણે પાછળ પડી જઈશું એ નિઃસંદેહ છે. મિત્રભાવે આટલી સૂચના કર્યા પછી પહેલી ગુજરાત કેળવણી પરિષદનું કાર્ય અત્યંત ફત્તેહમંદ નીવડ્યું છે તેને માટે પરિષદના ઉત્સાહી મંત્રીઓ અને યોજકોને અમે અંતઃકરણપૂર્વક ખાસ અભિનંદન આપીએ છીએ. છતાં આટલું કહ્યા વિના ચાલતું નથી કે પરિષદની જાહેર બેઠકમાં મિ. ચાહેવાલાના શબ્દો, ‘સરકારનું હાલનું કેળવણીખાતું ટોચથી તે પાયા સુધી અત્યંત સડી ગયેલું છે માટે તેનો નાશ થવો જોઈએ’ એવા અસત્ય અને બિનજોખમદારી ઉદ્ગારો ના નીકળ્યા હોત તો પરિષદની ગંભીરતા અને ગૌરવમાં કાંઈક વધારો થયો હોત. પહેલી ગુજરાત કેળવણી પરિષદના સ્વાગતમંડળનું પ્રમુખપદ રા. જીવણલાલ વ્રજરાય દેસાઈને આપવામાં આવ્યું હતું. અને અમે બેધડક કહીએ છીએ કે આ અત્યંત જોખમદારીભરેલું અને માનવંતુ પદ એમણે સારી રીતે દીપાવ્યું હતું. તેમના ભાષણની શરૂઆતમાં તેઓ હૃદયભેદક વાણીમાં આપણને જણાવે છે કે ‘૧૬૦ વર્ષથી બ્રિટિશ પ્રજાની સાથે આપણો સંબંધ જોડાયો છે; છતાં કેળવણીના સંબંધમાં આપણો દેશ આટલો બધો પછાત રહ્યો છે એ ઘણું ખેદજનક છે. જે દેશમાં સ્વાર્થત્યાગી ઋષિમુનિઓના ગુરુકુળોમાં હજારો વિદ્યાર્થીઓ ઊંચા પ્રકારની કેળવણી માબાપે ઉપર બિલકુલ બોજો મૂક્યા સિવાય લઈ શકતા હતા, તે દેશની હાલની પ્રજાનો ઘણો મોટો ભાગ અજ્ઞાનના ઘાડ તિમિરમાં દબાયેલો રહે છે તેથી આપણું અંતઃકરણ હંમેશ દ્રવ્યા કરે છે.’ હિંદુસ્તાનના એક માજી વાઈસરૉય લૉર્ડ મિન્ટોએ આજથી લગભગ સો વર્ષ ઉપર દેશમાં કેળવણીના બહોળા વિસ્તારની અગત્ય દર્શાવી હતી અને સને ૧૯૧૨ની સાલમાં ખુદ શહેનશાહે પણ તે જ મતલબની પોતાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી, છતાં આપણા દેશની કેળવણીની સ્થિતિ હજી ઘણી શોચનીય છે તે રા. જીવણલાલે આપણને ઘણી સ્પષ્ટ રીતે જણાવ્યું હતું. અમેરિકા જેવા સુધરેલા દેશોમાં કેળવણીને માટે ઘણો જ છૂટથી ખર્ચ થાય છે તેની સાથે આપણા દેશમાં થતો કંગાળ ખર્ચ સરખાવી રા. જીવણલાલે શ્રોતાઓને ખાતરી કરી આપી હતી કે કેળવણીની બાબતમાં સરકાર પૂરતું લક્ષ આપતી નથી. જ્યારે જ્યારે કરકસર તથા ખર્ચની કાપકૂપનો પ્રશ્ન આવે છે ત્યારે કેળવણીખાતા તરફ સરકાર પહેલી તરાપ પાડે છે. આ ઉપરાંત દિનપરદિન મોંઘી થતી કેળવણી, હુન્નર–ઉદ્યોગની કેળવણી, સ્ત્રી–કેળવણી, શારીરિક કેળવણી, શિક્ષકો તથા શિક્ષિકાઓની અત્યંત પરાધીન સ્થિતિ તથા તેમને મળતો ઘણો જ ઓછો પગાર, કેળવણીખાતામાં દેશીઓ તથા યુરોપીયન વચ્ચે થતો કૃત્રિમ ભેદ વગેરે અનેક ઉપયોગી વિષયો પર એમણે ઘણું જ વિવેચન કર્યું હતું. આ ટૂંકી નોંધમાં રા. જીવણલાલના ભાષણનું સંપૂર્ણ વિવેચન કરવાને અમે અશક્ય છીએ. પરંતુ કેળવણીના કામમાં રસ લેનાર પ્રત્યેક સ્ત્રીપુરુષને એમનું એ ઉચ્ચ આદર્શોથી ભરપૂર ભાષણ વાંચવાની અમે ખાસ ભલામણ કરીએ છીએ. પરિષદના પ્રમુખની પસંદગી માટે પરિષદના યોજકોને અમે ખાસ અભિનંદન આપીએ છીએ. રા. ચિમનલાલ હરિલાલ સેતલવાડ માત્ર ગુજરાતના જ નહીં પણ આખા મુંબઈ ઇલાકાના એક જાણીતા પ્રજાકીય નેતા છે. કેળવણીના સર્વ કાર્યમાં તેઓ ઘણી જ ઊલટથી ભાગ લે છે. મુંબઈ યુનિવર્સિટીમાં સૅનેટના એક આગેવાન સભાસદ તરીકે, સિંડિક તરીકે, તેમ ડીન તરીકે તેમણે ઘણું અગત્યનું કામ કર્યું છે. મુંબઈ જેવા ઇલાકાના પાટનગરની કૉર્પોરેશનની સ્કૂલબૉર્ડના ચૅરમેનનું કાર્ય ઘણી જ ફત્તેહમંદીથી તેઓ કેટલાક વર્ષો થયાં કરે જાય છે. ખરું પુછાવો તો મુંબઈ શહેરની પ્રાથમિક કેળવણીની લગામ એમના જ હાથમાં છે એમ કહીએ તો ખોટું નથી. એમની જાહેર કારકિર્દીની શરૂઆતમાં એમણે