રમણીક અગ્રાવતની કવિતા/પીટ્યાં છોકરાંવ

૬૦. પીટ્યાં છોકરાંવ

ઉધરસમાં બેઠાં બેઠાં મણિમા
આખી રાત જાગ્યાં કરે.
આંગણામાં આંટા મારતી હોય વાલામૂઈ ટાઢ્ય.
ઘડીક આંગણામાં, ઘડીક ઓરડીમાં
ઘડીક ઘંટીની પછવાડે ને ઘડીક તુલસીક્યારે
ડોકું કાઢી આવીને
કાળોતરો જંપી જાય અગોચર ભોંણમાં પાછો.
સુકાઈ ગયેલી લીંબુડી એકલી એકલી
પોતાની ડાળખીઓ ગણ્યાં કરે.
ખાટલીમાં પડ્યાં હોય મણિમા ને એમના કાન
આખાં ઘરનાં ફેરા ફરતા રહે
આખી રાત
દી આખો કનડતી ગામની વાનરવેજાના ખિખિયાટાય
પૂંઠે પૂંઠે...