રમણીક અગ્રાવતની કવિતા/પખવાજ

૪૨. પખવાજ

હથેળીમાંથી છટકતા ધ્વનિસ્ફુલિંગો
શાન્ત તાલજળમાં સેલારતા તરે

આંગળીઓને બાઝેલો લય
વિલંબિત ઘટાટોપ વળોટતો
મન્દ્ર રણકારમાં ઊતરે આ કાંઠે

છલાંગમાં તોળાયેલી હેષા

રહી રહીને ડણકતું ઘન અરણ્ય

સૂકાં પાંદડાં કચડતી
નજીક વધુ નજીક
આવતી જતી વગડતી ઘ્રાણ

ધીંગા રણકારમાં ગડગડે દિશાઓની દુંદુભિ

માત્ર બે હાથ વચ્ચેનું અંતર કાપવા
સ્વરોને તરવો પડે તરબતર તાલસાગર