પ્રાથમિક શિક્ષણનો પ્રશ્ન લીધો હતો, અને પ્રાથમિક શિક્ષકોને મળતા ભિખારી જેવા પગાર તરફ સરકારનું ધ્યાન એમણે જ પ્રથમ ખેંચ્યું હતું. અને એમની ભારે લડતના પરિણામે પ્રાથમિક શિક્ષકોના પગારમાં હાલ કાંઈક વધારો થયો છે. યુરોપમાં વસતા હિંદી વિદ્યાર્થીઓને વેઠવી પડતી હાડમારી દૂર કરવાના ઉદ્દેશથી સ્થપાયેલા મંડળના પણ તેઓ જ પ્રમુખ છે. ટૂંકામાં કહીએ તો પ્રાથમિક કેળવણીથી માંડીને ઠેઠ ઉચ્ચ કેળવણીની અનેક પ્રવૃત્તિઓમાં આગેવાનીથી ભાગ લેનાર એમના જેવો નિપુણ પ્રમુખ ગુજરાતમાં તો શું પણ આખા મુંબઈ ઇલાકામાં આપણને ભાગ્યે જ મળત. એમના જેવા નેતાએ પહેલી ગુજરાત કેળવણી પરિષદનું પ્રમુખપદ સ્વીકાર્યું તેથી લોકમાન્ય શ્રીયુત ગાંધીના શબ્દોમાં કહીએ તો પરિષદે ઘણી જ મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. એમની પ્રશંસામાં આટલું કહ્યા પછી લાચારીએ અમારે કહેવું પડે છે કે અનેક કાર્યોના વ્યવસાયને લીધે હો કે ગમે તે કારણથી હો પણ પ્રમુખસ્થાનેથી એમની પાસેથી આપણે જેવા પ્રકારના ભાષણની આશા રાખી હતી તેવું ભાષણ મેળવવાને આપણે ભાગ્યશાળી થયા નથી. પરિષદનું નામ ગુજરાત કેળવણી પરિષદ હતું, તેનું સર્વ કાર્ય ગુજરાતીમાં થશે એવી ખબર પરિષદના મંત્રીઓ તરફથી બહાર પાડવામાં આવી હતી, છતાં પરિષદના પ્રમુખે જ પોતાનું ભાષણ અંગ્રેજીમાં આપ્યું તેથી ઘણા બહુ વિસ્મય પામ્યા હતા. આવી પરિષદોના પ્રમુખ સરકાર તેમ પ્રજા ઉભયના મધ્યસ્થ છે. પ્રજાની માગણી પ્રમુખની મારફત સરકારને પહોંચાડવાની છે તેથી તેમણે પોતાના વિચારો જનસમૂહની ભાષા કરતાં રાજ્યદરબારી ભાષામાં જણાવવા એ વધારે ઈષ્ટ છે; વળી પરિષદમાં ગુજરાત કૉલેજના પ્રિન્સિપાલ, ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર, મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજના લેડી સુપરિન્ટેન્ડેન્ટ વગેરે સરકારી અમલદારો હતા. તેઓને કદાચ ગુજરાતી ભાષાનું જ્ઞાન ના હોય માટે પ્રજાના અગ્રણીઓએ તેમને જે કહેવું હોય તે અંગ્રેજી ભાષામાં કહેવું જોઈએ— વગેરે બાબતો અમે સ્વીકારીએ છીએ, છતાં પણ પ્રમુખે અંગ્રેજીમાં ભાષણ કર્યું તેની સામેનો અમારો વિરોધ કમી થતો નથી. અંગ્રેજી ભાષણની સામે અમને માત્ર ભાવાત્મક(sentimental) વિરોધ નથી. પણ પરિષદમાં પ્રાથમિક શાળાઓના અનેક શિક્ષકો હાજર હતા. તેઓને અંગ્રેજી ભાષાનું બિલકુલ જ્ઞાન નહોતું. અધ્યક્ષમહાશયની વાણીનો પ્રસાદ ચાખવાને તેમાંના ઘણા તો ખાસ પરદેશથી આવ્યા હતા. પ્રમુખે પોતાનું ભાષણ અંગ્રેજી ભાષામાં વાંચવું શરૂ કર્યું તે જ વખતે તેમના મુખારવિંદ પર શોકની લાગણી છવાઈ રહેલી અમે પ્રત્યક્ષ જોઈ હતી. કેળવણીખાતાના ત્રણચાર અધિકારીઓની ખાતર અનેક ઉત્સાહી સ્ત્રીપુરુષો નિરાશ થાય એવું પગલું અત્યારના સમયમાં પસંદ કરવા યોગ્ય નથી. કેળવણીખાતાના અમલદારોને પ્રમુખ શું કહે છે તે જાણવાની દરકાર હોય તો તેમના ભાષણનો અંગ્રેજી તરજુમો કરાવી લે. આપણા વિચારો તેમને જણાવવાની જેટલી આપણને ગરજ છે તેટલી ગરજ આપણા વિચારો જાણવાની તેમને પણ હોવી જોઈએ. રા. ચિમનલાલ સેતલવાડ ગુજરાતીમાં લાંબું ભાષણ આપવાને શક્તિમાન નથી એ વાત અમે કબૂલ કરી શકીએ તેમ નથી. એમણે ગુજરાતી ભાષામાં પુસ્તકો લખ્યાં છે. યુનિવર્સિટીમાં ઘણાં વર્ષો સુધી તેઓ ગુજરાતીના પરીક્ષક હતા તો પછી તેઓ ગુજરાતીમાં ભાષણ લખી શકે નહીં એ વાત મનાય જ કેમ? અમને ખબર મળી છે તે મુજબ આ બાબતમાં એમની તથા પરિષદના મંત્રીઓની ગેરસમજ થઈ છે. પરિષદના મંત્રીઓએ વિનાસંકોચે એમને કહેવું જોઈતું હતું કે