રમણીક અગ્રાવતની કવિતા/કૂતરી

૬૨. કૂતરી

બરાબર શેરીનું નાકું સાચવીને જ
બેઠી હોય રોજ
મગનભાઈ મિસ્ત્રીને ઘેર જવાનો
બીજો કોઈ રસ્તોય નહીં
અને એક મારી બા છે કે
મણિડોહી થોડાંક મોડાં પડે કે
મને તગેડે
જા, બરકી આવ્ય મણિમાને
મણિમા વિના બપોર ઢળ્યે ગાવાના ધોળ
જાણે અધૂરા રહેવાના હોય–
ગમે તેટલું સાચવીને જાવ
તોય કાળવી કૂતરીને ખબર પડી જ જાય
આ આવ્યો
જાણે મારી જ રાહ જોતી હોય
છેટેથી તાકી તાકીને બિવડાવે