પરિષદનું સર્વ કાર્ય ગુજરાતીમાં જ થવાનું છે, પ્રમુખે પણ પોતાનું ભાષણ ગુજરાતીમાં કરવાનું છે, એ જ શરતે જ તેઓ પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. આટલી વાત સ્પષ્ટ રીતે એમને જણાવવામાં આવી હોત તો તેઓ પોતાનું ભાષણ ગુજરાતીમાં કરત અથવા તો પરિષદનું પ્રમુખપદ ન સ્વીકારત. એમણે આપેલા અંગ્રેજી ભાષણ સામે આટલો લંબાણથી વિરોધ દર્શાવ્યા પછી અમારે અત્યંત દિલગીરી સાથે કહેવું પડે છે કે એમનું ભાષણ એમના જેવા વિદ્વાન તથા અનુભવી નેતાને શોભે તેવું નહોતું. ભાષણની ભાષા લાલિત્યથી ભરપૂર હતી તેની કોઈ ના નથી કહેતું. પરંતુ માત્ર તેટલેથી જ સંતોષ પામનારાઓનો સમય હવે વહી ગયો છે. તે ભાષણ ઉચ્ચારના બિલકુલ દોષો વગર સુંદર ઢબથી સર્વ સાંભળી શકે એવી રીતે એમણે વાંચ્યું હતું તેની પણ કોઈ ના નથી પાડતું—પરંતુ માત્ર તેટલેથી જ સંતોષ પામનારાઓનો સમય પણ હવે વહી ગયો છે. એમના ભાષણમાં અંગ્રેજી અમલ પછીના હિંદુસ્તાનની કેળવણીનો ઇતિહાસ, અત્યારની કેળવણીની સ્થિતિ તથા સરકાર અને યુનિવર્સિટી વચ્ચે ચાલતું યુદ્ધ—જે યુદ્ધમાં તેઓ પ્રજાના નેતાને શોભે તેવો આગેવાનીભર્યો ભાગ લે છે—સિવાય વિશેષ કાંઈ અમારા જોવામાં આવ્યું નથી. આપણા દેશમાં તો અત્યારે નવો ઇતિહાસ ઊપજાવવાનો સમય છે. તેવા સમયે પ્રજાની રુચિ ભૂતકાળનો ઇતિહાસ સાંભળવાની ભાગ્યે જ હોય છે. પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચ કેળવણીના અત્યારે ઉપસ્થિત થયેલા અનેક મહાપ્રશ્નો વિષે પ્રમુખસાહેબ શું ધારે છે, તે પ્રશ્નોનો ઉકેલ કરવાને માટે તેઓ પ્રજાને તથા સરકારને શી સૂચનાઓ કરે છે, ઇંગ્લૅંડ, જર્મની, અમેરિકા વગેરે સુધરેલા દેશોમાં એ પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે થયો હતો ને થાય છે વગેરે બાબતની અમે રા. ચિમનલાલ હરિલાલ સેતલવાડ જેવા કેળવણીના પ્રશ્નના જાણીતા અગ્રણીના ભાષણમાં આશા રાખી હતી. અને તેમાં અમને અત્યંત નિરાશા મળી છે એ લાચારીથી અમારે કહેવું પડે છે. એ પરિષદના પ્રમુખે પોતાના ભાષણના છેવટના ભાગમાં રાજકીય અસંતોષ અને કેળવણી વચ્ચે મનાતા સંબંધ વિષે જે ઇશારો કર્યો હતો તે બહુ જ અગત્યનો છે. તે અત્રે ટાંકી પરિષદના પ્રમુખની નોંધ અમે સમાપ્ત કરીશું. પ્રમુખસાહેબ વાજબી રીતે જણાવે છે કે, ‘હું જાણું છું કે આપણા દેશમાં કેટલાક એવા લોકો છે, જેઓની માન્યતા એવી છે કે કેળવણીનો બહોળો ફેલાવો બધી રીતે દેશને હિતકારક નથી. કારણ કે તેઓને ડર રહે છે કે જેમ જેમ કેળવણીનો વધારે ફેલાવો થશે તેમ રાજકીય અસંતોષ વધારે પ્રમાણમાં ફેલાશે. જે લોકો એવો વિચાર ધરાવે છે કે કેળવણીને લીધે જ દેશમાં રાજકીય અસંતોષ આવ્યો છે તે તેઓની મોટી ભૂલ છે. જો દેશમાં રાજકીય અસંતોષ છે તો તેનાં રાજકીય કારણો હોવાં જોઈએ અને તે દૂર કર્યાથી રાજકીય અસંતોષ એની મેળે દૂર થશે. કેળવણીનાં દ્વારો બંધ કર્યાથી રાજકીય અસંતોષ કદી પણ દૂર થશે નહીં.’ પરિષદોના બે પ્રમુખોનાં ભાષણો પૂરાં થયા પછી પરિષદની બેઠકને પહેલે દિવસે બે નિબંધો વંચાયા હતા : (૧) માતૃભાષા દ્વારા શિક્ષણ અને (૨) પ્રાથમિક શાળાઓમાં ખેતીવાડીનું સ્થાન. પહેલાં વિષયમાં કેળવાયેલા વર્ગમાં ભાગ્યે જ મતભેદ જણાય છે. સર્વ મનુષ્યો કબૂલ કરે છે કે માધ્યમિક શાળાઓમાં માતૃભાષા મારફત શિક્ષણ અપાય તો વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને ઓછી મહેનત પડે અને શિક્ષણનું પરિણામ વધારે સારું આવે. અત્યારે તો વિદ્યાર્થીઓનો ઘણો સમય વિષય સમજવા કરતાં તે વિષયનાં પુસ્તકોની અંગ્રેજી ભાષા સમજવામાં જાય છે. ઇતિહાસ, ગણિત વગેરે વિષયો ગુજરાતી પુસ્તકો મારફત ગુજરાતી ભાષા દ્વારા શીખવવાની ખાસ અગત્ય છે. સંસ્કૃત ભાષાનું જ્ઞાન અંગ્રેજી ભાષા કરતાં ગુજરાતી ભાષા મારફત વધારે સારી રીતે આપી શકાય એ તો સર્વમાન્ય બાબત છે. પણ એથી વધારે અચંબો પમાય એવી વાત તો એ છે કે જ્યારે યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાને બીજી ભાષા તરીકે સ્થાન હતું ત્યારે ગુજરાતી ભાષાનું જ્ઞાન પણ અંગ્રેજી મારફતે અપાતું! આ બાબતમાં સરકાર કરતાં યુનિવર્સિટી વધારે કરી શકે એમ છે. યુનિવર્સિટી જો ઠરાવ કરે કે મેટ્રિક્યુલેશનના અમુક વિષયોની પરીક્ષા જે વિદ્યાર્થીઓને ગુજરાતીમાં આપવી હશે તેનાથી તેમ થઈ શકશે, ગુજરાતીમાં જવાબપત્રકો લખી શકાશે, તો માધ્યમિક શાળાઓમાં ગુજરાતી ભાષા દ્વારા શિક્ષણ આપવાનું એકદમ શરૂ થઈ જાય. પરિષદના પ્રમુખસાહેબ, જેઓ યુનિવર્સિટીમાં કરતા કરાવતા છે તેઓ આ ક્રમના લાભમાં હોય એમ અમને લાગતું નથી કારણ કે પોતાના ભાષણમાં તેઓ માત્ર એટલી જ સૂચના કરે છે કે ફક્ત ચોથા અને પાંચમા ધોરણોમાં જ ગુજરાતી દ્વારા શિક્ષણ આપવું. છઠ્ઠા અને સાતમા ધોરણોમાં તો અંગ્રેજી મારફત જ આપવું. આમ માત્ર અર્ધા ઉપાયો લેવાથી ધારેલા લાભો મળશે એમ અમે માનતા નથી. આ બાબત ચોક્કસ ઠરાવ કરી તેની એક નકલ પ્રમુખસાહેબની સહી સાથે યુનિવર્સિટીને મોકલાવી હોત તો ઠીક પડત. બીજો નિબંધ ડૉ. પંડ્યાએ પ્રાથમિક શાળાઓમાં ખેતીનું શિક્ષણ દાખલ કરવા સંબંધી વાંચ્યો હતો. આ બાબત કાગળ પર જણાય છે તેવી સહેલી નથી. પ્રાથમિક શાળાઓમાં ભણતાં કૂમળી વયનાં બાળકોના મગજને માટે પ્રાથમિક શાળાઓનો અત્યારનો અભ્યાસક્રમ જોઈએ તેટલો ભારે છે બલકે જોઈએ તેના કરતાં વધારે ભારે છે. તો તેમાં ખેતીવાડીનો બોજો ઉમેરવાનું અમને ઇષ્ટ લાગતું નથી. અવશ્ય આપણા ગ્રામ્ય જીવનમાં ખેતી અગત્યનું સ્થાન ધરાવે છે. ખેતીના શિક્ષણની ગામડાનાં બાળકોને અગત્ય છે. પરંતુ તેને માટે ઉત્તમ સૂચના અમે તો એ કરીએ છીએ કે ગામડામાં લોકલ બૉર્ડે ખેતીવાડીની ખાસ શાળાઓ કાઢવી. ખેતીવાડીની માફક, સુથારીકામ, દરજીનું કામ, લુહારી કામ વગેરે અનેક પ્રકારના ધંધાના શિક્ષણની મનુષ્યને અગત્ય છે. પરંતુ તે સર્વનો સમાવેશ આપણી પ્રાથમિક કે માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમમાં કરવાનું અમને યોગ્ય લાગતું નથી. સામાન્ય કેળવણીનો ઉદ્દેશ ધંધાની કેળવણીથી તદ્દન નિરાળો છે તે વાત આપણા લક્ષ બહાર જવી જોઈએ નહીં. પરિષદની બીજા દિવસની બેઠકમાં પરિષદના કેટલાક પ્રશ્નો સંબંધી ઠરાવો કરવામાં આવ્યા હતા. પ્રથમ ઠરાવ પ્રાથમિક કેળવણી મફત અને ફરજિયાત કરવા સંબંધી હતો. આપણા દેશની ઉન્નતિને માટે મફત ફરજિયાત કેળવણી ખાસ અગત્યની છે એ વાતની તો સરકારથી પણ હવે ના પાડી શકાય તેમ નથી. પરંતુ આ સૂચના વ્યવહારમાં મૂકતી વખતે કેવી ને કેટલી મુશ્કેલીઓ નડે છે તેનો સંપૂર્ણ વિચાર આવી પરિષદોના ઉત્સાહના વેગમાં ભાગ્યે જ કરવામાં આવે છે. અમે ખાતરીથી કહીએ છીએ કે પ્રાથમિક કેળવણીની જે પ્રકારની વ્યવસ્થા અત્યારે આપણા દેશમાં ચાલે છે તેમાં મફત અને ફરજિયાત કેળવણીનું ધોરણ દાખલ કરવાનું કદી પણ બની શકે તેમ નથી. મુંબઈ મ્યુનિસિપાલિટી, જેના આગેવાનો મરહુમ લોકમાન્ય ફિરોઝશાહ મહેતા તથા લોકમાન્ય વાચ્છા અને સેતલવાડ જેવા હતા તેઓએ પણ લોકમાન્ય ગોખલેના મફત અને ફરજિયાત કેળવણીના બિલ વિરુદ્ધ અભિપ્રાય આપ્યો ત્યારે તેમના અભિપ્રાયનાં સબળ કારણો હોવાં જ જોઈએ આ વાત આપણે કબૂલ કરવી જ જોઈએ. આપણા દેશમાં પ્રાથમિક કેળવણીની ચાલતી વ્યવસ્થા આ પ્રમાણે છે. પ્રાથમિક કેળવણી સરકારે મ્યુનિસિપાલિટી તથા લોકલ બૉર્ડોને સોંપી દીધી છે. સરકાર તો માત્ર લોકલ બૉર્ડો અને મ્યુનિસિપાલિટીઓ જે ખર્ચ કરે છે તેથી અર્ધી ગ્રાંટ આપે છે. જ્યાં સુધી આ વસ્તુસ્થિતિમાં ફેરફાર થાય નહીં ત્યાં સુધી આપણી ગમે તેટલી ઇચ્છા હશે તોપણ પ્રાથમિક કેળવણી આખા દેશમાં મફત અને ફરજિયાત થઈ શકશે નહીં. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે પ્રાથમિક શાળાઓમાં અપાતી કેળવણી નામની જ છે. યોગ્ય મકાનો, જોઈતાં સાધનો તથા યોગ્યતાવાળા શિક્ષકોની ખામી શોચનીય છે. આવી વસ્તુસ્થિતિમાં પણ લોકલ બૉર્ડો તથા મ્યુનિસિપાલિટીઓ બૂમો પાડે છે કે કેળવણીની પાછળ અમારી આવકનો ઘણો મોટો ભાગ ખર્ચાઈ જાય છે અને અમે હવે તે અંગે વધારે ખર્ચ કરવા બિલકુલ શક્તિમાન નથી. સરકારની ગ્રાંટ સ્થાનિક મંડળો જે પ્રમાણમાં ખર્ચ કરે છે તે જ પ્રમાણમાં રહેવાની. હવે જો અત્યારે આપણા દેશમાં પ્રાથમિક કેળવણી મફત અને ફરજિયાત કરવામાં આવે અને કેળવણી અત્યારના કરતાં કાંઈક ઊંચી પંક્તિની આપવામાં આવે તો હાલના કરતાં કમીમાં કમી દસ ગણો વધુ ખર્ચ થવાનો. આપણી મ્યુનિસિપાલિટીઓ અને લોકલ બૉર્ડો આટલું બધું ખર્ચ કરવા શક્તિમાન છે? મ્યુનિસિપાલિટીઓ અને લોકલ બૉર્ડો અત્યારના કરતાં દસગણો કર લોકો પર નાંખે તો કેટલો બુમાટ થાય? માટે જો પ્રાથમિક કેળવણી મફત અને ફરજિયાત કરવાની આપણી ઇચ્છા હોય તો કેળવણી સંબંધી ચાલતી સરકારની રાજ્યનીતિમાં ફેરફાર કરવાની ચળવળ પ્રથમ કરવાની અગત્ય છે? પ્રજાને કેળવણી આપવી એ સુધરેલા રાજ્યનું પ્રથમ કર્તવ્ય છે. આ કર્તવ્યની જોખમદારી ખાનગી ગૃહસ્થો કે મંડળો, મ્યુનિસિપાલિટી કે લોકલ બૉર્ડ પર નાંખી દઈ સરકાર માત્ર પ્રમાણમાં ગ્રાંટ આપી ખસી જાય એ યોગ્ય નથી. અમે તો માધ્યમિક શાળામાં પણ સરકારની ગ્રાંટ ઇન એઇડની પદ્ધતિની વિરુદ્ધ છીએ. ખાનગી મંડળો, લોકલ બૉર્ડો, મ્યુનિસિપાલિટી વગેરેને પ્રાથમિક કે માધ્યમિક કેળવણીના બોજામાંથી મુક્ત કરી, સઘળી જોખમદારી રાજ્યે પોતાને શિર લઈ લેવી. આમ થશે ત્યારે જ મફત અને ફરજિયાત કેળવણીનો આપણો આદર્શ ફળીભૂત થશે અને મ્યુનિસિપાલિટી તથા લોકલ બૉર્ડો પોતાને કરવાનાં ખાસ કર્તવ્યો – જેવાં કે રસ્તાઓની સુઘડતા, પ્રજાનું આરોગ્ય – એ પર વિશેષ ધ્યાન આપી શકશે. કેળવણીના બહોળા વિસ્તાર સંબંધી ઠરાવો પસાર કર્યા બાદ બીજો અગત્યનો ઠરાવ પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પગાર તથા તેમની યોગ્યતાના સંબંધી પરિષદે કર્યો હતો. એ ઠરાવ અમને અત્યંત અગત્યનો લાગે છે. યોગ્ય, સંતોષી અને કર્તવ્યનિષ્ઠ શિક્ષકો ઉત્પન્ન કરો તો પછી કેળવણીની કોન્ફરન્સો ને કમિટીઓ, સરકારી રિપોર્ટો ને રેઝોલ્યુશનો કશાની આપણને જરૂર પડશે નહીં. યોગ્ય મનુષ્યો શિક્ષકોના ધંધામાં જોડાય એ હેતુથી તેમને સારા પગારો આપવા જોઈએ અને એમનો ધંધો જનમંડળે એક પ્રતિષ્ઠિત ધંધો ગણવો જોઈએ. જે દેશમાં શિક્ષકોના પગારની સરખામણી કેદીઓના ખર્ચ અને મજૂરોની રોજી સાથે થાય તે દેશમાં કેળવણીની ઉચ્ચ સ્થિતિની આશા કેવી રીતે રાખી શકાય? આ પ્રશ્ન પરિષદે હાથમાં લીધો તે યોગ્ય હતું. પરંતુ પરિષદની ભલામણ જોઈએ તેટલી નીડર નથી. પરિષદ ભલામણ કરે છે કે અનટ્રેન્ડ શિક્ષકોનો ઓછામાં ઓછો પગાર રૂપિયા ૧૨ હોવો જોઈએ. અમે કહીએ છીએ કે અનટ્રેન્ડ શિક્ષકો હોવા જ જોઈએ નહીં અને કોઈ પણ શિક્ષકોનો પગાર રૂપિયા ૨૦ થી ઓછો હોવો જ જોઈએ નહીં. શિક્ષણ એક કળા છે. અને કોઈ પણ જાતની તાલીમ વગર ગમે તે માણસ શિક્ષક થઈ શકે છે એવી લાંબા સમયથી ચાલી આવેલી લોકમાન્યતા હવે જવી જ જોઈએ. અનટ્રેન્ડ શિક્ષકોથી આપણી ઊછરતી પ્રજાને કાંઈ લાભ નથી; એટલું જ નહીં પણ તેમનાથી બાળકોને નુકસાન થાય છે. બાળકોની ગુપ્ત શક્તિ તેમનાથી ખીલવી શકાતી નથી પરંતુ આવા શિક્ષકોથી તેમની શક્તિઓનો વિકાસ થતો અટકે છે. અમારી સૂચના એવી છે કે દરેક શિક્ષકને ઓછામાં ઓછું બે વર્ષ સુધી શિક્ષણશાસ્ત્ર તથા કળાનું શિક્ષણ આપવું. અને થોડા ચૂંટી કાઢેલાઓને એક વરસ વધુ શિક્ષણ આપી મુખ્ય શિક્ષણની જગ્યાને માટે તૈયાર કરવા. દિન-પર-દિન કેળવણીનો પ્રચાર વધારે ને વધારે થવાનો એ નિઃસંદેહ, માટે શિક્ષકોને કેળવણી આપવાને માટે અત્યારે માત્ર બે જ કૉલેજો—એક પુરુષ-શિક્ષકોને માટે ને એક સ્ત્રી-શિક્ષિકાને માટે—તેને બદલે કમમાં કમ છ એવી કૉલેજો ગુજરાતમાં થવી જોઈએ. બે ખાસ મુંબઈ શહેરને માટે એક પુરુષ-શિક્ષકો તૈયાર કરવાને માટે ને એક સ્ત્રી-શિક્ષિકાઓ તૈયાર કરવાને માટે, અને તેવી જ બે સુરતમાં ને બે અમદાવાદમાં છે તે કાયમ રાખવી. વધુ સંખ્યામાં ટ્રેન્ડ શિક્ષકો તૈયાર થશે નહીં ને તેમને સારા પગારો આપવામાં આવશે નહીં ત્યાં સુધી કેળવણીની પ્રગતિ માટેની આપણી સર્વ આશાઓ વ્યર્થ જવાની. માધ્યમિક શાળાઓનાં પાઠ્યપુસ્તકો સંબંધી પરિષદમાં થયેલી ચર્ચા ખરેખરી રસમય હતી. ને તે ઠરાવ સંબંધી પ્રો. ભટ્ટ તથા મિ. બળવંતરાય પ્રમોદરાય ઠાકોરનાં ભાષણો ઉત્તમ ને વિચારવા યોગ્ય હતાં. પાઠ્યપુસ્તકો સંબંધી સરકારની રાજ્યનીતિ બિલકુલ પસંદ કરવા યોગ્ય નથી અને તે સંબંધી ઓ. પી. પ્રાંજપેએ કાઉન્સિલમાં ઠરાવ લાવી પ્રજાની ખાસ સેવા બજાવી છે. સરકારને શું મુખ્ય શિક્ષકોની વિવેકબુદ્ધિ પર બિલકુલ ભરોસો નથી? પોતાની શાળાઓમાં કયાં કયાં પુસ્તકો ચલાવવાં એટલો પણ નિર્ણય કરવાની શક્તિ એમનામાં નથી એમ સરકાર માને છે? આ બાબતમાં તો ઓ. પી. પ્રાંજપેની સૂચના મુજબ સરકારે તો માત્ર વાંધાભરેલાં પુસ્તકોની જ યાદી બહાર પાડવી અને બાકીની બાબતમાં તો શાળાના મુખ્ય શિક્ષકોને સંપૂર્ણ સત્તા આપવી એ જ ઈષ્ટ છે. પરંતુ સરકાર તો માત્ર શાળાઓમાં શીખવવા યોગ્ય પુસ્તકોની યાદી બહાર પાડી સંતોષ પામતી નથી. પણ પોતે પસંદ કરેલા પુરુષો પાસે નવાં પુસ્તકો લખાવી તે જ શાળાઓમાં શીખવવાં એવો હુકમ બહાર પાડે છે. ગુજરાતી શાળાઓમાં શીખવવાને માટે કોઈ કોઈ વાર તો અંગ્રેજી પુસ્તકોના તરજુમા કરાવે છે. સઘળાં પાઠ્યપુસ્તકોમાં હિંદુસ્તાનના ઇતિહાસનાં પાઠ્યપુસ્તકથી પ્રજામાં ઘણો જ અસંતોષ ફેલાયો છે. અમે સરકારને પૂછીએ છીએ કે માધ્યમિક શાળાઓમાં ચલાવવા યોગ્ય મૅકમિલન, દત્ત, તમસન, વિનસંટસ્ટો સ્મિથ અને હાલમાં લખાયેલું મિ. વાડીઆનું વગેરે ઇતિહાસનાં પુસ્તકો અસ્તિત્વમાં હતાં છતાં પૈસા ખર્ચી મિ. માર્સડન પાસે નવો ઇતિહાસ લખાવવાનું શું પ્રયોજન હતું? માર્સડનનો ઇતિહાસ ઇતિહાસના નામને જ યોગ્ય નથી. તે તદ્દન એકતરફી છે અને આવો ઇતિહાસ વાંચવાથી બાળકોને પોતાના દેશને માટે ભક્તિભાવ ઉત્પન્ન થતો નથી, પણ તેનાથી કોમ વચ્ચે વિરોધ ઉત્પન્ન થવાનો સંભવ છે. માર્સડનની લખેલી હિંદુસ્તાનના ઇતિહાસની વાતોનો ગુજરાતીમાં રા. બ. કમળાશંકરભાઈ પાસે તરજુમો કરાવવાની ધૃષ્ટતા સરકારે કરી હતી. રા. બ. કમળાશંકરભાઈ માર્સડન કરતાં ઘણી જ સારી રીતે હિંદુસ્તાનના ઇતિહાસની વાતો ગુજરાતીમાં સ્વતંત્રપણે લખી શકવાને સમર્થ છે. પરંતુ સરકાર તો એમ જ માને છે કે યુરોપીયનો જ સ્વતંત્ર પુસ્તકો લખવાને સમર્થ છે ને દેશીઓ તો તે પુસ્તકોના તરજુમા કરવા જ યોગ્ય છે. પોતે પસંદ કરેલા ગ્રંથકર્તાઓ અને પોતે લખાવેલાં પુસ્તકો તરફ સરકારને અત્યંત પક્ષપાત હોય એમ માલૂમ પડે છે. નીતિશિક્ષણનું પુસ્તક લો. પ્રો. આનંદશંકરભાઈનું ‘નીતિશિક્ષણ’ નામનું નીતિ શીખવવાને માટે ઉત્તમ પુસ્તક ગુજરાતી ભાષામાં અસ્તિત્વમાં હતું છતાં પૈસા ખર્ચી એન્થોવનના પુસ્તકનો ગુજરાતીમાં તરજુમો કરાવવાની શી અગત્ય હતી? બે પુસ્તકો વાંચી ગમે તે કોઈ કહી શકશે કે પ્રો. આનંદશંકરભાઈનું પુસ્તક એન્થોવનના પુસ્તક કરતાં શ્રેષ્ઠ છે. આપણે આશા રાખીશું કે પાઠ્યપુસ્તક સંબંધી પોતાની રાજ્યનીતિમાં સરકાર હવે કાંઈ ફેરફાર કરીને પ્રજામતને માન આપશે. સ્ત્રી–કેળવણી સંબંધી પણ પરિષદે અગત્યનો ઠરાવ કર્યો છે. આ પ્રશ્ન તરફ હાલમાં લોકોનું ધ્યાન ઘણું જ ખેંચાયેલું છે. ઘણાઓ માને છે કે સ્ત્રી-કેળવણીની અત્યારની યોજના અને વ્યવસ્થામાં કાંઈ ગંભીર ખામી છે. પરંતુ તે ખામી કઈ અને તે કેવી રીતે દૂર કરી શકાય તેને માટે હજી એકમત હોય તેમ લાગતું નથી. આ પ્રશ્ન સંબંધી કેટલી વ્યવહારુ યોજના પરિષદે સરકાર સમક્ષ રજૂ કરી છે. પરિષદ એવો અભિપ્રાય ધરાવે છે કે પ્રાથમિક કન્યાશાળાઓનો વહીવટ હાલ કરતાં વધારે અંશે મ્યુનિસિપાલિટીને સોંપવો અને જિલ્લાબૉર્ડો વધારે પ્રજાકીય અને સત્તાવાન બને ત્યારે તેમને પણ કન્યાશાળાઓનો સંપૂર્ણ વહીવટ સોંપી દેવો. પરિષદે નિષ્પક્ષપાતપણે તપાસ કરી ખાતરી કરી છે કે તેમ કર્યાથી કન્યાકેળવણી વધારે લોકપ્રિય બનશે અને સ્ત્રી–શિક્ષકોનું સ્વમાન વધારે સચવાશે? મ્યુનિસિપાલિટીઓ પાસે જ અત્યારે કન્યાશાળાઓનો વહીવટ છે. એ વહીવટ સરકારી ઇન્સ્પેક્ટરોના વહીવટ કરતાં વધારે સંતોષકારક છે એમ શું પરિષદ ખાતરીથી માને છે? સરકારી ઇન્સ્પેક્ટરોના વહીવટ કરતાં મ્યુનિસિપાલિટીના વહીવટની વિરુદ્ધ સ્ત્રી–શિક્ષકો તરફથી વધારે પોકાર નથી એની પરિષદે ખાતરી કરી છે? મુંબઈ, અમદાવાદ જેવાં મોટાં શહેરો બાદ કરતાં નાનાં શહેરો તથા ગામડાંની મ્યુનિસિપાલિટીઓના સ્કૂલબૉર્ડના મેમ્બરો અને ચેરમેનોની સ્ત્રી-શિક્ષકો સાથેની ગેરવર્તણુકના દાખલા પરિષદના આગેવાનોના સાંભળવામાં શું નથી આવ્યા? જ્યાં સુધી આપણી સાંસારિક સ્થિતિ જોઈએ તેવી પવિત્ર થઈ નથી ત્યાં સુધી મ્યુનિસિપાલિટીઓના સ્કૂલબૉર્ડોના મેમ્બરો તથા ચેરમેનોના હાથમાં કન્યાશાળાનો સંપૂર્ણ વહીવટ સોંપવાથી ઘણું જ નુકસાન થવાનો સંભવ છે એવું અમારું દૃઢ માનવું છે. અમારો અભિપ્રાય તો એેવો છે કે નાની મ્યુનિસિપાલિટીઓ પાસેથી અત્યારે છે એટલો પણ વહીવટ લઈ લેેવો. પરિષદને આ બાબતની ખાતરી કરવી હોય તો તેને એક સ્વતંત્ર કમિશન નીમી ગામડામાં ફરી આ બાબતની તપાસ કરવાની અમારી ખાસ ભલામણ છે. લોકલ બૉર્ડોને પણ હાલના સંજોગોમાં કન્યાશાળાઓનો વહીવટ સોંપવો ઈષ્ટ નથી એમ અમારું માનવું છે. સ્ત્રી-શિક્ષકોનું કામ તપાસવાને માટે પરિષદે સ્ત્રી–ઇન્સ્પેકટરો નીમવાની ભલામણ કરી છે તેની સાથે અમારી સંપૂર્ણ સહાનુભૂતિ છે. અમે તો એમ કહીએ છીએ કે સ્ત્રી-શિક્ષકોના સ્વમાનની ખાતર મ્યુનિસિપાલિટી તથા લોકલબૉર્ડોની કન્યાશાળાઓનો સંપૂર્ણ વહીવટ સ્ત્રી-ઇન્સપેક્ટરને સોંપી દેવો. સ્ત્રી-શિક્ષકોના પગારમાં વધારો કરવો, તેમની ફેરબદલી કરવી, તેમની કસૂરને માટે તેમને શિક્ષા કરવી–વગેરે સર્વ સત્તા પુરુષો કરતાં–પછી તે સરકારી અમલદારો હોય કે મ્યુનિસિપાલિટીના સ્કૂલબૉર્ડના ચેરમેનો હોય–સ્ત્રી-ઇન્સન્સ્પેક્ટરોને સોંપવું તે ઈષ્ટ છે. અત્યારની આ૫ણી ૫રિસ્થિતિમાં બધી કન્યાશાળાઓની તપાસણી કરી શકે એટલા પ્રમાણમાં સ્ત્રી-ઈન્સ્પેક્ટરો મેળવવાનું કાર્ય મુશ્કેલ છે. પરંતુ દિનપરદિન સ્ત્રી-ઇન્સ્પેક્ટરો વધારે ને વધારે પ્રમાણમાં રાખવાની માગણી સરકાર પાસે આપણે નિરંતર કર્યા જ કરવી. જ્યાં સુધી પૂરતી સંખ્યામાં ઇન્સ્પેક્ટરો ના મળે ત્યાં સુધી પુરુષ-ઈન્સ્પેકટરો ભલે તેમનું કાર્ય તપાસે પરંતુ તેમના રિપોર્ટ પરથી કાર્ય લેવાનું તેમ તેમની ફેરબદલી કરવાનું અને તેમના પગાર વધારવાનું કાર્ય દરેક જિલ્લામાં અકેક સ્ત્રી–ઇન્સ્પેકટર નીમી તેને સેંપી દેવું એ ઈષ્ટ છે. સ્ત્રી–કેળવણી સંબંધે પરિષદે કરેલી સૂચનાઓમાં એક મોટી સૂચનાની ખાસ ગેરહાજરી માલૂમ પડે છે. સ્ત્રી-શિક્ષકોને કેળવવાને માટે જે કૉલેજ છે તેના અધ્યક્ષ તરીકે અંગ્રેજ બાઈની નહીં પણ એક સુશિક્ષિત દેશી બાઈની નિમણૂક થવાની ખાસ આવશ્યકતા છે. ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કરતી સ્ત્રીઓના ઉપર તેમની શિક્ષિકાઓના સંસ્કાર પડવાના એ નિઃસંદેહ છે. અને જિંદગીમાં પડ્યા પછી તેઓ તેમનું અનુકરણ કરશે એ પણ નક્કી. માટે ભવિષ્યનાં સ્ત્રી-શિક્ષકોને ઉત્તમ આદર્શ મળે એટલા માટે યુરેપીયન કરતાં દેશી સુશિક્ષિત સ્ત્રીઓની આવી જગ્યા પર ખાસ જરૂર છે – ભલે પછી કેટલાકને યુરોપીયન વ્યવસ્થાશક્તિ અને સંયોજકબુદ્ધિને માટે ખાસ પક્ષપાત હોય. આવી જોખમદારી અને પ્રતિષ્ઠિત જગ્યાને માટે હિંદી સ્ત્રીઓ મેળવવી મુશ્કેલ નથી. ઘણી દેશી સ્ત્રીઓ હવે કેળવણીખાતામાં દાખલ થાય છે. થોડાં વર્ષના અનુભવ પછી તેમને મુખ્ય શિક્ષકની જગ્યા ના આપતાં ઇંગ્લૅંડથી ખાસ યુરોપીયન બાઈઓ બોલાવવાની હવે શી જરૂર છે? યુરોપીયન શિક્ષિકાઓ આપણા દેશના સંસારજીવનથી તદ્દન અજ્ઞાન હોય છે. આપણા દેશના પ્રિય અને કીમતી આદર્શોનું એમને બિલકુલ ભાન હોતું નથી. તેમનું હંમેશનું જીવન આપણા જીવનથી કાંઈ વિચિત્ર પ્રકારનું હોય છે તેથી ભવિષ્યના આપણી સ્ત્રી-શિક્ષિકાઓના હૃદય પર ઉત્તમ ચારિત્રની છાપ પાડવાને તેઓ કદી પણ શક્તિમાન થશે નહીં. આ અગત્યનો ફેરફાર જો કરવામાં આવે તો હાલનાં સ્ત્રી-શિક્ષકોનાં ચારિત્ર્ય વિરુદ્ધ ખરીખોટી વાતો જે આપણે કાને નિરંતર પડ્યા કરે છે તે ઘણે અંશે કમી થશે. હાલના વિદ્યાર્થીઓની શારીરિક સ્થિતિ તરફ આપણી શાળાઓમાં ને તેમાં ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં બિલકુલ લક્ષ અપાતું નથી એ વાત ખરેખરી દુઃખદ છે અને આ સંબંધમાં પરિષદે કરેલી સૂચનાઓ બહુ જ ઉપયોગી છે. આ બાબતમાં આપણી મ્યુનિસિપાલિટીઓ અને સરકાર વધુ લક્ષ આપશે અને ભવિષ્યની પ્રજાની વધુ શારીરિક અધોગતિ થતી અટકાવશે એવી અમે આશા રાખીએ છીએ. અત્યંજ વર્ગનાં બાળકોની કેળવણી માટે પરિષદે ઠરાવ કરવાનું યોગ્ય ધાર્યું તે આ જમાનાનું ખરેખર શુભ ચિહ્ન છે. અત્યંજ વર્ગનું અસ્તિત્વપણું તે આપણી આર્ય સંસ્કૃતિને ખરેખર શરમાવા જેવું છે. તે વર્ગને તેમની અત્યારની અધમ સ્થિતિમાંથી ઉચ્ચ દશામાં લાવવાને પ્રયાસ કરવો તે આપણી પ્રજાજીવનની ખીલવણી માટે ઘણું જ અગત્યનું છે. સરકારે તેમ આપણી મ્યુનિસિપાલિટી તથા લોકલ બૉર્ડે આ બાબતમાં હજી જોઈએ તેટલું કર્યું નથી. જે થોડીઘણી કેળવણી તે લોકો મેળવી શક્યા છે તે માત્ર ખ્રિસ્તી મિશનરી અને મુક્તિફોજના પ્રયાસને લીધે જ છે. પણ આ બાબતમાં હવે આપણે વધારે જાગૃત થવાની જરૂર છે. એમને માટે માત્ર ઊતરતી પંક્તિની નિશાળો સ્થાપવી એટલું બસ નથી. એમને માટે વડોદરાની માફક જિલ્લે જિલ્લે ખાસ બૉર્ડિંગ સ્થાપવાની જરૂર છે. જેઓએ વડોદરાની અત્યંજ બૉર્ડિંગ જોઈ હશે તેમને તો ખાતરી થઈ હશે કે કુદરતથી જ એ લોકો હલકા રહેવાને સર્જાયેલા છે એવી જે પ્રચલિત લોકમાન્યતા છે તેમ ભ્રમભરેલી છે.